બ્રિટનના નવા વરાયેલા વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સત્તાના સૂત્રો સંભાળી લીધા છે. બોરિસને બહુમુખી વ્યક્તિત્વોના સ્વામી કહેવાય છે. કેટલાકના માટે તેઓ સ્વતંત્ર વિચારસરણી ધરાવતી વ્યક્તિ છે તો કેટલાકના મતે તેઓ તેમના તકવાદી રાજકારણના હિસાબે ‘સબ બંદર કે વ્યાપારી’ એટલે કે ‘man of all seasons’ જેવા છે. આ બધા લેબલો અમુક દૃષ્ટિએ અર્થહીન જ છે. મારા નમ્ર મતાનુસાર જીવનમાં કેટલીક હદ સુધી તકવાદ ઉચિત ગણી શકાય. પરંતુ, વિશેષતઃ રાજકારણમાં તો કેન્દ્રીય મૂળભૂત મૂલ્યો અસ્તિત્વનો હિસ્સો બની રહે અને તે માત્ર સાચી ઓળખ છુપાવતું અથવા ગુપ્તતાનું આવરણ બની ન રહેતું હોય તો યોગ્ય ગણાય.
જ્હોન્સને રચેલી ‘અતિશય જમણેરી સરકાર’ તેમજ કેબિનેટમાં નિયુક્તિઓથી ઘણાંને આઘાત ન પહોંચ્યો હોય તો પણ આશ્ચર્ય અવશ્ય થયું હશે. લગભગ ૪૭ વર્ષ અગાઉ, ૧૯૬૨માં બ્રિટિશ સરકારમાં આવી જ કત્લેઆમ ચલાવાઈ હતી, જેને ‘નાઈટ ઓફ લોન્ગ નાઈવ્ઝ ’ કહેવાય છે. હવે બોરિસે પોતાના ‘બદલાનાં રાજકારણ’ને વ્યવહારમાં મૂકતા કદાચ વધુ તીક્ષ્ણ તલવાર વીંઝી છે અને થેરેસા મે સરકારના ૧૭ કેબિનેટ મિનિસ્ટર્સને હકાલપટ્ટી અથવા રાજીનામાની ફરજ પાડી છે.
કદાચ, જ્હોન્સને તાજેતરમાં જ સૌપ્રથમ વખત વિશ્વ કપ જીતનારી સૌથી વૈવિધ્યપૂર્ણ ઈંગ્લિશ ક્રિકેટ ટીમમાંથી પ્રેરણા મેળવી હોય તેમ જણાય છે. જ્હોન્સને આવી જ વૈવિધ્યતાની ફોર્મ્યુલાનો ઉપયોગ પોતાની રાજકીય ટીમ ઉભી કરવામાં પણ કર્યો હોય તેમ દેખાય છે. તેમના મહત્ત્વપૂર્ણ ૨૦ ખેલાડીમાંથી ત્રણ ભારતીય મૂળના મિનિસ્ટર ઉપરાંત, પાકિસ્તાની, જ્યુઈશ અને આફ્રિકનનો પણ સમાવેશ કરાયો છે. તેમની નંબર-૧૦ પોલિસી યુનિટના વડા તરીકે એક પાકિસ્તાની યુવતી મુનિરા મિર્ઝા છે. આ જ વાસ્તવમાં, પુરુષો અને સ્ત્રીઓનું બનેલું સપ્તરંગી મેઘધનુષ છે.
બોરિસ સરકારમાં સૌથી મહત્ત્વના પાંચ કેબિનેટ મિનિસ્ટર્સમાં સૌથી અગ્રેસર સાજિદ જાવિદ અને પ્રીતિ પટેલ છે. સૌથી વધુ સમાવેશી સરકારની નિયુક્તિ સાથે બ્રિટિશ રાજકારણમાં નવીન ઈતિહાસ સર્જાયો છે ત્યારે ઈતિહાસનું સ્મરણ કરવાની કદાચ આ સૌથી યોગ્ય પળ હોવાનું મને લાગે છે.
આપણા ‘ગૃહ’માં ‘પટેલ’ના સ્થાનગ્રહણ સાથે જ યુકે-ભારતના ‘વિશિષ્ટ સંબંધો’માં નવું સીમાચિહ્ન સર્જાયું છે. યુકેની સામ્રાજ્યવાદી ધરોહર કમજોર થઈ રહી છે તેવા સમયમાં પ્રીતિ પટેલ ભારતીય મૂળના સર્વપ્રથમ મિનિસ્ટર છે જેમના શિરે યુકેના હોમ સેક્રેટરી તરીકેનો તાજ રાખવામાં આવ્યો છે. એ પણ યાદ કરીએ કે ભારતના લોહપુરુષ અને પ્રથમ હોમ મિનિસ્ટર સરદાર પટેલ, બ્રિટિશ સામ્રાજ્ય વિરુદ્ધ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અગ્રેસર રાજપુરુષ હતા.
બ્રિટિશ સંસ્થાનના રાષ્ટ્રમાંથી આવેલી અશ્વેત વ્યક્તિ સાજિદ જાવિદના સ્વરુપે તેના પૂર્વ સંસ્થાનવાદીઓના દેશમાં પ્રથમ ચાન્સેલર બની છે. બોરિસ જ્હોન્સન રાજકારણના માહિર કે ચતુર ખેલાડી છે. એવું પણ હોઈ શકે કે જર્નાલિસ્ટ તરીકેની પશ્ચાદભૂએ તેમને ઈયુના આંતરિક રાજકીય આટાપાટા વિશે વિશિષ્ટ પરખ કે સૂઝ આપી હોય. પૂર્વ ફોરેન સેક્રેટરી તરીકે તેમના અનુભવે આંતરરાષ્ટ્રીય સંબંધોને સંભાળવાનો લાભ પણ આપ્યો હોય.
ઈયુ દ્વારા મે સરકારને ઘણાં લાંબા સમય સુધી દબાણમાં રાખવામાં આવી હતી. હવે પરિસ્થિતિ અલગ દેખાય છે. સરકારમાં નિયુક્તિના માત્ર ત્રણ દિવસમાં જ બોરિસ, જાવિદ, માઈકલ ગોવ અને રિશિ સુનાક તેમજ અન્યો દ્વારા કરાયેલી જાહેરાતો અખબારોમાં વાચવા મળી છે તે ઘણું કહી જાય છે. ચાન્સેલર જાવિદ યુદ્ધના ધોરણે ભંડોળની વાતો કરે છે. તેમણે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અને જાહેર સેવાઓ માટે વિશાળ પ્રમાણમાં નાણાની ફાળવણીનું વચન આપ્યું છે. આની સાથોસાથ ઈયુની સાથે સમજૂતી વિના વિચ્છેદ થાય તો તેની તૈયારી માટે પણ ઉદાર ફાળવણીની પણ તૈયારી દર્શાવી છે.
બ્રિટને તો બે સદી કરતાં પણ વધુ સમયથી યુરોપની સલામતી અને આઝાદીના સંદર્ભે ભારે નિષ્ઠાપૂર્ણ ભૂમિકા ભજવી છે. આવતી કાલના વિશ્વમાં યુરોપિયન પાર્ટનર્સ, ભલે થોડાં પણ હોય, આ ભૂમિકાને ઓળખશે અને વધુ સ્વીકાર્ય એક્ઝિટ માટે વાટાઘાટોનો પ્રયાસ પણ કરશે. પરંતુ, અબજો પાઉન્ડની મહાકાય ફાળવણી બ્રિટનના આર્થિક અને નાણાકીય ફલક પર નોંધપાત્ર અસર ઉપજાવશે તે નિશ્ચિત છે. સ્ટોક્સ, શેર્સ અને પોપર્ટીની કિંમતો, ફોરેન એક્સચેન્જ તેમજ બજેટસંબંધી શિસ્તનું પણ વિશિષ્ટ મહત્ત્વ રહેશે. અત્યાર સુધી જાહેર કરાયેલાં પગલાંઓમાંથી કેટલાંક તો ખાસ કરીને નોર્થ ઈંગ્લેન્ડમાં લેબર પાર્ટી હસ્તકના મતક્ષેત્રોમાં લોકપ્રિયતા હાંસલ કરવાના હેતુસરના જ છે. આ પગલાંથી કદાચ રોજગારીમાં વૃદ્ધિ થઈ શકે છે. આ બહુપાંખી રણનીતિ છે.
વાસ્તવમાં કોઈ પણ સારી રાજનીતિમાં જાહેરમાં તસ્વીરો થકી છવાઈ જવા તેમજ વૈવિધ્યતાનું રાજકારણ ખેલવા કરતાં પણ વિશેષ કામગીરીનું મહત્ત્વ રહે છે. તેમાં વ્યૂહાત્મક નીતિઓની રુપરેખા ઘડવા અને તેના સફળ અમલની આવશ્યકતા રહે છે. જોકે, મારે એ સ્વીકારવું રહ્યું કે બોરિસે જે પ્રકારે કન્ઝર્વેટિવ્સના મત હાંસલ કરવાનું મેઘધનુષી ગઠબંધન વિકસાવ્યું છે તે કાબિલેતારીફ છે. સંશયાત્માઓને બાજુએ ખસેડી આગળ વધતા રહેવાથી લોકો કોઈ પણ ભાવિ લેબર સરકાર વિશે સાવચેતી જ દર્શાવશે. અહીં એ ઉલ્લેખ કરવો પણ જરુરી લાગે છે કે અત્યાર સુધીમાં જ્હોન્સન પક્ષની લોકપ્રિયતામાં વધારો કરવામાં, ભલે તે ૧૦ ટકા જેટલી જ હોય, સફળ રહ્યા છે. સામાન્ય ચૂંટણીઓ ક્યારે આવશે તેની ખબર નથી પરંતુ, આગામી ત્રણથી છ મહિનામાં જમણેરી ટોરી રાજકારણ સામે કોઈ વિરોધ કે પ્રતિકાર ન ઉભો થાય તેની ચોકસાઈમાં સરકારીતંત્ર લાગી ગયું છે.
જ્હોન્સન કદાચ ભરતનાટ્યમ વિશે સારું જ્ઞાન ધરાવતા લાગે છે. ઈયુમાંથી બ્રિટનના બહાર નીકળવાની પ્રથમ રણભેરીનો નાદ થયો ત્યારથી વર્તમાન પળ સુધી તેઓએ લાંબો પંથ કાપી લીધો છે. પ્રેમ હોય, યુદ્ધ હોય કે પછી રાજકારણ, બધું જ યોગ્ય ગણાય છે. જોકે, મને લાગે છે ત્યાં સુધી તો કેબિનેટની તેમની પસંદગીમાં જે સ્પષ્ટ વૈવિધ્યતાનું પ્રતિબિંબ ઝળકે છે તે દેશ અને લઘુમતી ડાયસ્પોરા માટે શુભ સંકેત જ છે. બાકી બધું તો તેલ ‘જુઓ અને તેલની ધાર જુઓ’ની વાત રહે છે.
(એશિયન વોઈસમાં પ્રસિદ્ધ As I See It કોલમનો ભાવાનુવાદ)


