સૌ પ્રથમ, મારા આ લખાણથી કોઈ શ્રદ્ધાળુઓેને મનદુખ થાય અથવા અજુગતું લાગે તો સર્વની ક્ષમા યાચના. તા.૧૩.૨.૨૧ના ગુજરાત સમાચારમાં ‘અંબા માતાની પાવડી’ પ્રસંગ, ઉમિયા માતાનો લક્ષચંડી મહાયજ્ઞ થઈ ગયો. હનુમાનજીને ઘણું સોનું ચડાવાયું, ઉમિયા માના ૪૧૦ (પાટીદારો વસતા હોય તે ગામોમાં) મંદિરો બાંધવાની હાકલ પડી, બહુજન સમાજમાંથી ૧૨૮ લોકોએ હિંદુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મ અપનાવ્યો, કેટલાંય સૈકાથી લાખો હિંદુઓએ ધર્મથી વેગળા થઈને બૌદ્ધ, ખ્રિસ્તી કે ઈસ્લામ અપનાવ્યો. આ બધું શું બતાવે છે કે આપણા ધર્મમાં એવી કશીક ખોડખાંપણ કે ખામીઓ છે કે જેનાથી અનેક તરછોડાયેલા અને દુઃખી થઈને પર ધર્મોમાં હિજરત કરી ગયા. આ બધી ઉણપો વિશે વિશ્વ હિંદુ પરિષદ, શંકરાચાર્યના ચારેય મઠના વડા અને ધર્મના અગ્રણીઓએ ભેગાં થઈને આ અનિચ્છનિય વિષયનો ઉંડો વિચાર અને વિશ્લેષણ કરીને આપણાં ધર્મના નબળાં પાસાઓમાં સુધારા વધારા કરી લેવાનો સમય પાકી ગયો છે. અલબત્ત તેને માટે પ્રયત્નો ચાલી રહ્યા છે. તે સદંતર પૂરતા પૂરવાર થયાં નથી. ગીતામાં વર્ણભેદની જે વાતો છે એટલાંથી જ નહીં પરંતુ, બીજાં અનેક કારણો પણ કદાચ સંકળાયેલા હોય તો તે સર્વને યથાયોગ્ય સુઘડ બનાવી દેવા જોઈએ.
એક આપણો જ ધર્મ એવો છે કે એમાં સ્વેચ્છાએ કે બીજી રીતે પણ પરધર્મીઓ એનો અંગીકાર કરતા ન હોય એવું કેમ ? માત્ર જન્મથી હિંદુ બનતો હોય એમ ગણના થઈ રહી છે. તેમાં પણ સુધારા માગી લે છે.
આમ જોઈએ તો હિંદુ ધર્મની આગેકૂચેને બદલે પીછેહઠ થઈ રહી છે. આમ જ ચાલતું રહેશે તો લાંબે ગાળે, અનેક સંપ્રદાયોમાં વહેંચાયેલા લાખો મંદિર ભલે બને પરંતુ, દેશની પ્રજાની એકતાને બદલે ભાગલાં પડશે. દેશમાં ધર્મનું વર્ચસ્વ ફાલી ફૂલીને આપણી લોકશાહી સરકારો અને સુરાજ્યને બદલે ભવિષ્યમાં આખરે આપણા દેશમાં ‘ધર્મ રાજ્ય’ કે થીયોક્રસીમાં ફેરવાઈ જવાની શક્યતા ઉભી થશે. આવા સંજોગોમાં ‘પાણી પહેલાં પાળ બાંધવી’ એને અનુસરીને વેળાસર યોગ્ય અને સચોટ પગલાં ભરવાની તૈયારી અત્યારથી જ શરૂ કરવી પડે, નહીં તો ઢીલ આપણને ભારે પડશે. દેશના બંધારણમાં સર્વ ધર્મ સમભાવનો નિયમ ખોરવાઈ જશે.
આપણાં વેદો અને પુરાણા ગ્રંથોમાં આવી પૂજાઓ, પ્રથાઓ કે પ્રસંગોમાં આવી નવીન વાર્તા લખાઈ નથી. તેનો પૂરાવો પણ જડતો નથી. આ વૃત્તિને અંકુશમાં લાવવી જ પડશે.

