વિધાનસભા ચૂંટણીઓઃ મોદીનો જાદુ આજેય બરકરાર છે

Saturday 06th December 2014 05:32 EST
 

દેશની શાસનધૂરા સંભાળ્યા પછી લેવાયેલા શ્રેણીબદ્ધ પગલાંઓ હોય, વિકાસલક્ષી વિવિધ જાહેરાતો હોય કે પછી ચૂંટણી હોય, દરેક જગ્યાએ મોદીએ - તેમના વિરોધીઓના દાવા અને ગણતરીને ઊંધા વાળ્યા છે. સમગ્ર ભારતની નજર આ બે રાજ્યોની ચૂંટણીઓ પર હતી. કારણ સ્પષ્ટ હતું - મહારાષ્ટ્ર એટલે દેશની આર્થિક ગતિવિધિઓનું કેન્દ્રસ્થાન અને હરિયાણા એટલે જાતિવાદી જાટ રાજકારણનો પર્યાય. બન્ને રાજ્યોમાં સૌથી મોટા પક્ષ તરીકે ભાજપ ઊભર્યો છે. વર્ષોસુધી દેશનું સુકાન સંભાળનાર કોંગ્રેસ સહિતનો વિપક્ષ જ્યારે જ્યારે મોકો મળ્યો છે ત્યારે ત્યારે ગળું ફાડી ફાડીને દાવો કરતો રહ્યો છે કે લોકસભાના ચૂંટણી પરિણામો તો દૂધના ઉભરા જેવા જનજુવાળનું પરિણામ હતું. દર વખતે આવું જ બનશે તેવું કોઇએ માની લેવાની નથી... અરે, છેલ્લા થોડાક સમયથી તો મોદીલહેર નબળી પડી ગઇ કે શું તે મુદ્દે ચર્ચા પણ શરૂ થઇ હતી. પરંતુ નરેન્દ્ર મોદી આ વખતે પણ તેમની આદતને જ અનુસર્યા. કોઇ પણ આડીઅવળી વાતોના જવાબ આપવાના બદલે કરવા જેવું કામ કરીને તેમણે વિરોધીઓની બોલતી બંધ કરી દીધી છે. બન્ને રાજ્યોમાં ફતેહ મેળવીને તેમણે
પુરવાર કર્યું છે કે ચૂંટણી શતરંજ બિછાવવી અને પછી વિજય મેળવવો એમાં કોઇ તેમનો મુકાબલો કરી શકે તેમ નથી.
ભાજપે મહારાષ્ટ્ર અને હરિયાણામાં જે બહુકોણીય મુકાબલો ઊભો કર્યો તે તેના માટે ફાયદાકારક પુરવાર થયો છે. એક તબક્કે, મહારાષ્ટ્ર અને હરિયાણામાં જૂના સહયોગીઓ સાથેનાં જોડાણને તોડીને, એકલા હાથે ચૂંટણી લડવાના રાજકીય વ્યૂહની સફળતા અંગે ભાજપમાં જ એક વર્ગને આશંકા હતી, પણ પરિણામ આજે નજર સમક્ષ છે. હરિયાણામાં મુખ્ય પ્રધાન મોહન લાલ ખટ્ટરના નેતૃત્વમાં ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે શાસનધૂરા સંભાળી છે, અને મહારાષ્ટ્રમાં સરકાર રચવાની ઘડીઓ ગણાઇ રહી છે. અલબત્ત, મહારાષ્ટ્રમાં ભાજપ પોતાની તાકાત પર પૂર્ણ બહુમતી મેળવવામાં સફળ નથી રહ્યો, પણ (કુલ ૨૮૮ વિધાનસભા બેઠકોમાંથી) ૧૨૨ બેઠકો જીતીને બહુમતી જરૂર મેળવી છે. એક સમયના ગાઢ સાથીદાર, પણ ચૂંટણી પૂર્વે અકડું વલણ અપનાવીને એનડીએ સાથે છેડો ફાડનાર શિવ સેનાએ ભાજપ રચિત સરકારને સમર્થન આપવાની સ્વૈચ્છિક જાહેરાત કરી છે તો એક વેળા કોંગ્રેસના સહયોગી શરદ પવારની એનસીપી (નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી) પણ ટેકો દેવા તત્પર છે. લોકસભામાં જ્વલંત વિજય પછી બે મહત્ત્વના રાજ્યો - મહારાષ્ટ્ર અને હરિયાણામાં કમળ એકલપંડે ખીલ્યું છે તેના યશના અધિકારી છે નરેન્દ્ર મોદી. લોકસભાની ચૂંટણીઓ જેમ જ આ બન્ને રાજ્યોની ચૂંટણીમાં પણ નરેન્દ્ર મોદીનો ઝંઝાવાતી પ્રચાર જોવા મળ્યો. અને ફરી એક વખત કોંગ્રેસના સૂંપડા સાફ થઇ ગયા. દેશનો સૌથી જૂનો પક્ષ આજે મરણપથારીએ પડ્યો છે તેમ કહી શકાય. લોકસભા ચૂંટણીઓમાં કારમા પરાજય પછી કોંગ્રેસે જે પગલાં ભરવા જોઇતાં હતા તેમાં તે સદંતર નિષ્ફળ રહ્યો. પરિણામે બંને રાજ્યોમાં સત્તા તો ગુમાવી જ, ઊલટાનું પક્ષ ત્રીજા સ્થાને પહોંચી ગયો. મહારાષ્ટ્રમાં તેને ૨૮૮માંથી ૪૨ બેઠકો મળી છે, જ્યારે હરિયાણામાં ૯૦માંથી માત્ર ૧૫ બેઠકો મેળવી છે. દેશનો સૌથી જૂનો અને સૌથી મોટો પક્ષ આ હદે નબળો પડી જાય તે તેની નેતાગીરી, તેના અસ્તિત્વ માટે તો ચિંતાજનક છે જ, પણ લોકશાહી શાસન પ્રણાલીના હિતમાં પણ તે નથી. સ્વસ્થ લોકશાહી માટે શાસક પક્ષ જેટલો જ શક્તિશાળી વિરોધ પક્ષ હોવો જરૂરી છે. કોંગ્રેસના શિર્ષ નેતૃત્વે હવે પરિવારવાદને કોરાણે મૂકીને આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. તો બીજી તરફ, ભાજપે પણ યાદ રાખવું રહ્યું કે બન્ને રાજ્યોમાં તેને વિજય જરૂર મળ્યો છે, પણ આમાંથી એક રાજ્ય - મહારાષ્ટ્રમાં તેને પૂર્ણ બહુમતી મળી નથી. પૂર્ણ બહુમતી મેળવવામાં ક્યાં કચાશ રહી છે તેનું મનોમંથન કરીને આ ભૂલો દૂર કરવા જરૂરી પગલાં લેવા રહ્યાં કેમ કે હવે પછીના તબક્કામાં જમ્મુ-કાશ્મીર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે.


    comments powered by Disqus



    to the free, weekly Gujarat Samachar email newsletter