હમાસના ત્રાસવાદીઓએ ગત સપ્તાહે ઈઝરાયેલ પર હુમલો કર્યો ત્યારે મારા મનમાં એક બાબત સ્પષ્ટ થઈ ગઈ હતી કે યુકેમાં કેટલીક કોમ્યુનિટીઓ માટે તેની ગંભીર અસરો પડશે. આને નજરમાં રાખી મેં આપણા હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેન MPને શાંતિના ગંભીર ઉલ્લંઘનો તેમજ જાનમાલને જોખમની સંભાવના વિશે ચેતવણી આપતો એક પત્ર પાઠવ્યો હતો. આ પત્રનો કેટલોક સારાંશ નીચે મુજબ છેઃ
ડીઅર સુએલા,
કેનેડા અને ઈઝરાયેલમાં તાજેતરના ઘટનાક્રમોને ધ્યાનમાં રાખતા યુકેમાં હિન્દુ અને ભારતીય કોમ્યુનિટીઓની સુરક્ષા અને સલામતી સંદર્ભે મારી ગંભીર ચિંતા દર્શાવવા હું આપને પત્ર લખવાની આ તક ઝડપી રહ્યો છું.
અમે વડા પ્રધાન રિશિ સુનાકના આભારી છીએ જેમણે સ્પષ્ટપણે એ બાબત જણાવી દીધી છે કે એક દેશ તરીકે આપણે ઈઝરાયેલની પડખે ઉભા રહ્યા છીએ. ભારતીય ડાયસ્પોરા પણ આવી જ લાગણી અનુભવે છે. આની સાથોસાથ, વડા પ્રધાન મોદીએ પણ આ પ્રકારનું નિવેદન જારી કર્યું હતું જેમાં તેમણે ભારે મજબૂતી સાથે ઈઝરાયેલની તરફેણ કરી હતી. આ નિવેદનોના પરિણામરુપે, હિન્દુ અને ઈન્ડિક કોમ્યુનિટીઓને સરળ લક્ષ્ય બનાવી દેવાય તેવી શક્યતાઓ વધી ગઈ છે.
આપણે નજીકના ભૂતકાળમાં જ નિહાળ્યું છે કે ઈસ્લામિક કટ્ટરવાદીઓ અને ખાલિસ્તાનવાદીઓએ અમારી કોમ્યુનિટી પર તેમના હુમલાઓ કેન્દ્રિત કર્યા છે. ઉદાહરણ જોઈએ તો, લેસ્ટર અને બર્મિંગહામમાં હિન્દુઓ પર ઈસ્લામિક કટ્ટરવાદીઓના હુમલા નજર સમક્ષ જ છે. આપણે એ પણ જોયું છે કે ઈસ્લામિક કટ્ટરવાદીઓ અને ખાલિસ્તાનવાદીઓ ભારતીય હાઈ કમિશન પર મોરચા-દેખાવો લઈ ગયા છે જે મોટા ભાગે હિંસા અને ઉશ્કેરણી અને ઘૃણાજનક ભાષણોમાં પરિણમ્યાં છે.
હવે કોમ્યુનિટીમાં સાચો ભય પ્રવર્તી રહ્યો છે કે યુકેમાં આ બે જૂથોના એજન્ટ્સ માત્ર યહુદી કોમ્યુનિટીને જ નિશાન નહિ બનાવે પરંતુ, હિન્દુ અને ઈન્ડિક કોમ્યુનિટીઓને પણ લક્ષ્ય બનાવશે. મારે આપને વિનંતી કરવાની છે કે આપની ઓફિસ દ્વારા આગોતરી કાર્યવાહી કરવામાં આવે અને અમારી કોમ્યુનિટીના રક્ષણ માટે વ્યવસ્થા કરવામાં આવે.
વિશેષ કરીને આ કરવાની આવશ્યકતા રહેશેઃ
એ. કાયદા હેઠળના તમામ પોલીસ દળોને તમામ નાગરિકોની સુરક્ષા અને સલામતીની ચોકસાઈની તેમની ફરજ બાબતે એલર્ટ કરી દેવાય. ખાસ કરીને, સતત વધતી કનડગત, ધાકધમકી અને હિંસક હુમલાઓ હેઠળ આવે શકે તેવી હિન્દુ અને ઈન્ડિક કોમ્યુનિટીઓ માટે સાવધાની રખાય.
બી. કોઈ પણ દેખાવકાર-વિરોધીઓને કોઈ પણ પૂજા-ધર્મસ્થાનોની નજીક આવવા ન દેવાય તેની આગોતરી કાર્યવાહી હાથ ધરવી જોઈએ. મંદિરોની સુરક્ષા કરવી જોઈએ તેમજ લેસ્ટર અને બર્મિંગહામમાં પોલિસિંગમાં જે ભૂલો થઈ હતી તેનું પુનરાવર્તન થવું ન જોઈએ.
સી. દરેક હિન્દુ અને ઈન્ડિક ધર્મસ્થળો અને કોમ્યુનિટી સેન્ટર્સને 24//7/365 સંચાલિત કરી શકાય તેવી અદ્યતન CCTVટેકનોલોજીથી સુસજ્જ કરવા માટે ઈમર્જન્સી ફંડની વ્યવસ્થા કરવામાં આવે.
ડી. હિન્દુ અને ઈન્ડિક કોમ્યુનિટીઝના વિદ્યાર્થીઓ સામે વધેલા જોખમો વિશે દેશમાં દરેક શૈક્ષણિક સંસ્થાઓને સાવધાન કરવામાં આવે.
ઈ. દરેક સ્થાનિક ઓથોરિટીને તમામ નાગરિકો પ્રત્યે સંભાળની તેમની ફરજ સંદર્ભે યાદ અપાવાય તેની ચોકસાઈ રખાવી જોઈએ.
એફ. સોશિયલ મીડિયા સહિત તમામ મીડિયાને, તેમના વપરાશકારો અને ખાસ કરીને હિન્દુ અને ઈન્ડિક કોમ્યુનિટીઓના લોકોની સુરક્ષા અને સલામતી પ્રત્યે તેમની સંભાળની ફરજ વિશે યાદ કરાવાય.
ઉપરોક્ત બાબતો લઘુતમ કાર્યવાહી કેવી રહેવી જોઈએ તેનું વિવરણ આપે છે. મને ખાતરી છે કે આપનું ડિપાર્ટમેન્ટ આનાથી વધુ સર્વગ્રાહી યાદી બનાવવા સક્ષમ રહેશે.
હું એમ માનું છું કે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ બહેતર બને તે પહેલા વધુ વણસી જવાની શક્યતા વધુ છે અને આપણા ધારણા કરતાં પણ તે ઘણું વધુ લંબાશે. ખાલિસ્તાન અને પેલેસ્ટાઈનના સમર્થકો પોતાની ઘૃણા ઠાલવવા શેરીઓમાં ઉતરી આવ્યાનું આપણે નિહાળ્યું જ છે. કેટલાક લોકો તો તેમણે માની લીધેલા દુશ્મનોની ઈજાઓ અથવા મોતનો આનંદ માણી રહેલા જણાતા હતા.
હું આશા રાખું છું કે તમે તત્કાળ સક્રિયપણે કાર્યવાહી કરશો. કોમ્યુનિટીનું રક્ષણ કરવા રચનાત્મક પગલાં લેવાય તે પહેલા કોઈ હિન્દુ મોતનો શિકાર બનવો ન જોઈએ અને જે લોકો આપણા કાયદાઓને તોડવાની ઈચ્છા રાખતા હોય તેઓને તો સળિયા પાછળ ધકેલી દેવા જોઈએ.
આ સપ્તાહથી આપણે હિન્દુ ઉત્સવોના સમયગાળામાં પ્રવેશી રહ્યા છીએ જેનો આરંભ નવરાત્રિની સાથે થાય છે અને ટુંક સમયમાં જ દીવાળીનો ઉત્સવ આવી જશે. આ એવો સમય છે જ્યારે લોકો પોતાની આસ્થા અને તેમની સાંસ્કૃતિક વિરાસતનો આનંદ માણવા ઘણી મોટી સંખ્યામાં એકત્રિત થાય છે. ભૂતકાળમાં સ્વાર્થી લોકો દ્વારા હુમલાઓ કરાયાનું આપણે જોયું છે. આ વર્ષે આપણી સામે ઈસ્લામિક કટ્ટરવાદીઓની વધારાની ધમકી છે જેઓ તેમની હતાશા માત્ર જ્યુઈશ કોમ્યુનિટી પર નહિ ઠાલવી હિન્દુ અને ઈન્ડિક કોમ્યુનિટીઝના લોકોને પણ નિશાન બનાવી શકે છે. આપણને આપણા જ્યુઈશ મિત્રોના સમર્થકો તરીકે નિહાળવામાં આવે છે અને તે આપણને સહેલું નિશાન બનાવી શકે છે.
આથી, પ્રત્યેક હિન્દુ અને ઈન્ડિક મંદિર તેમજ કોમ્યુનિટીઝના સ્થળો અને તેમની નેતાગીરીએ ધમકીના આ જોખમની ચેતવણીને ધ્યાનમાં રાખવી જરૂરી છે. તમારી તમામ સ્ટાન્ડર્ડ સંચાલન પ્રક્રિયાઓમાં જોખમના વધેલા સ્તરને ધ્યાનમાં લેવાય તેની ચોકસાઈ રાખશો. એવી ચોકસાઈ પણ રાખજો કે તમારી પાસે CCTVહોય તો તે 24/7 કાર્યરત રહે અને તેમનું સતત રેકોર્ડિંગ પણ થતું રહે તમારા તમામ ઈમર્જન્સી નંબર્સ હાથવગા રહે અને તમારી સ્થાનિક પોલીસને આગામી થોડા મહિનાઓ સુધીના તમારા ઈવેન્ટ્સના પ્રોગ્રામ્સની સંપૂર્ણ જાણકારી મળી ગઈ હોય તેની પણ ચોકસાઈ રાખશો. તમારા સ્થળ અથવા સંબંધિત ઉપસ્થિત લોકોના સંદર્ભે દરેક નાની ઘટનાનું પણ રેકોર્ડિંગ કરતા રહેશો. ચોકસાઈપૂર્વકના રેકોર્ડિંગથી પોલીસને તોફાની તત્વોને ઝડપી લેવાની પૂરતી તક મળી રહેશે. ટુંકમાં સાવચેતીનું પ્રમાણ જરા પણ ઘટાડશો નહિ. અત્યારથી જ મહેનત કરશો તો દરેક જણ આપણા સુંદર ઉત્સવોને સંપૂર્ણપણે માણી શકશે.
આ સાથે આપ સહુને નવરાત્રિની શુભકામના પાઠવું છું.
(તમે મને Twitter: @kk_OEG પર ફોલો કરી શકો છો.)


