લંડન ઉન્માદી કટ્ટરવાદીઓને શરણે થઈ ગયું!

કપિલ દૂદકીઆ Tuesday 27th February 2024 13:15 EST
 
 

વર્ષ 2024ની 21 ફેબ્રુઆરી બુધવારે લંડન આપણા સમાજમાં રહેલા પાગલ-ઉન્માદી કટ્ટરવાદીઓને શરણે થઈ ગયું! આમ તો આ દિવસ સાંસદો માટે પાર્લામેન્ટમાં સંસદીય પ્રસ્તાવોની ચર્ચા કરવાનો અને તે પછી તેના પર મતદાન કરવાનો સામાન્ય દિવસ જ હતો. આવું તો તેઓ દરરોજ કરતા હોય છે. જોકે, આ દિવસે સમગ્ર દેશમાં આંચકાજનક મોજાં પ્રસરાવનારું પાગલપણું નિહાળવા મળશે તેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. સ્કોટિશ નેશનલ પાર્ટી (SNP)એ ઈઝરાયેલ દ્વારા તત્કાળ યુદ્ધવિરામ કરાય તેવો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. સાંસદોએ સંમત થવું કે ન થવું તેનો મુદ્દો હતો પરંતુ, પ્રસ્તાવની અંદર કેટલીક એવી અરુચિકર બાબતો મૂકાઈ હતી જેને મોટા ભાગના ડાહ્યા લોકો કદી સંમતિ આપે નહિ.

જો સરકારને કશું અસ્વીકાર્ય લાગે તો વિરોધરૂપે પ્રસ્તાવમાં સુધારો રજૂ કરે તેનું કામ છે અને પાર્લામેન્ટની કાર્યવાહી અનુસાર સરકાર આમ કર્યું પણ ખરું. મુશ્કેલી એ સર્જાઈ કે લેબર પાર્ટીએ તમામ સંસદીય ધારાધોરણોથી વિપરીત પોતાના સુધારા સાથે ઝંપલાવી દીધું. જોકે, શાણા માનવીઓને સમજાય નહિ તેમ કોઈ અકળ કારણોસર હાઉસના સ્પીકર લિન્ડસે હોયલેએ સંસદીય કાર્યવાહીનો ભંગ કરી આ સુધારા પ્રસ્તાવ ફગાવી દેવાના બદલે ત્રીજા પ્રસ્તાવને માન્યતા આપવાનું જાહેર કર્યું. સ્પીકરની વિરુદ્ધ ઘણા આક્ષેપો કરાયા જેમાંથી મુખ્ય આક્ષેપ એ રહ્યો કે લેબર પાર્ટીના ગણનાપાત્ર સાંસદો કેર સ્ટાર્મરના વલણને ફગાવી SNPના મૂળ પ્રસ્તાવની તરફેણમાં મતદાન કરવાના હોવાથી કેર સ્ટાર્મર અને લેબર પાર્ટીને બચાવવા સ્પીકરે આ પગલું લીધું છે. સ્પીકરે પાર્લામેન્ટરી પ્રોસીજરનું ઉલ્લંઘન કરી લેબર પાર્ટી માટે ત્રીજો માર્ગ ખોલી આપ્યો જેના પરિણામે મોટા ભાગના લેબર સાંસદો SNPના ઠરાવની તરફેણમાં મત ન આપે અને સ્ટાર્મરની પાછળ એકસંપ થઈને ઊભા રહે.

વાસ્તવમાં, સ્પીકર સ્વતંત્ર બની રહેવાના બદલે જજ, જ્યૂરી અને જલ્લાદ બની ગયા. સ્વતંત્ર લવાદ બની રહેવાના બદલે તેઓ યુકેના એકમાત્ર ગવર્નર બની ગયા. ચારે તરફ અફરાતફરી મચી ગઈ ત્યારે સરકારે સ્પીકર દ્વારા રચાયેલા અભૂતપૂર્વ પાગલપણાથી બચવા યોગ્યપણે પીછેહઠ કરી અને પરિણામે લેબરનો સુધારો માન્ય ઠરવા સાથે SNPઅને તેના પ્રસ્તાવ માટે રિઝર્વ રખાયેલો દિવસ અર્થહીન ગણાયો.

સ્પીકરને ખુલાસો કરવા પાર્લામેન્ટ સમક્ષ હાજર થવા જણાવાયું અને તેમણે ખુલાસો કર્યો કે તેમને સાંસદો અને તેમના પરિવારો માટે ડર લાગ્યો હતો. કેટલાં આશ્ચર્ય અને આઘાતની વાત છે કે બ્રિટિશ પાર્લામેન્ટના સ્પીકર જાહેરમાં કહે છે કે આપણા દેશમાં કટ્ટરવાદીઓનું ઝનૂન-પાગલપન (માત્ર ઈસ્લામિક કટ્ટરવાદીઓ જ નહિ, અન્ય સંકળાયેલા જૂથો પણ) એટલી હદે પહોંચ્યું છે કે આપણા રાજકારણીઓ અને આપણી સાર્વભૌમ પાર્લામેન્ટની સલામતીની કોઈ ખાતરી આપી શકાતી નથી.

વ્યાખ્યા કરીએ તો, લંડન ઉન્માદી કટ્ટરવાદીઓને શરણે થઈ ગયું છે. એક તો સર્વોચ્ચ સ્તરે સ્વીકાર કરી લેવાયો છે કે આપણી પોલીસ હવે અક્ષમ છે, રાજકારણીઓ અને તેમના પરિવારોની રક્ષા કરવાની તેની ક્ષમતામાં સ્પીકરને પણ કોઈ વિશ્વાસ રહ્યો નથી. એક રાષ્ટ્ર તરીકે આપણે ક્યાં છીએ તેનું આ અપમાનજનક દોષારોપણ છે.

આપણે આવી ગેરવાજબી પરિસ્થિતિએ પહોંચ્યા જ કેવી રીતે?

આનો ઉત્તર તદ્દન સહેલો છે. આ દેશે આપણા સમાજમાં રહેલા ઝનૂની કટ્ટરવાદીઓને તેઓ જે કાંઈ કરવા ચાહે તે કરવાની છૂટ આપી દીધી છે. આપણે તો એક્સ્ટેન્શન રીબેલિઅન (ER), બ્લેક લાઈવ્ઝ મેટર (BLM), LGBTIQA+, ક્લાઈમેટ ચેઈન્જ, જસ્ટ સ્ટોપ ઓઈલ, CND, EDL, ઈસ્લામિક કટ્ટરવાદીઓ, ખાલિસ્તાનીઓ અને કોઈ પણ બહાના હેઠળ આપણી શેરીઓમાં ઉતરી પડતા અને દેશને બાનમાં લેતાં અગણિત જૂથોને નિહાળ્યા છે. આપણે આપણી શેરીઓમાં ખુલ્લેઆમ ‘ફ્રોમ ધ રીવર ટુ ધ સી’ના નારાઓ ઉચ્ચારતી, નફરત ઓકતી ઘૃણાસ્પદ કૂચો નિહાળી છે. પોતાના જીવ પર જોખમની વાસ્તવિક ધમકીઓ હેઠળ જીવતી જ્યુઈશ કોમ્યુનિટી માટે તે પ્રત્યક્ષ ધમકીરૂપ છે. આપણે તો જમ્મુ અને કાશ્મીરમાં ગેરકાયદે પાકિસ્તાની કબજાની હિમાયત કરવા સાથે ભારતીય હાઈ કમિશન કૂચ કરી જતા ઈસ્લામિક કટ્ટરવાદીઓના પાગલપણાને નિહાળ્યું છે. આ બધામાં ખાલિસ્તાનીઓને ઉમેરો જેમણે આપણી શેરીઓમાં પોતાની બ્રાન્ડના કટ્ટરવાદનું પ્રદર્શન કરેલું છે. આપણે તો વિચાર્યું હતું કે આપણી શેરીઓમાં તબાહી મચાવનારા IRA ના દિવસો હવે પૂરાં થઈ ગયા છે. આ આધુનિક કાળના કટ્ટરવાદીઓએ તેમનું સ્થાન લઈ લીધું છે ત્યારે આજે આપણે કેટલા ખોટાં પુરવાર થયા છીએ.

લોકો મને પૂછતા રહે છે કે આપણા દેશને જાગવા માટે કેટલો સમય લાગશે? તેઓ ગ્રૂમિંગ ગેંગ્સ, ટ્રોજન હોર્સ સ્કેન્ડલ, ISISમાં સામેલ થતા બ્રિટિશ મુસ્લિમો, લંડન પર ત્રાસવાદી હુમલાઓ, બેટલી ગ્રામર સ્કૂલ, ઈસ્લામિક કટ્ટરવાદી ઠગો દ્વારા સ્પીકર્સ કોર્નર પર નિયંત્રણ, ડેવિડ એમીસની હત્યા, 7 ઓક્ટોબર પછી નફરત ઓકતી સાપ્તાહિક કૂચો, એન્ટિ-સેમેટિઝમમાં 700 ટકાથી વધુનો ઉછાળો, ઘૂંટણીએ પડી જવા તૈયાર પોલીસ, પાર્લામેન્ટને પોતાની જ પ્રોસીજર્સનું ઉલ્લંઘન કરવું પડે તેવો ત્રાસ ફેલાવવો વગેરેનો ઉલ્લેખ કરે છે અને આ યાદી તો વધતી જ જાય છે,વધતી જ જાય છે.

મને ભય છે, આ વાસ્તવિક ભય છે કે જો આ દેશ ઈસ્લામિક કટ્ટરવાદીઓ અને તેમના જેવા અન્યોને આપણી શેરીઓમાં રમખાણો મચાવવાની છૂટછાટો આપતો રહેશે તો એ દિવસ ઘણી ઝડપે આવી પહોંચશે જ્યારે અતિ જમણેરી બળો (જેઓ અત્યારી સુધી અંકુશ હેઠળ છે) પોતાની જ બ્રાન્ડના ઝનૂની પાગલપણા સાથે શેરીઓમાં ઉતરી પડવાનું બહાનું શોધી લેશે. આપણી એક તરફ અતિ જમણેરીઓ હશે અને બીજી તરફ ઈસ્લામિક કટ્ટરવાદીઓ અને તેમના સમર્થકો હશે. મને ભય છે કે કાયદાના પાલનમાં માનતા આપણા જેવા મોટા ભાગના નાગરિકો વચ્ચે જ ફસાઈ જઈશું.

અતિ જમણેરીઓ એક પ્રકારના ‘એશિયન’ કે બીજા પ્રકારના ’એશિયન’ વચ્ચે કોઈ તફાવત રાખતા નથી. તેમના માટે તો આપણે બધા એકસરખા છીએ. ઈસ્લામિક કટ્ટરવાદીઓ તેમની સાથે કે તેમની વિકૃત-દુરાગ્રહી વિચારધારા સાથે સંમત ન હોય તેવા કોઈના પર હુમલા કરવા તત્પર રહે છે. પોલીસને ઘૂંટણીએ પડી જવામાં વાર લાગતી નથી, એમ લાગે છે કે તેઓ આવા ઝનૂનીઓ સામે નિર્બળ બની જાય છે. કદાચ એ દિવસ દૂર નથી કે આપણા લશ્કરી દળો આપણી સલામતીની પ્રત્યક્ષ ખાતરી દર્શાવવા આપણી શેરીઓમાં કૂચ કરતા નિહાળવા મળે. આજ તો 2024નું ગ્રેટ બ્રિટન છે!

લંડનનું આવું પતન એટલા કારણે થયું કે કેર સ્ટાર્મર અને લેબર પાર્ટી કટ્ટરવાદીઓ સામે ઝૂકી ગઈ. શું તમે હજું માનો છો કે આવી પાર્ટી આ દેશનો વહીવટ કરવા માટે યોગ્ય છે?


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter