લાંચને દેશમાં નહીં આંચ

ખુશાલી દવે Wednesday 06th June 2018 09:28 EDT
 
 

‘હું ખાતો નથી અને ખાવા દેતો નથી.’ વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારથી તેમણે આ વાક્ય વહેતું મૂક્યું છે, પણ ખરેખર જ્યારે લાંચ રુશ્વત અંગેના આંકડા જોઈએ તો આ વાક્ય રાજ્ય સ્તરે જ નહીં રાષ્ટ્રીય સ્તરે પણ પોકળ સાબિત થયું છે. દેશના રાજ્યોમાં એક વર્ષમાં કુલ મળીને રૂ. ૨૮૦૦ કરોડની લાંચ જુદા જુદા ક્ષેત્રોના અધિકારીઓ અને કર્મચારીઓને આપવામાં આવી છે. જોકે લાંચની લેનદેન બાબતે એ બાબત તો હંમેશાથી સ્પષ્ટ જ હોય છે કે જ્યાં સુધી દેશના નાગરિકો લાંચ આપે નહીં ત્યાં સુધી અધિકારીઓને લાંચ મળવાની કેવી રીતે? તેથી લાંચ લેનાર સાથે સાથે લાંચ ઓફર કરનાર પણ લાંચિયા જેટલા જ ગુનેગાર કહેવાય.
દેશમાં ભ્રષ્ટાચાર અને લાંચપ્રથા અંગેના રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ૧૮ રાજ્યમાં આધાર કાર્ડ, ચૂંટણીકાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ જેવા સરકારી કાર્ડ અને સુવિધાઓ મેળવવા માટે છેલ્લા ૧૨ મહિનામાં દેશના ૨૭ ટકા જેટલા લોકોએ લાંચ આપી છે.
વિચાર એ કરવાનો કે દેશનો નાગરિક શા માટે લાંચ આપવા માટે પ્રેરાય? એના માટે સિસ્ટમ એરર જવાબદાર હોય એવું નથી લાગતું? સીધા સાદો વિચાર કરીએ તો આપણું કામ રગશિયું ન થાય અને સમયસર પૂરું થાય અથવા તો ઓછા પૈસામાં કામ થાય એ માટે લાંચ આપવા લોકો પ્રેરાતા હોય છે તો એ આપણી સિસ્ટમની ખામી નથી કે નાગરિકના કાર્યો પર ધ્યાન આપે અને તેમના સરકારી કાર્યો કરાવવા માટે તેમને લાંચ જ ન આપવી પડે. બીજી સ્થિતિ એવી છે કે ગવર્નમેન્ટ સર્વન્ટના પગારધોરણ દેશમાં ઓછા તો નથી જ છતાં તેઓ પ્રજા પાસેથી લાંચ લેવા માટે કોઈ પણ કક્ષાએ જાય છે. ત્યારે સરકાર દ્વારા એવા પગલાં લેવાવા જોઈએ કે નાગરિક લાંચ માગનારને ખુલ્લો પાડી દે અને નાગરિકને સેવા અને તેનું કાર્ય પણ અટકે નહીં.
દેશના ખાલી ૧૩ રાજ્યોમાં જ ૧૧ સરકારી સેવાઓ મેળવવા લોકોએ અંદાજે રૂ. ૨૮૦૦ કરોડ રૂપિયાની લાંચ આપી છે.
ત્યાં સુધી કે સ્થાનિક કોર્ટ પણ એમાંથી બાકાત નથી. અદાલતમાં પસંદગીની તારીખો લેવા, પાણી-વીજળીનું કનેક્શન લેવા, ટ્રાફિકના નિયમો તોડવા, એફઆઈઆર લખાવવા, જમીન-મિલકતના કાગળોની કોપીઓ મેળવવા અને બેંક પાસેથી લોન લેવા જેવા કામો માટે લાંચ આપવી પડી છે. આ ખુલાસો સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝ (સીએમએસ) દ્વારા તાજેતરમાં કરાયો છે. આ અહેવાલમાં જણાવાયું છે કે આ વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં દેશના ૧૩ રાજ્યોમાં કરાયેલા અધ્યયનમાં ૭૫ ટકા લોકોએ કહ્યું કે દેશમાં ગયા વર્ષની સરખામણીમાં ભ્રષ્ટાચાર વધ્યો છે અથવા લાંચ રુશ્વત માગવામાં જરાય કોઈને આ દેશમાં નાનપ કે લાજ શરમ નડતી નથી.
જોકે અહેવાલમાં એ જણાવાયું છે કે નાગરિકોની સક્રિયતા, આરટીઆઈ, ઓનલાઈન સુવિધાઓ અને સોશિયલ મીડિયા પર ખુલ્લા પડી જવાના ડરથી ૨૦૦૫ની સરખામણીએ ૨૦૧૮માં ભ્રષ્ટાચાર અંદાજે ૫૦ ટકા સુધી ઓછો થયો છે.
૨૦૦૫માં વિવિધ સેવાઓ માટે અંદાજે બાવન ટકા લોકોએ લાંચ આપવી પડી હતી. વર્તમાન રિપોર્ટમાં દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકમાં સર્વેક્ષણ કરાયું હતું. જેમાં જાણવા મળ્યું કે, રાશન, પાણી, વીજળી, હોસ્પિટલ, સ્કૂલ, બેંક સેવા, પોલીસ, પરિવહન, ન્યાયાલય, મહેસૂલ વિભાગ અને ગ્રામીણ વિસ્તારોમાં મનરેગા જેવી સરકારી યોજનાઓમાં ભ્રષ્ટાચારનો અભ્યાસ કરાયો છે.
આ દરેક રાજ્યોના તારણમાં પણ જાણવા મળ્યું છે કે તેલંગાણામાં દરેક વિભાગોમાંથી પોલીસ-અને પરિવહન સૌથી ભ્રષ્ટ છે. વળી, નવાઈની વાત એ પણ છે કે તમિલનાડુ અને કર્ણાટક શિક્ષણ અને સુવિધાઓમાં દેશમાં નામના ધરાવતા રાજ્યો રહ્યાં છે, છતાં આ રાજ્યોમાં સૌથી વધુ ભ્રષ્ટાચારનું ચલણ એ વિચારવા જેવી બાબત છે.
વળી, એથી પણ શરમજનક બાબત તો એ છે કે ટોચના પાંચ રાજ્યોમાં તામિલનાડુ, તેલંગણા, પંજાબ અને આંધ્ર પ્રદેશ પછીના ક્રમે ગુજરાત છે. ગુજરાતમાં આશરે ૪૮ ટકા લોકોએ છેલ્લા એક વર્ષમાં ભ્રષ્ટાચાર વધ્યો હોવાનું જણાવ્યું છે. જ્યારે માત્ર ૯ ટકા લોકોના મતે રાજ્યમાં ભ્રષ્ટાચાર ઘટ્યો છે. સામાન્ય રીતે ગુજરાતી પ્રજા માટે એવી છાપ હોય છે કે વધુ ભાંજગડ વગર અંડર ટેબલ પતાવટથી પણ પોતાનું કામ કઢાવી લે છે, પણ આ તારણ અલગ જ કહે છે. આ રિપોર્ટ પ્રમાણે જાહેર સેવાઓમાં ખામીઓ કે ભ્રષ્ટાચાર મામલે અવાજ ઉઠાવવામાં ગુજરાતીઓ આગળ છે.
અહેવાલ મુજબ સૌથી વધુ નાગરિક સક્રિયતા ધરાવતા રાજ્યોમાં મહારાષ્ટ્ર, દિલ્હી પછી ત્રીજા ક્રમે ગુજરાત છે. તમામ ૧૩ રાજ્યોની વાત કરીએ તો ૩૮ ટકા લોકોના મતે ભ્રષ્ટાચારમાં વધારો થયો છે. ગુજરાતમાં ૧૩ ટકા લોકોએ જાહેર સેવાઓ મેળવતી વખતે ભ્રષ્ટાચારનો અનુભવ કર્યો છે.
ભ્રષ્ટાચાર પર નિયંત્રણ મેળવવામાં સરકારના પ્રયાસો અંગે રાજ્યમાં ૪૬ ટકા લોકો કહે છે કે સરકાર પોતે જ ભ્રષ્ટાચાર દૂર કરવા માટે ગંભીર નથી. ૧૭ ટકા લોકોના મતે સરકારની કામગીરીમાં કોઈ જ ફરક આવ્યો નથી. માત્ર ૧૨ ટકા લોકો એવા છે જેમનું માનવું છે કે ગુજરાતમાં સરકાર ભ્રષ્ટાચાર દૂર કરવા માટે ગંભીર છે. એક તારણ એવું પણ આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મોટાભાગના ગુજરાતીઓ કેન્દ્ર સરકારના પ્રયાસોથી સંતુષ્ટ નથી.

પોપકોર્ન
પેટ્રોલકુમારઃ હું તો શરમથી પાણી પાણી થતો જાઉં છું આ સરકારના કારણે. મારી કિંમત મોંઘી અને ઇજ્જત ‘એક પૈસા’ની થતી દેખાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter