લાલબા પટલાણી

દેશ-વિદેશે ગુજરાત

પ્રા. ચંદ્રકાન્ત પટેલ Thursday 06th June 2019 05:31 EDT
 

ગુજરાતમાં અંગ્રેજ શાસન સામે અસંતોષનો ચરુ ઊકળતો હતો. ગાયકવાડ જેવા ગાયકવાડ પણ પાણીમાં બેસી ગયા હતા. પ્રજાવિદ્રોહના ભણકારાથી જાગેલી ગોરી હકુમતે અંગ્રેજ પલટણ ગુજરાતમાં ઉતારી. તેના ઘોડા લીલાછમ પાકમાં ચરવા છૂટા મૂકે. આવે વખતે કોઈની વિરોધની હિંમત નહીં. ત્યારે આણંદના નાના અડધના ગરબડ મુખીથી આ ના વેઠાયું. તેમને મૂળજી જોષીનો સાથ મળ્યો. બાંધેલા ઘોડાનાં ધમણ છોડીને ભગાડી મૂક્યા. અંગ્રેજ સૈનિકો ક્યાં દોડે? વધારામાં સૈનિકો પર પથ્થરમારો કર્યો.

ગરબડ મુખી મહીસાગરના કોતરોમાં ઉતરી પડ્યા. અંગ્રેજોની તાકાત અને અદ્યતન શસ્ત્રો સામે ગરબડ મુખીની ટોળી ખરવા લાગી. ખાનપુરના જીવાભાઈ ઠાકોરને અંગ્રેજોએ ફાંસીએ લટકાવ્યા. ગરબડ મુખીની ટોળીના સભ્યોને અંગ્રેજો સાથેની અથડામણમાં ગરબડ મુખીને બચાવવા જતાં મૂળજી જોષી મરાયા. ગરબડ મુખી પકડાયા. દેહાંત દંડની સજા એ વિદ્રોહી માટે ત્યારે સામાન્ય હતી. જોકે, એમને જેલમાં રાખ્યા હતા.

સ્વાતંત્ર્ય સંગ્રામનો ભડકો રાખ બની ગયો. આવા વખતે ગરબડ મુખીને બચાવવા કોણ નીકળે? સગાં અને સંબંધીએ આશા મૂકી દીધી. ગરબડ મુખી સાથે સંબંધ છે એવું જાણે તો અંગ્રેજો રૂઠે તેવું માનીને બધા વેગળા થયા.

ગરબડ મુખીનાં પત્ની લાલબા. ઊંચાં અને ગોરાં. નિરક્ષર છતાં હિંમતવાન. હજી થોડાં વર્ષ પહેલાં જ સતી થવાના રિવાજ પર પ્રતિબંધ આવેલો. છતાં સતી થવાનું છાનેછપને ચાલુ હતું. લાલબાની હિંમત જબરી. પતિ માટે જે જોખમ આવે તે ખેડવા-વેઠવાની એની તૈયારી. ગરબડ મુખીનો જીવ બચાવવાની એમને લગની લાગી.

જાણ્યું કે મુંબઈના ગવર્નરને દયા આવે અને પતિનો જીવ બચે એ જ એકમાત્ર રસ્તો છે. ગવર્નર મુંબઈ રહે છે એ જાણ્યું. યુવાન લાલબા નીકળી પડ્યાં. હજી મુંબઈ જવાનો રેલમાર્ગ સળંગ ન હતો. રસ્તામાં નદીના પુલ ન હતા. રસ્તા કાચા હતા. ભલભલા ભડવીરો ય એકલા જવાની હિંમત ના કરે. એવો જમાનો. રસ્તાની ખબર નહીં. ચાલતા જવાનું. આજે કાયદો અને વ્યવસ્થા છે. રસ્તા છે. તોય કોઈ ગુજરાતી સ્ત્રી એકલા ચાલીને મધ્ય ગુજરાતથી મુંબઈ જવાની હિંમત ના કરે.

લાલબા યુવાન અને રૂપાળાં. પતિનો પ્રેમ અને બચાવવાની લગન એ જ એમની તાકાત. જંગલી હિંસક પ્રાણીઓ ત્યારે ઠેર ઠેર મળે. યુવાન લાલબાએ આ પ્રાણીઓથી અને ભુખાળવી નજરથી ય બચવાનું. નદી તરવી પડે. હોડી મળે તો બેસવાનું પણ પૈસા?! બધે હોડી ના પણ હોય તો માટીની મોટી ગાગરના ટેકે નદી પાર કરવાની. કપડાંની પોટલી હોય. કેટલા દિવસે મુંબઈ આવે એની ખબર નહીં. દિવસે ચાલે. રાત્રે ગામ આવે ત્યારે મંદિરના ઓટલે કે ઝાડ નીચે સૂવાનું. અંતે લાલબા મુંબઈ પહોંચ્યા.

પૂછી પૂછીને ગવર્નરના બંગલે પહોંચ્યાં. એમને કોણ આવકારે? ચોકીદાર મેલાંઘેલાં કપડાંવાળી બાઈને અંદર જવા ના દે. લાલબાની કાકલૂદી નકામી ગઈ. લાલબાએ અઠ્ઠે દ્વારકાં કરીને બંગલાના દરવાજા આગળ પડાવ નાંખ્યો. ક્યારેક ગવર્નર બહાર નીકળશે ત્યારે કાલાવાલા કરીશ અને હૃદય પીગળાવીશ એમ માન્યું.

બીજા દિવસે ગવર્નર બહાર જતા હતા. લાલબાએ ચીસો નાંખી. બૂમો પાડી. ગવર્નરે બોલાવ્યાં તો વાત કરી. આટલે દૂરથી આવેલી યુવાન સ્ત્રીની હિંમત અને પતિપ્રેમે એનું હૃદય પીગળ્યું, પણ છોડી મૂકે તો ભવિષ્યમાં બીજા પણ આવું કરીને માફી માગે. વિદ્રોહ થયા કરે. આથી છોડી મૂકવાને બદલે કાળા પાણીની સજા કરીને આંદામાન મોકલવા હુકમ કર્યો. લાલબાએ માન્યું પતિ જીવતા રહ્યા. ચૂડી-ચાંદલો બચ્યો.

લાલબાએ આ પછી પણ પ્રયત્ન ચાલુ રાખતાં કાળા પાણીની સજામાં દયામાફીનો ઓર્ડર વર્ષો પછી ગવર્નરે કરેલો. આ ઓર્ડર પોર્ટ બ્લેર પહોંચે પહેલાં જ જેલના ત્રાસ અને મચ્છરજન્ય રોગથી ગરબડ મુખીનું પોર્ટ બ્લેરમાં અવસાન થયું. સમગ્ર ગુજરાતમાંથી એકમાત્ર ૧૮૫૭માં કાળા પાણીની સજા થઈ તે ગરબડ મુખીને. બાકી પકડાયા તેને લટકાવી દેવાયેલા. આમ લાલબાએ પતિનો જીવ બચાવેલો. નિરક્ષર લાલબાએ કરેલું સાહસ પ્રેરક હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter