માર્ગ મુશ્કેલ છતાં, ભારતે વળતું યુદ્ધ આદર્યું છે

રુચિ ઘનશ્યામ Wednesday 12th May 2021 06:51 EDT
 
 

કોવિડ-૧૯ મહામારીના ૪૩૫ દિવસ સાથે ભારતમાં વાઈરસની બીજી લહેરમાં ૧૦ મેના દિવસે ૩,૨૫,૧૩૨ નવા કેસીસ, ૩,૭૯૦ મોત ઉપરાંત, ૧.૧૯ ટકાનો સાપ્તાહિક કેસ ફેટાલિટી રેટ (CFR) અને સમગ્રતયા ૧.૪૨ ટકાનો CFR જોવા મળેલ છે. લગભગ આખા મહિનામાં અંતિમવિધિની સળગતી ચિતાઓની હૃદયને વિચલિત કરી દેનારી તસવીરો અને ઓક્સિજનના અભાવે શ્વાસ માટે વલખાં મારી મોતને ભેટતા લોકોની ભયભીત કરી દેનારી કથાઓથી આપણે ગમગીની-વિષાદ અને નિરાશા અનુભવીએ છીએ.

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ ભારતમાં સૌપહેલા દેખાયેલા વેરિએન્ટને ‘વિશ્વ માટે ચિંતારુપ વેરિએન્ટ’ તરીકે વર્ગીકૃત કર્યો છે અને કહ્યું છે કે પ્રાથમિક અભ્યાસોએ દર્શાવ્યું છે કે અન્ય કેટલાક વેરિએન્ટની સરખામણીએ તે વધુ સંક્રામક છે. યુકેના વડા પ્રધાને પણ આ કથિત ભારતીય વેરિએન્ટ પર કાળજીપૂર્વક નજર રાખવાની આવશ્યકતા વિશે ટીપ્પણી કરી છે. અત્યાર સુધી બ્રાઝિલ, સાઉથ આફ્રિકા અને યુકે વેરિએન્ટ્સ તરીકે ઓળખાતાં સંક્રામક વાઈરસમાં આ નવા વેરિએન્ટનો ઉમેરો થયો છે. સૌથી ઝડપે સંક્રમણ ફેલાવતા વેરિએન્ટ્સ કેસીસમાં ભયંકર ઉછાળો લાવી એવી તબાહી મચાવે છે કે જેનાથી અત્યાધુનિક હેલ્થકેર સિસ્ટમ્સ પણ નિરુપાય બની શકે. ભારતીય હેલ્થકેર આટલા જબ્બર ઉછાળાનો સામના પ્રયાસો કરવામાં સહનશક્તિ ખલાસ થઈ જાય તેવી સ્થિતિમાં અગાઉ કદી થઈ ન હોય તેવી પરીક્ષામાંથી પસાર થઈ રહી છે.

આ કટોકટી મધ્યે એવા સમાચાર આવ્યા કે યુકેમાં G7 માટેના ભારતીય પ્રતિનિધિમંડળના બે સભ્ય ટેસ્ટ પોઝિટિવ આવ્યા અને તેના પરિણામે, સમગ્ર ડેલિગેશનને એકાંતવાસમાં રહેવું પડ્યું છે. ડેલિગેશન નેગેટિવ ટેસ્ટિંગ પછી ભારત પરત ફર્યું અને વિદેશ પ્રધાને બેઠકોમાં વર્ચ્યુઅલ હાજરી આપી હતી. આઘાતજનક બનાવટી વીડિયો મારાં ફોન પર અવારનવાર ઝબકતો રહ્યો જેમાં જણાવાતું હતું કે ભારતીય પ્રતિનિધિમંડળ ક્વોરેન્ટાઈનના ધારાધોરણ અને નિયમોને અનુસર્યું ન હતું. મૂળ અહેવાલ Sky TVનો હતો પરંતુ, વીડિયોની ઉપરના ડાબા ખૂણે અન્ય ચેનલનું નિશાન રહસ્યમય હતું. વીડિયોને બીજી વખત ધ્યાનથી જોતાં સ્પષ્ટ થયું કે ઓરિજિનલ વીડિયો સાથે છેડછાડ કરી હતી અને ભારતીય ડેલિગેશન વિરુદ્ધના આક્ષેપો તેમાં ઉમેરવામાં આવ્યા હતા. વિશ્વભરમાં લોકો પોતાની જાત-પાત, સમુદાય કે ધર્મથી પર રહીને આ વૈશ્વિક મહામારીને નિયંત્રણમાં લાવવા સાથે મળીને અથાક પ્રયાસો કરી રહ્યા છે તેવાં સમયે આવા દુરાશય- દ્વેષથી અવાક બની જવાય છે.

ભારતમાં પરિસ્થિતિ હજુ ઘણી ચિંતાજનક છે અને વાઈરસ નાના શહેરો, ટાઉન્સ અને ગામડાં તરફ આગળ વધી રહ્યો છે. આમ છતાં, મારાં પોતાના પડોશમાં પણ મને આશાના કિરણો દેખાઈ રહ્યાં છે. થોડા સપ્તાહ અગાઉ તો અમારા વિસ્તારમાં દર બીજાં કે ત્રીજાં ઘરમાં વાઈરસનો ઓછાયો હતો. હવે હું આ લખી રહી છું ત્યારે છેલ્લાં બે દિવસથી કોઈ નવો કેસ જોવાં મળ્યો નથી.

ઓક્સિજનની અછત હોવાનું બહાર આવતાં જ વિવિધ સંબંધિતોએ પરિસ્થિતિનો ઉકેલ લાવવા ઝડપી કામગીરી બજાવી હતી. સમગ્ર દેશમાં ઓક્સિજનનો પૂરવઠો પહોંચે તેની ચોકસાઈ માટે એમ્પાવર્ડ ગ્રૂપની રચના કરવામાં આવી હતી. માગના અભૂતપૂર્વ વધારાને પહોંચી વળવા ઓક્સિજનનું ઉત્પાદન પણ વધારી દેવાયું છે. અન્યોની સાથે ભારતીય રેલવે પણ સમગ્ર દેશમાં ઓક્સિજનના પરિવહનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. મેડિકલ ઓક્સિજનની ડિલિવરી ૧૫ એપ્રિલે ૪૮૦૦ મેટ્રિક ટન હતી તે લગભગ બમણી થઈ ૮ મેએ ૮૯૦૦ મેટ્રિક ટન થઈ હતી. ટ્રાન્સપોર્ટેશન, ઈક્વિપમેન્ટ્સ અથવા ઉત્પાદનની ઉણપના પડકારોને ઓળખી કઢાયા છે અને નિવારાત્મક પગલાં લેવાઈ રહ્યાં છે.

આંતરરાષ્ટ્રીય સમુદાય પણ સહાયાર્થે આગળ આવ્યો છે. UK FCDOસ્થિત મિનિસ્ટર લોર્ડ તારિક અહમદે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે યુકે દ્વારા હાલમાં જ ભારત મોકલાયેલા મેડિકલ સપ્લાયમાં એક સાથે ૫૦ લોકોના ઉપયોગમાં લઈ શકાય તેવા વિશાળ ઓક્સિજન જનરેટર્સ તેમજ વધુ ૧૦૦૦ વેન્ટિલેટર્સનો સમાવેશ થયો છે. અન્ય દેશો પણ મદદે આગળ આવ્યા તેમજ ભારતીય ડાયસ્પોરાના સભ્યો, જૂથો અને ભારતમાં પણ લોકોએ સહાયનો ધોધ વહાવ્યો છે. આ બધી સહાય રાહત પહોંચાડવા માટે જરુરી સ્થળોએ પહોંચી રહી છે. બ્રિટિશ એસોસિયેશન ઓફ ફીઝિશિયન્સ ઓફ ઈન્ડિયન ઓરિજિન (BAPIO) દ્વારા ફંડ ઉભું કરાયું છે જે ઈક્વિપમેન્ટ્સના સપ્લાયમાં મદદ કરવા ઉપરાંત, ભારતીય તબીબો સાથે વર્ચ્યુઅલ કન્સલ્ટેશન્સ મારફત ભારતમાં થાકીને લોથપોથ થઈ ગયેલા મેડિકલ પ્રોફેશનલ્સને ટેલિમેડિસીન્સ થકી મદદ આપી રહ્યા છે. યુએસમાં ફીઝિશિયન્સ ઓફ ઈન્ડિયન ઓરિજિન (PIO) તેમજ અન્ય સ્થળોએથી પણ આ પ્રકારના પ્રયાસો શરુ કરાયા છે. સાઉથ આફ્રિકા અને ઘાનાસ્થિત ડાયસ્પોરાએ તો મારો સંપર્ક કરી ભારતમાં તેમના ભાઈબહેનોને મદદ કરવાની ઈચ્છા સાથે શું થઈ શકે તેનું માર્ગદર્શન માગ્યું હતું.

સરકાર, ખાનગી સંસ્થાઓ અને નાગરિક જૂથો દ્વારા નવી કોવિડ-૧૯ સવલતો સ્થાપવામાં આવી છે. હજુ વધુ સવલતો ઝડપથી તૈયાર થાય છે. અનેક મંદિરો, મસ્જિદો અને ગુરુદ્વારાએ હળવાં લક્ષણો સાથેના પેશન્ટ્સની સારવાર માટે પોતાના દ્વાર ખુલ્લાં મૂકી દીધાં છે. ઘણાએ ઓક્સિજનની વ્યવસ્થા પણ કરી છે. રમઝાનના પવિત્ર મહિનામાં રોજા-ઉપવાસ હોવાં છતાં, ભોપાલમાં મુસ્લિમ યુવાનોએ કેટલાક હિન્દુ કેવિડ મૃતકોના અંતિમ સંસ્કાર કરાવીને મોતની ગરિમા-મલાજો જાળવવામાં મદદ કરી હતી.

અન્ય મોરચેથી પણ સારા સમાચાર આવી રહ્યા છે. DCGIએ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (DRDO)ની લેબોરેટરી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુક્લીઅર મેડિસીન એન્ડ એલાઈડ સાયન્સીસ દ્વારા હૈદરાબાદની ડો. રેડ્ડિઝ લેબોરેટરી સાથે સંયુક્તપણે વિકસાવાયેલી ડ્રગના કોવિડ-૧૯ વિરોધી થેરાપ્યુટિક સારવારના તત્કાળ ઉપયોગ માટે પરવાનગી આપી દીધી છે. કોવિડ-૧૯ના મધ્યમથી ગંભીર પેશન્ટ્સ પર સહાયક થેરાપી તરીકે  ડ્રગના ઉપયોગની પરવાનગી અપાઈ છે. અમદાવાદસ્થિત ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ કેડિલા પણ ભારતમાં કોવિડ-૧૯ વેક્સિન ‘ZyCoV-D’ના ઈમર્જન્સી ઉપયોગ માટે સજ્જ થઈ રહી છે. કેડિલાએ અગાઉ જાહેરાત કરી હતી કે તેની ડ્રગ Virafinને કોવિડ-૧૯ના હળવા કેસીસની સારવારમાં આપી શકાય તેવા નિયંત્રિત ઈમર્જન્સી ઉપયોગની પરવાનગી DCGI દ્વારા આપવામાં આવી છે.

આગળનો માર્ગ ઘણો લાંબો અને મુશ્કેલ-કઠોર હોવાં છતાં, નવી વેક્સિન્સ, ડ્રગ્સ, સુવિધાઓ, ઈક્વિપમેન્ટ્સ તેમજ આંતરરાષ્ટ્રીય મિત્રો અને નાગરિકોના સહયોગથી ભારતે વળતું યુદ્ધ આદર્યું છે. મને મારાં દેશ અને મારાં લોકોમાં નવેસરથી આશા અને શ્રદ્ધા જાગી છે!

(રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા સાઉથ આફ્રિકા, ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારા તેઓ માત્ર બીજા મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter