મુંબઈ યુનિવર્સિટીના પ્રથમ વાઈસ ચાન્સેલરઃ સર ચીમનલાલ સેતલવાડ

દેશવિદેશે ગુજરાત

પ્રા. ચંદ્રકાન્ત પટેલ Saturday 14th March 2020 07:38 EDT
 
 

સન ૧૮૬૫માં ભરૂચમાં જન્મેલ ચીમનલાલ સેતલવાડ તેજસ્વી વિદ્યાર્થી. ૧૫ વર્ષની વયે તેઓ મેટ્રિક થયા. મુંબઈમાં એલ્ફિન્સ્ટન કોલેજમાં જોડાયા અને અંગ્રેજીના જાણીતા કવિ - લેખક વર્ડ્ઝવર્થના હાથ નીચે ભણ્યા. વર્ડઝ્વર્થ ત્યારે પ્રિન્સિપાલ હતા. વર્ડ્ઝવર્થે પોતાના આ પ્રીતિપાત્ર વિદ્યાર્થી બીએ થતાં મુંબઈ રાજ્યના ગવર્નરને નોકરી માટે ભલામણ કરી, પણ ચીમનલાલે સરકારી નોકરી સ્વીકારવાને બદલે ૧૦૦ રૂપિયાના પગારમાં ખાનગી નોકરી કરી. ચાલુ નોકરીએ એલએલબી થયા. ૧૮૮૭માં બોમ્બે હાઈ કોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી અને થોડાક વખતમાં જાણીતા થયા.

ચીમનલાલ મૂળ ભરૂચના બ્રહ્મક્ષત્રિય. તેમના દાદા અંબાશંકર અમદાવાદમાં અમીન હતા. ત્યારે ગુજરાતમાં અંગ્રેજોનું રાજ્ય ન હતું. મરાઠા અને મુસ્લિમ બંનેનું રાજ. આ દાદા અંબાશંકરે તે જમાનામાં એક લાખ રૂપિયાની લાંચ નકારેલી. જ્યારે ૧૮ રૂપિયે તોલો સોનું આવતું. આવા નેક પૂર્વજના વંશજ ચીમનલાલને વતન પ્રત્યે વહાલ હતું. તેમને ગુજરાતી ભાષા બોલવી અને લખવી ગમતી. વતનના હિત માટે પ્રવૃત્તિ તેમને ગમતી. આથી જાહેરજીવનમાં ભાગ લેતા થયા. ૧૮૯૨માં ૨૭ વર્ષની વયે તેઓ એક સાથે બે સ્થળે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મુંબઈ ધારાસભા બંનેમાં સભ્ય તરીકે ચૂંટાયા અને કામગીરી સંભાળી. આ વખતે મુંબઈના ગુજરાતીઓમાં તેમનો ડંકો વાગતો. મહાત્મા ગાંધી કરતાં ચાર વર્ષ મોટા તેઓ ત્યારે મુંબઈમાં આગેવાન હતા.
પ્રાથમિક શિક્ષકોના પગાર વધે અને પ્રાથમિક શિક્ષણ મફત થાય તેના તેમના પ્રત્યનો સફળ થયા. ૧૮૯૫માં તેઓ મુંબઈ યુનિવર્સિટીમાં ફેલો નીમાયા હતા. આમાં પણ તે સૌ પ્રથમ ગુજરાતી હતા. આ પછી ત્રણ વર્ષે તેઓ ૩૦ વર્ષની વયે મુંબઈ યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય તરીકે ચૂંટાયા. ૧૯૦૩માં મુંબઈ યુનિવર્સિટીએ તેમને પોતાના પ્રતિનિધિ તરીકે ચૂંટીને ધારાસભામાં મોકલ્યા હતા.
ચીમનલાલ નીડર અને સૂઝવંતા હતા. પોતાને જે સરકારી નિર્ણયો પ્રજાહિત વિરોધી લાલે તેનો વિરોધ કરવાની તેઓ પહેલ કરતા હતા. સરકારે પૂનાની ફર્ગ્યુસન કોલેજની ગ્રાન્ટ બંધ કરી હતી. તેમણે ધારાસભામાં આ સામે વિરોધ કર્યો હતો એટલું જ નહીં, તેમણે સરકારને જણાવ્યું કે, ‘પૂનામાં જો સરકારી ખર્ચે કોલેજ ચલાવાતી હોય તો અમદાવાદમાં પણ તેમ કરવું ન્યાયી ગણાય.’ સર ફિરોઝશાહ મહેતાનો તેમને આમાં સાથ મળ્યો. ગુજરાત કોલેજ ૧૮૮૭માં સ્થપાઈ હતી પણ તેને મુંબઈ સરકાર ગ્રાન્ટ આપતી ન હતી. આ પછી ગ્રાન્ટ શરૂ થઈ.
૧૯૧૦માં તેઓ ઈંગ્લેન્ડ ગયા ત્યારે લોર્ડ મોર્લે જે બ્રિટિશ પ્રધાન હતા અને ભારતમાં શાસનની જવાબદારી સંભાળતા તેમની મુલાકાત થતાં, ચીમનલાલે તેમને ભારતીય પ્રજાનું દૃષ્ટિબિંદુ જણાવ્યું હતું.
૧૯૧૫માં મુંબઈ ધારાસભામાં ખાલી પડેલી બેઠકની ચૂંટણીમાં એમણે હરીફ હોરમસજી વાડિયાથી ત્રણ ગણા વધુ મત મેળવ્યા હતા. ૧૯૧૬માં અમદાવાદમાં પ્રથમ વાર મળેલી ગુજરાત કેળવણી પરિષદના એ પ્રમુખ હતા. ૧૯૧૯માં જલિયાંવાલા બાગના હત્યાકાંડની તપાસ માટેના પંચમાં સરકારે એમને સભ્ય નીમ્યા હતા. ૧૯૧૯માં મુંબઈ યુનિવર્સિટીના એ પ્રથમ ગુજરાતી વાઈસ ચાન્સેલર બન્યા હતા.
મુંબઈની જુદી જુદી સંસ્થાઓએ અવારનવાર તેમનું સન્માન કર્યું હતું. અખબારો તેમના કાર્યોની સતત નોંધ લેતાં અને બિરદાવતાં.
ભારતના બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકર સાથે એમને મૈત્રીસંબંધ હતો. મહાત્મા ગાંધીએ ચીમનલાલની પ્રશંસા કરેલી. સર ચીમનલાલ ભારતના ભાગલાના વિરોધી હતા છતાં ભાગલા પડ્યા. ભાગલા પછી માત્ર ૧૧૫ દિવસે તેમનું અવસાન થયું. ચીમનલાલ ૮૩ વર્ષના યશસ્વી જીવન જીવીને પોઢી ગયા. તેમનું જાહેરજીવન, જ્ઞાન અને નીડરતા ગુજરાતીઓને શોભાવે તેવાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter