વિયેટનામમાં આહ્લાદક વેકેશન માણ્યાં પછી મેં આ સપ્તાહની કોલમ એ સુંદર દેશ માટે ફાળવવાનો નિર્ધાર કર્યો હતો પરંતુ, અનેક ઘટનાક્રમો મારાં ચેતનાવિશ્વ પર કબજો લઈ રહ્યાં હતાં અને દરેકના આ કોલમમાં પોતાનું સ્થાન મેળવવું હતું!
ફ્રાન્સમાં પુનઃ ચૂંટાયાને માત્ર બે મહિના થયા હશે અને ડોબેરી એલાયન્સ અને અતિ જમણેરી બળોના મજબૂત પરફોર્મન્સના પગલે પ્રેસિડેન્ટ ઈમાન્યુએલ મેક્રોંએ ફ્રેન્ચ નેશનલ એસેમ્બલી પરનો અંકુશ ગુમાવી દીધો હતો. આના પરિણામે, યુએન સુરક્ષા પરિષદના કાયમી સભ્ય, G7ના સભ્ય રાષ્ટ્ર તેમજ આણ્વિક અને વૈશ્વિક સત્તા માટે ઘણી જટિલ પરિસ્થિતિ સર્જાઈ હતી.
યુકેમાં સ્થાનિક ચૂંટણીઓમાં ખરાબ પ્રદર્શન પછી કન્ઝર્વેટિવ પાર્ટીએ તાજેતરમાં જ બે પેટાચૂંટણીમાં પરાજય વેઠવો પડ્યો; રવાન્ડામાં કોમનવેલ્થ શિખર પરિષદ, 2018 પછી પ્રથમ અને આફ્રિકામાં 2007 પછી પ્રથમ પરિષદ યોજાઈ હતી. કોમનવેલ્થના નવા સભ્ય રવાન્ડામાં પહેલી વખતનું યજમાનપદ – આ બધા વિષયો રસપ્રદ જણાતા હતા.
ઘરઆંગણે ભારતમાં મથાળા સર્જતી ઘટનાઓમાં ભારતીય લશ્કરી દળોમાં નવી ભરતી યોજના સામે ભારે વિરોધ અને આ ફેરફાર બાબતે સરકારના કારણો; અને BRICS સમિટમાં ભારત; અને જ્યાં ગરીબ દેશોમાં વૈશ્વિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોગ્રામ્સ માટે 600 બિલિયન ડોલર એકત્ર કરવા યોજનાની જાહેરાત થઈ હતી તેવી G7 બેઠક માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જર્મની મુલાકાતનો સમાવેશ થતો હતો.
પરંતુ, આ બધા વિષયોમાં મને યુએન જનરલ એસેમ્બલીએ 24મી જૂનના દિવસને ‘ઈન્ટરનેશનલ ડે ઓફ વિમેન ઈન ડિપ્લોમસી’ તરીકે ઉજવવા જાહેરાત કરી તેના વિશે લખવાનું ભારે આકર્ષણ હતું. મેં 27 સપ્ટેમ્બર 2021ની મારી કોલમ ‘વિમેન ઈન ડિપ્લોમસી’ વિષયને સમર્પિત કરી હતી ત્યારે આ સપ્તાહે મારે રાજદ્વારી-કૂટનીતિના ક્ષેત્રે સ્ત્રીઓની જરૂરિયાત અને ભૂમિકાને માન્યતા આપવા બદલ આંતરરાષ્ટ્રીય કોમ્યુનિટી પ્રત્યે આભાર વ્યક્ત કરવાની ઈચ્છા હતી.
ગત થોડા દિવસોમાં મહત્ત્વની અન્ય તમામ ઘટનાઓમાં યુએસએમાં સીમાચિહ્નરુપ બે ઘટના જોવાં મળી જેના પર આ સપ્તાહે વધુ ધ્યાન આપવાની આવશ્યકતા જણાય છે. પ્રેસિડેન્ટ બાઈડેને 25 જૂને દાયકાઓમાં સૌપ્રથમ મહત્ત્વપૂર્ણ ફેડરલ ગન સેફ્ટી ખરડાને કાયદાનું સ્વરુપ આપતા હસ્તાક્ષર કર્યા હતા. આ સાથે દેશમાં સૌથી વિવાદાસ્પદ નીતિવિષયક મુદ્દાઓમાં એક પર નોંધપાત્ર દ્વિપક્ષી સફળતા પ્રાપ્ત થયેલ છે. તાજેતરમાં ટેક્સાસની એલીમેન્ટરી સ્કૂલ તથા ન્યૂ યોર્કના બફેલોમાં મુખ્યત્વે અશ્વેત વર્ચસ્વ હેઠળના વિસ્તારના સુપરમાર્કેટમાં થયેલી સામૂહિક ગાળીબારોની ઘટનાના પગલે આ ખરડો મૂકાયો હતો. મોટા ભાગના દેશોમાં ગન ક્યાંથી ખરીદવી તેના વિશે લોકો જાણતા હોતા નથી તે વિચારીએ ત્યારે યુએસએમાં નાના બાળકો પણ કેન્ડી ખરીદતાં હોય તેવી સરળતાથી સોફિસ્ટિકેટેડ શસ્ત્રો મેળવી શકે છે! આથી, આ નિર્ણય લાંબા સમયથી રાહ જોવાતી હતી તેવો સીમાચિહ્નરુપ નિર્ણય છે.
યુએસની ધારાકીય સત્તા-લેજિસ્લેચરે વિધેયાત્મક દિશામાં પગલું ભર્યું છે ત્યારે યુએસની સુપ્રીમ કોર્ટે (USSC) 24 જૂને રો વર્સિસ વેડ (Roe v. Wade)ના કેસમાં USSCના સીમાચિહ્ન ચુકાદાને ઉલટાવી નાખીને દાયકાઓ જૂના કાલખંડમાં લઈ જતું પારોઠનું પગલું ભર્યું છે. આ ચુકાદાએ યુનાઈટેડ સ્ટેટ્સમાં 1973થી સગર્ભાવસ્થાના પ્રથમ બે ત્રિમાસિક ગાળા (ટ્રાઈમસ્ટર) દરમિયાન ગર્ભપાત (એબોર્શન)ને પરવાનગી આપવા સાથે ગર્ભપાતને બંધારણીય અધિકાર તરીકે પ્રસ્થાપિત કર્યો હતો.
ડોબ્સ વર્સિસ જેક્સન વિમેન્સ હેલ્થ ઓર્ગેનાઈઝેશન તરીકે જાણીતા મિસિસિપી કેસના ચુકાદામાં USSCએ ઠરાવ્યું છે કે ‘બંધારણ ગર્ભપાત કરાવવાનો અધિકાર બક્ષતું નથી’ અને ‘ગર્ભપાતને નિયંત્રણમાં રાખવાની સત્તા લોકો અને તેમના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પરત સુપરત કરવામાં આવે છે’. આ ચુકાદાના પરિણામે, યુએસમાં લગભગ અડધોઅડધ રાજ્યો ગર્ભપાતને પ્રતિબંધિત કરશે અથવા ગર્ભપાત પર ભારે નિયંત્રણો લાદશે. સુપ્રીમ કોર્ટનો ચુકાદા જાહેર કરાયા પછી યુ.એસ.ના ઘણા રાજ્યોમાં પ્રતિબંધો અમલમાં આવી ગયા છે.
USSCએ રો વર્સિસ વેડના કેસમાં ગર્ભપાત કરાવવાની પસંદગી કરવા સગર્ભા મહિલા સ્વતંત્ર હોવાનું ઠરાવ્યું હતું. કાનૂની ઉપનામ ‘Jane Roe’થી જાણીતા નોર્મા મેક્કોર્વે દ્વારા આ કેસ લવાયો હતો જેઓ 1969માં તેમની ત્રીજી સગર્ભાવસ્થામાં ગર્ભપાત કરાવવા ઈચ્છતાં હતાં. તેઓ ટેક્સસાસમાં રહેતાં હતાં જ્યાં માતાનું જીવન બચાવવાં માટે જ ગર્ભપાતને પરવાનગી અપાતી હતી. તેમના વતી તેના એટોર્નીઝ સારાહ વેડિંગ્ટન અને લિન્ડા કોફીએ યુ.એસ. ફેડરલ કોર્ટમાં સ્થાનિક ડિસ્ટ્રિક્ટ એટોર્ની હેન્રી વેડ વિરુદ્ધ કાનૂની દાવો દાખલ કર્યો હતો. યુ.એસ. ડિસ્ટ્રિક્ટ કોર્ટ ફોર ધ નોર્ધર્ન ડિસ્ટ્રિક્ટ ઓફ ટેક્સાસની ત્રણ જજની પેનલે તેમની તરફેણમાં ચુકાદો આપતા સંબંધિત ટેક્સાસ એબોર્શન કાયદાઓને ગેરબંધારણીય જાહેર કર્યા હતા. USSCએ જાન્યુઆરી 22, 1973ના દિવસે 7 વિરુદ્ધ 2ની બહુમતીએ સગર્ભા મહિલાના ગર્ભપાતના (બિન-અબાધિત) અધિકારનું રક્ષણ કરવા સાથે મૂળભૂત ‘રાઈટ ટુ પ્રાઈવસી’ને માન્ય રાખ્યો હતો. આ ચુકાદાના પરિણામે સમગ્ર યુએસમાં ગર્ભપાતની કાયદેસરતા તેમજ તેનો નિર્ણય કોણે કરવો જોઈએ તેના વિશે તીવ્રપણે ચર્ચાઓનો વંટોળ સર્જાયો હતો. નૈતિક અને ધાર્મિક માન્યતાઓ ‘જીવનતરફી’ લોબી, ગર્ભપાતવિરોધી રાજકારણીઓ અને ચુકાદાને ઉલટાવવા દાયકાઓથી કાર્યરત કર્મશીલો માટે ચાલકબળ બની રહી હતી.
USSCનો તાજેતરનો ચુકાદો વૈશ્વિક પ્રવાહની વિરુદ્ધ જાય છે જે સ્થિતિમાં ઘણા દેશોએ તાજેતરના વર્ષોમાં ગર્ભપાતના કાયદાઓમાં ઉદારીકરણ દર્શાવ્યું છે. યુએસના પડોશી દેશ મેક્સિકોમાં સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે જ સર્વાનુમતે ચુકાદો આપ્યો હતો કે ગર્ભપાતને દંડનીય ઠરાવવો તે ગેરબંધારણીય છે. ઘણા થોડા દેશોમાં એક કેનેડા પણ છે જ્યાં સગર્ભાવસ્થા દરમિયાન કોઈ પણ સમયે ગર્ભપાતની છૂટ મળે છે. યુરોપિયન યુનિયનના મોટા ભાગના દેશો, G7 માં છે તે સહિત સગર્ભાવસ્થાની મર્યાદામાં એબોર્શનની છૂટ આપે છે.
ભારતમાં પણ 1971માં મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનન્સી (MTP) એક્ટ અમલમાં આવવા સાથે ગત 50 વર્ષથી વિવિધ સંજોગો હેઠળ ગર્ભપાતને કાયદેસર બનાવાયો છે.
ભારતમાં મહિલા અને બાળવિકાસ મંત્રાલયના મિનિસ્ટર સ્મૃતિ ઈરાની (ઈન્ડિયન એક્સપ્રેસ, જૂન 28) ‘પશ્ચિમ પીછેહઠ કરે છે, ભારત માર્ગ ચીંધે છે (West steps back, India shows way)’ મથાળા હેઠળ લખે છે કે,‘ આ કાયદા અન્વયે માતાના જીવનને જોખમ, માનસિક વ્યથા, બળાત્કાર, ઈનસેસ્ટ (નિકટના સગાં સાથે સમાગમ), ગર્ભનિરોધકોની નિષ્ફળતા અથવા ગર્ભની અસામાન્યતાના નિદાનની ભૂમિકાએ સગર્ભાવસ્થાના 24 સપ્તાહ સુધી ગર્ભપાત થઈ શકે છે. આ કાયદો MTP Act, 1971ના 20 સપ્તાહના પડકારને ચાતરી જાય છે અને આરોગ્ય અને પ્રજનન વિજ્ઞાનના ક્ષેત્રમાં પ્રગતિને સ્વીકારે છે. જે દેશોમાં યૌનશોષણ અથવા ઈનસેસ્ટ જેવા કારમા આઘાતજનક સંજોગો છતાં, ગર્ભધારણ પછી ગર્ભપાતને પરવાનગી અપાતી નથી તેમની સરખામણીએ આ ઉદારવાદી સિદ્ધિ છે.’ એબોર્શનનો ખર્ચ આયુષ્યમાન ભારત યોજના, તમામ સરકારી હોસ્પિટલો, સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ અને રાજ્ય સરકારના ઈન્સ્યુરન્સ હેઠળ આવરી લેવાય છે.
વર્ષ 2012માં આયર્લેન્ડમાં રહેતી ભારતીય મૂળની ડેન્ટિસ્ટ સવિતા હાલાપ્પાનાવારની ગર્ભપાતની વિનંતીને કાનૂની ભૂમિકાએ નકારી કઢાયાં પછી સેપ્સિસ- સડાના કારણે તેમનું મોત થવા સાથે એબોર્શન્સ મુદ્દે વિશ્વભરમાં જોરશોરથી ચર્ચા શરૂ થઈ ગઈ હતી. તેમના મૃત્યુથી રાષ્ટ્રવ્યાપી આક્રોશના પગલે હેલ્થ (રેગ્યુલેશન ઓફ ટર્મિનેશન ઓફ પ્રેગનન્સી) એક્ટ 2018 ઘડાયો હતો જેના પર 20 ડિસેમ્બર 2018ના દિવસે સહી થઈ કાયદાનું સ્વરૂપ અપાયું હતું.
USSCનો પીછેહઠ કે પ્રત્યાગમનનો ચુકાદો સ્ત્રીઓના પ્રજનનીય આરોગ્ય અને પ્રજનનીય અધિકારો પર કુઠારાઘાત છે. આ નિર્ણયથી સમગ્ર વિશ્વમાં પ્રગતિવિરોધી પરિબળો મજબૂત બનશે. યુએસમાં જ ડેમોક્રેટ્સે આ નુકસાનને સુધારવા ફેડરલ કાયદો ઘડી શકે છે પરંતુ, આમ કરવા માટે તેમને સેનેટમાં બહુમતીની જરૂર પડશે! એવી શું ગેરન્ટી છે કે ભવિષ્યમાં બંને ગૃહોમાં રિપબ્લિકન બહુમતી ગર્ભપાતના વિરોધમાં ફેડરલ કાયદો નહિ લાવે? આ કેવી કરૂણાંતિકા છે કે વિશ્વના ઉદાર ‘મક્કા’માં સ્ત્રીઓનાં અધિકારોને આટલો ગંભીર આઘાત પહોંચ્યો છે.શક્તિશાળી બની રહેલા ચીનના વિરોધમાં યુએસ પોતાની વૈશ્વિક નેતાગીરી જાળવવા સંઘર્ષ કરી રહ્યું છે ત્યારે જ USSCએ ઉદાર-મુક્ત વિશ્વની યુએસની નેતાગીરીને ગંભીર ફટકો માર્યો છે.
(રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા સાઉથ આફ્રિકા, ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારાં તેઓ માત્ર બીજાં મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.
Twitter: @RuchiGhanashyam)


