મોદીની ચાર વર્ષની વિદેશ યાત્રાનો ખર્ચ દુનિયાના ૧૧૪ દેશોના વાર્ષિક જીડીપી કરતાં વધુ

ભેજાફ્રાય

ખુશાલી દવે Wednesday 04th July 2018 09:33 EDT
 
 

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના વિદેશ પ્રવાસો માટે વિશ્વભરમાં મશહૂર છે. એવી જ રીતે તેમના વિદેશ પ્રવાસોના ખર્ચા માટે પણ તેઓ ચર્ચામાં રહે છે. વિપક્ષ આ મુદ્દે વડા પ્રધાન પર હંમેશા આરોપ મૂકતો આવ્યો છે, પણ અંતે આ વાતનું ફિંડલું વળી જાય છે માત્ર એ જવાબથી કે તેઓએ ફલાણા ઢીંકણા કરાર કર્યા. દ્વિપક્ષીય બેઠકમાં ચોક્કસ મદદ લઈ આવ્યા અને ચોક્કસ મદદ ઓફર કરી આવ્યા, પણ ભારતને આ બેઠકોમાંથી સીધો લાભ શું એનું રાજકીય અને આર્થિક વિશ્લેષણ ભેજું ફ્રાય કરી નાંખે છે.
સામાન્ય રીતે મોદીની વિદેશ મુલાકાતોમાં દરેક દેશ સાથેની દ્વિપક્ષીય મિટિંગમાં આતંકવાદ સામે અવાજ ઊઠાવવાનો મુદ્દો મહત્ત્વનો રહે છે એ સિવાય જનતાને સીધો લાભ થનારા મુદ્દા વિશે તો જનતાએ પણ જાણવાની કોશિશ કરવી જોઈએ. જોકે સામે પ્રજાને એ પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે કે અમે સરકારને ચૂંટીને રાજ્ય કે કેન્દ્રમાં મોકલીએ તો ‘એક દિવસ મતદાન કરો અને પાંચ વર્ષ આરામ કરો’ અથવા ‘એક દિવસ અમે જાગીએ બાકીના પાંચ વર્ષ સરકાર જાગતી રહેશે’ એ સૂત્રો સાર્થક થવા જોઈએ કે નહીં?
માહિતીનો અધિકાર
સરકાર શું કરે છે? એનો જાહેર જવાબ મેળવવા માટે છે માહિતીનો અધિકાર. આ અધિકાર અંતર્ગત તાજેતરમાં થયેલી એક અરજી દ્વારા એવું જાણવા મળ્યું છે કે, વડા પ્રધાન મોદીએ ચાર વર્ષના શાસનકાળ દરમિયાન કુલ ૪૧ વિદેશ પ્રવાસો કરીને બાવન જેટલા દેશોની મુલાકાત લીધી છે. મોદીના આ વિદેશ પ્રવાસો પાછળ રૂ. ૩૫૫ કરોડનો ખર્ચ કરાયો છે. તેમજ ચાર વર્ષમાં મોદી ૧૬૫ દિવસ વિદેશમાં રહ્યા છે.
રાઈટ ટુ ઇન્ફર્મેશન એટલે કે આરટીઆઈ એક્ટિવિસ્ટ ભીમપ્પા ગાદડે દ્વારા માહિતી અધિકાર કાયદા હેઠળ પીએમઓ (પ્રાઈમ મિનિસ્ટર ઓફિસ) એટલે કે વડા પ્રધાન કચેરી પાસે મોદીના વિદેશ પ્રવાસો અંગે માગવામાં આવેલી માહિતીના જવાબમાં ઉપરોક્ત ખુલાસો થયો છે. પીએમઓએ આપેલી માહિતી પ્રમાણે વડા પ્રધાન મોદીનો ૯થી ૧૫ એપ્રિલ, ૨૦૧૫નો ફ્રાન્સ, જર્મની અને કેનેડાનો પ્રવાસ સૌથી મોંઘો હતો. આ પ્રવાસમાં રૂ. ૩૧૨૫૭૮૦૦૦નો ખર્ચ કરાયો હતો. મોદીએ ૧૫ અને ૧૬મી જૂન ૨૦૧૪ના રોજ ભૂતાનની મુલાકાત લીધી હતી. આ તેમનો સૌથી સસ્તો વિદેશ પ્રવાસ હતો. આ પ્રવાસનો ખર્ચ રૂ. ૨૪૫૨૭૪૬૫ થયો હતો.
વડા પ્રધાન કચેરીએ જણાવ્યું છે કે, આ વર્ષે ફેબ્રુઆરીથી જૂન એમ સાત વિદેશ પ્રવાસોના બિલ હજી સુધી મળ્યા નથી જેથી આ પ્રવાસના ખર્ચનો અંદાજ લગાવી શકાય તેમ નથી. જોકે અન્ય પાંચ વિદેશ યાત્રા ભારતીય વાયુસેનાના બીબીજે એરક્રાફ્ટમાં કરવામાં આવી હતી.
મોદીના વિદેશ પ્રવાસો પર થયેલા ખર્ચની માહિતી પૂછનારા કર્ણાટકના ગાદડેએ જણાવ્યું કે, મને વડા પ્રધાનના વિદેશપ્રવાસોમાં કેટલો ખર્ચ થાય છે તે જાણવાની ઘણી ઉત્સુકતા હતી તેથી મેં માહિતી અધિકાર અંતર્ગત વડા પ્રધાન કચેરીને અરજી કરી હતી. મેં ઉત્સુકતાથી જે માહિતી મેળવી છે તે જનતા પણ જાણે તેમ હું ઇચ્છું છું.
જનતાનો અધિકાર
દેશના સરકારી અધિકારીઓ તથા નેતાઓના વિદેશ પ્રવાસ પાછળ થતા ખર્ચ અંગે આમ તો જનતાએ જાણવું જ જોઈએ કારણ કે આખરે તો વિદેશ પ્રવાસમાં ધન તો નાગરિકોનું જ વપરાય છે. દુનિયાના ઘણા દેશોના વિરોધ પક્ષો અને જનતા આ મામલે ભારત કરતાં ઘણા બાહોશ છે એ આ બાબતે કેનેડાના વડા પ્રધાન ટ્રુડોના તાજેતરના દાખલા પરથી જ વર્તાઈ આવે.
ટ્રુડો પર આક્ષેપ
ટ્રુડોની ફેબ્રુઆરી, ૨૦૧૮માં થયેલી ભારત યાત્રાના હિસાબના ખુલાસા તેઓ કેનેડા ગયા ત્યારથી અત્યાર (જુલાઈ) સુધી મંગાઈ રહ્યા છે. જ્યારે ફેબ્રુઆરી, ૨૦૧૮થી જૂન, ૨૦૧૮ સુધીમાં મોદીએ પેલેસ્ટાઈન, યુએઈ, ઓમાન, ચાઈના (બબ્બે વાર), સ્વીડન, યુકે, જર્મની, ઈન્ડોનેશિયા, મલેશિયા, સિંગાપોર, રશિયા અને નેપાળની મુલાકાત લીધી છે. તમને નથી લાગતું કે એક વડા પ્રધાનને એ સવાલ થવો જોઈએ કે આટલી વિદેશ મુલાકાતોમાં દેશ પર કેટલું દેવું વધારીને આવ્યા? કઈ સંધિ કરીને આવ્યા અને કેટલી લોન દેશ તરફથી અન્ય દેશોને આપીને આવ્યા?
ટ્રુડોએ તો માત્ર ભારત પ્રવાસ મામલે આવી બાબતે ટીકાનો ભોગ બનવું પડ્યું છે. કેનેડાની કંઝર્વેટિવ પાર્ટીએ ટ્રુડો પર માછલાં ધોતાં કહ્યું છે કે, ટ્રુડો અને તેમના પરિવારે ભારત મુલાકાત વખતે ૧૫ લાખ ડોલર એટલે કે રૂ. ૧૦ કરોડથી વધુ ખર્ચ કર્યો એ કોના જોરે? ટ્રુડો પર આરોપ એ પણ છે કે ભારત જઈને આવ્યા અને તમે ઉકાળ્યું શું? કેનેડિયન મીડિયાએ તો ત્યાં સુધી જાહેર કર્યું છે કે કંઝર્વેટિવ પાર્ટીએ ટ્રુડો પર આક્ષેપ કર્યા છે કે તમે ભારત જઈને દ્વિપક્ષીય સંબંધો સુધારવાને બદલે બગાડીને આવ્યા છો. કેનેડાના વિપક્ષે તો એ સવાલ પણ ઉઠાવ્યો છે કે ટ્રુડોની ભારત મુલાકાત દરમિયાન નવી દિલ્હીમાં એક બેઠકમાં પીરસાયેલું ભોજન બનાવનાર શેફ વિક્રમ વિજને ૧૭ હજાર ડોલર એટલે કે આશરે ૧૧ લાખ ૬૫ હજાર રૂપિયા જેટલી મોટી રકમ બક્ષિસ સ્વરૂપે શા માટે આપી? એ સામે ભારતમાં તો પીએમઓ તરફથી કેટલાય મુદ્દા સ્પષ્ટ નથી.
ગાદડેએ ઉપરોક્ત આરટીઆઈનો જવાબ મેળવ્યા પછી એવું પણ જણાવ્યું હતું કે, પીએમઓ વડા પ્રધાનના વિદેશ પ્રવાસોથી દેશને કેટલો લાભ થયો તે અંગેની માહિતી આપતું નથી. જે માહિતી જાહેર કરવી જોઇએ. ગાદડેની વાતમાં વજન છે એવો વિચાર એટલે પણ આવે કે મોદીના ચાર વર્ષના વિદેશ પ્રવાસોનો ખર્ચ રૂ. ૩૫૫ કરોડ એટલે કે રૂ. ૩૫, ૫૦૦૦૦ મિલિયન એટલે કે આશરે ૫૧૭૫૯ યુએસ ડોલર હતો. વર્ષ ૨૦૧૭માં ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ) દ્વારા દુનિયાના ૧૯૩ દેશોનો જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ)નો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં વિશ્વના આશરે ૧૧૪ દેશોનો જીડીપી ૫૧૭૫૯ યુએસ ડોલર કરતાં ઓછો દર્શાવ્યો છે. ટૂંકમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચાર વર્ષમાં વિદેશ યાત્રામાં જેટલો ખર્ચ કર્યો એ દુનિયાના ૧૧૪ દેશોના વાર્ષિક જીડીપીથી પણ વધારે છે. વળી, આટલો ખર્ચ અંતે શા માટે? અને પ્રજાને કે દેશને આ પ્રવાસોથી શું લાભ થયા? એ અંગે જાણી શકાય નહીં તો આટલા ગંજાવર ખર્ચનો ફાયદો શું? જે જનતા વડે, જનતા માટે અને જનતા થકી જનતાના કરવેરાઓ થકી સરકાર રચાઈ અને મોદી વડા પ્રધાન બન્યા તે પ્રજાને એ જાણવાનો અધિકાર નહીં કે તેમના વિદેશ પ્રવાસોથી આખરે દેશને અને જનતાને ફાયદો શું? વળી એનાથી પણ વિશેષ ચોંકાવનારી વાત એ છે કે વડા પ્રધાનના દેશમાં કરાતા પ્રવાસો અંગે તથા વડા પ્રધાન દેશમાં અલગ અલગ સ્થળોની મુલાકાત લે છે તે દરમિયાન તેમની સુરક્ષા પાછળ થતા ખર્ચની માહિતી આપવાનો તો વડા પ્રધાન કચેરીએ ગાદડેને સ્પષ્ટ ઇનકાર જ કરી દીધો છે. જે ગાદડેને યોગ્ય લાગતું નથી.
જે દેશમાં સામાન્ય નાગરિકની પ્રાથમિક જરૂરિયાતો પણ હજી સંપૂર્ણ રીતે સંતોષાતી નથી. એ દેશના વડા પ્રધાન એવા તે ક્યા કારણોસર કે કરારોસર આટઆટલા વિદેશપ્રવાસો કરતા રહે છે? એનો સંપૂર્ણ અહેવાલ જનતાના પૂછ્યા વગર વડા પ્રધાન કચેરીએ બહાર પાડવાની ફરજ પાડવી જોઈએ. એ ખરેખર તો યોગ્ય માહિતીનો અધિકાર ગણાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter