કેનેડામાં વિન્ટર બહુ લાંબો હોય છે અને ઘણી વખત ભારે બરફવર્ષા, સૂસવાટા મારતા પવન સાથે ગાત્રો થીજાવી દે તેવી ઠંડી અને ઠંડા પવન સાથે હવામાન માઈનસ ૪૦થી ૫૦ ડિગ્રી સેન્ટિગ્રેડ સુધી પહોંચી જાય છે. લાંબા વિન્ટરને લીધે ઘણાં લોકો વિન્ટર બ્લૂથી પીડાય છે. ૧ જાન્યુઆરીએ નવા વર્ષે રાજા પડે તે પછી છેક એપ્રિલ મહિનામાં ઈસ્ટર હોલિડે આવે છે. તેથી ઘણાં પ્રાંતોએ નોકરી કરતા લોકોને બ્રેક મળે તે માટે ફેબ્રુઆરી મહિનાના ત્રીજા સોમવારને ફેમિલી ડે તરીકે જાહેર કરીને તે દિવસે રજા રાખવાનો નિર્ણય લીધો હતો.
આ દિવસની ઉજવણીમાં પારિવારિક મૂલ્યોનું પ્રતિબિંબ પડે છે. આલ્બર્ટાના સ્થાપકોને પરિવાર અને ઘર મહત્ત્વના હતા તેથી તેઓ વર્કરોને તેમનો વધુ સમય પરિવાર સાથે ગાળવાની તક આપતા હતા. ફેબ્રુઆરીમાં મોટાભાગના પ્રાંતમાં ત્રીજા સોમવારે રજા પાળવામાં આવે છે. કેનેડામાં આ મોડર્ન હોલિડેની લોકપ્રિયતા વધી રહી છે. તેનો સમય અમેરિકામાં મનાવવામાં આવતી પ્રેસિડેન્ટ ડે સાથે જ રખાયો છે.
ઓન્ટારિયો પ્રાંતમાં અમે રહીએ છીએ ત્યાં ૨૦૦૮માં પ્રિમિયર ડાલ્ટન મેકગિન્ટીના શાસન હેઠળની લીબરલ ગવર્નમેન્ટ ફરી ચૂંટાઈ આવી તેના થોડા સમય પછી ફેમિલી ડેની રજા જાહેર કરાઈ હતી. એક અખબારી યાદીમાં મેકગિન્ટીએ જણાવ્યું હતું કે કોઈ પણ પરિવાર માટે સૌ એકસાથે મળીને સમય પસાર કરે તેનાથી વધુ મૂલ્યવાન બીજી કોઈ બાબત હોતી નથી. ઘણાં લોકો ખૂબ વ્યસ્ત જીવન જીવતા હોવાથી સૌને ભેગાં થવાનું મુશ્કેલ લાગે છે. ખરેખર તે પારિવારિક મૂલ્યો માટે ખૂબ સુંદર અને સાર્થક અભિગમ છે.
ઘણાં પરિવારો અહં, પરિવારની સંયુક્ત મિલ્કતો, ખેતીની જમીનો, બિઝનેસનો વિખવાદ તેમજ કેટલાંક લોકોની વૃત્તિ જે વસ્તુ કાયદેસર રીતે પોતાની માલિકીની ન હોય તે છતાં કોઈપણ રીતે છીનવી લેવાની હોય છે. વિદેશ રહેતા હોવાથી અને વતનમાં શું ચાલી રહ્યું છે તેની કોઈ માહિતી ન હોવાથી ઘણાં એનઆરઆઈને આવો અનુભવ થયો છે. આ કારણોસર લોહીની સગાઈ હોય તેવા સંબંધોમાં કદી પૂરી ન શકાય તેવી તિરાડ પડે છે. તેથી શક્ય તેટલું સૌએ પરિવાર સાથે રહીને ઉત્તમ સમય પસાર કરવો જોઈએ.

