યુએસ થીન્ક ટેન્કને પ્રીતિ પટેલનું સંબોધનઃ નકામી વાતનો ઝાઝો કકળાટ

રુચિ ઘનશ્યામ Tuesday 08th February 2022 15:14 EST
 
 

થોડાં દિવસ અગાઉ ‘ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ (TOI) અખબારમાં ‘પ્રીતિ પટેલ એક્યુઝ્ડ ઓફ સ્મીઅરિંગ શીખ્સ ઈન એ સ્પીચ ટુ યુએસ થીન્ક ટેન્ક’ અર્થાત, ‘શીખોને બદનામ કરવાનો પ્રીતિ પટેલ સામે આક્ષેપ’ મથાળા સાથેનો રિપોર્ટ જોઈ મને ઘણું આશ્ચર્ય થયું હતું. આ સ્પીચ વોશિંગ્ટન ડીસીસ્થિત થીન્ક ટેન્ક હેરિટેજ ફાઉન્ડેશન સમક્ષ ૧૯ નવેમ્બર ૨૦૨૧ના દિવસે અપાઈ હતી અને ૨૨ નવેમ્બરે યુકે સરકારની વેબસાઈટ પર પ્રકાશિત થઈ હતી. હું તે સમયે એક સેમિનાર માટે શિલોંગના પ્રવાસે હતી અને જો હું શહેરમાં હોત તો પણ આ સ્પીચે મારું જરા પણ ધ્યાન આકર્ષિત કર્યું હોત તે વિશે મને શંકા છે.

લગભગ ચાર મહિના પછી, શીખ ફેડરેશનના સભ્યની સક્રિયતા પર આધારિત ઉપરોક્ત સ્ટોરી મીડિયાએ ચલાવી હતી. શીખ પ્રેસ એસોસિયેશન નામની કોઈ સંસ્થાએ હોમ સેક્રેટરીએ શીખો વિશે ખોટી રજૂઆત કર્યાના આક્ષેપ સાથે ટ્વીટર પર તેમની રિમાર્ક્સનો વીડિયો પોસ્ટ કર્યો હોવાનું જણાય છે.

સ્વાભાવિક રીતે જ મારી જિજ્ઞાસાએ જોર પકડતાં, આટલા વિલંબિત પ્રત્યાઘાત મેળવનારી સ્પીચની ટેક્સ્ટ મેં વાંચી લીધી! આશરે ૪૦૦૦ શબ્દોની લાંબી સ્પીચમાં શીખ અલગતાવાદી કટ્ટરતા સંદર્ભે મને માત્ર ૧૧ શબ્દ જ મળી શક્યાં હતાં! ચોકસાઈ દર્શાવીએ તો, તેમણે કહ્યું હતું કે,‘તાજેતરના વર્ષોમાં શીખ અલગતાવાદી કટ્ટરતાએ ગણનાપાત્ર તણાવો ઉભાં કર્યાં છે. આપણે મક્કમપણે અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનો બચાવ કરીએ છીએ છતાં, તે હંમેશાં કાયદાની સીમામાં રહીને જ હોવું જોઈએ.’ બીજું વાક્ય વાણીનું સ્વાતંત્ર્યનો ઉપયોગ પણ કાયદાની સીમામાં રહીને કરાવો જોઈએ તે વાંધો ન લઈ શકાય તે સિદ્ધાંત મુજબનું સામાન્ય નિવેદન હતું! સમગ્રતયા આ સ્પીચના કેન્દ્રમાં અનેક મુદ્દાઓ હતો જેમાં આતંકવાદ અને તેની સામે કામ પાર પાડવાની યુકેની મક્કમતાનો સમાવેશ થયો હતો.

મેં આ સ્ટોરીને સમજવાં જેટલા પ્રયાસો કર્યા તેનાથી મારો ગૂંચવાડો કે મૂંઝવણ વધતાં ગયાં!

આટલો આવેશપૂર્ણ પ્રત્યાઘાત આવે તેવું તો તેમણે શું કહી નાખ્યું હતું? આનાથી વધુ આશ્ચર્ય એ થયું કે સંબોધન કરાયાના ચાર મહિના પછી મુખ્યપ્રવાહના પ્રતિષ્ઠિત ભારતીય અખબારને આવું રીએક્શન પ્રસિદ્ધ કરવાની તત્પરતા કેવી રીતે મળી?

બ્રિટિશ શીખ એસોસિયેનના ચેરમેન અને હાઉસ ઓફ લોર્ડ્સમાં ઉમરાવ લોર્ડ રેમી રેન્જરે પણTOIને આપેલાં એક નિવેદનમાં આવો જ મત વ્યક્ત કર્યો છે જ્યારે તેમણે એમ જણાવ્યું છે કે યુકેના હોમ સેક્રેટરી પટેલ ‘બ્રિટન કદી આતંકવાદીઓ માટે લોન્ચપેડ નહિ બને તે સ્પષ્ટ કરવામાં સાચાં છે.’

યુકેની શીખ કોમ્યુનિટીમાં પણ આ મુદ્દે કોઈ વિવાદ હોવાનું જણાતું નથી. કહેવાતું શીખ ફેડરેશન અથવા જે વ્યક્તિઓને ટાંકવામાં આવ્યા છે તેમાંથી કોઈ યુકેમાં શીખ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતાં નથી. એમ સમજાય છે કે ગત ત્રણ વર્ષ દરમિયાન શીખ ફેડરેશનની યુકેમાંથી મોટા ભાગે કોમ્યુનિટી દ્વારા જ હકાલપટ્ટી કરાઈ છે. યુકેસ્થિત બહુમતી શીખો ઉદ્દામવાદી જૂથોની કટ્ટરતાવાદી વિચારધારા કે મંતવ્યોને સ્વીકારતા નથી. વાસ્તવમાં, આવાં ઉદ્દામવાદી તત્વોની હાજરી આ મહેનતુ અને સફળ કોમ્યુનિટીની છબીને જે રીતે નુકસાન પહોંચાડી રહ્યા છે તેનાથી શીખ કોમ્યુનિટીને ગંભીર ચિંતા થઈ રહી છે. યુકેસ્થિત શીખોને એવી પણ ચિંતા છે કે યુકેમાં શીખ યુવાનોને ઉદ્દામવાદના પાઠ ભણાવવાના પ્રયાસો કરાય છે તેનાથી ઉદ્દામવાદીઓના નિશાના પર રહેલા તેમના સંતાનોની જિંદગીઓ બરબાદ થઈ જશે. મેં ખુદ કોમ્યુનિટીના વિવિધ વર્ગોના સભ્યોની આ ચિંતાને સાંભળી છે.

લોર્ડ રેન્જરે પોતાના નિવેદનમાં ઉમેર્યું હતું કે કોઈ વડા પ્રધાને અગાઉ શીખ ગુરુઓના જીવન અને ઉપદેશોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રોત્સાહન આપ્યું નથી. તેમણે કહ્યું છે કે,‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શીખોને સપોર્ટ કરવા અસાધારણ પ્રયાસોથી ઘણું કર્યું છે. કરતારપુર કોરિડોર તેનું સારું ઉદાહરણ છે અને કૃષિ બિલો પાછાં ખેચવાનું વધુ એક ઉદાહરણ છે.’

મને ગુરુ નાનક દેવજીના ૫૫૦ વર્ષની ઉજવણી દરમિયાન યુકેના શીખ ડાયસ્પોરામાં ભારત માટે વધી રહેલા સદ્ભાવ -સ્નેહબંધને નિહાળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. એક વર્ષ લાંબી ઉજવણીઓમાં સમગ્ર યુકેમાંઆયોજિત કાર્યક્રમોમાં કોમ્યુનિટીની અંદર અપાર-અસીમિત ઉત્સાહને અમે નિહાળ્યો છે. વેલ્સ, ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ કે નોર્ધર્ન આયર્લેન્ડ હોય શીખ ડાયસ્પોરાએ આતુરતાપૂર્વક વિવિધ ઈવેન્ટ્સમાં હાજરી આપી હતી. પવિત્ર ગુરુના જીવન અને ઉપદેશોને સમજાવતાં પ્રદર્શનના સાદા-સરળ ચિત્રો અને પેઈન્ટિંગ્સની કોમ્યુનિટીમાં ભારે માગ હતી. એક વર્ષ લાંબી ઉજવણીનાં સમાપને સિટી ઓફ લંડનમાં ભવ્ય ગિલ્ડહોલ ખાતે ગુરુપરબ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં યુકેના ખૂણેખૂણાંથી શીખ કોમ્યુનિટીના ૧૫૦૦થી વધુ અગ્રેસર સભ્યોની હાજરી નોંધપાત્ર બની રહી હતી. ગુરુદ્વારાના અગ્રણીઓ, એન્ટ્રેપ્રીન્યોર્સ, વિદ્વાનો, વિવિધ ક્ષેત્રો અને પ્રોફેશન્સમાં સિદ્ધિપ્રાપ્ત નામાંકિત વ્યક્તિત્વો ભારતીય અને યુકેના મહાનુભાવો સાથે જોડાયા હતા.

આ ઉજવણીઓ દરમિયાન, એક કરતા વધુ પ્રસંગે અમને આ ઉજવણીઓનું આયોજન અટકાવવા કેટલાક કટ્ટરવાદીઓ તરફથી ધમકીઓ મળી હતી પરંતુ, અમે તેમની અવગણના કરવાનું પસંદ કર્યું હતું. મારાં કાર્યકાળ દરમિયાન કેટલાંક કટ્ટરવાદીઓ દ્વારા ઈન્ડિયા હાઉસની બહાર વિરોધ પ્રદર્શનો પણ કરાયાં હતાં. ભારતીય ડાયસ્પોરાના નિર્દોષ અને વયોવૃદ્ધ (પુરુષ, સ્ત્રી અને બાળકો પણ) લોકો પર હુમલા કરતા, ભારતીય રાષ્ટ્રધ્વજને બાળતા અને અપમાન કરતા અને અમને ધમકાવવાના અન્ય પ્રયાસો કરતા કટ્ટરવાદીઓના વીડિયોઝ મેં નિહાળ્યાં હતાં. એકથી વધુ પ્રસંગોએ તેમાંના કેટલાકની ચાકુ રાખવા અને વીંઝવા બદલ પોલીસ દ્વારા ધરપકડ પણ કરાઈ હતી. આ પશ્ચાદભૂને જોતાં, હોમ સેક્રેટરીને તેમની સ્પીચમાં આ વિષયે કેટલાક શબ્દો ઉચ્ચારવાનું યાદ આવે તેમાં કોઈને આશ્ચર્ય થવું જોઈએ ખરું!

યુકે સરકારના પ્રવક્તાએ TOIને જણાવ્યું હતું કે,‘ અમે વ્યક્તિઓ અને કોમ્યુનિટીઓ વચ્ચે ઘૃણા-તિરસ્કાર ફેલાવે તેવા મંતવ્યો ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરવા તેમજ તમામ પ્રકારના ઉગ્રવાદની સમસ્યાને ઉકેલવા આંતરરાષ્ટ્રીય પાર્ટનર્સ સાથે ગાઢપણે કાર્ય કરવા કટિબદ્ધ છીએ.’

દેખીતી રીતે જ જાણીતા હિંસક જૂથો સાથે સંકળાયેલા ઉદ્દામ કટ્ટરવાદીઓને યુકેના શીખ ડાયસ્પોરામાં તેમના ઘટતા જતા પ્રભાવ અને અદૃશ્ય થતાં સપોર્ટની ચિંતા થાય. પોતાના અદૃશ્ય થઈ રહેલા આધારને પુનઃ સજીવન કરવા, ચેતનવંતો બનાવવા આ વિવાદને ઉભો કરવામાં આવ્યો હોવાનું દેખાઈ આવે છે. તેઓ શીખ ફેડરેશનના કોટના લટકતા હિસ્સા પર સવાર થઈ ગયા હોવાનું જણાય છે.

(રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા સાઉથ આફ્રિકા, ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારા તેઓ માત્ર બીજા મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.

Twitter: @RuchiGhanashyam)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter