લેબર પાર્ટીની ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિ અટકાવવાનો સમય પાકી ગયો છે

સી.બી. પટેલ Wednesday 16th October 2019 05:58 EDT
 
 

પ્રિય વાચકમિત્રો,

સૌપહેલા તો હું લેબર પાર્ટીના ૨૫ સપ્ટેમ્બરના ઠરાવ વિરુદ્ધ આપણા અભિયાન સંદર્ભે કેટલીક ગેરસમજોની સ્પષ્ટતા કરવા ઈચ્છું છું. આ કેમ્પેઈન લેબર પાર્ટી વિરુદ્ધની નથી કે નથી કન્ઝર્વેટિવ પાર્ટીની સમર્થનમાં. આખી ટોપલી કે પીપ સડેલું નથી. સડેલાં સફરજન વધુ ગંદકી ફેલાવે તે પહેલાં તેમને ટોપલીમાંથી દૂર કરવાં તે તમારું અને મારું કાર્ય છે. હું બે મુદ્દા સ્પષ્ટ કરવા માગું છું. એક, વર્તમાન અભિયાન કોઈ એક નહિ પરંતુ, તેમા ધર્મ અને પરંપરાને સમાવતી બ્રિટિશ-ભારતીય સંસ્થાઓ દ્વારા ચલાવાય છે. બે, અમારો હેતુ સીધોસાદો છે. સાઉથ એશિયન ઉપખંડના દેશો વચ્ચે વિખવાદના મુદ્દા યુકેમાં લાવશો કે ઉખેળશો નહિ. આ આવશ્યક નથી અને ઈચ્છનીય પણ નથી. આ હકીકતો સ્પષ્ટ કર્યા પછી હું નવાંસવાં નાના જૂથો વિશે વિસ્તારથી રજૂઆત કરવા માગું છું.

નવાંસવાં નાના જૂથોની વાજબી અથવા માની લીધેલી ફરિયાદો કે અન્યાય, જે ધાર્મિક, આર્થિક, રાષ્ટ્રવાદી કે અન્ય કોઈ પ્રકારની હોય, તેને સારી, ખરાબ કે વિકૃત હોવાનું લેબલ પણ લગાવી દઈ શકીએ પણ, આખરે આ બધુ એક ઝંઝાવાતમાં રુપાંતરિત થાય છે. આ દેશમાં, આજના બ્રિટનમાં આપણી સમક્ષ યુરોપિયન યુનિયન સાથેના સંબંધોમાં કેવી રીતે બહાર નીકળવું તેની મોટી સમસ્યા છે. કન્ઝર્વેટિવ પાર્ટીમાં કેટલાંક યુરોસંશયીઓ સરકાર માટે હાઉ ઉભો કરનારા બન્યા છે. આ જ રીતે, લેબર પાર્ટીને પણ પોતાની સમસ્યાઓ છે, જે માત્ર જમણેરી-ડાબેરી વિચારધારાઓ સુધી મર્યાદિત રહી નથી. જોકે, ભારતના વિભાજન સમયે ભારતીય ઉપખંડમાં વણઉકલ્યા રખાયેલા પ્રશ્ને અજાણતા જ લોકોનાં ભવાં ઊંચા ચડાવી દીધાં છે.

આપણે આ બાબતોને વારાફરતી તપાસીએ

દ્વિતીય વિશ્વ યુદ્ધ પછી સ્ટીલ અને કોલસાના વ્યવસાય સાથે છ દેશો- ફ્રાન્સ, જર્મની, ઈટાલી, હોલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝ્મબર્ગ વચ્ચે સધાયેલો સહકાર ભારે ઝડપથી આર્થિક પાવરહાઉસમાં પરાવર્તિત થઈ ગયો. તે આગળ વધી આર્થિક સમુદાયમાં વિસ્તર્યો અને પાછળથી, યુનાઈટેડ કિંગ્ડમ અને અન્ય દેશો તેમાં સામેલ થયા ત્યારે વધુ શક્તિશાળી બન્યો જેને આપણે આજે યુરોપિયન યુનિયન (ઈયુ) તરીકે ઓળખીએ છીએ. આજે ઈયુમાં ૨૮ દેશ છે જેમણે અપેક્ષાથી વધુ વિકાસ સાધ્યો છે. લોકો આજે તદ્દન ભૂલી ગયાં છે કે યુરોપિયન મેઈનલેન્ડમાં ૧૮૭૦ના ક્રીમિયા યુદ્ધ અને ૧૯૩૯-૪૫ના દ્વિતીય વિશ્વયુદ્ધના ગાળામાં જોવાયેલાં અનેક યુદ્ધોમાં કરોડો લોકો મોતને શરણ થયાં, વધુ લાખો લોકો ઈજાગ્રસ્ત થયાં અને કેટલાંક દેશોમાં તો આખે આખાં શહેરો સમગ્રપણે વિનાશ પામ્યાં.

ઈયુના વણથંભ્યા વિકાસ સાથે યુરોપિયન કમિશનના કેટલાંક માંધાતાઓના મગજમાં ઈયુનું રુપાંતર યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ યુરોપ (USE) જેવાં સંગઠનમાં કરવાના વિચારો દોડવા લાગ્યા. ઈયુમાં કેટલાંક દેશમાં ઐતિહાસિક વિરાસત તેમજ અન્ય કારણોસર USEની કલ્પના પણ ન આવે તે ભૂલાઈ જવાયું. આ માની લીધેલી અને બળજબરીથી એકીકરણની વિચારધારાથી યુકેમાં અને ખાસ કરીને બ્રિટિશ કન્ઝર્વેટિવ પાર્ટીમાંથી યુરોસંશયી જૂથ જોશીલું બન્યું.

આ લોકો તદ્દન ખોટાં ન હતા પરંતુ કહી શકીએ કે જીવન પ્રત્યેનો તેમનો અભિગમ સંપૂર્ણપણે અધકચરો હતો. ભૂતપૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરન જનમત લેવા સહમત થયા. તેમનો પરાજય થયો અને તેમણે રાજીનામું આપ્યું. આ પછી થેરેસા મે આવ્યાં. તેમણે વાસ્તવમાં ઘણો સંઘર્ષ કર્યો પણ નાસીપાસ થઈ ગયાં. તેમણે પથારો સંકેલી લીધો અને બોરિસ જ્હોન્સન આવ્યા.

વિચિત્રતા એ છે કે વર્તમાન બ્રિટિશ સરકાર લઘુમતીમાં છે. કોમન્સમાં તેમની પાસે ૪૦ સભ્યની ઘટ છે. આ ઉપરાંત, બો જો સાંસદો દ્વારા ચૂંટાયેલા નથી પરંતુ, કન્ઝર્વેટિવ પાર્ટીના ૮૦,૦૦૦ સભ્યોએ તેમને ચૂંટ્યા છે. આમ છતાં, આપણે એ સ્વીકારવું રહ્યું કે તે લોકશાહી રીતે ચૂંટાયેલા વડા પ્રધાન છે.

નામદાર મહારાણીએ સોમવારે પાર્લામેન્ટના નવા સત્રને ખુલ્લું મૂક્યું છે. તેમનું સંબોધન વાસ્તવમાં બો જો સરકાર દ્વારા તૈયાર કરાયું છે અને પરંપરા અનુસાર મહારાણીએ તેનું વાંચન કરવાનું રહે છે. આપણા મહારાણીએ દીર્ઘાયુ કાળથી પોતાનું કાર્ય સુપેરે બજાવ્યું છે.

બો જો સરકાર ૩૧ ઓક્ટોબરે ઈયુમાંથી બહાર નીકળવાની પ્રતિબદ્ધતાને પરિપૂર્મ કરવા તમામ જોખમ લઈ રહી છે, જેને બ્રિટિશ મીડિયાના કેટલાક રાજકીય આલોચકો ‘યેન કેન પ્રકારેણ’ તરીકે ઓળખાવી રહ્યા છે.

હવે આપણે લેબર પાર્ટી તરફ દૃષ્ટિપાત કરીએ

લેબર પાર્ટીનો ઉદ્ભવ કેટલાક ગૌરવશાળી આદર્શો સાથે થયો અને ગત ૧૨૦ વર્ષમાં તેણે ઘણી સારી સેવા કરી છે. એ વાતનું સ્મરણ કરીએ કે વિન્સ્ટન ચર્ચિલની સક્ષમ નેતાગીરી હેઠળ બ્રિટને મિત્રદેશોના ટેકા સાથે ૧૯૪૫માં યુદ્ધમાં વિજય હાંસલ કર્યો છતાં ક્લેમેન્ટ એટલીની નેતાગીરી હેઠળની લેબર પાર્ટી દ્વારા કન્ઝર્વેટિવ પાર્ટી જંગી બહુમતીથી પરાજિત થઈ હતી.

એ તો હકીકત છે કે વિશ્વમાં ગ્રેટ બ્રિટનને નોંધપાત્ર બનાવતા ઘણાં સુધારાઓ એટલી સરકારની વિવિધ પહેલોમાંથી આવ્યા હતા. પરંતુ, જેની ચડતી થાય તેની પડતી પણ નિશ્ચિત છે. આ સર્વવિદિત હકીકત છે.

૧૯૮૦ના દાયકામાં, લેબર પાર્ટીમાં ડાબેરી-જમણેરી કમઠાણ જામ્યું હતું જેને કેટલાંક ‘Loony Left’ તરીકે પણ ગણાવે છે. જોકે, નિલ કિનોક અને પાછળથી ટોની બ્લેરે તેને વહીવટ માટે સક્ષમ પાર્ટીમાં ફેરવી નાખી અને લગભગ ૧૪ વર્ષ સુધી લેબર પાર્ટીએ દેશ પર શાસન કર્યું હતું.

આ પછી, ટોરી પાછા આવ્યા, સૌપ્રથમ તો લિબ ડેમ સાથે ગઠબંધનથી સત્તા મેળવી. આ પછી તો, એક પછી એક કન્ઝર્વેટિવ વડા પ્રધાનોને યુરોસંશયીઓના હાથે ઘણું સહન કરવું પડ્યુ અને બીજી તરફ, લેબર પાર્ટી તેના વિવિધ જૂથો સાથે આંતરિક જૂથવાદનો શિકાર બનતી ગઈ.

ગત થોડાં વર્ષોમાં, લેબર પાર્ટીએ ભારતીય અથવા પાકિસ્તાની પશ્ચાદભૂ સાથેના સાંસદોના મોટા પાયે આગમન થકી કેટલીક નવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. ભારતીય મૂળના સાંસદોમાં સ્વભાવગત બહુસાંસ્કૃતિક, સહિષ્ણુતા અને સમાવેશિતાના મૂલ્યો રહેલા છે. હાઉસ ઓફ કોમન્સમાં અને હાઉસ ઓફ લોર્ડ્સમાં ભારતીય મૂળના સાંસદો તરફ નજર કરો. તેઓ વિવિધ આસ્થા અને પરંપરાઓ ધરાવે છે. સંખ્યાની દૃષ્ટિએ હાઉસ ઓફ કોમન્સમાં લેબર પાર્ટીમાંથી પાકિસ્તાની સાંસદોનું પ્રમાણ વધુ છે અને તેઓ બધા એક જ ધર્મની પરંપરામાંથી આવે છે.

કમનસીબે લેબર પાર્ટી આંતરિક રીતે આર્થિક નીતિઓ, ટ્રેડ યુનિયન્સ, યુકે-ઈયુ વિભાજનના આધાર પર વિભાજિત છે અને હવે ૨૫ સપ્ટેમ્બરના કુખ્યાત ઠરાવ પછી ભારત-પાકિસ્તાન પાસાંનો ઉમેરો થયો છે. બ્રિટિશ પાર્લામેન્ટ અને ખાસ કરીને લેબર પાર્ટી અકારણ જ ૪,૫૦૦ માઈલના અંતરે આવેલા ભારત-પાકિસ્તાન રાજકારણ તેમજ અન્ય સમસ્યાઓમાં લપેટાઈ ગઈ છે.

અગાઉ કદી થયું ન હોય તેમ ભારતીય કોમ્યુનિટી આ વિભાજક અને વિનાશક ઠરાવની વિરુદ્ધ એક અવાજે ઉભી થઈ છે. કેટલાક લોકો અલગ મત ધરાવે છે. હું નિખાલસપણે માનું છું કે બ્રિટનને મજબૂત વિપક્ષની જરૂર છે અને વર્તમાન સંજોગોને ધ્યાનમાં લેતાં લેબર પાર્ટી પ્રથમ વિકલ્પ છે. એ બાબતનો ઈનકાર થઈ શકે તેમ નથી કે લેબર પાર્ટીએ ભૂતકાળમાં યુકેની સેવામાં સારી સરકારો આપી છે.

જીવનમાં પરિવર્તનનું ચક્ર સતત ફરતું જ રહે છે. દૂરદર્શી અને વધુ પરિપક્વ નેતાગીરી સાથે લેબર પાર્ટી વિપક્ષમાં રહી સંભવિત શાસક પક્ષ બની શકે છે. આ કશું રાતોરાત થવાનું નથી પરંતુ, આ સંભાવના તો રહેલી જ છે.

લેબર પાર્ટીની નેતાગીરી અને તમામ લેબર સભ્યો પરિસ્થિતિની નજાકત પર નજર નાખે તેમજ વિચારે બોલે અને ગંભીર જવાબદારી સાથે કાર્યવગન કરે તે આજની પળની તાતી જરૂરિયાત છે.

લેબર કોન્ફરન્સના ઉશ્કેરણીપૂર્ણ ઠરાવ સાથે અસંમત થનારા અને તેને વખોડવા સાથે વહેલી તકે તેને પાછો ખેંચાવવા પ્રતિબદ્ધ તમામ લેબર પ્રતિનિધિઓ/નેતાઓ સાથે યોગ્ય આદર અને વિવેક સહિત આપણે વ્યવહાર રાખવો જોઈએ.

વર્તમાન ભારત બહુસાંસ્કૃતિક, સર્વધર્મ સમાનતાવાદ અને બહુભાષીયતા સાથે પોતાની ઓળખ કરાવી શકે તેવા સ્તરે છે. આ જ પ્રમાણે યુકેમાં પણ વિવિધ પંથ-માર્ગો ધરાવતા વિવિધ લોકસમૂહ છે જેઓ, શાંતિ અને સંવાદિતા સાથે સહઅસ્તિત્વ ધરાવી રહ્યા છે. આપણે અવિશ્વાસ અને વિસંવાદિતાના બીજ વાવીએ નહિ કે વાવવા દઈએ નહિ. આ ઘણી નાજૂક પરિસ્થિતિ છે અને આપણે જવાબદાર નાગરિક બની રહેવા શ્રેષ્ઠ કોશિશો કરીએ તેની ચોકસાઈ રાખવાનું ઉત્તરદાયિત્વ આપણા બધાનું છે.

( Asian Voiceમાં પ્રકાશિત ‘AS I SEE IT’ કોલમનો ભાવાનુવાદ )


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter