વડા પ્રધાન મોદીની યુએસ મુલાકાતઃ સહકારની ક્ષિતિજોનો વિસ્તાર

રુચિ ઘનશ્યામ Tuesday 11th July 2023 13:33 EDT
 
 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યુએસએની પાંચ દિવસની સત્તાવાર મુલાકાતે કેટલાક જાણીતા અને ઘણા નવા આયામો ઉભા કર્યા છે. આને યોગ્યપણે અભૂતપૂર્વ અથવા પથપ્રવર્તક મુલાકાત ગણાવાઈ છે. ભવ્ય સ્વાગત સમારંભમાં ઉષ્મા, મિત્રતા અને ભાઈચારાનું નિખાલસ પ્રદર્શન કરાયું હતું જે સમગ્ર પ્રવાસ દરમિયાન જોઈ શકાયું હતું. યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્ર સમક્ષ વડા પ્રધાનના આ બીજા ભાવપૂર્ણ સંબોધનમાં બંને દેશ વચ્ચેના સંબંધોના ઊંડાણ, વ્યાપકતા અને વિસ્તૃત કાર્યક્ષેત્રની કલ્પનાને મૂર્તિમંત કરાઈ હોવાનું ભારતીય ફોરેન સેક્રેટરીના પ્રેસ બ્રીફિંગમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

ભારત અને અમેરિકાની પાર્ટનરશિપનો વિસ્તાર એવું પરિબળ બની રહેશે જે સમગ્ર માનવજાત માટે લાભદાયી હોવાનું દૃઢપણે પ્રતીત થયું છે. ભારત અને અમેરિકાના 22 જૂન 2023ના સંયુક્ત નિવેદનમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે,‘ વિશ્વના સૌથી નિકટના પાર્ટનર્સ તરીકે ભારત અને અમેરિકાનું વિઝન લોકશાહીઓની એવી ભાગીદારી છે જે આશા, મહત્ત્વાકાંક્ષા અને વિશ્વાસ સાથે 21મી સદીમાં નજર કરે છે.’

આ મુલાકાતનો ઉલ્લાસ અને તેના પરિણામો ભારત અને યુએસ વચ્ચે સ્થાયી પાર્ટનરશિપ વિશે શંકા ઉઠાવનારા કેટલાક તત્વોને શાંત બનાવી દેશે તેમાં પણ કોઈ શંકા નથી. આ મુલાકાતના સમયે બંને દેશો વચ્ચેના સંબંધોને આગળ વધારતી પ્રગતિસૂચક હિલચાલને હાનિ પહોંચાડવાના હેતુસર ટિપ્પણીઓ કરવામાં આવતી હતી. આ મુલાકાત થકી વિવિધ ક્ષેત્રોમાં ઐતિહાસિક પરિણામો હાંસલ કરાયા ત્યારે બંને પક્ષો દ્વારા વ્યક્ત પ્રતિબદ્ધતાએ નિરાશાવાદીઓની બોલતી જ બંધ કરી દીધી હતી.

આ મુલાકાત દરમિયાન અનેકવિધ ઘોષણાઓમાં ટેકનોલોજીનું સ્થાન મહત્ત્વપૂર્ણ રહ્યું હતું. ટેકનોલોજી ઉત્પાદનોના વેપાર, ટેકનોલોજી સર્વિસીસ, આવરી લેતાં સંશોધનો સહિત ટેકનોલોજી ટ્રાન્સફરના ક્ષેત્રો તેમજ અલગ અલગ સેક્ટર્સમાં ટેકનોલોજીઓના વિકાસમાં સંયુક્ત પ્રયાસો અને બંને દેશો વચ્ચે ટેકનોલોજી ક્ષમતાના નિર્માણમાં સહકારની બાબતો ચર્ચામાં કેન્દ્રસ્થાને રહી હતી. સંયુક્ત નિવેદનમાં ટેકનોલોજી પાર્ટનરશિપના કેટલાક ક્ષેત્રોની ઓળખ કરવામાં આવી છે. ભારતમાં માઈક્રોન જેવા ઈન્વેસ્ટર્સ દ્વારા 2.75 બિલિયન ડોલરના કુલ રોકાણ સાથે સેમિકંડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ ફેસિલિટી સ્થાપવાનો નિર્ણય તથા 60,000 ભારતીય એન્જિનીઅર્સને તાલીમ આપવાની લામ રિસર્ચની યોજના આ મુલાકાતના કેટલાક રસપ્રદ પરિણામો દર્શાવે છે.

યુએસના નેશનલ સાયન્સ ફાઉન્ડેશન અને ભારતના ઈલેક્ટ્રોનિક્સ મંત્રાલય વચ્ચે ગોઠવણના અમલ થકી સેમિકંડક્ટર્સ, નેક્સ્ટ જનરેશન કોમ્યુનિકેશન, સાઈબર સિક્યોરિટી, ગ્રીન ટેકનોલોજીસ અને ઈન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ્સ જેવાં ક્ષેત્રોમાં સંયુક્ત પ્રોજેક્ટ્સને ભંડોળની પ્રક્રિયાને સુવ્યવસ્થિત બનાવાશે. આના પરિણામે, સાઈબર સ્પેસ દ્વારા સતત ઉભાં થતાં જટિલ જોખમ સામે કામ પાર પાડવામાં મદદ મળશે.

ક્રિટિકલ અને ઉભરતી ટેકનોલોજીઓ પરની પહેલનું લક્ષ્ય AI અને ક્વોન્ટમ ટેકનોલોજીસ, હાઈ પાવર્ડ કોમ્પ્યુટિંગ ટેકનોલોજી અને સોર્સ કોડ્સ ડેવલપમેન્ટના સંયુક્ત વિકાસ અને વ્યાપારીકરણ તેમજ આ ક્ષેત્રના વિકાસ માટે નિયંત્રકોમાં આવશ્યક હળવાશનું છે. ગૂગલના 10 બિલિયન ડોલરના ઈન્ડિયા ડિજિટિલાઈઝેશન ફંડ અને એમેઝોન દ્વારા નવા 6.5 બિલિયન ડોલરના રોકાણથી ટેક્નો-કોમર્શિયલ લિન્ક મજબૂત બનશે. નવા ઈનિશિયેટિવ્ઝનું ફોક્સ ગ્રીન હાઈડ્રોજન, બાયોફ્યૂલ્સ, ગ્રીનફિલ્ડ રિન્યુએબલ એનર્જીના વિકાસ, બેટરી સ્ટોરેજ અને ભારતમાં ઉભરતી ગ્રીન ટેકનોલોજી પર રહેશે.

બાહ્ય અવકાશ-સ્પેસના ક્ષેત્રમાં સહકાર પણ મહત્ત્વપૂર્ણ પરિણામ છે. ભારત દ્વારા આર્ટિમીઝ એકોર્ડ પર હસ્તાક્ષર કરવા સાથે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) અને નાસા (NASA) તેમજ અન્ય સંબંધિત એકમો વચ્ચે બાહ્ય અવકાશના ક્ષેત્રમાં ચંદ્ર અને બાહ્ય અવકાશના અન્ય પદાર્થો પર શોધખોળની પહેલો સહિત પાર્ટનરશિપના નવા ક્ષેત્રો ખુલી જશે.

સંરક્ષણના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિના પરિણામસ્વરૂપ, ભારતના લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ માટે GE- F414 એરોએન્જિનના ઉત્પાદન માટે GE અને ભારતના HAL વચ્ચે મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ (MoU) થયાં છે જ્યારે, જનરલ એટોમિક્સ MQ-9B HALE UAVપ્રાપ્ત કરવાની યોજનાથી ભારતના લશ્કરી દળોની ક્ષમતામાં નોંધપાત્ર વૃદ્ધિ થશે. પુરવઠા વ્યવસ્થાની સલામતીને આખરી સ્વરૂપ આપવા યુએસના ડિફેન્સ ડિપાર્ટમેન્ટ સાથે વાટાઘાટોની શરૂઆત તેમજ પારસ્પરિક ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ એગ્રીમેન્ટ પર ચર્ચાના પરિણામે આગામી સમયમાં વધુ પ્રગતિ હાંસલ કરી શકાશે.

‘વૈશ્વિક કલ્યાણ માટે ભાગીદારી’ તરીકે ક્વોડ- Quadને સશક્ત બનાવવાની પ્રતિબદ્ધતા બંને દેશો વચ્ચે વધી રહેલી વ્યૂહાત્મક કેન્દ્રીયતા પર પ્રકાશ પાડે છે. ગ્લોબલ ટેરરિઝમ વિશે અસંદિગ્ધ વલણ, યુએનની યાદી પરના અલ-કાયદા, ISIS/Daesh, લશ્કર-એ-તાઈબા (LeT), જૈશ-એ-મોહમ્મદ (JeM) અને હિઝ્બ-ઉલ મુજાહિદ્દીન સહિત તમામ ટેરરિસ્ટ ગ્રૂપ્સ સામે સુગઠિત એક્શનની હાકલ, ‘સરહદ પારના ત્રાસવાદ’ની કડક નિંદા, પરોક્ષ- પ્રોક્સી ટેરરિઝમના ઉપયોગ તેમજ ત્રાસવાદી હુમલાઓ કરવા માટે તેના કબજા હેઠળની કોઈ ભૂમિનો ઉપયોગ ન થાય તેની ચોકસાઈ કરવાની તત્કાળ કાર્યવાહી માટે પાકિસ્તાનને સંદેશ સહિતની બાબતો વધી રહેલી સમાન ભૂમિકાના પુરાવા છે. સંયુક્ત નિવેદનમાં એમ પણ જણાવાયું હતું કે, ‘26/11ના મુંબઈ તથા પઠાણકોટ હુમલાઓના કાવતરાંખોરોને ન્યાય સમક્ષ લાવવાની હાકલ પણ કરવામાં આવી છે.’

એમ્બેસેડર (નિવૃત્ત) શ્યામલા બી. કૌસિકે રવિવાર, 2 જુલાઈના સન્ડે ગાર્ડિયનમાં આ મુલાકાત વિશે ટિપ્પણી કરતા 1992માં એમ્બેસેડર ડેનિસ કુક્સે દિલગીરી સાથે તેમના પુસ્તકનું ટાઈટલ ‘એસ્ટ્રેન્જ્ડ ડેમોક્રસીઝ’ રાખ્યું હતું તે સમય પછી તો યુએસ અને ભારતે કેટલું બધું અંતર કાપી નાખ્યું છે તેનું વર્ણન કર્યું છે. વડા પ્રધાન મોદીની આ મુલાકાત દરમિયાન આટલી બધી અર્થપૂર્ણ પ્રગતિ સાધવામાં આવી છે ત્યારે તેઓ માને છે કે 58 ફકરા ધરાવતા જોઈન્ટ સ્ટેટમેન્ટમાં સહકાર સંદર્ભે અભૂતપૂર્વ અને વ્યાપક ઉલ્લેખો કરાયા છે ત્યારે એમ્બેસેડર કુક્સને ‘યુનાઈટેડ ડેમોક્રસીઝ’ ટાઈટલ સાથે નવું પુસ્તક લખવાની પ્રેરણા મળે તેવું ઘણું બધું તેમાં છે.

(રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા સાઉથ આફ્રિકા, ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારાં તેઓ માત્ર બીજાં મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.

Twitter: @RuchiGhanashyam)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter