આ સપ્તાહ યુગાન્ડાથી ૬૦,૦૦૦થી વધુ એશિયનોની ક્રૂર સરમુખત્યાર ઈદી અમીન દ્વારા કરાયેલી હકાલપટ્ટીની ૪૯મી વર્ષગાંઠનું હતું. વૈશ્વિક મહામારીની મધ્યે અને ઈમિગ્રેશનના સમાચારો ખોટા કારણોસર મથાળાઓમાં પ્રભુત્વ સાથે ચમકતા રહે છે તેવા સતત પરિવર્તનશીલ વિશ્વમાં હકાલપટ્ટીનું આ વિવરણ ૪૯ વર્ષ પછી પણ અગાઉની સરખામણીએ વધુ સુસંગત જણાય છે.
૪ ઓગસ્ટ, ૧૯૭૨નો દિવસ હતો જ્યારે, ઈદી અમીને એશિયન મૂળના બ્રિટિશ પ્રજાજનો પર ‘યુગાન્ડાના અર્થતંત્રમાં ભાંગફોડ અને ભ્રષ્ટાચારને ઉત્તેજન’ના આક્ષેપો લગાવીને બ્રિટને તેમની જવાબદારી લેવી જોઈએ તેવી જાહેરાત કરી હતી. હજારો યુગાન્ડન એશિયનોને યાદ હશે તેમ અમીને તમામ બ્રિટિશ પ્રજાજનોને જે દેશમાં તેમનો જન્મ થયો હતો અને જેને પોતાનું વતન માનતા હતા ત્યાંથી મૂળિયાં સોતા ઉખડી દેશ છોડી જવા માત્ર ૯૦ દિવસ- ૮ નવેમ્બર સુધીનો સમય આપ્યો હતો.
અમીને ૯ ઓગસ્ટ,૧૯૭૨ના દિવસે પોતાની નીતિમાં ભારત, પાકિસ્તાન ને બાંગલાદેશના નાગરિકોને પણ સમાવી લીધા હતા. યુગાન્ડાની નાગરિકતા અપાઈ હતી (અને ખાસ કરીને જેમની પાસે અવન્ય કોઈ દેશનું નાગરિકત્વ ન હતું) તેવા ૨૩,૦૦૦ એશિયનોની પરિસ્થિતિ તો જરા પણ સ્પષ્ટ ન હતી. મૂળ યાદીમાં સમાવેશ કરાયો ન હતો પરંતુ, ૧૯ ઓગસ્ટની યાદીમાં દેખીતી રીતે તેમનો સમાવેશ કરાયો હતો. જોકે, આંતરરાષ્ટ્રીય વિરોધ-દબાણના કારણે તેમને ત્રણ દિવસ પછી ફરી રાહત આપી હતી. ઘણા લોકોએ તો વધુ ધાકધમકી- જુલ્મ સહન ન કરવા પડે તે માટે દેશ છોડી જવાનું પસંદ કર્યું હતું અને માત્ર ૪,૦૦૦ જેટલા લોકો જ ત્યાં રોકાયા હતા. આજ દિન સુધી યુગાન્ડાના એશિયનોની હકાલપટ્ટી કરવા ઈદી અમીન શેના કારણે ઉશ્કેરાયા હતા તે મુદ્દે ઈતિહાસકારોમાં અમીનને આવેલું વિચિત્ર સ્વપ્ન અથવા આફ્રિકા સાથે બ્રિટનના દુર્વ્યવહાર સહિત વિવિધ મતમતાંતરો પ્રવર્તી રહ્યાં છે. આમ છતાં, ઈતિહાસમાં અતિ દુર્લભ સમયગાળાઓમાં એક ગાળો આ છે જેમાં માત્ર એક વ્યક્તિના કૃત્યે આટલી મોટી સંખ્યામાં લોકોના જીવનનિર્વાહ પર અસર પહોંચાડી હોય.
બ્રિટિશ, ભારતીય અથવા અન્ય બિન-યુગાન્ડન પાસપોર્ટ ધરાવતા લોકોએ તમામ ચીજવસ્તુઓને પડતી મૂકી માત્ર પહેરેલા કપડે દેશ છોડવાની ફરજ પડી હતી. તેમની જવાબદારીનો મુદ્દો વિશ્વમાં રાજકીય ફૂટબોલની રમત બની ગઈ હતી. ઈંગ્લેન્ડમાં, લેસ્ટરમાં મૂકાયેલી જાહેરાતોમાં હાઉસિંગ અને નોકરીઓ નહિ હોવાથી યુગાન્ડન એશિયનોને ત્યાં નહિ આવવા ચેતવણી અપાઈ હતી. ભટકતા લોકો, કેનેડા. ભારત, ઓસ્ટ્રેલિયા અને યુએસ જેવા દૂરના વિસ્તારોમાં પણ પહોંચ્યા હતા.
યુકેમાં એડવર્ડ હીથની કન્ઝર્વેટિવ સરકારે મજબૂત કટિબદ્ધતા દર્શાવી કે આ લોકોને મદદ કરવી તે બ્રિટનની ફરજ છે. વિશ્વના અન્ય નેતાઓએ તો મદદનો સ્પષ્ટ ઈનકાર જ કરી દીધો હતો. જોકે, યુગાન્ડા- અને ભારતનું પણ-નુકસાન બ્રિટન માટે લાભકારી બની ગયું.
બધા કહે છે તેમ આ પછી તો ઈતિહાસ જ બની ગયો. હું જ્યારે યુગાન્ડન મૂળના બ્રિટિશ ભારતીયોની નવી પેઢીએ કેટલી જબ્બર સફળતા હાંસલ કરી છે તે જોઉં છું ત્યારે બ્રિટનમાં યુગાન્ડન એશિયનોની કથા મને ગર્વનો અનુભવ કરાવે છે. આ ૪૯ વર્ષમાં આપણે ઘણે દૂર પહોંચ્યા છીએ અને મને આશા છે કે આપણી કોમ્યુનિટી બ્રિટને આપણને જે આપ્યું છે તેનું ઋણ ચુકવવાનું ચાલુ જ રાખશે. પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરને આપણો ઉલ્લેખ ‘ઈતિહાસમાં કોઈ પણ સ્થળે કોઈ પણ દેશમાં ઈમિગ્રન્ટ્સના સૌથી સફળ સમુદાયોમાં એક’ તરીકે કર્યો હતો. આપણે એક આદર્શ ઈમિગ્રન્ટ કોમ્યુનિટી બન્યા છીએ જે ઈમિગ્રેશન કેવી રીતે સફળતા આપી શકે તેનું જીવંત ઉદાહરણ આપે છે.
જે લોકોએ યુગાન્ડા છોડી ભાગવુ પડ્યું હતું તેમાના ઘણા લોકોએ ટુંકા સમયગાળામાં અભૂતપૂર્વ સફળતા નિહાળી છે. પરિવાર સંચાલિત બિઝનેસીસ મહત્ત્વપૂર્ણ ગ્લોબલ ટ્રેડિંગ કંપનીઓમાં ફેરવાયા છે અને યુકેના રિચ લિસ્ટ્સમાં પ્રભુત્વથી માંડી FTSE 100ના બોર્ડરુમ્સમાં સ્થાનો હાંસલ કરીને યુગાન્ડન એશિયનોએ બ્રિટિશ સમાજના પોતમાં પોતાના તાણાવાણા ગૂંથ્યા છે. ચાવીરૂપ સ્થાનો પરના ગણનાપાત્ર યુગાન્ડન એશિયનોમાં તુષાર મોરઝારીઆ (બાર્કલેઝમાં ગ્રૂપ ફાઈનાન્સ ડાયરેક્ટર), બેરોનેસ શ્રીતિ વાડેરા (સાન્ટાન્ડેરના અધ્યક્ષા), નીતિન ગણાત્રા (અભિનેતા) અને નિઃશંકપણે આપણા હોમ સેક્રેટરી પ્રીતિ પટેલનો સમાવેશ થાય છે. આપણી પાર્લામેન્ટ પણ અસરકારક રીતે યુગાન્ડન મૂળ ધરાવતા ૮ પાર્લામેન્ટેરિયન સાથે યુગાન્ડાની સેકન્ડ ચેમ્બર બની ગયેલ છે.
યુગાન્ડાથી હકાલપટ્ટી કરાયેલા લોકો માટે સૌથી મદદરુપ એ વાત બની રહી કે તેમાંના મોટા ભાગના એન્ટ્રેપ્રીન્યોર્સ હતા, તેઓ બિઝનેસ અને તેના જોખમોને બરાબર સમજતા હતા અને તેના પરિણામે તેઓ કોઈ પણ સ્થળે સમૃદ્ધિ મેળવી શક્યા હતા. યુગાન્ડા માટે પ્રાઈમ મિનિસ્ટરના ટ્રેડ એન્વોય (વેપારદૂત) તરીકેની મારી ભૂમિકામાં મને એ જાણવા મળ્યું કે ઉદ્યોગસાહસિકતાનું આ જ કૌશલ્ય હવે યુકે અને યુગાન્ડા વચ્ચે વેપાર સંબંધોના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.
યુગાન્ડામાં સૌથી મોટું ક્યુમ્યુલેટિવ ઈન્વેસ્ટર યુકે છે અને ગત થોડા વર્ષોમાં યુગાન્ડામાં વેપાર કરવાની ઈચ્છા સાથે ઘણા યુગાન્ડન એશિયન સહિત સંખ્યાબંધ વ્યક્તિઓ અને કંપનીઓએ મારો સંપર્ક કર્યો છે તેનાથી મને આશ્ચર્ય પણ થયું છે. આ એક સ્વીકૃત હકીકત છે કે બ્રેક્ઝિટ પછી અને કોવિડ-૧૯ પછી, આફ્રિકા સૌથી વધુ ક્ષમતા ધરાવતો ખંડ છે અને યુકે એક્સપોર્ટ ફાઈનાન્સનો સપોર્ટ બમણો થવા ઉપરાંત, બ્રિટન અને બ્રિટિશ ઈન્ડિયન્સ યોગ્ય સંજોગો હેઠળ આફ્રિકાની સમૃદ્ધિ વધારવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે.
આ વર્ષની શરૂઆતમાં ફરી ચૂંટાઈ આવેલા પ્રમુખ મુસેવેનીએ ઈદી અમીનના શાસનમાં રાખ બનેલા યુગાન્ડાનું નવસર્જન કર્યું છે. કોવિડ મહામારી અગાઉ યુગાન્ડા આફ્રિકાના સૌથી ઝડપે વિકસતા અર્થતંત્રોમાં એક હતું. એશિયનોની હકાલપટ્ટીની ૨૫મી વર્ષગાંઠે ૧૯૯૭માં પ્રમુખ મુસેવેની હજારો યુગાન્ડન એશિયનોને સંબોધવા લંડનમાં BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર આવી પહોંચ્યા હતા. અહીં તેમણે અમીનના કૃત્યોની માફી માગવા સાથે દાવો કર્યો હતો કે તેના કારણે યુગાન્ડાનું અર્થતંત્ર એક પેઢી પાછળ ધકેલાઈ ગયું હતું. તેમણે પરિવારોને તેમના બિઝનેસીસ રીક્લેઈમ અને ફરી શરૂ કરવામાં સપોર્ટનું વચન આપ્યું હતું.
બ્રિટનમાં વસતા મારા સહિત ઘણા યુગાન્ડન એશિયનો આજે પણ યુગાન્ડા માટે ભારે પ્રેમ ધરાવે છે. કેટલાક તો ત્યાં બિઝનેસીસ શરૂ કરવા અને ઘણા કિસ્સામાં ફરી શરૂ કરવા પરત ફર્યા છે. કેટલાક અંદાજો અનુસાર આ બિઝનેસીસ યુગાન્ડાની અર્થતંત્રના લગભગ અડધા જેટલા હિસ્સારુપ છે. માધવાણી અને મહેતા જેવા પરિવારો ફરી એક વખત ઈસ્ટ આફ્રિકામાં અપાર સમૃદ્ધિ અને વિપૂલ તક પૂરી પાડી રહ્યા છે.
મને એ જણાવતા આનંદ થાય છે કે યુગાન્ડા સાથે યુકેના વેપાર- જેમાં યુગાન્ડન એશિયનોની ચાવીરૂપ ભૂમિકા છે- છેલ્લાં કેટલાક વર્ષમાં પાંચ ગણો વધ્યો છે. માત્ર ગયા મહિને જ યુકેની કંપની મેક્ડરમોટ અને યુગાન્ડા વચ્ચે ત્યાં નવી પાઈપલાઈનના નિર્માણ બાબતે ૧.૯ બિલિયન પાઉન્ડના ઐતિહાસિક સોદા પર હસ્તાક્ષરનો હું સાક્ષી બન્યો હતો. આ સોદો યુગાન્ડા સાથે સૌથી મોટો નાણાકીય સોદો બની રહ્યો છે અને કોવિડ પછી યુગાન્ડાની આર્થિક રીકવરી માટે મહત્ત્વપૂર્ણ બની રહેશે.
જોકે. યુગાન્ડન એશિયનોને માત્ર વેપારમાં જ રસ હોય તેમ નથી. તાજેતરમાં કોરોના વાઈરસ મહામારીની બીજી વિનાશક લહેર દરમિયાન યુગાન્ડાના કોવિડ રાહત પ્રયાસોમાં ટેકો આપવામાં યુગાન્ડન એશિયનો મોખરે રહ્યા હતા. યુગાન્ડા આ નવી લહેરનો સામનો કરી શકે તેની મદદ માટે સેંકડો લોકોએ નાણાભંડોળ, PPEs અને મહત્ત્વની મેડિસીન્સના દાનનો ધોધ વહાવ્યો હતો. હકાલપટ્ટીની ૫૦મી વર્ષગાંઠના આગમન પહેલા જ ઘણા સભ્યો અને કોમ્યુનિટી ગ્રૂપ્સે આ ઐતિહાસિક વર્ષગાંઠે સ્મરણોત્સવ મનાવવા એકત્ર થવાની શરૂઆત કરી દીધી હતી. આ માત્ર ચાવીરુપ સીમાચિહ્ન નથી, કદાચ આખરી સીમાચિહ્નોમાં એક હશે કારણકે યુગાન્ડન એશિયનોની પ્રથમ અને બીજી પેઢીના ઘણા સભ્યો ધીરે ધીરે વિદાય થઈ રહ્યા છે. આથી જ, બ્રિટનમાં જન્મેલા ભારતીયોની નવી પેઢીના લાભાર્થે આપણે એ સંસ્મરણોને જાળવીએ તેમજ આપણને અત્યાર સુધી અહી પહોંચાડનારા સખત પરિશ્રમ, પરિવાર, શિક્ષણ અને એકતાના સંચિત મૂલ્યોના મહત્ત્વ સાથે તેમને સશક્ત બનાવીએ તે અનિવાર્ય છે. બ્રિટન અને વિદેશમાં પણ આવા પડકારો સહન કરનારી અન્ય કોમ્યુનિટીઓ માટે પણ તે રેફરન્સ પોઈન્ટ બની રહેવામાં મદદરૂપ બનશે.
આથી, તમે આ અભૂતપૂર્વ સમયગાળા હેઠળ ઓગસ્ટના આરંભને માણી રહ્યા છો ત્યારે ૪૯ વર્ષ અગાઉ અહીં આવેલા ૨૮,૦૦૦ લોકોનું સ્મરણ કરવા થોડો સમય ફાળવજો. ઘણા લોકોના ઘરની દીવાલો પર આજે ઈદી અમીનની તસવીરો હશે કારણકે તેના વિના આપણે કદી સ્થળાંતર કરીને અહીં આવ્યા ન હોત અને આપણે મેળવેલી સફળતા હાંસલ કરી ન હોત.