દિવાળીના એક અઠવાડિયા અગાઉ ૩૦ અને ૩૧ ઓક્ટોબરે દુનિયાના ગ્રૂપ ઓફ ટ્વેન્ટીઝના અથવા G20ના સભ્ય દેશોના વડા G20 શિખર પરિષદમાં ભાગ લેવા માટે રોમમાં ભેગાં થયાં હતા. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. તે પછી બધા નેતાઓ COP 26 અથવા કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝની ૨૬મી બેઠકમાં ભાગ લેવા ગ્લાસગો પહોંચ્યા હતા. આ બેઠકમાં યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેન્જ (UNFCCC) ના સિગ્નેટરીઝ હાજર રહ્યા હતા.
દુનિયા જ્યારે વૈશ્વિક મહામારી અને ક્લાઈમેટ ચેન્જના ખૂબ કપરા પડકારો સામે ઝઝૂમી રહી છે તેવા સમયે આ બન્ને બેઠક યોજાઈ હતી. મહામારીને લીધે ટ્રાવેલ અને સપ્લાય ચેઈન અવરોધાઈ હતી, જ્યારે વારંવારના લોકડાઉનને લીધે આર્થિક પ્રગતિ પર વિપરિત અસર થઈ હતી. તેને લીધે ગરીબી અને અસમાનતાની સ્થિતિ વણસી હતી. ક્લાઈમેટ ચેન્જને લીધે દેશો અને લોકો વચ્ચે આર્થિક અસમાનતા વધી છે. તેને લીધે ભવિષ્યમાં મહામારી થવાની શક્યતા વધી છે. COP 26 શિખર બેઠકનો ઉદ્દેશ પેરિસ સમજૂતી અને યુએન ફ્રેમવર્ક ઓન કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેન્જના લક્ષ્યોને હાંસલ કરવા માટે કાર્યવાહી ઝડપી બનાવવા તમામ પક્ષોને સંગઠિત કરવાનો હતો.
માનવજાત સમક્ષ હાલ જે અતિ ગંભીર પડકારો છે તેના પર દુનિયાનું ધ્યાન કેન્દ્રિત કરવામાં બન્ને મહત્ત્વની શિખર બેઠકો મદદરૂપ થઈ હતી.
G20 એ ઔદ્યોગિક અને વિકસતા વિશ્વના કેટલાંક સૌથી મોટાં અર્થતંત્રોની આંતરસરકારી ફોરમ છે. ૧૯૯૯માં વિશ્વમાં આર્થિક કટોકટી સર્જાઈ તે સમયે તેની સ્થાપના કરવામાં આવી હતી. તે આંતરરાષ્ટ્રીય આર્થિક સ્થિરતા, ક્લાઈમેટ ચેન્જ અને સાતત્યપૂર્ણ વિકાસ સહિત વૈશ્વિક અર્થતંત્ર જે મુખ્ય પડકારોનો સામનો કરી રહ્યું છે તેના પર ધ્યાન આપે છે.
કુલ વૈશ્વિક જીડીપીમાં G20નો ૮૦ ટકાથી વધુ હિસ્સો છે જ્યારે વૈશ્વિક વ્યાપારમાં ૭૫ ટકા અને વૈશ્વિક વસતિમાં તેનો હિસ્સો લગભગ ૬૬ ટકા છે. ગ્લોબલ ગ્રીનહાઉસ ગેસના એમિશનમાં તેનો હિસ્સો ૮૦ ટકા છે.
G20 સભ્ય દેશોનું કદ અને વ્યૂહાત્મક મહત્ત્વ જોતાં તે લાંબા ગાળાના વૈશ્વિક આર્થિક વિકાસ માટે પ્રયાસ અને કાર્ય કરવા તે સક્ષમ છે. તે ગ્રીન ડેવલપમેન્ટ યોજનાઓનો પાયો નાખવામાં મદદરૂપ થઈ શકે તેમ છે.
G20ની મહત્ત્વની ઉપલબ્ધિ ઓછામાં ઓછા ૧૫ ટકા ગ્લોબલ ટેક્સ વિશે થયેલી સમજૂતી છે. તેને લીધે મલ્ટિનેશનલ કંપનીઓ જે દેશોમાં કાર્યરત હોય ત્યાં ટેક્સ ચૂકવવો પડશે.
ક્લાઈમેટ વિશે પ્લેજ તૈયાર કરતી વખતે કોઈ વચનો અપાયા ન હતા. યુએનના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટરેસે વૈશ્વિક ઉકેલો પ્રત્યે G20ની ફેર પ્રતિબદ્ધતાને આવકારવા ટ્વીટ કર્યું હતું. પરંતુ, જણાવ્યું હતું કે તેમની આશાઓ પૂરી થયા વિના તેઓ રોમ છોડી રહ્યા છે. પરંતુ, તેમણે આશાઓને દફનાવી નથી.
વૈશ્વિક તાપમાન ૧.૫ ડિગ્રીના લક્ષ્યને યથાવત રાખવા અને ફાઈનાન્સ અને લોકો તથા પૃથ્વી માટે અનુકૂલન વિશેના વચનોને અમલમાં મૂકવા COP 26માં ચર્ચા થઈ હતી. ભારત અસરકારક વૈશ્વિક શાસન, સુધારેલા બહુપક્ષીયવાદ અને સમાવેશી તથા કોવિડ -૧૯માંથી લાંબા સમય સુધી જળવાઈ રહે તેવી રિકવરીની જરૂરિયાત પર ભાર મૂકતું રહ્યું છે.
અફઘાનિસ્તાન વિશેની G20 બેઠકમાં ભારતે શિયાળાને ધ્યાનમાં લઈને અફઘાનિસ્તાનને માનવતાવાદી સહાય કરવા પર ભાર મૂક્યો હતો, કારણ કે આગામી દિવસોમાં ત્યાં એક મિલિયન બાળકોને ભૂખમરાનો સામનો કરવો પડે તેવી સ્થિતિ થશે. અફઘાનિસ્તાનનો ઉપયોગ અન્ય દેશો સામે આતંકવાદ માટે ન થાય તેની તાલિબાને તકેદારી રાખવા પર પણ ભારતે ભાર મૂક્યો હતો. આવતા વર્ષે પાંચ બિલિયનથી વધુ વેક્સિનનું ઉત્પાદન કરવા માટે ભારત તૈયારી કરી રહ્યું હોવાથી કોવિડ – ૧૯ સામેની વૈશ્વિક લડાઈમાં હકારાત્મક યોગદાતા તરીકેની ભારતની ભૂમિકા સપાટી પર આવી હતી. મહામારીને હરાવવા માટેના વૈશ્વિક વેકિસનેશન પ્રયાસમાં તે ખૂબ મોટું યોગદાન હશે. ભારતે આંતરરાષ્ટ્રીય પ્રવાસમાં સુગમતા થાય માટે વેક્સિન સર્ટિફિકેશનને પારસ્પારિક માન્યતા આપવા પણ સૂચન કર્યું હતું.
ભારતે તેના નેશનલી ડીટરમાઈન્ડ કોન્ટ્રિબ્યુશન્સ (NDCs) માં સારી કામગીરી કરી છે. ભારતમાં રિન્યુએબલ એનર્જી પર વ્યાપકપણે ભાર અપાઈ રહ્યો છે. ભારત મોટો દેશ છે અને તેની વસતિ ખૂબ વધુ છે તેને ધ્યાને લેતા અને ક્લાઈમેટ ચેન્જ માટે જે કારણરૂપ નથી તેવા વિકસી રહેલા દેશમાં રહેતા લાખો લોકોની વિકાસ માટેની અપેક્ષાઓને પૂરી કરવાની જરૂરીયાતને જોતાં ભારતે વિક્સિત રાષ્ટ્રોને ખાસ કરીને ફાઈનાન્સિંગ અને ટેક્નોલોજીને લગતાં તેમના વચનોનો સંપૂર્ણપણે અમલ કરવાની જરૂરીયાત પર ભાર મૂક્યો હતો. ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવા માટે વિકસી રહેલા દેશોને આ મદદની જરૂર છે.
ગ્લાસગો COP 26માં વડા પ્રધાન મોદીએ ભારત ૨૦૭૦ સુધીમાં ‘નેટ-ઝીરો એમિશન્સ’ની સ્થિતિ પ્રાપ્ત કરવાની, નોન-ફોસિલ એનર્જીની ક્ષમતા વધારીને ૫૦૦ ગીગાવોટ્સ (GW) સુધી લઈ જવાની, ૨૦૩૦ સુધીમાં દેશની ઊર્જા જરૂરિયાતોના ૫૦ ટકા હિસ્સો રિન્યુએબલ એનર્જીમાંથી મેળવવાની અને ૨૦૩૦ સુધીમાં કુલ પ્રોજેક્ટેડ કાર્બન એમિશન્સમાં ૧ બિલિયન ટનનો ઘટાડો કરવા સહિતની મહત્વાકાંક્ષી જાહેરાતો કરી હતી,
આ સપ્તાહે આપણે ભારતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીની ઉજવણી કરી. ભારતનો રાષ્ટ્રીય એકતા દિવસ આપણને તેમની હિંમત અને દ્રઢતાની યાદ અપાવે છે. હાલના પડકારજનક સમયમાં ખાસ કરીને તેની જરૂર છે.
અત્યારે ફરી દિવાળીનો સમય છે. ગયા વર્ષે દિવાળીએ મેં ગુજરાત સમાચાર યુકે અને એશિયન વોઈસ માટે મારી પહેલી કોલમ લખી હતી તે યાદ આવે છે. તે સમયે હું કોલમ ચાલુ રાખી શકીશ કે કેમ તે બાબતે નિશ્ચિત ન હતી, કારણ કે અગાઉ મેં ક્યારેય કોલમ લખી ન હતી. એક વર્ષ પછી હું તેના માટે વધુ ઉત્સાહી છું. મારી કોલમને પસંદ કરવા બદલ હું ગુજરાત સમાચાર યુકે અને એશિયન વોઈસના વાચકોનો આભાર માનું છું.
આ નોંધ સાથે સૌને ખૂશીઓ અને સમૃદ્ધિભરી દિવાળીની શુભેચ્છા પાઠવીને મારી કોલમ પૂરી કરું છું. તહેવારની આ સિઝનમાં મહામારી સામે વિજયી થઈએ તેવી અપેક્ષા.(રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા સાઉથ આફ્રિકા, ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારા તેઓ માત્ર બીજા મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.
twitter @RuchiGhanashyam)


