લોકહૃદયમાં રાજ કરનાર સુલતાન કાબુસ બિન સઇદ અને ઓમાન-કચ્છનું સૈકાઓ પુરાણું કનેક્શન

Thursday 16th January 2020 05:23 EST
 
 

‘અમારું ચાલ્યું હોત તો અમે અમારો જીવ આપીને પણ સુલતાનને બચાવ્યા હોત. એક રાજા પોતાની પ્રજા માટે શું કરી શકે એનો ઉત્તમ દાખલો અમારા સુલતાન હતા. ૧૯૭૫ સુધી અહીં કશું જ નહોતું, ચોમેર બંજર જમીન, છુટાછવાયા પાકા રસ્તા અને ઉજ્જડ વનમાં એરંડા પ્રધાનની જેમ ગણ્યાગાંઠ્યા સ્થળે જીવનજરૂરી સુવિધાઓ. છેલ્લા ત્રણ દાયકામાં ઓમાનમાં ૬૦ હજાર કિમીથી વધુ પાકા રસ્તા, શાળાઓનું નિર્માણ થયું છે, અર્થતંત્ર મજબૂત બન્યું છે, દેશની આજની આ પ્રગતિ અમારા સુલતાનને આભારી છે.’ આ શબ્દો છે એક ઓમાની નાગરિકના. પોતાની પ્રજાનો આટલો પ્રેમ-વિશ્વાસ-આદર હાંસલ કરનાર ઓમાનના ૭૯ વર્ષના સુલતાન કાબુસ બિન સઇદ અલ સઇદના નિધનથી શોકનું મોજું ન ફરી વળે તો જ નવાઇ.
માત્ર સ્થાનિક ઓમાની નાગરિક નહીં, અહીં આવીને વસેલા ભારતીયો સહિત અન્ય દેશના નાગરિકો પણ સુલતાન કાબુસ બિન સઇદ માટે અપાર સન્માન અને સ્નેહ સાથે મસ્તક ઝુકાવે છે. અને જ્યારે આપણે ‘અન્ય દેશના નાગરિકોની’ વાત કરીએ છીએ ત્યારે ગુજરાતી સમુદાયનો સવિશેષ ઉલ્લેખ કરવો રહ્યો. માત્ર પારસીઓ જ ગુજરાત પહોંચીને દૂધમાં સાકરની જેમ ભળી ગયા છે તેવું નથી, ગુજરાતીઓ પણ ઓમાનમાં વસીને સાકરની જેમ ભળી ગયા છે. ઇતિહાસના પાના ફેરવશો તો જણાશે કે ઓમાન અને ગુજરાત વચ્ચે સૈકાઓ પુરાણો નાતો છે. પરંતુ આ સંદર્ભે વિશે વાત કરતાં પહેલાં જરા ઓમાનની ગઈકાલ અને આજ ઉપર નજર ફેરવી લઇએ.

રણમાં ક્રાંતિનું બીજ

આજથી થોડા દસકા પહેલાં ઓમાન પાસે ફક્ત ક્રૂડ ઓઇલ હતું, આજે પ્રવાસનથી શરૂ કરીને બિઝનેસ સુધી દરેક બાબતમાં ઓમાન પશ્ચિમના દેશો સાથે લગોલગ ઊભું રહી શકે એટલું મજબૂત થયું છે. ઓમાનના બંદરે ક્રૂઝની શિપ લાંગરવામાં આવે છે. ફોરેન ટ્રાવેલર્સનાં ટોળેટોળાં ઊતરી પડે છે. ઓમાન પાસે ક્રૂડ ઓઇલના ભંડાર હોવાથી તેની કમાણીમાંથી પ્રગતિ થાય છે એવું નથી. ક્રૂડ ઓઇલની સામે ઓમાન પાસે કુદરતે આપેલી અનેક મર્યાદાઓ છે. રણની વચ્ચે પહાડ અને પથ્થરોમાં ઊભેલો આ દેશ અલ્પ ખનીજ તેલ સિવાય કશુંય પેદા કરી શકતો નથી, એટલી હદ સુધી કે આ દેશમાં ઘઉં આયાત કરીને એને દળીને એનું પેકેજિંગ કરાય છે.
રણની વચ્ચે આવેલા આ દેશમાં આજથી સાડા ત્રણ દાયકા પહેલાં સો કિલોમીટરથી વધુ પાકા રસ્તા નહોતા, આજે ઓમાનનાં ગામડાં પાકા રસ્તાથી એકબીજા સાથે જોડાયાં છે.  ૬૦ હજાર કિલોમીટરથી વધારે પાકા રસ્તા, ઇલેક્ટ્રિસિટી, શાળાઓ ઊભી થઈ છે. આ કમાલ છે સુલતાન કાબુસ બિન અલ સઇદની દૂરંદેશીની. આમ આદમીના જીવનથી માંડીને દેશની કાયાપલટ કરી નાંખે તેવા શ્રેણીબદ્ધ નિર્ણયો લીધા અને તેનો અમલ કર્યો. પરિણામે અંતિમ શ્વાસ સુધી રાજગાદી સંભાળી એટલું જ નહીં, લોકહૃદયમાં પણ સ્થાન મેળવ્યું.

પિતા સામે બળવો કરી રાજગાદી સંભાળી

૭૯ વર્ષના કાબુસ આરબ વિશ્વમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનારા સુલતાન રહ્યાં. તેઓ ગત મહિને જ બેલ્જિયમથી કેન્સરની સારવાર કરાવી પરત ફર્યા હતા. તેમણે લગ્ન નહોતા કર્યા. ૧૯૭૦ પહેલાં ઓમાન પર કાબુસ બિન સઇદના પિતા સુલતાન સઈદ બિન તૈમૂરનું શાસન હતું. તેઓ વય વધવાની સાથે બીમાર અને માનસિક નબળા પડી ગયા હોવા છતાં ગાદી છોડવા તૈયાર નહતા. ઓમાન તે વખતે બહુ પછાત હતું. સુલતાન કાબુસે ૧૯૭૦માં બ્રિટનના સમર્થનથી પિતાને સત્તા પરથી ઉથલાવ્યા ને ૨૩ જુલાઇ ૧૯૭૦ના રોજ રાજગાદી સંભાળી. બ્રિટને કાબુસ બિન સૈદના ઉત્તરાધિકારનું સમર્થન કર્યું. ૧૯૪૦માં જન્મેલા સુલતાન કાબુસ બિન સઇદ, ૩૦ વર્ષની વય સુધી બ્રિટિશ આર્મીમાં હતાં. એમનું શિક્ષણ પૂના અને ઇંગ્લેન્ડમાં થયું છે.
રાજગાદી પર બેસતાં જ સુલતાને કેટલાક જબરદસ્ત ફેરફારો કર્યા, જેમાં શિક્ષણને સર્વોચ્ચ પ્રાધાન્ય અપાયું. એમણે બાળકો માટે તો સરકારી શાળાઓ ખોલી જ, પરંતુ એક સમય એવો આવ્યો કે જ્યારે ઘરમાં બાળકો ભણેલાં હતાં ને માતા-પિતા અભણ! આથી સુલતાને એવી જાહેરાત કરી કે જે લોકો પ્રૌઢ શિક્ષણના વર્ગોમાં આવશે એમને અઢીથી સાત રિયાલ સુધીનો પગાર અપાશે. સાથે રાતનું ભોજન મફત! આ નવી જાહેરાતે ઓમાનીઓને શિક્ષણ માટે પ્રેર્યા. આજે ઓમાનના બહુમતી નાગરિકો અરેબિકની સાથે સાથે હિન્દી - અંગ્રેજી લખી-બોલી-વાંચી શકે છે એનું કારણ સુલતાનની શિક્ષણ નીતિ છે.
કાબુસ બિન સઇદ સુલતાન બન્યા ત્યારે ઓમાન બહુ પછાત દેશ હતો. સમગ્ર દેશમાં માત્ર ૧૦ કિમીના પાકા રોડ હતા અને માત્ર ત્રણ સ્કૂલ હતી. તેમના પિતા બહુ રૂઢીચુસ્ત હતા. જોકે બ્રિટનમાં ભણેલા કાબુસ બિન સઇદે સત્તા સંભાળ્યા બાદ ઓમાનને આધુનિક બનાવ્યું. ઓમાનની કાયાપલટ કરી નાંખી. આજે ઓમાનમાં ૬૨,૨૪૦ કિમી પાકા રોડ અને ૧૫૦૦થી વધુ સરકારી સ્કૂલો છે.
આજે ઓમાનીઓ માટે શિક્ષણ, તબીબી સારવાર અને બીજી કેટલીયે સવલતો મફત છે. કાયદા કડક છે, એનું નિયમન એથીય વધુ કડક છે, પરંતુ કાયદા પાળનાર વ્યક્તિને સતત સુલતાનની રહેમ નજર મળતી રહે છે. સુલતાનની કાર્યપદ્ધતિ દર્શાવે છે કે કોઈ પણ રાજનેતા પાસે એક વિઝન-દૂરંદેશી દૃષ્ટિ હોવી જોઈએ. એક દિશા હોવી જોઈએ. દુનિયાની કોઈ પ્રગતિ રાતોરાત નથી થતી, પરંતુ એ પ્રગતિ કે વિકાસ માટે જો દેશનો નેતા કટિબદ્ધ હોય તો એ દેશની પ્રગતિ કે વિકાસને રોકી શકાતી નથી. ઓમાનના સુલતાને માત્ર ભૂમિ પર રાજ નહોતું કર્યું, લોકોના હૃદયમાં પણ સ્થાન મેળવ્યું હતું. આથી જ ઓમાનમાં વસતો દરેક નાગરિક સુલતાનની ચિર વિદાયથી પરિવારના મોભી ગુમાવ્યા જેવી લાગણી અનુભવે છે.

ઇસ્લામિક દેશમાં ધાર્મિક સહિષ્ણુતા

સાઉદી અરેબિયામાં જ્યાં ઘરમાં પણ ભગવાન કે મંદિર રાખવાની છૂટ નથી એની સામે આ ઇસ્લામિક દેશમાં ધાર્મિક સહિષ્ણુતાનું પ્રમાણ ન માની શકાય એટલું છે. ઓમાનમાં દોઢ સદી પુરાણું શિવમંદિર છે, હવેલી છે. જ્યાં નિયમિત કીર્તન અને પૂજા થાય છે. મંદિરો, ચર્ચ કે બીજાં ધાર્મિક સ્થળો માટે ઇલેક્ટ્રિસિટી, પાણી મફત પૂરાં પાડવામાં આવે છે. પૂજ્ય મોરારિબાપુએ મસ્કતમાં રામકથા કરી ચૂક્યા છે તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરી ૨૦૧૮માં ઓમાન મુલાકાત દરમિયાન આ શિવમંદિરમાં પૂજાઅર્ચના કર્યા હતા. અહીં શિયા, સુન્ની ઉપરાંત અહેમદિયા અને વહાબી પંથના લોકો એકસાથે નમાજ પઢે છે. આ દેશમાં રાજકારણની જાહેર ચર્ચા ઉપર પ્રતિબંધ છે, જાહેર સ્થળોએ ધાર્મિક ચર્ચા થઈ શકતી નથી. તમાકુ ઉપર પ્રતિબંધ છે. બીજી તરફ, અહીં નાઇટલાઇફ છે. પબ્ઝ છે. એરેબિક મ્યુઝિક અને ડિસ્કોની જાહેરાત ટેલિવિઝન પર દર્શાવાય છે. સ્ત્રીઓ માટે અખૂટ સન્માન છે. મસ્જિદ સિવાય કોઈ જગ્યાએ વસ્ત્રો વિશેના નિયમો કે ઇસ્લામિક કાયદા બીજા લોકો પર ઠોકી બેસાડવાનો પ્રયત્ન થતો નથી.

કચ્છ અને ઓમાનઃ ૫ હજાર વર્ષ જૂનો નાતો

ઓમાન અને કચ્છના સંબંધો હડપ્પીય સમયનાં છે. પાંચ હજાર વર્ષ પૂર્વે ધોળાવીરા કે લોથલ બંદરેથી નિકાસ થતો માલ ઓમાન પહોંચતો હતો એ પુરવાર થઇ ચૂક્યું છે. ઓમાનમાં પુરાતત્ત્વીય અવશેષોની ખોજ વખતે જે પોટરી-વાસણ મળ્યાં છે તે હડપ્પીય સમયનાં છે અને કચ્છ-ગુજરાતથી નિકાસ થયેલા છે. વર્તમાન સંબંધોની વાત કરીએ તો તેનો યશ માંડવીના - કચ્છના ભાટિયા વેપારીને આપવો રહ્યાો. સાડાત્રણસો વર્ષથી ઓમાનમાં વેપાર-વણજ કરતી પેઢીઓ આજેય મોજૂદ છે. આ વેપારીઓ અઢળક ધન કમાયા છે એની ના નહીં પણ ઓમાનના સુલતાનો સાથે ઘરોબો કેળવીને સુમેળભર્યા સંબંધો વિકસાવ્યા છે એનો લાભ આજે ભારતને સમગ્રતયા મળી રહ્યો છે.
આજથી પાંચ હજાર વર્ષ પહેલાં ભારતીય વેપારીઓ મસ્કત પહોંચ્યા, ત્યારથી ઓમાન અને ભારત વચ્ચે વ્યાપારનો દોર ચાલે છે. જૂના આફ્રિકન પુસ્તકમાં ‘ટિબૂ ટિબ’માં કચ્છી વહાણો આફ્રિકા અને ઓમાનના કિનારે પહોંચ્યાં હતાં એની વિગતો છે. ગ્રીક લેખક ‘ગેલાઝી’ અને ‘પેરિયાકસાએ’નાં પુસ્તકોમાં પણ કચ્છી વહાણવટાની વાતનો ઉલ્લેખ છે. મધ્ય યુગમાં ગુજરાતમાં ૮૪ બંદરો હતાં. ૧૯મા સૈકા પૂર્વે ભાટિયા અને અન્ય હિન્દુ વેપારીઓ ઓમાન ગયા હતા. વાટ ભીમા અને જયરામ શિવજી જેવા વેપારીઓએ ૧૮૩૦ પછી ઝાંઝીબાર, મોમ્બાસા અને અરબ સુલતાના સાથે પરિચય કેળવ્યો અને વ્યાપાર શરૂ કર્યો. ૧૭૬૦-૭૮માં કચ્છના મહારાવ ગોડજી બીજાએ માંડવીના જહાજ વાડાને મહત્ત્વનું સ્થળ બનાવ્યું એ પૂર્વે જયરામ શિવજીના દાદા ટોપણ વ્યાપાર અર્થે મસ્કત - ઝાંઝીબાર જતા એવો ઉલ્લેખ છે.

ઓમાનમાં કચ્છી માડુઃ ભારતીય સંસ્કૃતિનું પ્રતીક

ઓમાનમાં વસતા કચ્છી માડુએ પ્રાદેશિક સંકુચિતતાઓને બાજુએ મૂકીને પોતાને ભારતીય સંસ્કૃતિના પ્રતીક તરીકે ઉપસાવ્યો છે. ઓમાનના સુલતાનશાહી શાસન અને ત્યાં વસતા ભારતીયો વચ્ચે મજબૂત સેતુ બનીને કચ્છીઓએ પ્રગતિનાં અનેક સોપાન સર કર્યાં છે. આમાં ખીમજી રામદાસ પેઢીના મોભી કનક શેઠનું ઉદાહરણ નોંધનીય છે. ઓમાનના સુલતાન તરફથી શેખનો ખિતાબ મેળવનાર તેઓ પ્રથમ અને એકમાત્ર ભારતીય છે. આ ખિતાબ શોભાનો ગાંઠિયો નથી. તેની સાથે જવાબદારી સંકળાયેલી છે. ઓમાનની સરકાર - પ્રજા અને ત્યાં વસતા ભારતીયો વચ્ચે સુમેળભર્યા સંબંધો અને શાંતિ-એખલાસનો માહોલ જળવાય એ જોવાની જવાબદારી શેખની હોય છે.
ચાલુ વર્ષના પ્રારંભે કનક શેઠના પરિવારે એક અનોખી દરિયાઇ સફર ખેડી હતી. અખાતી ભૂમિ પર છ-છ પેઢીઓથી દબદબો મેળવનાર ખીમજી રામદાસ પેઢીના મોભીઓએ છેક ૧૮૭૦માં સઢવાળા વહાણમાં માંડવીથી ઘરબાર છોડીને વેપાર-વણજ વિકસાવવા હિજરત કરી હતી તે વડીલોની સ્મૃતિમાં કનક શેઠના પરિવારે મસ્કતથી માંડવીની વળતી દરિયાઇ સફર ખેડી હતી. મશીનવાળી આધુનિક બોટમાં બેસીને પરિવાર ત્રણ દિવસે મસ્કતથી માંડવી પહોંચી ઇતિહાસ સર્જાયો હતો.
કનક શેઠનું ઉદાહરણ તો વ્યક્તિગત થયું, પરંતુ એક સમાજ તરીકે પણ ઓમાનના કચ્છીઓની પ્રવૃત્તિઓ પર નજર કરીશું તો એનું ફલક વિશાળ અને રાષ્ટ્રીય સ્તરનું દેખાશે, ક્યાંયે સંકુચિતતા નહીં દેખાય. આર્થિક, સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક ક્ષેત્રે મહત્ત્વનું ચાવીરૂપ પ્રદાન કચ્છીઓએ પૂરું પાડ્યું છે અને દરેક ક્ષેત્રે તન, મન ધનથી મોખરાનું સ્થાન શોભાવી રહ્યા છે. કનક શેઠ ઉપરાંત અનિલભાઇ ખીમજી, કિરણભાઇ કાજી, ચન્દ્રકાન્ત ચોથાણી, અરવિંદ ટોપરાણી, દિનેશભાઇ પવાણી, હેમલતાબેન જેશરાણી, હંસાબેન આશર સહિત અનેક નામ ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક પ્રવૃત્તિ સંદર્ભે આપી શકાય. કચ્છી તરીકેની પરખ જાળવીને આ લોકોએ સમગ્રતયા ગુજરાતી અને ભારતીય સમાજનું સફળ પ્રતિનિધિત્વ કર્યું છે. ઇન્ડિયન સોશ્યલ કલબ હોય કે ગુજરાતી સમાજ, મહાજન એસોસિયેશન હોય કે ઇન્ડિયન બિઝનેસ ગિલ્ડ કે પછી ઓમાન ક્રિકેટ એસોસિયેશન દરેકમાં મોખરાના સ્થાનો પર કચ્છી માડુ બિરાજમાન છે.

ગુજરાતીઓની દૃષ્ટિએ ‘અમનનો દેશ’

મસ્કતમાં વસેલા ગુજરાતીઓ આજેય પૂર્ણપણે ગુજરાતી છે. એમના ડાઇનિંગ ટેબલથી શરૂ કરીને એમના વ્યાપાર સુધી દરેક વાતમાં ગુજરાતીપણું ઝળકે છે. શેખ કનકસિંહભાઈ ખીમજીની રાહબરી હેઠળ ચંદ્રકાંત ચોથાણી, જીતેન્દ્ર શુક્લ અને બચુભાઈ ધોળકિયાએ ‘મસ્કત સાંસ્કૃતિક સમાજ’ની સ્થાપના કરી. ૧૯૭૬માં એનું નામ ‘મસ્કત ગુજરાતી સમાજ’ કરાયું. એની પેરેન્ટ ક્લબ એટલે ઇન્ડિયન સોશ્યલ ક્લબ. મસ્કતના ગુજરાતી સ્નેહાળ-દિલેર-સાહસિક છે. ઓમાનમાં વસતા ગુજરાતીઓ ઓમાનને ‘અમનનો દેશ’ તરીકે ઓળખાવે છે કેમ કે તેઓ અહીં સુખ-શાંતિ-સમૃદ્ધિ પામ્યા છે.
ગુજરાતીઓનો ઓમાનના વિકાસમાં ઘણો મોટો ફાળો છે. ઓમાનના રસ્તા, ફલાયઓવર્સ અને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનમાં ગુજરાતી કંપનીઓ ઘણી આગળ છે. આજથી કેટલાયે વર્ષો પહેલાં ગુજરાતીઓને ‘બનિયા’ તરીકે સ્વીકારવામાં આવ્યા. આરબો ગુજરાતીઓની પ્રામાણિકતા પર વિશ્વાસ રાખીને એમનાં ઘરેણાં, સોનું, ચાંદીના સિક્કાઓ કચ્છી વેપારીઓ પાસે સાચવવા મૂકતા. આજે પણ સુલતાનને ત્યાં પેલેસમાં જેટલી સપ્લાય થાય છે એ બધું જ ધરમશી નાનજીની પેઢીની નિગેહબાનીમાં થાય છે. ઓમાનમાં ખીમજી રામદાસ અને મેસર્સ હરિદાસ લાલજીથી માંડીને પુરૂષોત્તમ માધવજી - ભરત ટ્રેડિંગ સુધીની પેઢી દસકાઓથી ધમધમે છે. આ પેઢીઓનો અભ્યાસ કરતાં જણાય છે કે ૩૫થી ૪૦ પેઢી કુટુંબ કચ્છના, લગભગ ૧૫ સૌરાષ્ટ્રના અને બાકીના ૪-૫ સિંધ-મુંબઇના છે. નોંધનીય બાબત એ છે કે આમાંની મોટા ભાગની પેઢીઓ ગુજરાત રાજ્યની રચના થયા પહેલાથી કાર્યરત છે. બસ્સો વર્ષ પહેલાં કદાચ ગુજરાત જેવા પ્રદેશનો ખ્યાલ પણ કોઇને નહોતો તે સમયે વેપારીઓ મસ્કત પહોંચ્યા હતા.
ઓમાનની કુલ વસતી અંદાજે ૩૧ લાખ જેટલી છે. આ પૈકી છ લાખ વિદેશી છે, અને તેમાં પણ મુખ્યત્વે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ફિલિપાઇન્સના નાગરિકો છે. જોકે જાણીને નવાઇ લાગશે કે આ છ લાખમાંથી સાડા પાંચ લાખ તો ભારતીય નાગરિકો છે. આ દર્શાવે છે કે સૈકાઓ પૂર્વે દરિયાઇ માર્ગે બંધાયેલો નાતો સમયના વહેવા સાથે વધુ મજબૂત બન્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter