લોર્ડ ભીખુ પારેખની સિદ્ધિઓનું દુર્લભ સન્માન

Tuesday 31st March 2015 07:30 EDT
 
 

લંડનઃ દરેક વિદ્વાન પોતાના ક્ષેત્રના શ્રેષ્ઠ વિદ્વાનો દ્વારા તેમની બૌદ્ધિક સિદ્ધિઓની ચર્ચા કરાય તેવાં સર્વોચ્ચ અને શ્રેષ્ઠ સન્માન હાંસલ કરવાની ઈચ્છા રાખે છે પરંતુ થોડાં જ તેને હાંસલ કરવામાં સફળ થાય છે. લોર્ડ ભીખુ પારેખે ગત સપ્તાહે આ અનેરી સિદ્ધિ હાંસલ કરી છે. હાઉસ ઓફ લોર્ડ્સના એટલી રુમ ખાતે ૨૪ માર્ચે આયોજિત પ્રતિષ્ઠિત બેઠક અને ભોજન સમારંભમાં સમગ્ર વિશ્વના લબ્ધપ્રતિષ્ઠિત રાજકીય ચિંતકો દ્વારા લિખિત ૧૪ નિબંધોનો ગ્રંથ લોર્ડ પારેખને અર્પણ કરવામાં આવ્યો હતો. ડો. વરુણ ઉબેરોય અને પ્રોફેસર તારિક મદૂદ દ્વારા સંપાદિત આશરે ૪૦૦ પાનાનાં ભવ્ય ગ્રંથ ‘મલ્ટિકલ્ચરિઝમ રીથોટ’નું પ્રકાશન એડિનબરા યુનિવર્સિટી પ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે. આ ગ્રંથના નિબંધોમાં લોર્ડ પારેખના જીવન અને કાર્યોની ચર્ચા કરવા સાથે જ રાજકીય તત્વચિંતક અને લોકહિતૈષી પ્રબુદ્ધ તરીકે તેમના પ્રદાનને બિરદાવવામાં આવ્યું છે.

સામાન્ય રીતે આવા પ્રસંગોએ થતું હોય તેમ પુસ્તક વિશે પેનલ ચર્ચા સાથે કાર્યક્રમનો આરંભ થયો હતો. પેનલ ચર્ચાનું અધ્યક્ષસ્થાન બ્રિટનના પ્રતિષ્ઠિત સમાજશાસ્ત્રીઓમાં ગણનાપાત્ર અને લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સના પૂર્વ ડિરેક્ટર લોર્ડ ગિડેન્સે સંભાળ્યું હતું. પેનલિસ્ટોમાં ઈક્વલિટી એન્ડ હ્યુમન રાઈટ્સ કમિશનના અધ્યક્ષા અને બ્રિટિશ એકેડેમીના પૂર્વ પ્રમુખ બેરોનેસ ઓનોરા ઓ’નીલ, રાજકીય ફિલોસોફીના આંતરરાષ્ટ્રીય સન્માનીય પ્રોફેસર (યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ) જ્હોન ડન, તેમજ સાંસ્કૃતિક વૈવિધ્યના વિષય પર જેમના કાર્ય નામનાપાત્ર છે તેવા ક્વીન મેરી કોલેજ ઓફ યુનિવર્સિટી ઓફ લંડનના પ્રોફેસર માઈકલ કેનીનો સમાવેશ થતો હતો. આ દરેક મહાનુભાવે ડો. પારેખના લખાણોના વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડી તેમનું સન્માન શા માટે થવું યોગ્ય છે તેની સમજ આપી હતી. આ પછી આયોજિત ડિનરમાં પ્રતિષ્ઠિત રાજકીય ચિંતકો ઉપરાંત, લોર્ડ મોર્ગન, લોર્ડ ગ્રોકોટ, લેડી ગેવરન, બેરોનેસ રોયાલ, લોર્ડ પ્લાન અને લોર્ડ નૂન પણ ઉપસ્થિત હતા. લોર્ડ પારેખે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે તેઓ આ સન્માનને યોગ્ય હોવાનો દાવો કરતા નથી કારણ કે એ અહંકારી અને ખોટું ગણાશે અથવા તેઓ આના માટે યોગ્ય નથી તેમ પણ નહિ કહે કારણ કે તેનાથી આ ગ્રંથનું સંપાદન કરનારા અને ગ્રંથ માટે લખનારાના વિવેક અને ડહાપણ વિશે સવાલ ઉભાં થશે. તેઓ તો માત્ર નમ્રતા અને ઊંડા આભાર સાથે આ સન્માનનો સ્વીકાર કરી શકે છે.

તેમણે આ ગ્રંથની પહેલ કરવા તેમ જ તેના વિવિધ તબક્કાઓ પર દેખરેખ રાખવા બદલ વરુણ ઉબેરોય અને તારિક મદૂદ પ્રત્યે ઊંડા આભારની લાગણી વ્યક્ત કરી હતી. તેઓએ અને વિશેષતઃ ઉબેરોયે કોઈ સંપાદક પાસેથી અપેક્ષિત હોય તેનાથી ઘણું વધુ કર્યું હતું. લોર્ડ પારેખે આ ગ્રંથ માટે લખનારા લેખકો તેમ જ પોતાના બૌદ્ધિક જીવનને ઘડનારા અને માર્ગદર્શન આપનારા લોકોનો પણ આભાર માન્યો હતો. તેમના કાર્યો વિશે તીવ્ર વિવેચન કરી તેમના બૌદ્ધિક વિકાસમાં ફાળો આપનારાનો પણ તેમણે વિશેષ આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારતીય પરંપરામાં કોઈના પણ વિચારોની સ્પષ્ટ વ્યાખ્યા કરવાની ફરજ પાડી તેમના પ્રત્યે પ્રતિબદ્ધતાની પરીક્ષા કરનારા આલોચક કે ટીકાકારનું ઋણ પણ વિશેષ રહ્યું છે. આ જ ચોક્કસ કારણોસર શત્રુઓ પ્રત્યે પણ આભારનું ઋણ રહે છે, જેઓ ઊંડા અંતરદ્વારેથી શત્રુઓ તરીકે રહેતાં નથી.

લોર્ડ પારેખે જણાવ્યું હતું કે તેમનું જીવન સંઘર્ષપૂર્ણ રહ્યું છે. ભારતના નાના ગામડામાં સુવિધા વિનાની શાળા અને જે પરિવારમાં કોઈએ હાઈ સ્કૂલનું શિક્ષણ પૂર્ણ કર્યું ન હતું તેવાં વાતાવરણમાં તેમના જીવનનો આરંભ થયો હતો. તેમણે પોતાના જીવનમાં શીખેલા મહત્ત્વના પદાર્થપાઠમાં ઓડિયન્સને સહભાગી બનાવ્યું હતું અને જીવન સાથે કારકિર્દીની તુલના કરવા સામે ચેતવ્યાં હતાં. તેમણે મહાન બ્રિટિશ પ્રબુદ્ધો સાથે પોતાના સાહચર્યનું પણ વર્ણન કર્યું હતું. તેમણે ખાસ કરીને સર ઈસિયાહ બર્લિનને યાદ કર્યા હતા, જેમણે ભારતથી પરત આવ્યા પછી પારેખને કહ્યું હતું કે કોઈ પણ બે ભારતીયના ચહેરાં મળતા ન આવવાની હકીકત તેમ જ નેહરુની રોમન મુખાકૃતિથી તેઓ અચંબિત થયા હતા.

સંબોધનનો પ્રત્યુત્તર આપતા કિંગ્સ કોલેજ, લંડનસ્થિત ફિલોસોફી અને જ્યુરિપ્રુડન્સના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત પ્રોફેસર તેમ જ ડો. પારેખના માર્ગદર્શન હેઠળ ૪૦ વર્ષ અગાઉ ડોક્ટરલ સંશોધન કરનારા લોર્ડ રેમન્ડ પ્લાન્ટે તેમને મહાવિદ્વાન, આદર્શ શિક્ષક અને નિરાળા માનવી તરીકે સલામી આપી હતી. તેમણે કહ્યું હતું કે પારેખ તીક્ષ્ણ મન સાથે માનવીય ઉષ્મા ધરાવે છે અને તેમણે વિશ્લેષણાત્મક અને આલોચનાત્મક વિચારધારાની ક્ષમતાને આકાર આપ્યો છે.

લોર્ડ પારેખ આવી અસાધારણ શ્રેષ્ઠતા હાંસલ કરનારા એકમાત્ર ભારતીય રાજકીય ચિંતક અને ગણ્યાગાંઠ્યા ભારતીય શિક્ષણવિદોમાંના એક છે. બ્રિસ્ટલ યુનિવર્સિટી ખાતે સમાજશાસ્ત્રના નામાંકિત પ્રોફેસર તેમ જ નૃવંશીયતા અને ધર્મના અભ્યાસમાં વિશિષ્ટ પ્રદાન માટે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત પ્રોફેસર તારિક મદૂદે તેમણે અને ઉબેરોયે આ ગ્રંથ તૈયાર કરવા પાછળનું કારણ સમજાવ્યું હતું. પારેખ અસામાન્ય રાજકીય તત્વચિંતક છે, જેમણે અનેક મહાન ચિંતકો અને આદર્શો સંબંધે મહત્ત્વના પુસ્તકો પ્રકાશિત કર્યા છે અને થિઅરી ઓફ મલ્ટિકલ્ચરિઝમ સહિત રાજકીય ચિંતનમાં મહત્ત્વનું પ્રદાન કર્યું છે. લોર્ડ પારેખ જાહેર સેવા અને સાર્વજનિક બૌદ્ધિક સંપર્કોનું અદ્ભૂત ઉદાહરણ છે. તેઓ અનેક સરકારી અને બિનસરકારી કમિશનના સભ્ય રહ્યા છે અને સામાન્ય નાગરિકો, નીતિઘડવૈયાઓ અને પ્રબુદ્ધોના વિચારોને પ્રભાવિત કર્યા છે. તેઓ સંખ્યાબંધ લોકોના માર્ગદર્શક અને પ્રેરણાસ્રોત રહ્યા છે. આથી જ, વિશ્વના વિવિધ પ્રદેશોના સુવિખ્યાત વિદ્વાનોએ આ પુસ્તકમાં પોતાનો ફાળો આપવા તત્કાળ સંમતિ દર્શાવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter