મારે કંઈક કહેવું છે... ધન્ય છે દેવી સમાન દેવી ચોક્સીને..

- સુરેશ અને ભાવના પટેલ મારખમ કેનેડા Tuesday 02nd March 2021 14:59 EST
 

મારખમમાં તે દિવસે બપોરે માઈનસ (-) ૭ ડિગ્રી તાપમાન સાથે ઠંડો પવન ફૂંકાતો હતો અને કાતિલ ઠંડી હતી. મેં વીક્લી ન્યૂસપેપર ‘ઈકોનોમિસ્ટ’ અને ‘સન’ ખોલ્યા તો બાર્બરા બર્નાબેએ તંત્રીને લખેલો પત્ર વાંચીને અમારો દિવસ હુંફાળો અને પ્રકાશમય બની ગયો. હું તેમના પત્રનો અંશ ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના વાંચકો સાથે અત્રે શેર કરું છું.

‘દરરોજ આપણે ખરાબ સમાચારોનો મારો સહન કરીએ છીએ. તેથી હું એક વિશિષ્ટ મહિલા દેવી ચોક્સીની સારી પ્રેરણાદાયી વાત શેર કરું છું. તેઓ તેમના પતિ સાથે ઈંગ્લેન્ડ આવ્યા હતા અને પાછળથી ૧૯૭૪માં કેનેડામાં સ્થાયી થયા હતા. તેઓ કોઈકે આપેલા આશીર્વાદ અને દુવા માટે ખૂબ આભાર વ્યક્ત કરે છે અને તેને આગળ ધપાવવામાં માને છે. ગયા ડિસેમ્બર ૨૦૧૯માં તેમણે તેમના પતિને કહ્યું કે જે લોકો તેમના જેટલા ભાગ્યશાળી નથી તેમના માટે તેઓ કશુંક કરવા માગે છે. તેમણે નક્કી કર્યું કે તે દરરોજ એક હેટ બનાવશે જેમાં ચેરિટી ડોનેટ કરી શકાય. તેમણે ડિસેમ્બર ૨૦૨૦ના અંત સુધીમાં તો અલગ અલગ સાઈઝ, રંગ અને પેટર્નની ૩૭૦ હેટ બનાવી. તેમણે એકલાએ જ આ સાહસપૂર્ણ કાર્ય કર્યું. આ વાત વધુ હેરત પમાડે તેવી એટલા માટે છે કે હકીકતે તો દેવી ચોક્સી પ્રજ્ઞાચક્ષુ છે. તેઓ કેનેડા આવ્યા પછી તેમણે દ્રષ્ટિ ગુમાવી હતી. પરંતુ, આ ખામી તેમને ગમતી કૂકિંગ, ગૂંથણ જેવી પ્રવૃત્તિઓ કરતાં અટકાવી શકી નથી. તેમણે મને જણાવ્યું કે પડકારો ચારિત્ર્યના ઘડતરમાં મદદરૂપ થવા માટે આવે છે અને તમને વધુ મજબૂત બનાવે છે. તેમણે તૈયાર કરેલી આ હેટ્સ વિવિધ ચેરિટીઓને વહેંચી દેવાશે. તેઓ આપણા સૌ માટે પ્રેરણારૂપ છે.’

આ હૃદયસ્પર્શી પત્ર વાંચ્યા પછી દેવી ચોક્સીને યાદ કરીને મારું મસ્તક નમી ગયું. હિંદુ ધર્મ પ્રમાણે દેવી એટલે દેવી. આ વાત તમામ સક્ષમ લોકોને તેઓ સમાજને, જે દેશમાં રહેતા હોય તેને, તમારા જીવનમાં જે લોકોએ તમને મદદ કરી હોય તેમને પાછું વાળે અને તેમ કરીને સુખનો અનુભવ કરે. નાણાંથી આ સુખની કોઈ ગણતરી થઈ શકે નહીં.’

પ્રભુ સૌનું કલ્યાણ કરે, સૌ સલામત અને સ્વસ્થ રહે....

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter