વિદેશમાં વસતો ગુજરાતીઃ કહેવતોમાં સચવાતું ગુજરાતીપણું અને અડીખમ સંસ્કૃતિનો પ્રવાહ

- RJ વિશાલ ‘ધ ખુશહાલ’ Tuesday 22nd July 2025 11:18 EDT
 
 

હું એક ગુજરાતી. હા, એ જ ગુજરાતી જે ખાવા-પીવાનો શોખીન, વેપારમાં હોંશિયાર અને દુનિયાના કોઈ પણ ખૂણે લોકોને પોતાના ‘ફેન’ બનાવી લે એવો ગુજરાતી. ભલેને અત્યારે હું સાત સમંદર પાર, એક એવી ધરતી પર વસું છું જ્યાં ‘ફાફડા-જલેબી’ કરતાં ‘બર્ગર-ફ્રાઈઝ’ વધુ ચાલે છે અને ‘કેમ છો?’ કરતા ‘હાઉ આર યુ?’ વધુ સંભળાય છે, પણ મારા લોહીમાં વહેતું ગુજરાતીપણું આજે પણ અડીખમ છે. અને આ ગુજરાતીપણાની સૌથી મોટી ધરોહર કઈ? આપણી કહેવતો! અરે ભાઈ, આપણી કહેવતો તો એવી છે કે સાંભળો એટલે થાય કે ‘લાગે તીર ને વાગે ઠીક!’

અહીં, પરદેશમાં, જ્યારે જીવનની ગાડી પાટા પરથી ઉતરતી હોય કે નવો રસ્તો પકડતી હોય, ત્યારે આપણી કહેવતો યાદ આવે ને સાહેબ, મગજની બત્તી ઝબકી જાય! ‘ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન.’ કમાલ છે ને? જ્યાં કોઈ મોટા માથા ન હોય, ત્યાં બિચારો એરંડો પણ વટ પાડી જાય! એક કહેવત મને શીખવે છે કે વિદેશમાં નાની તક મળે તો પણ તેને ઝડપી લેવી, કારણ કે ‘નાણાં વગરનો નાથિયો, ને નાણે નાથાલાલ.’ ભલે ને શરૂઆતમાં નાનું કામ હોય, પણ એ જ મોટા પાયાનો પાયો બની શકે.

આપણા ગુજરાતીઓમાં એક મસ્ત ટેવ છે – શિખામણ આપવાની! પણ ઘણીવાર એવું બને કે પોતે જ પાણીચું માર્યું હોય અને બીજાને ડહાપણની વાતો કરે. ત્યારે મનોમન હસતાં હસતાં યાદ આવે કે, ‘ગાંડી સાસરે ન જાય અને ડાહી ને શીખામણ આપે.’ અરે વાહ! આ કહેવત આપણને અરીસો બતાવે છે કે પહેલા આપણે પોતે સુધરીએ, પછી બીજાને ઉપદેશ આપીએ. આ કહેવત વાંચી તમારા કોઇ એવા મફતમાં સલાહોના અંબાર બાંધતા દોસ્ત યાદી આવી ગયાં કે શું! અહીં વિદેશમાં જ્યાં ‘બોલે તેના બોર વેચાય’ એવી ફિલોસોફી ચાલે છે, ત્યાં આપણી આ કહેવત નમ્રતા અને આત્મનિરીક્ષણનું મહત્વ શીખવી જાય છે.

આપણા વડીલોએ હંમેશા શીખવ્યું છે કે ‘મોઢામાં રામ અને બગલમાં છરી’ એવા લોકોથી દૂર રહેવું. જ્યારે કોઈ મોટો દેખાડો કરતું હોય અને અંદરખાને ખરાબ કામ કરતું હોય, ત્યારે તરત જ આ યાદ આવે છે. અને છતાંય પનારો પડે તો ડરીને નહીં પણ સાચવીને સ્ટેપ્સ લઈએ એટલે કે ‘દૂધનો દાઝેલો છાશ પણ ફૂંકી ફૂંકીને પીએ’. આ કહેવત આપણને શીખવે છે કે ‘જેવું બહારથી દેખાય, તેવું અંદરથી હોય તે જરૂરી નથી.’ આ વિદેશમાં જ્યાં ‘ઇમેજ’ બનાવવાનું ચલણ વધારે છે, ત્યાં આ કહેવત આપણને સાચા-ખોટાની પરખ કરવાનું શીખવે છે.

પડકારો તો જીવનનો એક ભાગ છે, અને ગુજરાતીઓ તો ‘પાણી પહેલા પાળ બાંધે’ એવા હોય. જ્યારે મર્યાદિત સંસાધનોમાં ઘણું બધું કરવાનું હોય, ત્યારે મને મારી દાદીમા યાદ આવે. તેઓ કહેતા, ‘લૂલી વાસીદુ વાળે અને સાત જણને કામે લગાડે.’ આ કહેવત સાબિત કરે છે કે ‘જ્યાં ચાહ ત્યાં રાહ.’ જો દ્રઢ નિશ્ચય હોય, તો કોઈ પણ મુશ્કેલી અશક્ય નથી. વિદેશમાં આર્થિક સંઘર્ષો અને નવા વાતાવરણમાં સેટ થવા માટે આ કહેવત ખૂબ જ પ્રેરણાદાયક સાબિત થાય છે.
ઘણીવાર આપણે જોઈએ છીએ કે જેની પાસે ઓછું જ્ઞાન હોય, તે જ સૌથી વધારે હોંશિયારી મારતો હોય. આવા સમયે કહેવત યાદ આવે કે ‘અધૂરો ઘડો છલકાય ઘણો.’ સાચી વાત છે ને? ભરેલો ઘડો હંમેશા શાંત રહે, પણ ખાલી ઘડો છલક છલક કરે! આ કહેવત આપણને ‘વિદ્યાનો વિનય અને નમ્રતા’નું મહત્વ સમજાવે છે. જ્યારે કોઈ આપણને કડવી પણ સાચી વાત કહે, ત્યારે ભલે થોડી તકલીફ થાય, પણ યાદ રાખવું કે ‘પારકી મા જ કાન વિંધે.’ ક્યારેક કઠોર સત્ય જ આપણને સાચી દિશા દેખાડે છે, કારણ કે ‘કાળા અક્ષર ભેંસ બરાબર’ હોવા છતાં, સાચું જ્ઞાન જીવનને ઉજાળે છે.

આપણા પૂર્વજોની દીર્ઘદ્રષ્ટિ કેટલી અદ્ભુત હતી, એનો અનુભવ તો દરેક કહેવતમાં થાય છે. ‘જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી.’ આ કહેવત જ્ઞાન, કલ્પના અને અનુભવની શૃંખલાને કેટલી સચોટ રીતે વર્ણવે છે! કવિ કલ્પનાની પાંખે ઉડે, પણ સાચું જ્ઞાન તો અનુભવમાંથી જ મળે. વિદેશમાં સફળતા મેળવવા માટે ધીરજ અને સતત પ્રયત્નોની જરૂર પડે છે. ‘ધીરજના ફળ મીઠા’ હોય છે, અને ‘ટીપે ટીપે સરોવર ભરાય’ એ કહેવત આપણને નાના નાના પ્રયત્નોનું મહત્વ સમજાવે છે. રોજેરોજ થોડી મહેનત કરીએ, તો એક દિવસ સફળતાનું સરોવર ભરાઈ જ જાય.
એકલા હાથે બધું કરવું શક્ય નથી, ખાસ કરીને વિદેશમાં જ્યાં ‘વાઘના પેટમાં કૂતરું પેઠું’ હોય તેવી પરિસ્થિતિ હોય. ત્યારે સમુદાય અને સહકારનું મહત્વ સમજાવે છે કે ‘ઝાઝા હાથ રળિયામણાં.’ ગુજરાતીઓનું સમુદાય બળ તો દુનિયાભરમાં વખણાય છે. જ્યારે ગુજરાતીઓ ભેગા થાય, ત્યારે ‘હાથમાં ઝાઝા હાથીના બળ’ જેવી તાકાત આવી જાય. અને અંતે, દરેક જીવની જરૂરિયાત અલગ હોય છે, ‘જેની જેટલી ભૂખ, તેને તેટલું ભોજન’ મળે. ‘કીડીને કણ ને હાથીને મણ’ આ કહેવત જીવનમાં સંતુલન અને પ્રકૃતિના ન્યાયને કેટલી સરળતાથી સમજાવે છે! ‘જેના નસીબમાં જે લખ્યું હોય, તે તેને મળે જ.’
આ કહેવતો ફક્ત શબ્દો નથી, એ તો ગુજરાતી સંસ્કૃતિનો ધબકાર છે. એમાં આપણા વડીલોનો અનુભવ, તેમની સમજદારી અને તેમની જીવન જીવવાની કળા વણાયેલી છે. વિદેશની આ ભૂમિ પર રહીને પણ આ કહેવતો આપણને પોતનાં મૂળ સાથે, પોતાની ઓળખ સાથે જોડી રાખે છે. તે મને યાદ અપાવે છે કે હું ક્યાંથી આવ્યો છું, મારા સંસ્કારો કેટલાં સમૃદ્ધ અને મહાન છે. અને મારું ગુજરાતીપણું એ મારું સૌથી મોટું ઘરેણું છે. હું આશા રાખું છું કે મારા બાળકો પણ આ કહેવતોના જ્ઞાન અને વિવેકને સમજે, જેથી તેઓ પણ ગુજરાતી હોવાનો ગર્વ અનુભવી શકે અને ‘ગુજરાતીપણાનો રંગ’ કાયમ તેમના જીવનમાં છલકતો રાખે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter