યુવાનોમાં આંતરિક કૌશલ્યને વિકસાવવામાં કાર્યરત આશિષ પટેલ

કેરા કુંદનપુર યુથ વિંગ (યુકે) સત્તાવાર ચેરિટી બની

- સુનેત્રા સિનિયર Wednesday 06th November 2019 01:45 EST
 
 

આશિષ પટેલ ખૂબ સફળ થયેલી યુથ ક્લબ કેરા કુંદનપુર યુથ વિંગ (યુકે)ની સેન્ટ્રલ કમિટીના સભ્ય છે. સંસ્થાની ઉત્કૃષ્ટ કામગીરીને લીધે તાજેતરમાં તે સત્તાવાર ચેરિટી બની હતી. સ્ટેનમોરમાં રોયલ નેશનલ ઓર્થોપેડિક હોસ્પિટલમાં ધ એસ્પાયર સેન્ટર ખાતે આવેલી આ ક્લબની સ્થાપના ૧૯૯૪માં થઈ હતી. વર્ષો વીતતા ગયા તેમ ક્લબમાં કોમ્યુનિટીના સભ્યો મોટી સંખ્યામાં જોડાતા રહ્યા છે. ‘ગુજરાત સમાચાર‘/‘એશિયન વોઈસ’ સાથેની મુલાકાતમાં યુવા નેતા આશિષે જણાવ્યું હતું કે તેમની ક્લબની ઉત્તરોત્તર પ્રગતિ થઈ અને હજુ પણ તેનો વિકાસ થઈ રહ્યો છે.

બ્રિટિશ-એશિયન યુવાનોને સાંકળતી આ ક્લબમાં સમાજના મૂલ્યને જાળવી રાખવાની સાથે શ્રેષ્ઠ ખેલાડીઓના ઘડતર માટે બેડમિન્ટન અને ફૂટબોલથી લઈને સ્વિમિંગ અને ક્રિકેટ જેવી વિવિધ પ્રકારની રમતો રમાય છે. અમે યુવાનોમાં રહેલા અતિમૂલ્યવાન તેવા આંતરિક કૌશલ્યનો વિકાસ કરીએ છીએ અને પ્રતિભાશાળી યુવાનોને તેમની શૈક્ષણિક કારકિર્દી ઉજ્જવળ બનાવવાની તક પણ પૂરી પડાય છે. મીડલસેક્સ કાઉન્ટી ક્રિકેટ રમવા ગયેલા અક્ષય હિરાણી કેરા કુંદનપુર યુથ વિંગ (યુકે)ના તેજસ્વી વિદ્યાર્થી છે.

ચેરિટી યુકેના સમાજના તેજસ્વી યુવા તારલાઓને એકમંચ પર લાવવા માટે સમર્પિતપણે કાર્યરત છે. તેમની ચોક્કસ પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓમાં લેન્ટ લ્યૂક્સ હોસ્પિસ માટે મીડનાઈટ વોક જેવા ચેરિટેબલ કાર્યોના આયોજનનો સમાવેશ થાય છે. તેમાં કેરા કુંદનપુરના સભ્યો માર્શલ તરીકે ફરજ બજાવે છે. તે ઉપરાંત, મેકમિલન કેન્સર સપોર્ટ માટે ટી પાર્ટીનું આયોજન અને ઉત્સવોના સમયમાં વ્યવહારિક મદદ પણ તેમાં સામેલ છે. યુવાનો સાથે મળીને રસપ્રદ અને અસામાન્ય રીતે કાર્ય કરે તેનાથી તેમના મિત્રોને પ્રેરણા મળે છે અને તેમને પણ ક્લબમાં જોડાવાની અને સમાજસેવાના કાર્યોમાં સામેલ થવાની ઈચ્છા થાય છે. તેની પાછળનો ઉદ્દેશ ગ્રૂપના સભ્યોની સંખ્યા વધારવાનો છે. ગ્રૂપમાં દરેક સભ્ય જે પણ કાર્ય કરે છે તે આનંદપૂર્વક કરે છે. સભ્યોને ચેરિટેબલ કાર્યો માત્ર કામ તરીકે નહીં પરંતુ, જીવનના રચનાત્મક ભાગ તરીકે જોવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે. તેને લીધે મોટા પ્રોજેક્ટ્સ દ્વારા મોટી ચેરિટીઝ સાથે મળીને નાણાં એકત્ર કરવા માટે કેરા કુંદનપુર યુથ વિંગ દ્વારા ભાગીદારી કરવામાં આવી છે.

તેમણે જણાવ્યું હતું, ‘ અત્યાર સુધી મેળવેલા વ્યાપક અનુભવને લીધે અમે પ્રોફેશનલ ફંડ રેઝર છીએ અને રજિસ્ટર્ડ ચેરિટી તરીકે અમને અપાયેલા સ્થાનને લીધે અમને મોટો મંચ મળ્યો છે. મળ્યું તેનાથી ખુશ છીએ. અમે ખૂબ સારા કાર્યો કરી શકીએ અને અમારા યુવાનોને જાતે વિકાસ કરવા દઈએ અને તેમનામાં રહેલી ક્ષમતાનો તેમને વધુ ઉંડાણપૂર્વક અહેસાસ કરાવી શકીએ.

ચેરિટી દ્વારા એવરેસ્ટ બેઈઝ કેમ્પ સુધી અકલ્પનીય ટ્રેકિંગની સિદ્ધિ હાંસલ કરી હતી. તેમાં ૨૪ યુવા ટ્રેકરોએ સેન્ટ લ્યૂક્સ હોસ્પિસ અને નેપાળની એજ્યુકેશનલ ચીલ્ડ્રન્સ ચેરિટી જેવી મોટી ચેરિટીઓ માટે તેમજ વિકસતા જતા કેરા કુંદનપુર યુથ વિંગની સંચાલન ખર્ચને પહોંચી વળવા માટે ૨૬,૦૦૦ પાઉન્ડ એકત્ર કરાયા હતા.

યુવાનો ટીમ બિલ્ડીંગ, આત્મસન્માન અને ટાઈમ મેનેજમેન્ટ સહિત ઘણી સંબંધિત સ્કીલ શીખે છે. આશ્ચર્યની વાત તો એ છે કે આશિષ પટેલ જ્યારે યુવા હતા ત્યારે તેમને પોતાને યુથ ક્લબનો લાભ મળ્યો હતો.

તેમણે જણાવ્યું હતું, ‘મને જીવનનું મહત્ત્વ સમજવામાં અને મોકળા મનનો બનાવવામાં ક્લબે ઘણી મદદ કરી. વિશ્વાસ ઘડતરની સાથે સાથે તમને જુદાજુદા લોકોનો પરીચય થાય, પડકારોનો અલગ અલગ રીતે સામનો કરી શકાય.’ હવે તેઓ કેરા કુંદનપુર યુથ ક્લબના વિદેશ સુધી વિસ્તરણ માટે સક્ષમ છે.

હકીકતે, હાલ કાર્ડિયાક ફિઝિયોલોજીસ્ટ તરીકે કાર્યરત આશિષ એક ઉભરતા મેડિકલ પ્રોફેશનલ છે. તેમણે ઉમેર્યું,‘ જે જગ્યાએ (ક્લબ) મારી કારકિર્દી પર સારી અસર ઉભી કરી હોય અને વર્ષો સુધી ઉછેર્યા હોય તેને કાંઈક પાછું આપવું તે ખૂબ મોટી વાત કહેવાય. હું અત્યારે જે સમર્થ વ્યક્તિ છું તે મને આ ક્લબે બનાવ્યો છે. સંસ્થા ભારતીય કોમ્યુનિટીના સભ્યોને મુક્તપણે આવકારે છે. તે વિકલાંગ વ્યક્તિઓની જરૂરિયાતોને પણ પૂરી કરે છે.

તેમણે જણાવ્યું,‘ અમે એકીકરણને દ્રઢપણે પ્રોત્સાહિત કરીએ છીએ. દરેક વ્યક્તિ સક્ષમ છે અને સૌ કોઈ ભર્યું ભાદર્યું જીવન જીવવાને લાયક છે. વયસ્ક બનવામાં માત્ર જોબ મેળવવી અને બીલો ભરવા ઉપરાંત પણ ઘણુંબધું છે.’ ’૯૦ના દાયકામાં ખૂબ નાની કોમ્યુનિટીથી અત્યારે સામૂહિક આધાર તરીકે ઉભરી આવેલ કેરા કુંદનપુર યુથ વિંગ સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે સંપર્ક અને પરોપકારિતાના સદગુણો પર ભાર મૂકે છે. આખરે, સાચી સ્વસ્થતા તો પોતાની જાતનું મૂલ્યાંકન કરતી વખતે અન્યોને સ્વીકારવાની યોગ્યતામાં જ રહેલી છે.

તેમણે ઉંમેર્યું કે ક્લબ સ્વિમિંગ પૂલ, જીમ્નેશિયમ અને સ્પોર્ટ્સ હોલથી સજ્જ છે. ક્લબમાં વિકલાંગ સભ્યોના સમાવેશ માટે પણ વ્યવસ્થા છે.

તાજેતરમાં ક્લબ દ્વારા પૂર્ણ કરાયેલા મોટા પ્રોજેક્ટ વિશે આશિષ પટેલે જણાવ્યું હતું કે ક્લબ દ્વારા MZ ફાઉન્ડેશન, હોપ ફોર સ્માઈલ અને શિશુકુંજ (યુકે) સહિતની ચેરિટી સાથે મળીને હાથ ધરાયેલા ઈન્ટરનેશનલ બુક કલેક્શન અભિયાનમાં ૨૦૦,૦૦૦ જેટલા શૈક્ષણિક પુસ્તકો એકત્ર કરાયા હતા, જે ભારત અને કેન્યાના વંચિતક બાળકોને મોકલવામાં આવ્યા હતા. કેરા કુંદનપુર યુથ વિંગની ભાવિ યોજના વિશે તેમણે જણાવ્યું હતું કે ચેરિટેબલ પ્રવૃત્તિઓના અને સંસ્થામાં યુવાનોને સામેલ કરવા પર ભાર મૂકવામાં આવશે.

સંસ્થાની વધુ માહિતી http://www.kerakundanpur.co.uk/વેબસાઈટ પરથી મેળવી શકાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter