યુક્રેન સામેના યુદ્ધમાં રશિયાની સુપર પાવરની ઇમેજ ધરાશાયી

72 કલાકમાં કીવ પર કબજો જમાવવાના સ્વપ્ન જોતાં પુતિનની સેના પાંગળી પૂરવાર થઇ, યુક્રેનની સેના 6 મહિનાથી મચક આપી રહી નથી, રશિયાની પરંપરાગત યુદ્ધ ક્ષમતાઓ પર મોટું પ્રશ્નાર્થચિહ્ન, ગ્લોબલ મિલિટરી પાવર તરીકે મોસ્કોને સ્થાપિત કરવાની પુતિનની ઇચ્છાઓ પર પાણી ફરી વળ્યું

આર્નોલ્ડ ક્રિસ્ટી Wednesday 31st August 2022 06:02 EDT
 
 

રશિયાના યુક્રેન પરના આક્રમણને 6 મહિના વીતી ગયાં છે. 24 ફેબ્રુઆરી2022ના રોજ રશિયાએ યુક્રેન પર હુમલાનો આરંભ કરી યુદ્ધનું રણશિંગડું ફૂંકી દીધું હતું. તે સમયે અમેરિકાના જોઇન્ટ ચીફ ઓફ સ્ટાફ્સના ચેરમેન માર્ક મિલીએ ચેતવણી આપી હતી કે રશિયા ફક્ત 72 કલાકમાં યુક્રેનની રાજધાની કીવ પર કબજો જમાવી દેશે. પરંતુ યુક્રેનની સેના 6 મહિના પછી પણ રશિયાને મચક આપી રહી નથી જેના કારણે રશિયાની સુપર પાવરની ઇમેજને મોટું નુકસાન પહોંચ્યું છે. રશિયન હુમલાઓ મધ્યે 24મી ઓગસ્ટે યુક્રેનવાસીઓએ આઝાદીના પર્વની ઉજવણી કરીને રશિયાને સંકેત આપી દીધો છે કે હમ ઝૂકેંગે નહીં.... આ યુદ્ધનું શું પરિણામ આવશે તે તો અનિશ્ચિત છે પરંતુ મોસ્કોને ગ્લોબલ મિલિટરી પાવર તરીકે ધાક બેસાડવાની પુતિનની ઇચ્છાઓ પર પાણી ફરી વળ્યું છે. યુક્રેન યુદ્ધે રશિયાની પરંપરાગત યુદ્ધ ક્ષમતાઓ પર પણ મોટું પ્રશ્નાર્થચિહ્ન સર્જી દીધું છે. રશિયાની નબળી ક્ષમતાઓને જોતાં ફિનલેન્ડ અને સ્વીડનના નાટોમાં સમાવેશના પ્રયાસોને વેગ મળી રહ્યો છે.

સ્કોટલેન્ડની સેન્ટ એન્ડ્રુઝ યુનિવર્સિટીના સ્ટ્રેટેજિક સ્ટડીઝના પ્રોફેસર ફિલિપ્સ ઓબ્રાયન કહે છે કે યુક્રેન સાથેના યુદ્ધે પૂરવાર કરી દીધું છે કે રશિયાની સૈન્ય ક્ષમતા અમેરિકા તો શું નાટોના કોઇ નાના દેશની સૈનિક ક્ષમતા સામે પણ બાથ ભીડી શકે તેમ નથી. રશિયન મિલિટરી બ્રિટિશ, ફ્રેન્ચ કે ઇઝરાયેલી સેના જેવા જટિલ ઓપરેશનો હાથ ધરવામાં પણ સક્ષમ નથી. યુક્રેન યુદ્ધે પૂરવાર કરી દીધું છે કે રશિયા દ્વિતિય સ્તરની સૈનિક શક્તિ પણ રહ્યો નથી. 

એ વાતમાં કોઇ શંકા નથી કે રશિયન સેનાએ યુક્રેનના માળખા, નગરો અને શહેરોને વ્યાપક નુકસાન કર્યું છે. યુક્રેનને પણ મોટી સંખ્યામાં સૈનિકોના બલિદાન આપવા પડ્યાં છે. યુદ્ધને કારણે લાખો યુક્રેનિયનોને દેશ છોડીને નાસી જવાની ફરજ પડી છે અને દેશનું અર્થતંત્ર ધરાશાયી થઇ ગયું છે પરંતુ યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કી અડીખમ યોદ્ધાની માફક દેશ અને સેનાનું નેતૃત્વ કરી રશિયન સેનાને ભારે નુકસાન પહોંચાડી રહ્યાં છે. યુક્રેનની સેનાના જડબાતોડ જવાબના કારણે જ રશિયાની સેનાને રાજધાની કીવનો ઘેરો છોડીને નાસી છૂટવાની ફરજ પડી હતી. ઝેલેન્સ્કીએ દેશવ્યાપી સંબોધનમાં જણાવ્યું હતું કે, 24મી ફેબ્રુઆરીએ આપણને વિશ્વ એમ કહેતું હતું કે, તમારા બચવાની કોઇ આશા નથી પરંતુ 24મી ઓગસ્ટે આપણે કહી શકીએ છીએ કે હેપ્પી ઇન્ડિપેન્ડન્સ ડે, યુક્રેન...

યુક્રેન યુદ્ધે રશિયાના પ્રભાવની પોલ ખોલી નાખી છે. હવે નાના દેશો પણ રશિયાથી ગભરાતા નથી. ઇસ્ટોનિયાના વડાંપ્રધાન કાજા કલ્લાસને સવાલ પૂછાયો કે શું હવે રશિયા ઇસ્ટોનિયા પર હુમલો કરશે? પુતિન કહેતા આવ્યા છે કે અમે ગુમાવેલી રશિયાની તમામ જમીન પરત મેળવીશું. જવાબમાં કલ્લાસે જણાવ્યું હતું કે, અમારી સરહદો પર કોઇ ખતરો નથી. શું રશિયા અમારી સાથે યુદ્ધ  કરવા તૈયાર છે?

યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયન સેનાને મોટું નુકસાન થયું છે. એક દાવા પ્રમાણે યુક્રેનની સેનાએ રશિયાના 41,350 સૈનિકો હણી નાખ્યાં છે. તે ઉપરાંત રશિયન સેનાને શસ્ત્રસરંજામનું પણ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. રશિયાની સેનાએ 1774 ટેન્ક, 4022 આર્મર્ડ ફાઇટિંગ વ્હિક્લ્સ, 939 આર્ટિલરી સિસ્ટમ, 259 મલ્ટીપલ રોકેટ સિસ્ટમ, 118 એન્ટી એરક્રાફ્ટ વોરફેર સિસ્ટમ, 223 ફાઇટર જેટ વિમાનો, 191 હેલિકોપ્ટર, 740 યુએવી, 180 ક્રુઝ મિસાઇલ, 15 વોરશિપ્સ, 2922 લશ્કરી વાહનો  અને 83 સ્પેશિયલ ઇક્વિપમેન્ટ્સ ગુમાવ્યાં છે. સંરક્ષણ નિષ્ણાતો હવે રશિયન ઇક્વિપમેન્ટ્સની ગુણવત્તા, સેનાની તાલીમ અને કમાન્ડરોની ક્ષમતા પર સવાલો ઉઠાવી રહ્યાં છે. રશિયાની સેના 1980ના દાયકામમાં અમેરિકી ટેકનોલોજીથી તૈયાર થયેલી HIMARS રોકેટ સિસ્ટમનો જવાબ પણ આપી શક્તી નથી. યુક્રેનની સેના અમેરિકા પાસેથી મળેલી આ રોકેટ સિસ્ટમ વડે રશિયન સેનામાં હાહાકાર મચાવી ચૂકી છે. અમેરિકા પાસે આ પ્રકારની 540 રોકેટ સિસ્ટમ છે જ્યારે રશિયા આ બાબતમાં સાવ કંગાળ છે. પુતિને યુક્રેન પર હુમલાના આદેશ જારી કર્યા તે પહેલાં જ કેટલાક રશિયન પોલિસી મેકર્સ સેનાની નબળાઇઓ અંગે જાણતા હતા. યુક્રેન પર હુમલા પહેલાં રશિયાએ પોતાની સેના અંગેની નબળાઇઓ સારી રીતે છૂપાવી રાખી હતી. ડિફેન્સ નિષ્ણાતો માનતા હતા કે રશિયા 1,50,000 સૈનિકો સાથેના બટાલિયન ટેક્ટિકલ ગ્રુપ સાથે હુમલા શરૂ કરશે પરંતુ વાસ્તવિકતામાં ફક્ત 90,000 સૈનિકો જ રશિયા હુમલામાં ઉતારી શક્યો હતો. તેના કારણે સડકો પર અને શહેરોમાં યુદ્ધ લડવાની રશિયન ક્ષમતાઓમાં રહેલી ખામીઓ બહાર આવી ગઇ છે. રશિયન એરફોર્સ અને એરડિફેન્સ સામે પણ સવાલો સર્જાઇ ચૂક્યાં છે. રશિયન એરફોર્સના ઇક્વિપમેન્ટ્સ, પાયલટો અને સૈનિકોની ક્ષમતા પણ સવાલોના ઘેરામાં આવી ચૂકી છે. જેની સામે નાટો દેશો અને અમેરિકા દ્વારા યુક્રેનને અપાયેલી યુદ્ધ સામગ્રી કારગર પૂરવાર થઇ છે.

બોક્સ

રશિયાનું અર્થતંત્ર ધરાશાયી, જીડીપી 4 ટકાથી નીચે ગગડ્યો

યુક્રેન સામે યુદ્ધ લડી રહેલા રશિયાનું અર્થતંત્ર ગમે ત્યારે ધરાશાયી થવાની સ્થિતિમાં આવી ગયું છે. બીજા ત્રિમાસિકમાં રશિયાનો જીડીપી વિકાસદર 4 ટકાથી નીચે ગગડી ગયો છે. ઇંધણોની વધી રહેલી કિંમતો રશિયન સરકારના બજેટને ખોરવી રહી છે. રશિયાના નાણા મંત્રાલયના એક અંદાજ અનુસાર આ વર્ષે રશિયાના જીડીપીના દરમાં 12 ટકા જેવો તોતિંગ ઘટાડો થવાની સંભાવના છે. આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો રશિયાની આર્થિક સ્થિતિ વધુ વણસાવી રહી છે. રશિયાએ યુરોપને થતા નેચરલ ગેસના સપ્લાય પર કાપ મૂક્યો હોવાથી રશિયન અર્થતંત્રને જ નુકસાન થઇ રહ્યું છે કારણ કે યુરોપ રશિયન ગેસનું સૌથી મોટું ખરીદદાર છે.

યુક્રેન યુદ્ધમાં રશિયન સેનાને નુકસાન

41,350 સૈનિકના મોત

1774 મેઇન બેટલ ટેન્ક

4022 આર્મર્ડ કોમ્બેટ વ્હિકલ્સ

939 આર્ટિલરી સિસ્ટમ

259 મલ્ટીપલ લોન્ચ રોકેટ સિસ્ટમ

118 એર ડિફેન્સ સિસ્ટમ

223 ફાઇટર જેટ વિમાનો

191 હેલિકોપ્ટર

2922 લશ્કરી વાહનો

740 યુએવી (ડ્રોન)

15 વોરશિપ્સ

83 સ્પેશિયલ ઇક્વિપમેન્ટ્સ

180 ક્રુઝ મિસાઇલ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter