વડા પ્રધાન નેહરુએ ખૂબ વાર્યા છતાં ‘શાયર-એ-ઈન્કિલાબ’ જોશ કરાંચી ગયા

ડો. હરિ દેસાઇ Monday 20th February 2017 04:41 EST
 
 

લખનઊ પાસેના મલીહાબાદના જમીનદાર પરિવારમાં જન્મીને દુનિયાભરમાં ‘ક્રાંતિના શાયર’ (શાયર-એ-ઈન્કિલાબ) તરીકે મશહૂર બનેલા જોશ મલીહાબાદીનું મૂળ નામ તો હતું શબ્બીર હસન ખાન, પણ જોશ મલીહાબાદી તરીકે જ એ ઓળખાયા. ભારત સરકારે એમને પદ્મ-ઈલકાબના સ્થાપના વર્ષ એટલે કે ૧૯૫૪માં ‘પદ્મભૂષણ’ ઈલકાબથી નવાજ્યા ત્યારે પણ એ જ નામ જાહેર થયું હતું. બે વર્ષ પછી પોતાના અંતરંગ મિત્ર અને વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુનાં મનામણાં છતાં એ પાકિસ્તાનની રાજધાની કરાંચી (એ વેળાની) જઈ વસ્યા. પાકિસ્તાની બનવા પાછળ એમનો ઉર્દૂપ્રેમ જ હતો. ભારતમાં સંતાનોને માથે હિંદી ઠોકી બેસાડાશે અને ઉર્દૂ જન્નતનશીન થશે એવું ભૂસું એમના પાકિસ્તાની દોસ્તોએ એમના દિમાગમાં ભર્યું અને ભારતના ઉર્દૂપ્રેમી નાયબ વડા પ્રધાન સરદાર પટેલે આપેલી ઉચ્ચ સરકારી નોકરી અને દોસ્તોની બાગબાગ થતી મહેફિલ છોડીને હોશ ખોઈ બેઠેલા જોશ સાહેબે ઝીણાના પાકિસ્તાનની વાટ પકડી તો ખરી, પણ ખૂબ પસ્તાયા. પાકિસ્તાનના રચયિતા મહંમદ અલી ઝીણાની જેમ જ પસ્તાયા, પાછા ફરવા ઉત્સુક હતા, મલીહાબાદની આંબાવાડીઓ બોલાવતી હતી, આવવું હતું, પણ એ શક્ય ના બન્યું. પાકિસ્તાનના દ્વિરાષ્ટ્રના સિદ્ધાંત અને એના રચયિતા ઝીણાના કટુ આલોચક એવા જોશનું પાકિસ્તાનના નાપાક તાનાશાહ શાસકો સાથે જામ્યું નહીં. મોહભંગ થયાં. અંતે ૨૨ ફેબ્રુઆરી ૧૯૮૨ના રોજ એ ઈસ્લામાબાદમાં તિરસ્કારાયેલા, ભારતના એજન્ટ તરીકે ગવાયેલા એવા દુઃખી આત્મા તરીકે અલ્લાહને પ્યારા થયા. 

ડો. મોહમ્મદ ઈકબાલ અને ફૈઝ એહમદ ફૈઝના તોલે આવનારા આ શાયરને છેક ૨૦૦૯માં એની જન્મશતાબ્દી નિમિત્તે પાકિસ્તાન સરકારે ટપાલટિકિટ બહાર પાડીને અંજલિ અર્પી. એ પછી ૨૦૧૨માં પાકિસ્તાની રાષ્ટ્રપતિ આસીફ અલી ઝરદારીએ જોશને મરણોત્તર ‘હિલાલ-એ-પાકિસ્તાન’ નામનો શ્રેષ્ઠ નાગરી ઈલકાબ અર્પણ કર્યો ત્યારે એમને પોતાના નિર્વાસિત વતનમાં પહેલી વાર જાણે કે સત્તાવાર માનપાન અપાયાનું જોશપ્રેમીઓને અનુભવાયું.

આત્મકથા ‘યાદોં કી બારાત’ પર બંધી

પાકિસ્તાનમાં રહીને જિંદગીના ૭૫ વર્ષ ભણી દૃષ્ટિપાત કરતી આત્મકથા ‘યાદોં કી બારાત’નાં ૮૦૦ પાનાં લખ્યાં તો ખરાં, પણ એ પ્રકાશિત થતાંની સાથે જ આ રાષ્ટ્રદ્રોહી ગણાયેલા જોશ મલીહાબાદીની ઊર્દૂ આત્મકથાને પ્રતિબંધિત કરી દેવાઈ. આજે તો અનેક આવૃત્તિ થઈ ચુકી છે. એટલું જ નહીં, વેબઆવૃત્તિ પણ ઉપલબ્ધ છે, પણ એની હિંદીમાં હંસરાજ રહબરે કરેલા અનુવાદની લઘુઆવૃત્તિ ૧૯૭૨માં દિલ્હીના રાજપાલ પ્રકાશન ગૃહે પ્રકાશિત કરી, પણ એ મેળવવામાં અમારો રીતસર દમ નીકળી ગયો. એ મેળવ્યા પછી શાકુંતલને માથે મૂકીને નાચેલા ગટે જેવી જ અનુભૂતિ થઈ. રાજપાલે જ ૧૯૮૭માં પ્રકાશિત કરેલી ‘જોશ મલીહાબાદી સંપાદકઃ પ્રકાશ પંડિત’માં હંસરાજ રહબરે શબીર હસન ખાં ‘જોશ’નો જન્મદિન ૫ ડિસેમ્બર ૧૮૯૪ જણાવાયો છે. જોકે સ્વયં જોશ ‘યાદોં કી બારાત’માં પોતાની ક્ષીણ થતી સ્મરણ-શક્તિ સાથે નોંધે છેઃ ‘આપ યહ સમઝ લેં કિ મૈં ૧૮૯૬ મેં પૈદા હુઆ થા.’ સવારે ૪ વાગ્યે એ જન્મ્યાનું એમનાં વંશના ઈતિહાસકાર એવા દાદીએ કહ્યાનું પણ એ લખે છે. પાછા જોશ તો જોશ છે, એ નોંધવાનું ચુકતા નથીઃ ‘મુઝે મૈરી પૈદાઈશ કા જો સન્ બતાયા થા વહ સન્ ઈસવી કે હિસાબ સે ૧૮૯૬ થા યા ૧૮૯૮, યહ ભી યાદ નહીં રહા.’ એ આફ્રિદી પઠાણ પરિવારના હોવા વિશે ગર્વ અનુભવે છે.
સ્વભાવે શરૂઆતથી જ આનંદી જીવડો રહેલા જોશ મલીહાબાદી મનના મોજી એવા કે ૧૯૨૫માં ઓસ્માનિયા યુનિવર્સિટીમાં અનુવાદ નીરિક્ષક નિયુક્ત થયા પછી હૈદરાબાદના નિઝામની હાંસી ઊડાવતી નઝ્મ લખવાનું ચુક્યા નહીં અને આવી પડ્યું પાણીચું. મસ્તરામ સૂટેડબૂટેડ રહેતા અને શરાબમાં ડૂબેલા રહેવાને પોતાનો મજહબ માનતા રહ્યા. દિલ્હીમાં એ જે મુશાયરામાં શાન વધારવાના હોય એમાં ખુદ વજીર-એ-આઝમ નેહરુ તશરીફ લાવે પછી તો ક્યા કહના?
કૈંક કેટલાંક ઊર્દૂ જર્નલ્સના ઉબડખાબડ સંચાલન કરવાનો અનુભવ મેળવ્યો તો ખરો, પણ અર્થકારણના આટાપાટા એમના પલ્લે પડ્યા નહીં. ઓછામાં પૂરું અંગ્રેજો ભારત છોડી જાય, અને ભારતને આઝાદી બક્ષે એ મતલબના લેખ લખીને એ આઝાદીની ચળવળમાં મશહૂર તો થયા, પણ જીવનમાં એવા સ્થિર ના થયા કે પરિવારની કાળજી રાખી શકે.

સરદારના ચહેરામાં ‘ગુનેગાર’ દેખાતો

જોશને જે માણસના ચહેરામાં ‘ગુનેગાર’ જણાતો હતો એ જ એમનો તારણહાર બન્યો. જોશે આત્મકથામાં નોંધ્યું ય ખરું. સરદાર પટેલ ભણે મુસ્લિમવિરોધી ગણાયા હોય, પણ હકીકતમાં એ કહેતા એમ જ એ મુસ્લિમોના ખરા અર્થમાં હમદર્દ હતા. ઊર્દૂના આગ્રહી હતા. ભારતના પ્રથમ માહિતી પ્રધાન તરીકે એમણે આકાશવાણી (ઓલ ઈન્ડિયા રેડિયો) પર ઊર્દૂ ભાષાનાં પ્રસારણો શરૂ કરાવ્યાં. જોશ મલીહાબાદી જેવા સામ્યવાદી ઝોકવાળા ઉર્દૂ સાહિત્યના ટોચના તારાને એમણે નાણી જોઈને માહિતી ખાતાના ઊર્દૂ સામયિક ‘આજકાલ’ના સંપાદકના હોદ્દે નિયુક્ત કરવાનું પસંદ કર્યું હતું. એટલું જ નહીં, જોશનો નિમણૂક પત્ર કાઢવામાં ખાતાના સચિવ એચ. સી. મહેતાએ મોડું કર્યું તો એમને સરદારે ખખડાવી નાંખ્યા એટલું જ નહીં, દિલ્હીથી દૂર હિમાચલમાં ટ્રાન્સફર કરી નાંખ્યા હતાં.
સરદારે પોતાના અંગત સચિવ વી. શંકરને એટલી ભાળ કરી હતી કે જોશને કહેજો કે એના રાજકીય વિચારો એની ફરજ બજાવવામાં ઝળૂંબે નહીં. નાયબ વડા પ્રધાન અને સનદી સેવાઓના સંસ્થાપક સરદારે કેવો સુંદર આદર્શ સરકારી અધિકારીઓ કે કર્મચારીઓ સમક્ષ મૂક્યો છે!

આંધિયા આને કો હૈ, ઐ બાદશાહી કે ચિરાગ

જોશ મલીહાબાદી બ્રિટિશ બાદશાહ જ્યોર્જ છઠ્ઠાની તાજપોશીના પ્રસંગે ‘શહનશાહે-હિન્દોસ્તાં કે નામ’ કવિતા લખીને એમને ‘ભિક્ષુકોના સુલતાન’, ‘નિર્ધનોના શાહ’ ગણાવીને બગાવતની ચેતવણી આપવાનું પણ ચૂકતા નથીઃ

‘ગર્મ હૈં સોજે-બગાવત સે જવાનોં કા દિમાગ
આંધિયાં આને કો હૈ ઐ બાદશાહી કે ચિરાગ’

‘ચૌંકિયે જલ્દી, એ-તુંદો-ગર્મ આને કો હૈ
જર્રા જર્રા આગ મેં તબ્દીલ હો જાને કો હૈ’

જોશની આ જ બગાવતી પ્રકૃતિ પાકિસ્તાનના તમામ શાસકો સાથે ટકરાવની સ્થિતિ સર્જવા માટે જવાબદાર રહી. એ ના ઈધર કે રહે, ના ઉધર કે. જે સ્વપ્ન લઈને પાકિસ્તાન ગયા હતા એ તૂટી ગયાં. છેતરપિંડીના અનુભવ થયા. સત્તાધીશો રૂઠતા રહ્યા. પાછા ફરવું હતું, પણ જૂના મિત્ર મૌલાના આઝાદ આડા ફાટ્યા હતા. વડા પ્રધાન નેહરુએ તો જોશને ઓફર કરી હતી કે પરિવારને પાકિસ્તાન જવા દે અને પોતે અહીં સરકારી નોકરીમાં ચાલુ રહે. વર્ષમાં ચાર મહિના રજા લઈને પરિવારને મળવા જવું. નેહરુની વાત એમણે માની નહીં, આઝાદ પણ નારાજ થયા. એટલે પાછા ફરવાની વાત આવી ત્યારે નારાઝ આઝાદે જેલભેગા કરવાની ધમકી પણ આપેલી.
વર્ષ ૨૦૧૨માં પાકિસ્તાન સરકારે જોશને મરણોત્તર ઈલકાબ આપ્યો તો ખરો, પણ એમના માથેથી ગદ્દારનું કલંક સાવ જ ભૂંસાયું હોય એવું લાગતું નથી. જોશના પૌત્ર ફારુખ જમાલ મલીહાબાદાએ ખૂબ જ સંશોધન કરીને ૨૦૧૪માં ‘જોશ મલીહાબાદીઃ મલીહાબાદ સે ઈસ્લામાબાદ તક’ નામનું પુસ્તક પ્રકાશિત કરવા માટે સમારંભ યોજ્યો, તો કોઈ સત્તાધીશ કે પ્રધાનને એમાં હાજરી આપવાનું ઠીક લાગ્યું નહીં. જોકે આજે પણ ભારત હોય કે પાકિસ્તાન જોશ મલીહાબાદી ભણી પ્રેમ કરનારનો તોટો નથી. દુનિયાભરના ઉર્દૂપ્રેમીઓ જોશની ઈબાદત કરે છે.
(વધુ વિગતો માટે વાંચો Asian Voice અંક ૧૮ ફેબ્રુઆરી, ૨૦૧૭ અથવા ક્લિક કરો વેબલિંકઃ http://bit.ly/2l55zPD)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter