નવા ચૂંટાયેલા અમેરિકન પ્રેસિડેન્ટની વેબસાઈટ પર એક નોંધપાત્ર લખાણ છે કે Made in All of America by all of American workers આ વાક્યને ઈન્ડિયા અને ઈન્ડિયનથી બદલીએ અને અમલમાં મૂકીએ તો દેશના વિકાસને ચાર ચાંદ લાગે. પરંતુ, તેમાં પણ દેશની પ્રજા અને ઈન્ડસ્ટ્રીઝનો સંપૂર્ણ સાથ હોય તો જ બની શકે. આપણી સાધારણ અને વ્યાપારી પ્રજામાં દેશાભિમાનનો સંપૂર્ણ અભાવ છે એ પૂરવાર કરે છે, કારણ કે તેઓ સૌને પરદેશી માલ વાપરવાની ટેવ પડી ગઈ છે. એક કારણ એ પણ હોઈ શકે કે આપણા દેશમાં બનેલો માલ ઉત્તમ કોટિનો નથી હોતો તેવી ખાસ છાપ પડી ગઈ લાગે છે.
સ્વતંત્રતાની લડત સમયે પૂ. મહાત્મા ગાંધીજીએ સ્વદેશી વાપરો નો નારો જગાવ્યો હતો અને હમણાં પણ આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ચીનથી આવતો માલ આયાત ન કરવા અને તેનું વેચાણ બંધ કરી દેવાની હાકલ આદરી છે. Make in Indiaની નીતિનો ભારે નાદ અખત્યાર કરેલો છે. પરંતુ, આપણા દેશના વેપારીઓ અને આયાત કરતી કંપનીઓએ ત્વરિત ઉંચો નફો કરી લઈને રાતોરાત કરોડપતિ બની જવાની જે હોડ ચાલે છે એને બદલાતા ઘણો સમય લાગે એવી દશા છે. પ્રજા દેશમાં જ ઉત્પન્ન થતો માલ વાપરે અને આપણી ઈન્ડસ્ટ્રીઓ, પરદેશ કરતાં ય ચઢિયાતો માલસામાન બનાવે, સુંદર પ્રેઝન્ટેશન અને પેકેજિંગ કરે અને પરદેશમાં નિકાસ કરે તો જ આવો આકર્ષક માલસામાન પ્રજા અને પરદેશીઓ પસંદ કરે અને તો જ દેશના વિકાસમાં ધરખમ વૃદ્ધિ થઈને ખાસ્સું પરદેશી હૂંડિયામણ વધી જાય. સરકારે પણ આવી ઈન્ડસ્ટ્રીઝને સબસિડાઈઝ (ચીનની માફક) કરવી જ પડે તો તેમ કરવાની તૈયારી બતાવવી પડે. પરંતુ, આજસુધી એમાં પણ દેશાભિમાનનો સંપૂર્ણ અભાવ નજરે પડે છે.
આજકાલ ASEANદેશો સાથે મળીને ચીન, જાપાન, સાઉથ કોરિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ ભેગાં મળીને મેગા સંગઠન ઉભું કરી રહ્યા છે. તેમાં સભ્ય બનવું કે નહીં એવી અવઢવથી દેશની સરકાર મૂંઝાઈ રહી છે. આ સંગઠનમાં આપણો હાલનો દુશ્મન (સીમાના વિખવાદને લીધે) ચીન પણ આ સંગઠનમાં મોજુદુ સભ્ય પણ છે અને ફ્રી ટ્રેડના ફાયદા ઉઠાવવા થનગની રહ્યું છે. આ સંગઠનમાં સભ્ય થવાથી દેશને ફાયદો થશે કે નુક્સાન એવી દ્વિધામાં ફસાઈ ગયેલી આપણી સરકાર જલ્દી નિર્ણય લઈ શકે એવી દશામાં નથી એ સ્વાભાવિક જ છે.
આને માટે તો લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ બધાની સર્વમાન્ય સંમતિ હોય તો જ પાકે પાયે આ સંગઠનમાં જોડાવું કે નહીં તેનો આખરી નિર્ણય લઈ શકાય.
આજે ફ્રી ટ્રેડના અનેક નાનામોટાં સંગઠનોની હયાતિ છે. પરંતુ, આ એક નવા સંગઠનના પંદર દેશની પ્રજાનો કુલ આંકડો દુનિયાની વસતિનો ત્રીજો ભાગ છે એટલે એને મેગાના વિશેષણથી નવાજ્યું છે. સબ સલામત હોય તો શુભસ્ય શીઘ્રમ !

