યુકેમાં અન્ય સાઉથ એશિયન ઈમિગ્રન્ટ્સની સાથે ભારતીય ઈમિગ્રન્ટ્સની છબીને સરખાવતો YouGovનો 2018નો સર્વે સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે. આ સર્વેનું તારણ કે નિષ્કર્ષ એવો છે કે ભારતીય ઈમિગ્રન્ટ્સને +25નો તંદુરસ્ત પોઝિટીવ સ્કોર મળ્યો છે જ્યારે બાંગલાદેશ અને પાકિસ્તાનથી આવેલા ઈમિગ્રન્ટ્સ માટેના સ્કોરના આંકડા નેગેટિવ ઝોનમાં છે.
YouGovના સર્વેમાં યુકેના 1,668 વયસ્કોને પ્રશ્ન કરાયો હતો કે વિશ્વના વિવિધ પ્રદેશો કે વિસ્તારોમાંથી આવેલા ઈમિગ્રન્ટ્સે બ્રિટિશ સામાજિક જીવનમાં આપેલું યોગદાન પોઝિટીવ કે નેગેટીવ છે કે કેમ? આ રહસ્યપ્રેરક અનુમાન કે પૂર્વધારણાને ચકાસવાના પ્રયાસોમાં શંકાશીલ મંતવ્ય બહાર આવ્યું કે ભારતીયો ભારતની સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણીથી એટલા ઉત્સાહની લાગણી અનુભવે છે કે સોશિયલ મીડિયામાં આ પ્રકારના સંદેશાઓ ફરતા થયા છે.
ભારતીય ઈમિગ્રન્ટ્સના પોઝિટીવ મૂલ્યાંકનો ભૂતકાળમાં પણ બહાર આવેલાં છે. ઉદાહરણ આપીએ તો, માઈગ્રેશન વોચ યુકે દ્વારા 2014ના માઈગ્રેશન ડેટાના વિશ્લેષણમાં જણાયું હતું કે ‘ભારતીયો મજબૂત આર્થિક લાક્ષણિતાઓ દર્શાવે છે’ - તેઓમાં રોજગારીનો ઊંચો દર રહે છે, આવકનો દર પણ ઊંચો રહે છે અને બેનિફિટ્સના ક્લેઈમ્સનું પ્રમાણ નીચું રહે છે.
આવી જ સ્ટોરીનું પુનરાવર્તન અન્યત્ર પણ જોવાં મળે છે! યુએસમાં ભારતીય ઈમિગ્રન્ટ્સનું પ્રમાણ વિદેશમાં જન્મેલી વસ્તીના અંદાજે 6 ટકા જેટલું છે અને તેના કારણે તેઓ આ દેશમાં મેક્સિકન પછી સૌથી મોટા બીજા ક્રમના ઈમિગ્રન્ટ્ જૂથ તરીકે બહાર આવે છે. અભ્યાસો અનુસાર યુએસમાં ભારતીય ઈમિગ્રન્ટ્સનું શૈક્ષણિક સ્તર ઘણું ઊંચુ હોવાની શકયતા છે, તેઓ મેનેજમેન્ટ હોદ્દાઓ પર કામ કરે છે તેમજ યુએસ અથવા વિદેશમાં જન્મેલી વસ્તીની સરખામણીએ ઊંચી આવકો ધરાવે છે. તેમનામાં ગરીબીનો દર નીચો છે અને વીમાકવચ ધરાવતા ન હોય તેવી શક્યતા ઘણી ઓછી હોય છે. વર્ષ 2019માં ભારતીય ઈમિગ્રન્ટ્સની સરખામણીએ યુએસમાં જન્મેલા અને તમામ ઈમિગ્રન્ટ વયસ્કોના 33 ટકાની સરખામણીએ ભારતીય ઈમિગ્રન્ટ્સના 79 ટકાની વય 25 અને તેથી વધુ હતી તેમજ ઓછામાં ઓછી બેચલર-સ્નાતકની ડીગ્રી ધરાવતા હતા. ભારતીયોની આવક પણ ઘણી ઊંચી હતી; વર્ષ 2019માં ભારતીય ઈમિગ્રન્ટના વડપણ હેઠળના પરિવારની મધ્યગ આવક 132,000 ડોલરની હતી જેમની સરખામણીએ તમામ ઈમિગ્રન્ટ્સ અને યુએસમાં જન્મેલા વ્યક્તિના પરિવારની મધ્યગ આવક અનુક્રમે 64,000 ડોલર અને 66,000 ડોલર જેટલી હતી.
શરૂઆતના ભારતીય જૂથોએ યુએસના વર્કફોર્સમાં ટેક્સી ડ્રાઈવર્સ, શ્રમિકો, ખેડૂતો અથવા નાના બિઝનેસ માલિકો તરીકે પ્રવેશ મેળવ્યો હતો જ્યારે પાછળથી આવેલા ભારતીય ઈમિગ્રન્ટ જૂથો મોટા ભાગે પ્રોફેશનલ્સ તરીકે અથવા ગ્રેજ્યુએટના અભ્યાસ માટે આવ્યાં હતાં અને પછી પ્રોફેશનલ નોકરીધંધામાં જોડાયા હતા. ટેક્નિકલ ઈન્ડસ્ટ્રીઝની વૃદ્ધિના પરિણામે તેઓ નાણાકીય દૃષ્ટિએ સફળ થયા હતા. વર્ષ 2007-08માં અમેરિકન યુનિવર્સિટીઓમાં ભારતીય મૂળના 4000થી વધુ પ્રોફેસર અને ભારતમાં જન્મેલા 84,000 વિદ્યાર્થીઓ હતા તેમજ અમેરિકન એસોસિયેશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઈન્ડિયન ઓરિજિનના 35,000 સભ્ય હતા. વર્ષ 2000માં ફોર્ચ્યુન મેગેઝિને અંદાજ મૂક્યો હતો કે ઈન્ડિયન સિલિકોન વેલીના એન્ટ્રેપ્રીન્યોર્સ દ્વારા સર્જન કરાયેલી સંપત્તિ આશરે 250 બિલિયન ડોલર હતી. ટોપમોસ્ટ ગ્લોબલ કંપનીઓમાં ભારતવંશી/ભારતમાં જન્મેલા CEO હોવા વિશે વિશ્વને હવે જરા પણ નવાઈ લાગતી નથી.
યુકેમાં ભારતીય કોમ્યુનિટીની સારી ટકાવારી હવે ત્રીજી પેઢીમાં છે. યુકેમાં ભારતીયોના આગમનની પ્રથમ લહેર આર્થિક રીતે નબળી પશ્ચાદભૂ સાથેની હતી અને શારિરીક મહેનતથી મજૂર તરીકે કામ કર્યું હતું. આ પછીની પેઢીઓએ રાજકારણ, કાયદા, બિઝનેસ, મેડિસીન, ઈન્ડસ્ટ્રી, ફાઈનાન્સ, એકેડેમીઆ અને રિસર્ચના ક્ષેત્રોમાં સફળતા હાંસલ કરી છે.
બ્રિટિશ એસોસિયેશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઈન્ડિયન ઓરિજિનના 60,000 સભ્યો NHSનું મજબૂત પોલાદી માળખું બનાવે છે. વ્યાપક બ્રિટિશ સંસ્કૃતિમાં જ ભારતીય સંસ્કૃતિ રેફરન્સ પોઈન્ટ બની ચૂકી છે. ફિલ્મ્સ હોય કે મ્યુઝિક, ફૂડ હોય કે ફેશન, ભારતીયોએ બ્રિટિશ સમાજમાં પોતાની ઉપસ્થિતિનો અહેસાસ કરાવ્યો છે.
યુકેની કુલ વસ્તીમાં ભારતીયોની સંખ્યા આશરે 2.3 ટકા (2011ના સેન્સસ મુજબ) હોવાં છતાં, તાજેતરમાં જાહેર કરાયેલા સન્ડે ટાઈમ્સ રિચ લિસ્ટ 2022માં તેમનું સ્થાન પ્રથમ છે અને પ્રથમ છ ક્રમમાં ત્રણ ભારતીય આવે છે. આ યાદીમાં શ્રી અને ગોપીચંદ હિન્દુજા અને પરિવાર પ્રથમ ક્રમે છે. 250 ધનાઢ્યોની યાદીમાં 15 સ્થાન ભારતવંશી/મૂળના છે. આમાં કોઈ જ નવાઈ નથી કે 2003માં મીડિયા મોગલ્સના સ્થાપક અંજના રાહેજાએ ભારતીય કોમ્યુનિટીની સતત વધતી આર્થિક તાકાત અને ખર્ચવાલાયક- વપરાશજોગ આવકને વર્ણવવા માટે ‘બ્રાઉન પાઉન્ડ’ શબ્દપ્રયોગ કર્યો હતો.
ભારતીય હાઈ કમિશન અને ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના સહયોગમાં ગ્રાન્ટ થોર્ન્ટન દ્વારા 2020ના ‘ઈન્ડિયા ઈન ધ યુકેઃ ધ ડાયસ્પોરા ઈફેક્ટ’ રિપોર્ટમાં ભારતીય ડાયસ્પોરાના યોગદાન અને ઉદ્યોગસાહસિકતાના મિજાજને દર્શાવાયો છે. ઓછામાં ઓછાં 100,000 પાઉન્ડના ટર્નઓવર સાથેના ભારતીય માલિકીના 654 બિઝનેસીસ દ્વારા સંયુક્તપણે 36.84 બિલિયન પાઉન્ડનું સર્જન કરાયું હતું, 174,000 લોકોને રોજગારી અપાઈ હતી, 1 બિલિયન પાઉન્ડનો કોર્પોરેટ ટેક્સ ચૂકવાયો હતો અને મૂડીખર્ચ મારફત આશરે 2 બિલિયન પાઉન્ડનું ઈન્વેસ્ટમેન્ટ કરાયું હતું. કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝ સાથે મળીને તૈયાર કરાયેલા ગ્રાન્ટ થોર્ન્ટનના 2022 માટેના તાજેતરના માર્કરમાં યુકેમાં કાર્યરત 900 ભારતીય કંપનીઓની ઓળખ કરાઈ હતી જેમની સંયુક્ત રેવન્યુ 54.4 બિલિયન પાઉન્ડ છે, 141,005 લોકોને રોજગારી આપી છે અને કોર્પોરેશન ટેક્સ તરીકે 304.6 મિલિયન પાઉન્ડની ચૂકવણી કરેલી છે. આમ, યુકેમાં ભારતીય કંપનીઓ અને ભારતવંશી/ભારતમાં જન્મેલા લોકોની માલિકીની કંપનીઓ દ્વારા 315,000થી વધુ નોકરીઓનું સર્જન કરાય છે જેમાં, નાના બિઝનેસીસ દ્વારા સર્જાયેલી હજારો નોકરીઓનો સમાવેશ કે ગણતરી કરાઈ નથી. આ બધી બાબતો જ યુકેમાં ભારતીય ઈમિગ્રન્ટ્સની સાનુકૂળ છબીને સ્વયં સમજાવે છે.
પાકિસ્તાની દૈનિક ‘ડોન’માં 2020ની પહેલી સપ્ટેમ્બરે પ્રકાશિત એક લેખમાં ઓવેન બેનેટ-જોન્સ બ્રિટિશ ભારતીયોની સફળતાના કારણો વિશે ચિંતન કરે છે. તેઓ કહે છે કે ઉદાહરણ તરીકે, યુકેમાં સંશોધન સ્પષ્ટ કરે છે કે, ચાઈનીઝ અને ભારતીય વિદ્યાર્થીઓ પ્રાઈમરી સ્કૂલમાં સૌથી વધુ પ્રગતિ કરે છે. પાકિસ્તાની અને બાંગલાદેશી બાળકો 11થી 16 વર્ષની વયના ગાળામાં સારો વિકાસ કરે છે પરંતુ, 16થી 18 વર્ષની વયના ગાળામાં તેમના પરિણામો ઘટતાં જાય છે. પ્રાપ્ય ડેટાના આધારે કોઈ નક્કર નિર્ણયો પર આવવું મુશ્કેલ છે છતાં, તેઓ કહે છે કે સામાજિક-આર્થિક પરિણામો માત્ર વંશીયતાના આધારે નહિ પરંતુ, અન્ય પરિબળો થકી પણ આકાર પામે છે.
ધર્મને ધ્યાનમાં રાખતા કેટલાંક સંશોધનો પણ જણાવે છે કે જો અન્ય બધી બાબતો સમાન હોય તો બ્રિટિશ હિન્દુઓ બ્રિટિશ મુસ્લિમો કરતાં વધુ સારો દેખાવ કરે છે. જ્યારે પાકિસ્તાની મુસ્લિમનોની સરખામણીએ ભારતીય મુસ્લિમો સામાન્ય રીતે વધુ સારા પરિણામોનો આનંદ મેળવે છે. આ તારણ સંશોધનની સાથે બંધબેસતા છે જેમાં જણાવાયું છે કે લૈંગિકતા જેવાં પરિબળો વ્યક્તિના ધર્મ કે આસ્થા કરતાં વધુ મહત્ત્વ ધરાવે છે.
આ રસપ્રદ પ્રશ્નનો ઉત્તર મેળવવા માટે ન્યૂઝપેપરની કોલમમાં શક્ય હોય તેનાથી અનેકગણા ઊંડા વિશ્લેષણની જરૂર પડે છે. કોઈ વ્યક્તિ વિચારી શકે તેના કરતાં પણ અનેક પરિબળો હોય છે જેમાં સૌથી વધુ ધ્યાન ભારતીય સમાજમાં પરિવાર અને શિક્ષણના પરિબળો ખેંચે છે. આ મૂલ્યોની સિસ્ટમ ધર્મ અને વંશીય વૈવિધ્યતાની મર્યાદાને ઓળંગી જાય છે. ભારતીયો કોઈ પણ ધર્મમાંથી આવતા હોય, તેઓ એવા સમાજમાંથી આવે છે જ્યાં, જ્ઞાન અને શાણપણનો આદર નહિ, કદાચ તેમની પૂજા થાય છે. ભારતીય સમાજ સંપત્તિની દેવી લક્ષ્મીની પૂજા કરવામાં પણ એટલા જ સરળ રહે છે જેટલા તેઓ જ્ઞાનના દેવી-સરસ્વતીની પૂજા કરવામાં રહે છે. આ જ બાબત ભારતીય ડાયસ્પોરાની બિઝનેસ તથા એકેડેમીઆ-શિક્ષણક્ષેત્ર, કળા અને અન્ય ક્ષેત્રોમાં સફળતાને બરાબર સમજાવી શકે છે.
(રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા સાઉથ આફ્રિકા, ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારાં તેઓ માત્ર બીજાં મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.
Twitter: @RuchiGhanashyam)


