રિશિ સુનાક શા માટે વિજય હાંસલ કરશે

સુભાષ વી. ઠકરાર B Com, FCA, FRSA Tuesday 23rd April 2024 01:38 EDT
 
 

આજકાલ ઓપિનિયન પોલ્સ આગામી જનરલ ઈલેક્શનમાં ટોરી પાર્ટીના ધોવાણની આગાહી કરી રહ્યા છે તથા મીડિયા આપણા પ્રાઈમ મિનિસ્ટર રિશિ સુનાકની સફળતા વિશે જોરશોરથી સંદેહો પ્રગટ કરી રહ્યા છે ત્યારે આ બંધી શંકાઓ દૂર કરવાનું અને સુનાક ખરેખર શું કરી રહ્યા છે તે દર્શાવવાનું મુશ્કેલ છે. આપણી વચ્ચે સાચો હીરો બહાર આવે તે માટે આપણે આવી શંકાઓ પર સતત પોલીશ કરતા રહેવું પડશે.

જો તમે રિશિ સુનાકને મળ્યા હો અને તેમની સાથે વાતચીતો કરી હોય તો તેઓ વાસ્તવમાં કેટલા નિખાલસ, પ્રામાણિક અને મહેનતુ છે તેની કદર અવશ્ય કરશો. તેઓ સચ્ચાઈપૂર્ણ વ્યક્તિ છે અને કોઈ પણ રાજકીય નેતા માટે આટલું કહેવું ઘણું બધું છે. રિશિ સાથે તમે જે સાંભળો અને નિહાળો છો તે વાસ્તવિક જણાય છે. તેઓ હર્ટફોર્ટશાયર કન્ઝર્વેટિવ સભ્યોને મળવા અમારા નિવાસે આવ્યા ત્યારે લોકો સાથે મુલાકાતમાં અને પ્રશ્નોના પ્રત્યુત્તર આપવામાં છલકતી તેમની નિખાલસતાનું હું આજે પણ સ્મરણ કરું છું.

આચરણ અને વ્યવહારે હિન્દુ હોવા સાથે રિશિ સુનાકમાં એક નેતા તરીકે અનોખા હિન્દુ મૂલ્યો છે જે તેમને અન્યોથી અલગ પાડે છે. આ મૂલ્યોના સમૂહમાં સખત પરિશ્રમ, દેશ અને સમાજને લાભકારી રહેવાનું લક્ષ્ય તેમજ અંગત લાભ કે સ્વાર્થ વિના કાર્યો કરવા સહિતનો સમાવેશ થાય છે. હિન્દુ તત્વદર્શન શ્રેષ્ઠતા સાથે તમારા કાર્યો કરવા અને તેના ફળ ઈશ્વરને હસ્તક સોંપી દેવાનું શીખવે છે. જ્યારે તમે શ્રેષ્ઠતાની વાત કરો ત્યારે તેનો અર્થ સખત મહેનત, પ્રામાણિકતા, સમાજનું શ્રેષ્ઠ હિત નિહાળવું અને વ્યક્તિગત સ્વાર્થ કે લાભ ન રાખવાનો થાય છે. મને વિશ્વાસ છે કે નજીક આવી રહેલા જનરલ ઈલેક્શનના સમયે આ મહાન મૂલ્યો મતદારોના મનમાં અવશ્ય ઉપસી આવશે.

રિશિએ આ કાર્ય સંભાળ્યું જ્યારે તેમના પુરોગામીના વિનાશક પરફોર્મન્સે અર્થતંત્રને સંપૂર્ણ સંકટ અને નિરાશાની ગર્તામાં ધકેલી દીધું હતું. તેમની પાસે પરફોર્મ કરવા અને કૌવત દર્શાવવાનો માત્ર એક વર્ષથી થોડો વધુ સમય હતો. અને જુઓ, તેમણે અર્થતંત્ર સાથે કેવી કમાલ કરી છે. અર્થતંત્ર ધીમે ધીમે પણ આગળ વધી રહ્યું છે અને આપણે ઈલેક્શનની નજીક પહોંચીશું ત્યારે ઈન્ટરેસ્ટ રેટમાં ઓછામાં ઓછાં બે ટકાનો ઘટાડો જોવા મળશે તેવી આશા રાખી શકીએ અને સમયાંતરે વધુ ઘટાડાની આગાહી પણ જોઈશું. આપણે ઈલેક્શનની નિકટ પહોંચીશું ત્યારે મતદારોના દિલોદિમાગમાં આ બાબત અવશ્ય રમતી હશે.

શું તમે કલ્પના પણ કરી શકો છો કે તમારા પૂર્વ બોસ અને પૂર્વ પ્રાઈમ મિનિસ્ટરને તમારા માટે કામ કરવા અને તમને રિપોર્ટ કરવા સહમત થવા માટે વાટાઘાટ અને સમજાવવાનું કેટલું મુશ્કેલ હોય. ડેવિડ કેમરન સાથે કામ પાર પાડવા રિશિ સુનાકે આમ કર્યું છે. આજે પૂર્વ પ્રાઈમ મિનિસ્ટર અને હવે ફોરેન સેક્રેટરી લોર્ડ કેમરન નોંધપાત્રપણે બ્રિટનને વિશ્વના ઉચ્ચ સ્તરોમાં ગોઠવી રહ્યા છે. આ કોઈ નાનીસૂની સિદ્ધિ નથી અને તે સુનાકના નેતૃત્વની શક્તિ દર્શાવે છે.

હા, રવાન્ડા કાયદામાં થોડી પીછેહઠ અવશ્ય થઈ છે પરંતુ, ખોટાં બહાનાંઓ હેઠળ યુકેમાં પ્રવેશનો પ્રયાસ કરનારા ગેરકાયદે આર્થિક માઈગ્રન્ટ્સને ડરાવવાનો આ વિચાર અદ્ભૂત ન કહેવાય? હા, લેબર ઉમરાવોને માત્ર માનવ અધિકારોને થતું સંભવિત નુકસાન જ દેખાય છે, આ મુશ્કેલ જણાય છે પરંતુ, તેમનું કામ તો ઉપાયો સૂચવવાના બદલે લેજિસ્લેશનમાં છીંડા શોધવાનું જ છે. અત્યાર સુધી કેર સ્ટાર્મર સહિત કોઈએ પણ યુકેમાં ગેરકાયદે ઈમિગ્રેશનની સાચી સમસ્યા માટે કોઈ પણ ઉપાયો સૂચવ્યા નથી. માત્ર રિશિ સુનાક તેમની સામે અવરોધો ઉભા કરાવાયા છતાં, આ હિંમતભર્યું પગલું લેવા ઈચ્છા રાખે છે. આના માટે સાચી વ્યવહારુ આવડત-કુનેહ અને ધીરતાની આવશ્યકતા રહે છે.

નવા અને કલ્પનાશીલ વિચારોમાં રિશિને કોઈ અટકાવી શકે તેમ નથી. નેની સ્ટેટ, સ્વતંત્રતાના અભાવ સહિત અનેક ટીકાઓની સામે અડીખમ રહી રિશિએ બાળકોને વય વધવા સાથે સિગારેટના વેચાણ પર પ્રતિબંધ લાદીને ભાવિ પેઢીઓનું જીવન સુધારવાનો વાસ્તવિક દંડૂકો હાથમાં લીધો છે. મારા પણ ગ્રાન્ડ ચિલ્ડ્રન છે અને આ બાળકો પુખ્ત થતાં હોય અને ભાવિ પેઢીનું સ્થાન લેતાં થાય ત્યારે ધૂમ્રપાનને નાબૂદ કરવાનો આનાથી સારો માર્ગ મારા વિચારમાં આવતો નથી. ધૂમ્રપાનનાં કારણે આરોગ્યને નુકસાન અને NHSને ભોગવવાં પડતાં ખર્ચા પ્રચંડ છે અને શા માટે આપણે આ બંનેને નાબૂદ કરવા તરફ કામ ન કરવું જોઈએ. આ બાબત રિશિની શક્તિ અને આપણા સમાજને સુધારવાની પ્રતિબદ્ધતા ઉજાગર કરે છે.

હાલમાં જ તેમણે એક પહેલ કરી છે જે ભૂતકાળના નેતાઓ કલ્પી પણ શકે નહિ. લાંબા સમયથી બીમાર તથા નિષ્ક્રિય વર્કિંગ વસ્તીને નજરઅંદાજ કરી શકાય નહિ. આર્થિક નિષ્ક્રિયતા હતાશા તરફ જ દોરી જાય. તમે જ્યારે કશું જ ન કરતા હો ત્યારે તમારી પાસે જિંદગી જીવવાનો ઉત્સાહ કેવી રીતે હોઈ શકે? જો આ મુદ્દાને યોગ્યપણે હલ કરવામાં આવશે તો આપણે આવનારા સમયમાં આર્થિક વૃદ્ધિ, ઉત્પાદકતા અને NHSની નીચી કોસ્ટ-ખર્ચાના ફાયદા નિહાળી શકીશું.

આપણને સુનાકમાં સચ્ચાઈ, વાસ્તવિકતા, સખત મહેનત અને આપણા દેશને સુધારવાનું સાચું લક્ષ્ય જોવા મળે છે. આપણે જેમ ચૂંટણીની નજીક પહોંચતા જઈશું તેમ તેમના ઘણા ગુણ બહાર આવતા જશે. આખરે બ્રિટિશ પ્રજાને કોઈ મૂર્ખ બનાવી શકે નહિ. તેઓ જે સાચું છે તેના માટે જ મત આપશે અને સુનાક એ જ દર્શાવી રહ્યા છે.

(લેખક ICAEW આઉટસ્ટેન્ડિંગ એચિવમેન્ટ એવોર્ડના વિજેતા, ચેરિટી ક્લેરિટીના સ્થાપક ચેરમેન, લંડન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના વાઈસ પ્રેસિડેન્ટ અને પૂર્વ અધ્યક્ષ તેમજ એટલી સેન્ટર ફોર યૂથ્સ અને મૂર પાર્ક (૧૯૫૮) લિમિટેડના ચેરમેન છે. )


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter