મારે કંઈક કહેવું છે - વડા પ્રધાન જહોન્સન દ્વારા જ લોકડાઉનના નિયમોનો ભંગ

- સુરેશ અને ભાવના પટેલ, મારખમ કેનેડા Wednesday 19th January 2022 04:52 EST
 

દેશનું નેતૃત્વ સંભાળવા અને કોરોના મહામારી દરમિયાન લડત માટે દેશના મતદારોએ જેમને મેન્ડેટ આપ્યો તે બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જહોન્સનનું કેટલું શરમજનક અને દંભી કૃત્ય ! કોવિડ – ૧૯ વાઈરસને ફેલાતો અટકાવવા માટે ૨૦ મે ૨૦૨૦ના રોજ લોકડાઉન જાહેર કરાયું તે દિવસે જ તેમણે ગાર્ડન પાર્ટીનું આયોજન કર્યું. તે પણ એ જ દિવસે જ્યારે લોકોને પોતાના ઘરની બહાર એક વ્યક્તિ કરતાં વધુ વ્યક્તિ સાથે મળવા પર બ્રિટિશરોને મનાઈ ફરમાવવામાં આવી. ITVએ “ bring your own booze” પાર્ટીમાં ભાગ લેવા માટે આમંત્રણ પાઠવતો ઈમેલ લીક કર્યો તે પછી વિરોધપક્ષના રાજકારણીઓએ પોલીસ તપાસની માગણી કરી ત્યારે તેમણે માફી માગી. ખરેખર તો તે માફીની કોઈ અસર જ ન રહી. પહેલા તો તમે જાણી જોઈને કાયદાનો ભંગ કર્યો અને તેમે ઝડપાયા તે પછી જ તમે માફી માગી. લોકડાઉનનો અર્થ જાણવા માટે કોઈ રોકેટ સાયન્સની જરૂર નથી.  
ગયું આખું વર્ષ દુનિયાભરમાં કોવિડ -૧૯ને લીધે મુશ્કેલીભર્યું રહ્યું હતું. લોકડાઉનને લીધે લોકો બહાર જઈ શકતા ન હતા અને કમાયા વિના ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું હતું. નાના મોટા સૌ કોઈ લોકડાઉનનો અર્થ જાણતા હોય અને બ્રિટનના વડા પ્રધાન જાણતા ન હોય તેવું કેવી રીતે બની શકે.    
ગયા વર્ષે કેનેડામાં ઘણાં મિનિસ્ટરો અને ફેડરલ તથા પ્રોવિન્સિયલ પાર્લામેન્ટના તમામ રાજકીય પક્ષોના સભ્યો, હેલ્થ વિભાગના સીઈઓ, પોલીસવડા અને ઉચ્ચ હોદ્દો ધરાવતા લોકોએ કોવિડ – ૧૯લોકડાઉન ગાઈડલાઈન્સની જાણીજોઈને અવગણના કરી અને વેકેશન પર, વિદેશના પ્રવાસે વ્યક્તિગત, બિઝનેસના અને એક યા બીજા કારણસર જતા રહ્યા. તેઓ જ્યારે ઝડપાયા ત્યારે જ તેમણે માફી માગી હતી. તેમણે ઉડાઉ બહાના કાઢ્યા હતા અને તેમની ભૂલ બદલ માફી માગી હતી. વડા પ્રધાન બોરિસ જહોન્સને રાજીનામુ આપવું જ જોઈએ. લોકો જ્યાં રહેતા હોય ત્યાંના કાયદાથી ઉપર કોઈ નથી.
વિઝા કેન્સલેશન સામેની અપીલ હાર્યા પછી વેક્સિન નહીં લીધેલા ટેનિસ સ્ટાર યોકોવિચને દેશનિકાલ કરવા માટે ઓસ્ટ્રેલિયાની સરકાર અને ઓસ્ટ્રેલિયન કોર્ટની પ્રશંસા કરવી જોઈએ. તે કાયદાથી ઉપર નથી. તે ૨૦મા ગ્રાન્ડ સ્લેમ ટાઈટલનો વિજેતા છે તેનાથી કોઈ ફરક પડતો નથી.    
સૌ સલામત અને તંદુરસ્ત રહો તથા સરકાર અને તબીબી નિષ્ણાતોએ જાહેર કરેલા નિયમોનું પાલન કરવું.  


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter