આપણે જ્યારે યુકેમાં રવિવાર, ૬ ફેબ્રુઆરીએ મીઠી નિંદરમાંથી જાગી રહ્યા હતા ત્યારે આઘાતજનક સમાચાર પ્રસરી રહ્યા હતા કે નાઈટેંગલ ઓફ ઈન્ડિયા (ભારતની કોકિલકંઠી) હવે આપણી વચ્ચે રહ્યાં નથી. ભારત રત્ન, પદ્મ વિભુષણ, પદ્મ ભુષણ સુશ્રી લતા મંગેશકર દીદીએ સૌથી સુમધુર અને અનંતકાલીન સંગીતના સાત દાયકાની ભેટ વિશ્વને આપ્યાં પછી આંતિમ શ્વાસ લીધાં છે.
લતાજીએ ૧૯૬૬ની ફિલ્મ ‘મમતા’માં એક ગીત ગાયું હતું જેના બોલ હતા ‘રહે ના રહે હમ’. વિશેષ પ્રકારે બોલીવૂડ અને વ્યાપકપણે સર્વ માટે ‘મમતામયી’ માતા બની રહેલાં લતાજી માટે આ ગીત કેટલું બંધબેસતું બની રહ્યું છે. આ ગીતની પ્રથમ થોડી પંક્તિઓ વર્તમાન આઘાતજનક પળને આવરી લે છેઃ
‘રહેં ના રહેં હમ મહકા કરેંગે, બન કે કલી, બન કે સબા, બાગે વફા મેં’
(હું અહી હોઈશ કે નહિ હોઉ, આ સુવાસ સદાય રહેશે... જાણે એક ફૂલ, જાણે હવાની લહેખી આપણા બાગમાં લહેરાતી હોય)
હજારો અતિ વિદ્વાન, જાણકાર લોકોએ લતાજીને શ્રદ્ધાંજલિ અર્પી છે અને તેમની સાથેના સંસ્મરણોને યાદ કર્યા છે. આ અંકમાં પણ તમને ઘણું વાંચવા મળશે. લતાજી આપણા હૃદયને આપણે કલ્પના પણ કરી હોય તેનાથી વધુ સ્પર્શી ગયાં છે. આપણે આપણા જીવનમાં જે માનવીય લાગણીઓ અનુભવી હોય, જીવ્યાં હોઈએ તે બધી જ લતાજીએ તાદૃશ કરી છે.
આપણે જ્યારે પણ દેશદાઝથી ભરેલું ગીત ‘અય મેરે વતન કે લોગો’ સાંભળીશું ત્યારે પણ લતાજી આપણી સાથે રહેશે. લતાજીએ ૨૦થી વધુ ભાષાઓમાં ૩૦,૦૦૦થી વધુ ગીતો ગાયાં છે. આ ગીતો દરેક લાગણીઓ, દરેક વિચાર અને સમયની દરેક પળની અભિવ્યક્તિને જીવંત બનાવવામાં મદદ કરે છે. આવા કેટલાંક ગીતો વિચારીએ તોઃ
• લગ જા ગલે (વોહ કૌન થી)
• એક પ્યાર કા નગમા હૈ (શોર)
• કબૂતર જા જા જા (મૈને પ્યાર કિયા)
• પ્યાર હુઆ ઈકરાર હુઆ (શ્રી ૪૨૦)
• મૈં ચલી મૈં ચલી (પ્રોફેસર)
• આજા પિયા તોહે પ્યાર દૂં (બહારોં કે સપને)
• કભી ખુશી કભી ગમ... (કભી ખુશી કભી ગમ)
• દિલ પૂકારે આરે આરે (જ્વેલથીફ)
• જો વાદા કિયા (તાજ મહલ)
• યેહ સમા, સમા હૈ યે પ્યાર કા (જબ જબ ફૂલ ખીલે)
• કોરા કાગઝ થા યે મન મેરા (આરાધના)
• ગાતા રહે મેરા દિલ (ગાઈડ)
• તેરે બિના જિંદગી સે કોઈ શિકવા (આંધી)
• ચલતે ચલતે યું હી કોઈ મિલ ગયા થા (પાકીઝા)
• ફૂલોં કા તારોં કા (હરે રામ હરે કૃષ્ણ)
• ચંદા હૈ તુ (આરાધના)
• સત્યમ શિવમ સુંદરમ (સત્યમ શિવમ સુંદરમ)
આ સુરીલા ગીતોની યાદી તો અનંત છે. મને ગમતા હોય તેવા હજુ ૧૦૦થી વધુ ગીતોના નામ હું આપી શકું છું પરંતુ, તે માત્ર હિમશિલાની ટોચ જ હશે.
એક ગુજરાતી તરીકે મને એ જણાવવાનું મન અવશ્ય થશે કે તેમના માતા શ્રીમતી શેવંતીજી લાડ હકીકતમાં ગુજરાતના હતાં. લતાજીના મૌન આચરણ-વર્તનની પાછળ દેશભક્તિનું પોલાદી વ્યક્તિત્વ ઢંકાયેલું હતું. જ્યારે તેમણે ‘અય મેરે વતન કે લોગો’ ગીત ગાયું હતું ત્યારે તેમના માટે આ ગીત સામાન્ય ગીતથી કાંઈક વિશેષ હતું. તેમણે પોતાનો વારસો જાળવી રાખ્યો હતો અને બોલીવૂડની વચ્ચે રહેવા છતાં, પોતાના મૃદુ છતાં મક્કમ અવાજમાં લાગણીઓ દર્શાવતાં જરા પણ અચકાતાં કે ભયભીત જણાયાં ન હતાં.
પૂણેમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના ઉદ્ઘાટન વેળાએ તેમની ‘વંદે માતરમ’ની રજૂઆતને કોણ ભૂલી શકશે?
તેમણે કહ્યું હતું કે, ‘આપણે નરેન્દ્રભાઈને વડા પ્રધાન પદે નિહાળીએ તેવી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું.’ અને ઈશ્વરે ૨૦૧૪માં તેમની પ્રાર્થનાનો ઉત્તર પણ વાળ્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શબ્દોમાં કહીએ તો,‘મારી વેદનાને દર્શાવવાના શબ્દો મારી પાસે નથી. દયાળુ અને જતન કરનારાં લતાદીદીએ આપણા બધા વચ્ચેથી વિદાય લીધી છે. તેમના જવાથી દેશમાં એવો શૂન્યાવકાશ સર્જાયો છે જે કદી પૂરી શકાશે નહિ. આવનારી પેઢીઓ લતાદીદીને ભારતીય સંસ્કૃતિની એક દંતકથા તરીકે યાદ કરશે જેમના સુમધુર અવાજ પાસે લોકોને સંમોહિત કરવાની અદ્ભૂત શક્તિ હતી.’
મારા માટે આ જીવનનો ઉત્સવ છે. એવું જીવન જેણે સઘળું કર્યું, સર્વસ્વ અર્પણ કર્યું અને આ ધરતી પર એવા પદચિહ્ન છોડી ગયાં જે સમયની કસોટીમાં સદાય અડીખમ રહેશે.
‘રહેં ના રહેં હમ મહકા કરેંગે, બન કે કલી, બન કે સબા, બાગે વફા મેં’
ભારતના કોકિલકંઠી, સહસ્રાબ્દિના અનુપમ સૂર અને સુમધુર સ્વરની મહારાણી લતાજીને મારા કોટિ કોટિ પ્રણામ.
ઓમ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
(તમે મને Twitter: @kk_OEG પર ફોલો કરી શકો છો.)


