મારે કંઈક કહેવું છે - સ્વાહિલી ભાષાને યુએન દ્વારા માન્યતા

- ભૂપેન્દ્ર એમ ગાંધી Wednesday 05th January 2022 05:11 EST
 

પૂર્વ આફ્રિકાના કેન્યા, યુગાન્ડા અને ટાન્ઝાનિયા દેશોમાં કિસ્વાહિલી તરીકે પણ જાણીતી સ્વાહિલી ભાષા મોટાપાયે બોલાય છે. અમે ત્યાં હતા ત્યારે કોલોનિયલ શાસનમાં સ્કૂલોમાં તે ભાષા શીખવાડવામાં આવતી ન હતી. સ્થાનિક વિદ્યાર્થીઓ જ અભ્યાસ કરતા હોય તેવી સ્કૂલોમાં માત્ર પ્રાથમિક ધોરણે જ તે ભણાવાતી હતી.

તાજેતરમાં યુનેસ્કોએ તેને આફ્રિકાની સત્તાવાર ભાષા તરીકે માન્યતા આપી છે. આ ભાષા હાલ દસ દેશમાં સત્તાવાર ભાષા છે અને તે વ્યાપકપણે બોલાય છે. આ દેશોમાં પૂર્વ આફ્રિકાના ત્રણ દેશો ઉપરાંત, રુઆન્ડા, બુરુન્ડી, સાઉથ સુદાન, ડીઆર કોંગો, મલાવી, સોમાલિયા અને મોઝામ્બિક સામેલ છે. આ ભાષા ઝડપથી દક્ષિણ તરફ પણ ઝામ્બિઆ, ઝિમ્બાબ્વે તતતરફ ફેલાઈ રહી છે અને દક્ષિણ આફ્રિકાની સ્કૂલોમાં તે શીખવવામાં આવે છે. આરબના વેપારીઓએ જ્યારે આફ્રિકાના સ્થાનિક વડાઓ સાથે વ્યાપાર શરૂ કર્યો ત્યારે મુખ્યત્વે બન્ટુ ટ્રાઈબલ ગ્રૂપ આ ભાષા બોલતું હતું.
સ્વાહિલીમાં ઘણાં અરેબિક શબ્દોનો સમાવેશ થાય છે તેમાં કોઈ આશ્ચર્ય નથી. આરબોના પ્રભાવથી આ ભાષા સમગ્ર પૂર્વ આફ્રિકામાં ફેલાઈ હતી અને તે પૂર્વ, મધ્ય અને દક્ષિણ આફ્રિકાના લોકોને સાંકળતી સર્વસામાન્ય ભાષા બની હતી. અગાઉ ઈંગ્લિશ, ફ્રેંચ અને અરેબિક ભાષાનો ઉપયોગ કરવા સિવાય આ તેમની કોઈ સર્વસામાન્ય ભાષા ન હતી. એક સમયે ટાન્ઝાનિયામાં સ્વાહિલી કરતાં પણ ગુજરાતી ભાષા વધુ મહત્ત્વની હતી. ગુજરાતી વ્યાપારની ભાષા હતી કારણ કે મોટાભાગના વ્યાપાર પર ભારતીયોનું વર્ચસ હતું.
ઈંગ્લિશમાં માસ્ટર્સ ડિગ્રી ધરાવતા ટાન્ઝાનિયાના પ્રથમ પ્રમુખ મ્વાલિમુ જુલિયસ ન્યરેરેએ સ્વાહિલી ભાષાને લોકપ્રિય બનાવવામાં ઘણું યોગદાન આપ્યું હતું. તેમણે શેક્સપિયર, ચૌસર, જેન ઓસ્ટિન જેવાં જાણીતા ઈંગ્લિશ લેખકોની પ્રખ્યાત કૃતિઓનો અનુવાદ કરીને સ્વાહિલી ભાષાને વિશ્વના નક્શા પર મૂકી હતી.
યુએનએ સ્વાહિલી ભાષાની પ્રશંસામાં ૭મી જુલાઈને ગ્લોબલ ડે જાહેર કર્યો છે. ટાન્ઝાનિયામાં સાબા સાબા (સાત – સાત) તરીકે લોકપ્રિય આ દિવસે સ્વાતંત્ર્ય દિન તરીકે પણ ઉજવણી થાય છે.
કમનસીબે, પોતાના વતનમાં કડકડાટ સ્વાહિલી બોલતાં આપણાં પૈકીના ઘણાં લોકો આ ભાષા ભૂલી ગયા છે. કદાચ એક દિવસ આપણી સ્કૂલોમાં પણ સ્વાહિલી ભાષા શીખવવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter