વતનથી દૂર પણ એક વતનની વાત

મિતુલ પનીકર Wednesday 19th June 2019 03:48 EDT
 

પ્રિય વાચકમિત્રો,

હું સુંદર કેનેડા દેશથી તમને આ લખી રહી છું. અહીં હવામાન સુંદર અને લોકો મળતાવડાં છે. ગુજરાતમાં ૨૩ એપ્રિલે મત આપવાના લોકશાહીના અધિકારનો ઉપયોગ કર્યા પછી હું અને મારાં પતિ કેનેડાના મારખમ પહોંચ્યા હતાં, જે ગ્રેટર ટોરન્ટો એરિયાનું પ્રમાણમાં નાનું નગર છે. અમારાં માટે સારાં જીવનની તલાશમાં અમે પરિવાર અને મિત્રોને ભારતમાં છોડી અહીં આવ્યાં છતાં, મારાં વાંચકો સાથેનો સંપર્ક જાળવી રાખવાની મારી તીવ્ર ઈચ્છા છે. હું આશરે ચાર વર્ષ અગાઉ ABPLની અમદાવાદની ઓફિસમાં જોડાઈ હતી અને પ્રિન્ટ મીડિયાએ મને જે આનંદની ભેટ આપી છે તેનો જોટો હજુ પણ જડે તેવો નથી. આથી જ, મારાં વિચારો તમારી સાથે વહેંચવાની તક મને આપવામાં આવી ત્યારે જરા પણ વિચાર્યા વિના મેં તેને વધાવી લીધી છે.

દર મહિને હજારો ભારતીયો પોતાના જીવનને વધુ બહેતર બનાવવાની ઈચ્છા સાથે પશ્ચિમ તરફ સ્થળાંતર કરી જાય છે, જે જીવન વ્યાવસાયિક અને નાણાકીય સફળતા થકી જ પ્રાપ્ત કરી શકાય છે. ટોરન્ટો તરફ જતી અમારી ફ્લાઈટમાં ગુજરાતી, પંજાબી ને આફ્રિકન પ્રવાસીઓ વધુ હતા. આટલી મોટી સંખ્યામાં લોકો પોતાનું નસીબ અજમાવવા જઈ રહ્યાં હતાં, તેનાથી હું તો આશ્ચર્યચકિત જ થઈ ગઈ. અમારાં માટે તો જીવન હજુ સરળ જ હતું. હું અને મારાં પતિ એટલાં નસીબવાન છીએ કે મારાં બાળપણના મિત્ર/ભાઈ કેનેડામાં અમારાં સ્વાગત માટે તૈયાર જ હતા. તેણે અમારાં માટે સૌથી સારાં રહેઠાણની વ્યવસ્થા કરી હતી અને નવા દેશમાં વસવાટની સમગ્ર મુશ્કેલ પ્રક્રિયા આસાન બનાવી દીધી હતી.

હું જન્મે મલયાલી છું અને મારો ઉછેર ગુજરાતના ગાંધીનગરમાં થયો છે. મજાની વાત તો એ છે કે મારખમ અને મારાં હોમટાઉન વચ્ચે ઘણી સામ્યતા છે. કેનેડાના સૌથી મોટાં નગરોમાંના એક અને આલીશાન પ્રદેશ હોવાં સાથે વિવિધ સંસ્કૃતિઓનો સુંદર સમન્વય જોવાં મળે છે. ખરેખર તો, કેનેડા સહિષ્ણુતાની અનોખી સંસ્કૃતિ છે. આ નગરમાં વિવિધ ધર્મો અને પશ્ચાદભૂ ધરાવતાં લોકો છે. સાઉથ એશિયન્સથી ઈસ્ટ એશિયન્સ, વેસ્ટ એશિયન્સ અને આરબો, ચાઈનીઝ અને લેટિન અમેરિકન્સ સાથેનું મારખમ આ શક્તિશાળી રાષ્ટ્રના બાંધાની એક નાની સરખી ઝલક છે. આ શહેરની વસ્તીમાં ૧૦ ટકા હિન્દુ છે અને ગુજરાતીઓની વાત કરીએ તો લગભગ ૧.૬ ટકા વસ્તી છે. અમે એરપોર્ટની બહાર નીકળ્યાં તે પહેલા જ દિવસે મારાં મિત્ર અને તેના શ્રી લંકન ડ્રાઈવર વિજયને અમારું સ્વાગત કર્યું. આ નગરમાં ૨૫ વર્ષથી વધુનો વસવાટ હોવાથી તેનો ઈતિહાસ દિલમાં વણાઈ ગયો હતો.

જન્મથી જ ગુજરાતી મારાં પતિ સાથે વાતચીતમાં વિજયને આપેલા ઉત્તરથી મને ભારે આશ્ચર્ય થયું. ગુજરાતી ભાષા કેવી રીતે સમજ્યા તેવા પ્રશ્નના ઉત્તરમાં વિજયને કહ્યું કે તે ગુજરાતીઓના વસવાટવાળા વિસ્તારમાં જ રહે છે અને વર્ષોથી પડોશીઓ સાથે વાતચીત કરતા કરતા આ ભાષા શીખી ગયો છે. એરપોર્ટથી અમારાં નવા ઘર જતાં સુધીના માર્ગમાં તો અમને વિષ્ણુમંદિર, બૌદ્ધમંદિર, કોરિયન ચર્ચ અને વિવિધ ધર્મના પૂજાસ્થળો જોવાં મળ્યાં. અમે જે જોયું તેનાથી અમે તો મારખમ સાથે સ્નેહતંતુથી બંધાઈ ગયાં.

લોકો પોતાના દેશને છોડી અન્ય દેશોમાં જાય છે પરંતુ, પોતાની સંસ્કૃતિનો એક હિસ્સો પણ સાથે લેતાં જાય છે. ભારતીયો અનેક પેઢીઓથી દેશાંતર કરતા આવ્યા છે અને હવે વિશ્વમાં સૌથી પ્રભાવશાળી સમુદાયોમાં તેનું નિશ્ચિત સ્થાન છે. વિદેશની સરકારોની કામગીરીમાં પણ હવે આપણે મહત્ત્વની ભૂમિકાઓ ભજવીએ છીએ. અન્ય દેશના કામકાજનો નિર્ણય ભારતીય મૂળના વ્યક્તિઓ પાસે હોય તેની જરા કલ્પના તો કરો. વિવાદાસ્પદ રાજકારણી જગમીતસિંહ વિરોધપક્ષના નેતા છે અને સંભવતઃ કેનેડાના ભાવિ વડા પ્રધાન બનવાની સ્પર્ધામાં પણ આવી શકે છે. દરેક સ્થળોએ ભારતીયો અવરોધો પાર કરી રહ્યા છે અને હું માનું છું કે તેમા સામેલ થવા જેટલી હું ખુશનસીબ પણ છું.

કેનેડા ઘણી રીતે, તેની લોકશાહી, બહુસાંસ્કૃતિક સમાજ અને તેની સફળ અર્થવ્યવસ્થામાં ભારત સાથે સામ્યતા ધરાવે છે. હવે મારાં માટે પણ તે ઘર જ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter