વિજ્ઞાને તો પોતાનું કાર્ય કર્યું, શું હવે WTO કાર્ય કરશે?

ભારત, સાઉથ આફ્રિકા અને અન્ય સભ્ય રાષ્ટ્રો દ્વારા TRIPS વેઈવર દરખાસ્ત

બ્રજેન્દ્ર નવનીત Wednesday 27th January 2021 00:29 EST
 

ભારત, સાઉથ આફ્રિકા અને અન્ય આઠ સભ્ય રાષ્ટ્રો દ્વારા વિશ્વ વ્યાપાર સંગઠન (WTO)ને સભ્ય દેશોને  સંસ્થાના TRIPS તરીકે જાણીતા ‘Agreement on Trade-Related Aspects of Intellectual Property Rights’ હેઠળની કેટલીક પેટન્ટ્સ અને અન્ય બૌદ્ધિક સંપદા (Intellectual Property -IP)ના અમલ કરાવવામાંથી મર્યાદિત સમય માટે મુક્તિ મળે તેવી દરખાસ્ત કરવામાં આવી છે. આ IPRના કારણે કોવિડ-૧૯ વેક્સિન્સના ઉત્પાદન અને સારવારોને ઝડપથી આગળ વધારવામાં કોઈ અવરોધો સર્જાય નહિ તેની ચોકસાઈ માટે છે. આ દરખાસ્ત બાબતે ઘણા ઓછાં સભ્યોએ ચિંતા દર્શાવી હતી જ્યારે WTOના સભ્યોના વિશાળ હિસ્સાએ આ દરખાસ્તને સમર્થન આપ્યું હતું. દરખાસ્તને વિવિધ આંતરરાષ્ટ્રીય સંગઠનો, બહુલક્ષી એજન્સીઓ અને વૈશ્વિક નાગરિક સમુદાયોએ પણ સમર્થન જાહેર કર્યું હતું.

અભૂતપૂર્વ સમય અભૂતપૂર્વ પગલાં માગી લે છે. આપણે મહામારીના પ્રસારને અંકુશમાં રાખવા નીતિવિષયક હસ્તક્ષેપ તરીકે આ મર્યાદિત સમયના કડક લોકડાઉન્સની અસરકારકતામાં નિહાળ્યું છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે (IMF) તેના વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂકની ઓક્ટોબર ૨૦૨૦ની આવૃત્તિમાં જણાવ્યું છે કે,‘... આમ છતાં, ખરાબ વૃદ્ધિના પરિણામોનું જોખમ પ્રોજેક્ટ કરાયેલા જોખમ કરતાં વધારે મોટું છે. જો વાઈરસ ફરી ઉછાળો મારે તો, સારવારો અને વેક્સિન્સની પ્રગતિ ધારણા કરતાં ઘણી ધીમી છે અથવા તેમને પ્રાપ્ત કરવાની દેશોની પહોંચ અસમાન રહેશે, સોશિયલ ડિસ્ટન્સિંગ અને વધુ કડક લોકડાઉન્સની સાથે આર્થિક પ્રવૃત્તિઓ પણ ધારણા કરતાં ઓછી રહેશે.’ પરિસ્થિતિ આગાહી કરાયાં કરતાં પણ વધુ ભયાનક છે, હાલ પણ આપણે ૨૦૧૯માં પ્રોજેક્ટ કરાયેલા પાયારુપ સીનારિયોથી ૭ ટકા આર્થિક ઉત્પાદન ગુમાવી જ દીધું છે જેનો અર્થ ગ્લોબલ GDPના ૬ ટ્રિલિયન અમેરિકી ડોલરથી વધુ ગુમાવ્યાનો થાય છે. ગ્લોબલ GDPમાં પાયારુપ સીનારિયોથી ૧ ટકાનો સુધારો પણ જણાય તો વૈશ્વિક ઉત્પાદનમાં ૮૦૦ બિલિયન અમેરિકી ડોલરનો ઉમેરો કરી શકશે. આ વેઈવરના લીધે ઈકોનોમીના સેક્ટરમાં નીચા મથાળાના નુકસાનને સરભર કરી શકાશે.

વેક્સિન્સ અને સારવારોની સમયસર અને પોસાય તેવી સુગમતાની ચોકસાઈનો એક માત્ર સંકેત પણ ઈકોનોમીમાં માગને પુનઃસર્જિત કરવા માટે મોટું વિશ્વાસજન્ય પ્રોત્સાહન બની રહેવાનું કાર્ય કરશે. સફળ વેક્સિન્સના આગમન સાથે ક્ષિતિજ પર આશાનું કિરણ પણ દેખાય છે. પરંતુ, વૈશ્વિક વસ્તી માટે આ વેક્સિન્સ અને સારવારો કેવી રીતે સુલભ અને પોસાય તેવાં કેવી રીતે બનાવી શકાશે? મૂળભૂત પ્રશ્ન એ છે કે બધાને માટે પૂરતાં થઈ રહે તે પ્રમાણમાં કોવિડ-૧૯ વેક્સિન મળશે ખરાં? વર્તમાનનો વિચાર કરીએ તો સૌથી આશાવાદી સિનારિયોમાં પણ ૨૦૨૧ના અંત સુધીમાં ધનવાન-સમૃદ્ધ અને ગરીબ દેશોમાં બહુમતી વસ્તીને કોવિડ-૧૯ વેક્સિન્સ અને થેરાપ્યુટિક્સની સુલભતાની ખાતરી આપી શકાય તેમ નથી. WTOના તમામ સભ્યો એક બાબતે સંમત થયા છે કે વ્યાપક વૈશ્વિક જરુરિયાતને પહોંચી વળવા વેક્સિન્સ અને થેરાપ્યુટિક્સની ઉત્પાદન ક્ષમતાને તાકીદે વધારવાની જરુર છે.  IP અવરોધો આવી રીતે ઉત્પાદન ક્ષમતાને વધારવાના માર્ગમાં ન આવે તેની ચોકસાઈ સાથે TRIPS વેઈવર દરખાસ્ત આ જરુરિયાતને પૂર્ણ કરવા માગે છે.

TRIPS કરાર હેઠળ પ્રવર્તમાન ફ્લેક્સિબિલિટી કેમ અપૂરતી છે?

TRIPS કરાર હેઠળ જોગવાઈઓની પ્રવર્તમાન ફ્લેક્સિબિલિટી અપૂરતી છે કારણકે તેને ઘડવામાં મહામારીઓની ભાવિ સંભાવનાઓને ધ્યાનમાં લેવાઈ ન હતી. દરેક દેશ, દરેક કેસ અને દરેક પ્રોડક્ટના આધારને ધ્યાનમાં રાખીને ફરજિયાત લાયસન્સીસ જારી કરવામાં આવ્યા હતા જ્યાં, IP વ્યવસ્થા પદ્ધતિ સાથેના દરેક જ્યુરિડિક્શન દ્વારા અલગથી ફરજિયાત લાયસન્સીસ જારી કરવાના રહે છે. આના પરિણામે, દેશો વચ્ચે સહકાર સાધવાનું કાર્ય વ્યવહારુ દૃષ્ટિએ ભારે મુશ્કેલ બની જાય છે. આપણે જ્યારે TRIPS ફ્લેક્સિબિલિટીઝના ઉપયોગને પ્રોત્સાહન આપીએ છીએ ત્યારે પણ આ વ્યવસ્થા સમયનો ખર્ચ કરનારી અને અમલમાં ત્રાસજનક બની રહે છે. આથી, માત્ર તેના ઉપયોગથી પોસાય તેવા વેક્સિન્સ અને સારવારોની સુલભ અને સમયસર પ્રાપ્યતાની ખાતરી મળતી નથી.

આ જ પ્રમાણે, આપણને કોવિડ૧૯ મેડિકલ પ્રોડક્ટ્સના ઉત્પાદનોને વધારવામાં અને વૈશ્વિક સહભાગિતાને સપોર્ટ કરવા IP, ટેકનોલોજી અને ડેટાના સ્વૈચ્છિક યોગદાનને ઉત્તેજન આપતા WHOના કોવિડ૧૯ – ટેકનોલોજી એક્સેસ પૂલ અથવા C-TAP ઈનિશિયેટિવની પ્રગતિ પણ સંતોષકારી જોવા મળતી નથી. જ્યાં વોલન્ટરી લાઈસન્સીસ અસ્તિત્વમાં છે ત્યાં પણ તેના પર ગુપ્તતાનો અંચળો ઓઢાયેલો છે. તેમની શરતો અને જોગવાઈઓ પારદર્શક નથી. તેમનું કાર્યક્ષેત્ર ચોક્કસ રકમ અથવા થોડાઘણા દેશો માટે મર્યાદિત હોય છે જેના પરિણામે, આંતરરાષ્ટ્રીય સહકારના બદલે રાષ્ટ્રવાદને પ્રોત્સાહન મળે છે.

શા માટે વૈશ્વિક સહકારની વર્તમાન પહેલોથી આગળ જવું જરુરી?

COVAX મિકેનિઝમ અને ACT-Accelerator જેવાં વૈશ્વિક સહકારના ઈનિશિયેટિવ્ઝ ૭.૮ બિલિયન લોકોની વસ્તીના વિશ્વની ગંજાવર જરુરિયાતોને પહોંચી વળવા અપૂરતી છે. ACT-A ઈનિશિયેટિવ-પહેલ આગામી વર્ષના અંત સુધીમાં વેક્સિનના ૨ બિલિયન ડોઝ પ્રાપ્ત કરવા અને સમગ્ર વિશ્વમાં વાજબી વહેંચણી કરવાનું લક્ષ્ય ધરાવે છે. બે ડોઝના નિયમ હેઠળ આનાતી માત્ર એક જ બિલિયન લોકોની જરુરિયાત પૂર્ણ કરી શકાશે. આનો અર્થ એ છે કે ACT-Aનું સંપૂર્ણ ફાયનાન્સ કરવામાં આવે અને તે સફળ થાય, જે હાલના સંજોગોમાં શક્ય નથી તેમ છતાં, વૈશ્વિક વસ્તીની બહુમતીને પહોંચાડી શકાય તેટલા પ્રમાણમાં વેક્સિન્સ પૂરતાં હશે નહિ.

ભૂતકાળના અનુભવો વિચારીએ

વર્તમાન મહામારીના શરુઆતના થોડા મહિનાઓ દરમિયાન આપણે નિહાળ્યું છે કે જે લોકો પાસે માસ્ક્સ, PPEs, સેનિટાઈઝર્સ, ગ્લોવ્ઝ અને અન્ય આવશ્યક કોવિડ -૧૯ આઈટમ્સ મેળવવાની સુવિધા હતી, તેમના દ્વારા જ તત્કાળ જરુરિયાત ના હોવાં છતાં પણ અભરાઈઓ ખાલી કરી દેવાઈ હતી. આવું વેક્સિન્સની બાબતમાં થવું ન જોઈએ. સમયાંતરે તો અટકાવરુપ IP અવરોધો ન રહ્યા ત્યારે વિશ્વ કોવિડ-૧૯ની આવશ્યક ચીજવસ્તુઓનું ઉત્પાદન વધારવા શક્તિમાન થયું હતું. વર્તમાન પરિસ્થિતિમાં આપણને વેક્સિન્સ અને સારવારોના ઉત્પાદનોને વધારવા IP અધિકારો તેમજ જાણકારીના સંયોજનની આવશ્યકતા છે, જે કમનસીબે થઈ શક્યું નથી જેના પરિણામે, આ વેઈવરની જરુર ઉભી થઈ છે.

આ મહામારી, અસામાન્ય અને જીવનમાં એક જ વખત સર્જાતી ઘટના છે જેના કારણે અનેક સ્ટેકહોલ્ડર્સના સાથ અને સહકાર ગતિશીલ બન્યા છે. માત્ર IPના કારણે નહિ, વૈજ્ઞાનિકો, સંશોધકો, જાહેર આરોગ્ય નિષ્ણાતોના જ્ઞાન અને કૌશલ્ય તેમજ સમગ્ર દેશમાં સહકારને સાકાર બનાવનારી યુનિવર્સિટીઓ અને વિપુલ પ્રમાણમાં ભંડોળના પરિણામે વિક્રમસર્જક સમયમાં વેક્સિન્સનો વિકાસ સંભવ બન્યો છે!

આગેકદમનો સમય આવી ગયો છે

TRIPS વેઈવર દરખાસ્ત વર્તમાન વિશ્વ સામનો કરી રહ્યું છે તેવી અભૂતપૂર્વ જાહેર આરોગ્ય કટોકટીને લક્ષ્યાંકિત અને પ્રમાણસરના પ્રતિભાવ સ્વરુપે છે. આવું વેઈવર WTOની સ્થાપના કરનારા મારાકેશ એગ્રીમેન્ટના આર્ટિકલ IXની જોગવાઈઓને સારી રીતે બંધબેસતી છે. તે વેક્સિન્સની સમયસર અને પોસાય તે રીતે સુવિધાના અભાવે માનવ જિંદગીઓ ગુમાવવી ન પડે તેની ચોકસાઈના મુદ્દે મદદરુપ બની શકશે. આ વેઈવરની સ્વીકૃતિ WTOની વિશ્વસનીયતાને પુનઃસ્થાપિત કરી શકશે અને બહુઆયામી ટ્રેડિંગ સિસ્ટમ પ્રસ્તુત બની રહેવાનું ચાલુ રહેશે અને કટોકટીના સમયે પણ તે કામગીરી કરતી હોવાનું દર્શાવશે. હવે WTOના સભ્યો સક્રિય થઈ જિંદગીઓ બચાવવા વેઈવરનો સ્વીકાર કરે તેમજ અર્થતંત્રની ગાડી ઝડપથી પાટા પર ચડાવવામાં મદદરુપ બને તે સમય આવી ગયો છે. વેક્સિન્સને પ્રાપ્ય બનાવવું તે વિજ્ઞાનની પરીક્ષા હતી ત્યારે તેમને સહુ માટે સરળતાથી અને પોસાય તે રીતે પ્રાપ્ય બનાવવું તે માનવજાતની પરીક્ષા બની રહેશે. ઈતિહાસ આપણને કોવિડ ૧૯ વેક્સિન્સ અને સારવારોના સંદર્ભમાં ‘AAA’ રેટિંગ અર્થાત અવેલિબિલિટી, એસેસેબિલિટી અને એફોર્ડેબિલિટી માટે યાદ રાખે તેમ હોવું જોઈએ, માત્ર ‘A’ રેટિંગ અર્થાત અવેલિબિલિટી-પ્રાપ્યતા માટે નહિ. આપણી ભાવિ પેઢીઓને આનાથી ઓછું તો ન જ અપાય.

(લેખક રાજદૂત- એમ્બેસેડર અને WTO ખાતે ભારતના કાયમી પ્રતિનિધિ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter