યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર શ્રીમતી ગાયત્રી ઈસ્સાર કુમારે યુકે અને ભારતની પાર્ટનરશિપ તેમજ ભારતના ગૌરવ વિશે એશિયન વોઈસ અને ગુજરાત સમાચાર સાથે વિશેષ મુલાકાતમાં વાત કરી હતી.
પ્રશ્નઃ બે દેશો વચ્ચેની ભાગીદારી મજબૂત બનાવવામાં યુકે - ઈન્ડિયા FTA (ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ) કેવી રીતે મદદરુપ બનશે?
ઉત્તરઃ ભારત અને યુકેના સન્માનીય વડા પ્રધાનો આપણા બે દેશ વચ્ચે વેપાર ભાગીદારીને મજબૂત બનાવવા માટે કટિબદ્ધ છે. તેમણે મે ૨૦૨૧માં ભારત-યુકે વર્ચ્યુઅલ શિખર પરિષદ દરમિયાન એન્હાન્સ્ડ ટ્રેડ પાર્ટનરશિપ- સંવૃદ્ધ વ્યાપાર ભાગીદારીને લોન્ચ કરી હતી. જેના પરિણામે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ મંત્રણાઓનો માર્ગ મોકળો બન્યો હતો. આ મંત્રણાઓ ૧૭ જાન્યુઆરી, ૨૦૨૨થી નવી દિલ્હી ખાતે શરૂ કરાઈ હતી. મંત્રણાઓમાં યુકેના સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઈન્ટરનેશનલ ટ્રેડ એન-મેરી ટ્રેવેલીન અને ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન શ્રી પિયુષ ગોયેલ સામેલ થયાં હતાં. બંને સરકારોએ વાસ્તવિક મંત્રણાઓના આરંભ કરતા પહેલા વ્યાપક જન પરામર્શ – પબ્લિક કન્સલ્ટેશન્સ હાથ ધરવાનું પ્રથમ પગલું લીધું હતું. બંને પક્ષ તરફથી સ્ટેકહોલ્ડર્સ દ્વારા પ્રતિભાવોમાં ભારે રસ દર્શાવવા સાથે ઘણી ઉપયોગી માહિતી પણ મળી હતી. આપણે જાણીએ છીએ તેમ ભારતને યુકેમાં સૌથી મોટા રોકાણકારોમાં એક, ગણનાપાત્ર રોજગારી સર્જક અને ચાવીરુપ વેપાર પાર્ટનર બનાવવામાં ભારતીય ડાયસ્પોરાનું શક્તિશાળી વેપાર અને ઈન્વેસ્ટમેન્ટની કડીરુપ સાંકળમાં મહત્ત્વપૂર્ણ યોગદાન રહેલું છે. આપણા વડા પ્રધાનોએ ૨૦૩૦ સુધીમાં દ્વિપક્ષી વેપારને બમણો કરવાનું લક્ષ્ય સ્થાપિત કર્યું છે. ટેરિફ્સ ઘટાડીને વેપાર અવરોધોને દૂર કરી, વેપાર આંતરપ્રવાહોને ઉત્તેજન આપવાનું કાર્ય આપણા સંબંધોમાં મજબૂત કડીસમાન છે અને FTA આપણને આ માર્ગે વધુ આગળ લઈ જશે.
પ્રશ્નઃ બંને દેશોના સમતલ વ્યવહાર અને વેપારમાં સહાયરુપ બની શકે તે માટે યુકેમાં જ વધુ ખોજ કરી શકાય તેવા કેવા માર્ગ યુકેસ્થિત ભારતીય હાઈ કમિશન પાસે ખુલ્લાં છે?
ઉત્તરઃ અપેક્ષા રાખવામાં આવે છે તેમ આપણી ફ્રી ટ્રેડ સમજૂતી આયાત અને નિકાસની ચાવીરુપ આઈટમ્સ સંદર્ભે ટેરિફ્સ ઘટડાવા અને અવરોધો દૂર કરવા માગશે જેનાથી આપણા બંને દેશ વચ્ચે માલસામાન અને સેવા-સર્વિસીસની હેરફેર બંને પક્ષ માટે વધુ લાભકારી બનાવી શકાય. હાઈ કમિશન આને સરળ બનાવવા માટે સમગ્ર યુકેના બિઝનેસીસ સાથે સક્રિયપણે સંપર્ક સાધી રહ્યું છે. હું રૂબરુ અથવા વર્ચ્યુઅલ રીતે કાર્ડિફ, બેલફાસ્ટ, બ્રિસ્ટલ, એડિનબરા, લીડ્ઝ, સાઉધમ્પ્ટન અને અન્ય ઘણા વિસ્તારોમાં બિઝનેસીસ, ઈન્ડસ્ટ્રી અને યુનિવર્સિટીઓ સાથે સંપર્કમાં રહી છું. અમે યુકેના વિવિધ વિસ્તારોમાં અમારી પહોંચને વિસ્તારવામાં અને હાથ પકડી આગળ વધતા બિઝનેસીસ દ્વારા ઈન્વેસ્ટમેન્ટ્સ અને દ્વિપક્ષી વેપારને આગળ વધારવા ઘણા ઉત્સુક છીએ. આ બાબત અમારી ઈકોનોમિક વિંગને ભારે વ્યસ્ત રાખશે. આ વર્ષે અમારી પહોંચ વધારવાની પ્રાથમિકતા ધરાવતા સ્થળોમાં લીડ્ઝ, માન્ચેસ્ટર, શેફિલ્ડ, યોર્કશાયર, વેસ્ટ મિડલેન્ડ્સનો સમાવેશ થાય છે. અન્ય વિસ્તારોમાં અમારી મુલાકાતો લેવાઈ છે તેમાં પણ આગળ વધવાની અમારી યોજના છે. અમારો ‘એક્સેસ ઈન્ડિયા પ્રોગ્રામ’ યુકેના SME- સ્મોલ, મીડિયમ એન્ટરપ્રાઈસીસને ભારતમાં તેમના આપરેશન્સ સ્થાપવામાં સુવિધા પૂરી પાડે છે.
પ્રશ્નઃ સંસ્થાનવાદી ભૂતકાળ સાથે ભારતના સંબંધોના પરિવર્તનને અને ખાસ કરીને વેક્સિન્સના ઉત્પાદનના સંદર્ભે બ્રિટન સાથે હાથમાં હાથ મિલાવીને ચાલવામાં અત્યાધુનિક અભિગમ સાથેના ક્રમિક વિકાસને આપ કેવી રીતે સમજાવશો?
ઉત્તરઃ બ્રેક્ઝિટ પછી ભારત સાથે મુક્ત વેપાર સમજૂતી સાધવાની યુકેની ઈચ્છાનો ભારતે સાનુકૂળ પડઘો પાડ્યો છે, આપણને તેમાં વ્યાપક ગર્ભિત ક્ષમતા જોવા મળી છે. વૈશ્વિકીકરણના આ વિશ્વમાહોલમાં ભારત અને યુકેને આપણી ઘણી પૂરક ક્ષમતાઓનું સામર્થ્ય સમજાયું છે. આપણા વડા પ્રધાનોએ બંને રાષ્ટ્રને ‘પ્રાકૃતિક ભાગીદાર’ ગણાવ્યા છે. આનું એક સારું ઉદાહરણ ઓક્સફર્ડ એસ્ટ્રેઝેનેકા અને સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા વચ્ચે વેક્સિન્સના સહકારનું છે જેના કારણે, વિશ્વના ૧૫૦થી વધુ દેશને જીવનરક્ષક દવાઓનો પુરવઠો સમયસર પહોંચાડી શકાયો છે. ભારતે આપણી વેક્સિન મૈત્રી (ફ્રેન્ડશિપ) પહેલ હેઠળ ૭૯ દેશોને વેક્સિનના ૧૧૫.૪ મિલિયન ડોઝનો પુરવઠો પૂરો પાડ્યો છે.
પ્રશ્નઃ ભારતીય પ્રજાસત્તાક દિન નિમિત્તે અમારા વાચકોને આપ શું સંદેશો આપશો?
ઉત્તરઃ હું આપના વાચકોને પ્રજાસત્તાક દિન નિમિત્તે ઘણી શુભેચ્છા પાઠવું છું. ભારતે અનેકતામાં એકતાના સુંદર અને સફળ ઉદાહરણ તરીકે પોતાને પ્રસ્થાપિત કર્યું છે. આપણી યાત્રાનો ૭૫ વર્ષ અગાઉ આરંભ થયો તેની સરખામણીએ આપણે એક રાષ્ટ્ર તરીકે વધુ મજબૂત અને વધુ સમૃદ્ધ બન્યા છીએ.
આ મહાયાત્રામાં અભૂતપૂર્વ સમર્થન આપવા બદલ હું યુકેસ્થિત આપણા ડાયસ્પોરાનો આભાર માનવા ઈચ્છું છું અને ભવિષ્યમાં પણ તેમનો સાથ-સહકાર મળતો રહે તે માટે ઉત્સુક છું. ભારતીય હાઈ કમિશને ભારતની સ્વતંત્રતાના ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે આઝાદી કા અમૃત મહોત્સવના નેજા હેઠળ શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. હાઈ કમિશન દ્વારા આયોજિત કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક સક્રિય ભાગ લેવા આપના વાચકો અને ભારતીય ડાયસ્પોરાને વિનંતી કરું છું. આ કાર્યક્રમો ભારતને જાણવા-ઓળખવાની વિશેષ તક પૂરી પાડશે એટલું જ નહિ, રોમાંચક ઈનામો પણ જીતવા મળશે.
અને આખરમાં, હું આપના તમામ વાચકો અને વિશેષતઃ ભારતીય ડાયસ્પોરાનો હિસ્સો છે તેમને ખાતરી આપવા ઈચ્છું છું કે લંડનમાં ભારતીય હાઈ કમિશન તમારું જ બીજું ઘર છે અને અમે સંપૂર્ણ ક્ષમતા સાથે તેમની સેવા કરવા માટે હરહંમેશા સજ્જ રહીશું.
(ભારતના ૭૩મા પ્રજાસત્તાક પર્વ પ્રસંગે વિશેષ પુરવણી વાંચવા માટે એશિયન વોઈસ જોવા વિનંતી છે. વ્યક્તિવિશેષોની મુલાકાત, તેમના પરિચય અને વિવિધ લેખો ધરાવતી આ વિશેષ પુરવણી માહિતીપ્રદ હોવાની સાથે કાયમી સંગ્રહ કરવાને લાયક બની રહેશે તેમાં કોઈ શંકા નથી.)


