લિઝ ટ્રસને શુભકામના સાથે પ્રાઈમ મિનિસ્ટર બન્યાના અભિનંદન

- રુચિ ઘનશ્યામ Tuesday 06th September 2022 08:39 EDT
 
 

યુકેના પ્રાઈમ મિનિસ્ટર બનવા બદલ લિઝ ટ્રસને અભિનંદન. તેમની શરૂઆત ધીમી રહી હતી. આખરી રાઉન્ડથી અગાઉ સુધી તેઓ ત્રીજા સ્થાને રહ્યાં જ્યાંથી તેમણે પેન્ની મોરડૌન્ટને પાછળ રાખી અંતિમ બે સ્પર્ધકોમાં સ્થાન હાંસલ કર્યું અને ત્યાંથી પાછું વળીને જોયું નહિ. વિજેતા જાહેર કરાયા પછી ટુંકા સંબોધનમાં તેમણે ટેક્સીસ અને એનર્જી બિલ્સમાં કાપ સહિત પ્રાથમિકતાઓ સ્પષ્ટ કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લિઝ ટ્રસને અભિનંદન પાઠવ્યા છે જ્યારે રિશિ સુનાકે કન્ઝર્વેટિવ્ઝને એકજૂટ થઈ તેમની પાછળ રહેવા અનુરોધ કર્યો છે.
રિશિ સુનાક પસંદગીની પ્રક્રિયા દરમિયાન અગ્રેસર રહ્યા ત્યારે લિઝ ટ્રસ લોકો શું સાંભળવા ઈચ્છે છે તેનો તાગ મેળવવામાં આગળ રહ્યા. તેમનું પ્રચાર અભિયાન રાજકીય સમજણયુક્ત રહ્યું અને તેમણે દરેક ઈન્ટરવ્યૂમાં ભારપૂર્વક એ જ પુનરાવર્તન કર્યું કે લોકો શેમાંથી પસાર થઈ રહ્યા છે તેને તેઓ બરાબર સમજે છે અને ચૂંટાયાના થોડાં દિવસોમાં જ રાહત આપવાનું વચન આપ્યું. વધી રહેલા ફૂગાવા અને એનર્જી પ્રાઈસીસ, ઘટેલી આવકો તેમજ શિયાળામાં ઠંડીથી ઠુંઠવાવાની સાથે ભૂખ્યા રહેવાની શક્યતાથી પીડાતી વસ્તીના મોટા ભાગના સમૂહ માટે લિઝ ટ્રસના શબ્દો ઘા પર મલમની ઠંડક આપનારા બની રહ્યાં.
રિશિનું પ્રચાર અભિયાન વાસ્તવિક મુદ્દાસરનું બની રહ્યું પરંતુ, તેમને સફળતાથી વંચિત રાખવા અજાણ્યા પરિબળો થકી સતત પ્રયાસો થતા હોવાનું જણાયું હતું. કન્ઝર્વેટિવ પાર્ટીના સંભવિત નેતાને તેમની ભૌતિક સફળતા વિશે પ્રશ્નો કરાય તે જરા વિચિત્ર લાગ્યું. તેમણે પહેરેલા શૂઝ પ્રાડાના હતા કે બાટાના, તેનાથી શા માટે ફરક પડવો જોઈએ? સ્વબળે કમાયેલી સંપત્તિના સર્જનની ક્ષમતા મૂલ્યવાન રુઢિચૂસ્ત ખાસિયત છે. રિશિ સારા શૂઝ કે વસ્ત્રો પહેરનારા એક માત્ર કન્ઝર્વેટિવ નેતા નહિ હોય. આમ છતાં, આ પ્રશ્નો તેમને પીછો કરતા રહ્યા. તેમના કેમ્પેઈનને તેઓ ‘અન્યની માફક સીધા-સાદા વ્યક્તિ’ તરીકે દર્શાવવાનો રંગ આપવો પડ્યો હતો. ખરેખર તો તેમના માટે પોતાની સફળતાને અન્યો અને દેશ માટે આદર્શ તરીકે દર્શાવી શકાય તેમ થવું જોઈતું હતું. કારણકે તેમની આ સફળતા જ એ બાબતની સાબિતી છે કે તેઓ નાણા કેવી રીતે બનાવવા તે જાણે છે. મને ઘાનામાં એક કન્ઝર્વેટિવ રાજકીય નેતાએ કહ્યું હતું કે, સરકારો નાણા કમાવા માટે તેમજ લોકોના કલ્યાણ માટે તેને ખર્ચવા માટે પણ શક્તિમાન હોવી જોઈએ!
શું તેમની ત્વચાના વર્ણ-રંગના કારણે આમ થયું હશે? એવું હોઈ શકે કે બ્રિટનના લોકો ઘઉંવર્ણા વ્યક્તિને આટલી સફળ થયેલી જોઈ શકતા ન હોય? ધનવાનથી માંડી મધ્યમ વર્ગ સુધી ભારતીય મૂળના લોકોને ખાતરી જ હતી કે રિશિ માટે કોઈ તક જ ન હતી. કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાપદની સ્પર્ધાએ માઈગ્રન્ટ કોમ્યુનિટીને તેમણે સહન કરેલી ઉપેક્ષા કે અવગણના અને વેઠેલા સંઘર્ષોનું સ્મરણ કરાવી દીધું છે. આ બાબત તેઓ ઓછા બ્રિટિશ છે અથવા તેમણે અપનાવેલી માતૃભૂમિ પ્રત્યે ઓછાં પ્રતિબદ્ધ હોવાનું દર્શાવતા નથી.
યુકે ઘણા મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. મહામારીના બે વર્ષે અર્થતંત્રને નિચોવી નાખ્યું છે અને સારા દિવસો ફરી પાછા આવે તે પહેલા જ યુક્રેનમાં યુદ્ધનો આરંભ થઈ ગયો. આના પરિણામે, એનર્જીની કિંમતોમાં ભારે વધારો થયો છે જે વ્યાપક અને ખાસ કરીને આર્થિક રીતે કચડાયેલા વર્ગ અને નિરાધારો માટે આર્થિક મુશ્કેલીઓનું કારણ બની રહ્યું છે.
ટ્રસે રાહતનું વચન આપ્યું જે સુનાકે પણ આપ્યું હતું પરંતુ, સુનાકે ફૂગાવાને અંકુશમાં લાવવા અને અર્થતંત્રની ગાડી પાટા પર ચડાવવાની જરૂરિયાતને પણ હાઈલાઈટ કરી હતી. લોકોમાં એક છબી એવી સર્જાઈ કે ટ્રસના શાસનમાં લોકોને થોડીઘણી રાહત તો મળશે. યુકે વધુ નાણા કરજે લેશે અને અર્થતંત્રનો વિસ્તાર થશે. બીજી તરફ, સુનાક કડવાશપૂર્ણ વાસ્તવિકતાની નજીક હતા કે મુશ્કેલ સમય માત્ર ઈચ્છાથી કે કરજે લીધેલા નાણાથી દૂર થઈ જવાનો નથી.
કોઈપણ રીતે ચૂંટણીઓમાં, ઉષ્માસભર સ્મિત અને અજાણ્યા લોકો સાથે જોડાઈ જવાની ખાસિયતો કે લાક્ષણિકતાઓ ક્ષમતાથી વધુ નહિ તો પણ મહત્ત્વ ધરાવે છે. મારાં કોલેજકાળમાં સ્ટુડન્ટ્સ યુનિયનના પ્રમુખપદની ચૂંટણીઓમાં સ્પર્ધામાં જોડાવાનો મર્યાદિત રાજકીય અનુભવ રહ્યો છે. હું બીનહરીફ ચૂંટાઈ આવી અને મારી ટીમના અન્ય તમામ સાથીઓ પણ ચૂંટાયા હતા. પોલિટિકલ સાયન્સના પ્રોફેસરે પોતાના વર્ગમાં પ્રશ્ન કર્યો કે તેમણે શા માટે મને સપોર્ટ કર્યો હતો. તેમના આશ્ચર્ય અને મારી નિરાશા વચ્ચે પ્રબળ પ્રતિભાવ એ રહ્યો હતો કે તેમને મારું સ્મિત ઘણું ગમ્યું હતું! એક રાજકીય નીરિક્ષક તરીકે મારા માટે આ મહત્ત્વનો બોધપાઠ હતો.
ટ્રસે લોકો જે સાંભળવા ઈચ્છતા હતા તેવો મેસેજ આપ્યો. તેમણે પોતાની યોજનાની વિગતો ન આપી. તેઓ કહે છે કે તેઓ ટેક્સીસમાં કાપ મૂકવા માગે છે. ઈકોનોમિક્સ સંદર્ભે મારી સમજ મર્યાદિત છે. આમ છતાં, એમ જણાય છે કે તેનો ફાયદો ગરીબો કરતાં ધનવાન લોકોને વધુ મળશે. જે લોકો સીડીના તળિયાના હિસ્સે છે અને કદાચ ટેક્સ ચૂકવતા પણ નહિ હોય તેમજ જેમને સપોર્ટની સૌથી વધુ જરૂરિયાત હશે તેમને સૌથી ઓછો લાભ થશે અથવા તો થશે જ નહિ. આ ઉપરાંત, ટેક્સ ઘટાડવાના પરિણામે સરકારને મળનારી રેવન્યુ પણ ઘટશે અને ગરીબો માટે ખર્ચવાની કે બિઝનેસીસને સપોર્ટ કરવાની તેની ક્ષમતા પણ મર્યાદિત બની જશે. ટ્રસે જણાવ્યું છે કે તેઓ આ મુશ્કેલ સમય પસાર કરવા કરજ લેશે અને આશા દર્શાવી છે કે ટેક્સ ઘટાડવાથી વૃદ્ધિને પ્રોત્સાહન મળશે.
મને થોડા પ્રશ્નો થઈ રહ્યા છે. ટેક્સ નીચા લાવવાથી બિઝનેસીસને અન્ય વધુ સમૃદ્ધ સ્થળોએ જવાથી કે ઈન્વેસ્ટમેન્ટ્સને આમંત્રિત કરવાથી અટકાવી શકે છે. પરંતુ, લોકો ક્યાં સ્થળાંતર કરવાનો પ્રયાસ કરતા હોય? અથવા ઈન્વેસ્ટમેન્ટ્સ ક્યાંથી આવશે? જો મારે આ મુશ્કેલ સમયમાં નાણા રોકવા હોય તો હું ક્યાં જઈશ? એવા દેશમાં તો નહિ જ જેનો કરજ અને GDPનો ગુણોત્તર 100 ટકા થઈ ગયો હોય ત્યારે મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે નાણા કરજે લેવાનો પ્રયત્નો કરતો હોય અને જ્યાં આગામી દિવસોમાં ફૂગાવો વધીને અંદાજિત 12થી 20 ટકાની વચ્ચે પહોંચવાનો હોય!
મારા આ બધા પ્રશ્નો હોવાં છતાં, મને આશા છે કે યુકેના પ્રતિભાશાળી બૌદ્ધિકો આ મુશ્કેલ સમયમાંથી બહાર નીકળવાના માર્ગો શોધી કાઢશે. ભારતને મજબૂત યુકે જોઈએ છે. લિઝ ટ્રસ ભારતને સારી રીતે જાણે છે. તેમણે ભારત સાથે વેપારસોદાની વાટાઘાટો કરી છે અને એકથી વધુ વખત ભારતની મુલાકાત પણ લીધી છે.
રિશિ સુનાકે ભારતીય ડાયસ્પોરા અને આધુનિક બ્રિટન માટે સદાકાળ ટકે તેવું યોગદાન આપ્યું છે. તેમણે નેતાપદની સ્પર્ધામાં કોમ્યુનિટીને મોખરાના સ્થાને રાખી છે. ભારતીય મૂળની વ્યક્તિ નં.10 ડાઉનિંગ સ્ટ્રીટ પહોંચશે કે કેમ તેવો પ્રશ્ન રહ્યો નથી માત્ર સવાલ ‘ક્યારે’નો એટલે કે સમયનો છે. તેઓ યુવાન છે અને પુનઃ પ્રાપ્તિ માટે પૂરતો સમય છે. હાલ તો તેમણે, એ બાબતે સંતોષ લેવો જોઈએ કે તેમણે સ્પર્ધામાં ઘણી સારી ટક્કર આપી છે.!
(રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા સાઉથ આફ્રિકા, ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારા તેઓ માત્ર બીજા મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.
 @RuchiGhanashyam)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter