યુકેમાં ભારતીય હાઈ કમિશનનો દૂતાવાસ છે તેવા ઈન્ડિયા હાઉસ પર 19 ફેબ્રુઆરી, 2023ના દિવસે પીળા ખાલિસ્તાની વાવટાઓ લઈને દેખાવકારોનું ટોળું ઉતરી આવ્યું હતું. સોશિયલ મીડિયા પર ફરી રહેલા આ હુમલાના વીડિયોઝમાં દેખાય છે કે એક માણસ ઈન્ડિયા હાઉસની બાલ્કનીમાં ચડી રહ્યો છે અને બિલ્ડિંગ પર લહેરાતા ભારતીય તિરંગા ધ્વજને નીચે ઉતારી તેના સ્થાને ખાલિસ્તાની ધ્વજ લગાવવા પ્રયાસ કરી રહ્યો છે. આ અપમાનજનક અને ઘૃણાસ્પદ પ્રયાસને હાઈ કમિશનના સિક્યોરિટી અધિકારીએ નિષ્ફળ બનાવ્યો જેઓ બહાદૂરી સાથે બાલ્કની તરફ દોડતા અને ભારતીય ધ્વજ નીચે ઉભેલા તોફાની તત્વોના હાથમાં પડે તે પહેલા જ તેને હાથમાં લઈ લેતા જણાય છે. આમ કરીને તેઓ આક્રમક ઘૂસણખોરોએ રચેલા અપવિત્ર કૃત્યને અટકાવે છે.
મેં આ ઘટનાના સૌપહેલા રિપોર્ટ્સ ચિલીના સાન એન્ટોનિયામાં જહાજમાંથી નીચે ઉતરતી વેળા નિહાળ્યા હતા. થોડા સમય માટે અમારી પાસે વાઈ-ફાઈ કનેક્શનની સવલત ન હતી. વાઈ-ફાઈ સાથે કનેક્ટ થતાં જ મારાં ફોનમાંથી ‘ભારતીય હાઈ કમિશન પર ખાલિસ્તાનીઓનો હુમલો’ની હેડલાઈન્સ મારી સામે ઘૂરી રહી હતી અને હું આશ્ચર્ય અને દહેશત સાથે સ્તબ્ધ હતી. મારું પહેલું રીએક્શન એ હતું કે,‘ મિશને પોલીસને સિક્યોરિટી પૂરી પાડવા સાવધ શા માટે ન કર્યા?’ મને 2019માં ઈન્ડિયા હાઉસ સામે આ જ પ્રકારે થયેલા હુમલાની યાદ આવી ગઈ. લંડનની મેટ પોલીસ સાથે અમારો અનુભવ એવો રહ્યો છે કે તેમને માહિતી અપાય ત્યારે જ તેઓ હાજર થાય છે, જોકે, લગભગ દરેક ઘટના પ્રસંગે તેમની સંખ્યા તદ્દન અપૂરતી હોય છે!
આ પછી, મેં મીડિયાના રિપોર્ટ્સ જોયાં જેમાં દર્શાવાયું હતું કે હાઈ કમિશને આયોજિત દેખાવો વિશે સત્તાવાળાઓને એલર્ટ કર્યા હતા. બોલીવૂડ મુવીઝમાં જોવાં મળતાં વિચિત્ર પુનરાવર્તનની માફક મેટ પોલીસ આવી તે પહેલા તો હીરોએ પરિસ્થિતિ બચાવી લીધી હતી. આ કિસ્સામાં તો અપરાધીઓ પણ નાસી છૂટ્યા હતા. મેં જોયેલા રિપોર્ટ્સ મુજબ પોલીસને અટકમાં લેવા માટે માત્ર એક દેખાવકાર મળ્યો હતો. આ ઘટનાના હીરોઝ તો નિશ્ચિતપણે ભારતીય સુરક્ષા કર્મચારીઓ હતા જેમણે ભારતીય તિરંગા ધ્વજને અપવિત્ર થતા-રગદોળાતા અને સંભવતઃ અપમાન પછી સળગાવી દેવામાંથી બચાવી મહાન કાર્ય કર્યું હતું.
કદાચ, 19 ફેબ્રુઆરીની ઘૃણાજનક માનહાનિના પરિણામે જ થોડાં સપ્તાહો પછી માર્ચ મહિનામાં ઈન્ડિયા હાઉસની બહાર આ પ્રકારના વિરોધી દેખાવો યોજાયા ત્યારે મેટ પોલીસની સબળ હાજરી જોવાં મળી હતી. પોલીસની મજબૂત ઉપસ્થિતિએ દેખાવકારોને ઈન્ડિયા હાઉસ બિલ્ડિંગથી સલામત અંતરે રાખ્યા હતા. આ પ્રસંગે મૈત્રીપૂર્ણ, સાર્વભૌમ રાષ્ટ્રના પ્રતિનિધિઓના તેમના કાયદેસરના સત્તાવાર કાર્યો કરવાના અધિકારોનું અતિક્રમણ-ખલેલ પહોંચાડ્યા વિના તથાકથિત ‘વિરોધ કરવાના લોકશાહી અધિકાર’નો ઉપયોગ કરવા દેવાયો હતો.
યુકેના ફોરેન સેક્રેટરી જેમ્સ ક્લેવર્લી, મિનિસ્ટર તારિક અહેમદ અને લંડનના મેયર સાદિક ખાને ઈન્ડિયા હાઉસ પરના હુમલાને વખોડી કાઢ્યો હતો. યુકેના ભારતસ્થિત હાઈ કમિશનર એલેક્સ હાલેએ પણ તેમની લાગણી સ્પષ્ટપણે વ્યક્ત કરી હતી. ભૂતકાળથી તદ્દન વિપરીત, હુમલાની નિંદા કરવામાં કોઈ પણ સંદિગ્ધતા કે અસ્પષ્ટતા ન હતી. હુમલાનું વર્ણન કરવામાં સામાન્યપણે વપરાતા ‘મોટા ભાગે શાંતિપૂર્ણ’ શબ્દગુચ્છનો ઉપયોગ પણ આ વખતે કરાયો ન હતો.
ભારતીય હાઈ કમિશન પરના હુમલાએ ભારતમાં તેમજ વિદેશમાં વસતા ભારતીય ડાયસ્પોરાના જનમતને ભારે ઉશ્કેર્યો હતો. કોઈને એ સમજાતું ન હતું કે યુકે જેવું મિત્રતાપૂર્ણ રાષ્ટ્ર ભારતીય મિશનની સુરક્ષા અને સલામતી પ્રત્યે તદ્દન ઉપેક્ષા કે અવહેલના કેવી રીતે દર્શાવી શકે, જેની સામે ચાર વર્ષથી ઓછાં સમયમાં શ્રેણીબદ્ધ હિંસક દેખાવો થતાં જ રહ્યા છે. ભારતમાં યુકે હાઈ કમિશન, જે હાઈ કમિશનરનું નિવાસસ્થાન પણ છે, ત્યાંની પરિસ્થિતિ ભારતમાં સુરક્ષા વ્યવસ્થાના સંદર્ભે ઘણી અલગ છે. દિલ્હીમાં તેમના પ્રીમાઈસિસની બહાર પેવમેન્ટ્સ પર સિક્યોરિટી બેરિકેડ્સ મૂકાયેલા જ છે જેનાથી પેવમેન્ટ્સ પર ચાલનારા સરેરાશ ભારતીય રાહદારીઓને મુશ્કેલી પણ અનુભવવી પડે છે. આ સિક્યોરિટી બેરિકેડ્સ હવે હટાવી લેવાયા છે પરંતુ, દિલ્હી પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આ પ્રીમાઈસિસની સુરક્ષા-સલામતી મુદ્દે કોઈ જ બાંધછોડ કરાઈ નથી.
મને તો ઘણી વખત યુકેમાં ભારતીય મિશનની સુરક્ષા સંદર્ભે લંડન પોલીસનો બેપરવા અભિગમ સમજાતો જ નથી. ઈન્ડિયા હાઉસ લંડનના લોકપ્રિય વિસ્તારની પ્રમાણમાં વ્યસ્ત સ્ટ્રીટ પર આવેલું છે. તેના બારણાં અને બારીઓ રોડથી થોડા ફૂટના અંતર વિના સીધાં જ પેવમેન્ટ પર ખુલે છે. બહારની તરફ સિક્યોરિટીની હાજરી પણ વર્તાતી નથી. મિશન દ્વારા તેમને સુરક્ષા મૂલ્યાંકનોની પૂરી પડાતી માહિતીને અવગણવા અથવા ઓછી આંકવાની લંડન મેટ પોલીસની માનસિકતા ખરેખર મૂંઝવી નાખનારી છે! એવી આશા રાખીએ કે સત્તાવાળાઓ હવે વાસ્તવમાં જાગી ગયા છે અને યુકેમાં ભારતના રાજદ્વારી પ્રતિનિધિઓની સુરક્ષા અને સલામતીને ગંભીરતા સાથે પ્રાધાન્ય આપશે.
હું દેખાવકારો વિશે થોડા શબ્દો લખ્યા વિના મારી કોલમને વિરામ આપી શકું નહિ. 19 ફેબ્રુઆરીએ ઈન્ડિયા હાઉસની બહાર શેરીઓમાં એ લોકોનું વર્તન તેમના માટે કે શીખ કોમ્યુનિટી માટે જરા પણ પ્રતિષ્ઠાજનક નથી. વીડિયોઝ જોનારા કોઈને પણ મવાલી બદમાશો કરતા હોય તેવી ગુંડાગીરી પ્રકારનું વર્તન જોવાં મળશે. આવી નૈતિકપણે નિષ્ક્રિય વર્તણૂકથી કોઈ પણ સામાજિક આંદોલનને પ્રેરણા મળે નહિ. જે લોકોનો ઈરાદો માત્ર ધાકધમકી આપવાનો અને સામાન્યપણે અશાંતિ કે ઉત્પાત સર્જવાનો હોય તેઓ નૈતિક નેતૃત્વ ઉભું કરી શકે નહિ.
શીખ ગુરુઓએ આપણને શાંતિ અને સંવાદિતા શીખવ્યા છે. આધ્યાત્મિકતા સાથેની નિર્ભયતા શીખ ધર્મની વિશિષ્ટતા રહી છે. 19 ફેબ્રુઆરીએ ઈન્ડિયા હાઉસ પર હુમલો કરનારાઓનું અધમ કૃત્ય પવિત્ર ગુરુઓના આચરણમાંથી પ્રેરણા મેળવનારા લોકોનું તો હોઈ જ શકે નહિ.
યુવાન શીખો અનુસરણ કરી શકે તેવા સંખ્યાબંધ રોલ મોડેલ્સ-આદર્શ છે. આમાં ભારતીય મૂળના સર્વપ્રથમ વ્યક્તિ તરીકે વર્લ્ડ બેન્કની આગેવાની કરનારા અજય બાંગાને પણ આદર્શ તરીકે અનુસરી શકાય! યુકે અને સમગ્ર વિશ્વમાં વિવિધ ક્ષેત્રોમાં પોતાને પ્રસ્થાપિત કરનારા વિશિષ્ટ વ્યક્તિઓની ખોટ નથી. આશા રાખીએ કે કોમ્યુનિટીના યુવાનો તેમનામાંથી પ્રેરણા મેળવશે.
(રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા સાઉથ આફ્રિકા, ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારાં તેઓ માત્ર બીજાં મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.
Twitter: @RuchiGhanashyam)


