સૌ પ્રથમ તો આફ્રિકન મૂળના વ્યક્તિ અને ટાન્ઝાનિયામાં જન્મેલા નવલકથા લેખક તથા કશું પણ લીધાં વિના ઈંગ્લેન્ડ આવેલા શરણાર્થી અબ્દુલરઝાક ગુરનાહને પ્રતિષ્ઠિત ૨૦૨૧નો નોબેલ પુરસ્કાર મળ્યો તે બદલ અમે ખૂબ ખુશ છીએ. તેમણે ઘણી તકલીફો વેઠી પણ લેખન પ્રત્યેના તેમના દ્રઢ સ્નેહ અને પ્રતિબદ્ધતાને લીધે તેમને આ પ્રાઈઝ મળ્યું. તેઓ ૨૦ વર્ષ પછી નોબેલ પ્રાઈઝ મેળવનારા પ્રથમ આફ્રિકન બન્યા.
મારો જન્મ અરુશા, ટાનાગાન્યિકા (હાલ ટાન્ઝાનિયા)માં થયો હોવાથી તેઓ જન્મસ્થળના દેશના હોવાથી મારા માટે તે ગૌરવની પળ હતી અને સ્વાભાવિક જ અંદરથી ખુશી હતી.૧૯૫૭માં હું નાનો હતો ત્યારે ભારતથી ટાંગા ગયો હતો. અમે પહેલી વખત વિમાનમાં બેઠા હતા. અમારું પહેલું સ્ટોપ ઝાંઝીબાર હતું. નોબેલ પ્રાઈઝ વિજેતા અબ્દુલરઝાક ગુરનાહનો જન્મ પણ ઝાંઝીબારમાં થય હતો.
કોલોનિઆલિઝમની અસર અને સંસ્કૃતિઓ તથા ખંડો વચ્ચે અખાતમાં શરણાર્થીઓના ભાગ્ય વિશે સહેજ પણ બાંધછોડ કર્યા વિનાનું અને કરુણાજનક ઝીણવટભર્યું નિરુપણ કરવા બદલ આ પ્રાઈઝ માટે તેમની પસંદગી કરાઈ હતી.
તેમની નવલકથાઓ દુનિયાના ઘણાં દેશોની આંખો ઉઘાડનારી છે. આ દેશોમાં સ્થાયી થયેલા શરણાર્થીઓ અને ઈમિગ્રન્ટ્સ પ્રત્યે ભેદભાવપૂર્ણ વર્તન અપનાવાય છે. તેમણે કરેલા અભ્યાસને માન્યતા અપાતી નથી. તેમની સાથે સેકન્ડ ક્લાસ સિટીઝન જેવો વ્યવહાર થાય છે. તેમને તેમની લાયકાત પ્રમાણે જોબ મળતી નથી અને ખૂબ ઓછાં પગાર સાથે ફેક્ટરીઓ અને સર્વિસ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરવાની ફરજ પડાય છે. ઘણી વખત તો તેમને બે છેડાં ભેગા કરવા માટે બે - ત્રણ જોબ કરવી પડે છે.