વિરોધ કરવા સાથે જુલ્મનો શિકાર બનેલા લોકો વિશે પણ વિચારીએ

મનોજ લાડવા Tuesday 24th December 2019 01:09 EST
 
 

નાગરિકતા વિશે ભારતનો નવો કાયદો અત્યાચારનો શિકાર બનેલા લઘુમતી સમુદાયોને ભારતમાં આશ્રય આપવા માટે દાખલ કરાયો છે. તેનો હેતુ માનવ અધિકારોના રક્ષણનો છે, તેમને છીનવી લેવાનો નહિ. ભારતમાં નવા સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (CAA)નો વિરોધ અખબારોના મથાળાં બની રહ્યો છે ત્યારે સમગ્ર વિશ્વ તેના પ્રત્યે જરા સ્તબ્ધતાથી નિહાળે છે. જોકે, ઉગ્રતાપૂર્ણ કર્કશ સૂત્રોચ્ચારો મધ્યે પણ આ નવા કાયદાના કેન્દ્રમાં શું વિચાર-હેતુ રહેલો છે તેના પરિપ્રેક્ષ્યને વિચારવું પણ મહત્ત્વ ધરાવે છે.

ભારતીય લોકશાહી અને અનેકત્વ (અનેકતામાં એકતા)ની સાથોસાથ તેના નાગરિકતાના સિદ્ધાંતો પણ વિશ્વ માટે ઈર્ષાનું કેન્દ્ર છે. જોકે, તેની ગરીબી અને અત્યાર સુધી નિસ્તેજ સલામતી તરફ વિશ્વને જરા પણ ઈર્ષા નથી. વર્તમાન સંજોગો પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના પગલાં આ દૂષણો પર આક્રમણના સ્વરુપે જ છે, જરા વધારે નહિ કે જરા ઓછાં પણ નહિ. તેનો ઈરાદો વૈશ્વિક અર્થતંત્રમાં જેનો ઉલ્લેખ વારંવાર સોનેરી આશાકિરણ સમાન થઈ રહ્યો છે તે ભારતમાં રોકાણ કરવાના વિશ્વના વિશ્વાસને વધુ વધારી શકાય તેવી સ્થિરતાનું સર્જન કરવામાં મદદરુપ બનવાનો છે.

ગેરમાહિતી પ્રસારનું અભિયાન

કમનસીબે, આ નવા કાયદા સંબંધે નિશ્ચિતપણે ‘ગેરમાહિતી પ્રસારનું અભિયાન’ ચલાવાઈ રહ્યું છે.

CAA કોઈ પણ પ્રકારે મુસ્લિમ નાગરિકો સહિત કોઈ પણ ભારતીય નાગરિકને વિપરીત અસર કરતો નથી. કોઈ ભારતીય નાગરિકના સંદર્ભે તેને કોઈ પ્રકારે સંબંધ નથી. ભારતીય નાગરિક ભારતના બંધારણ દ્વારા તેમને પ્રાપ્ત મૂળભૂત અધિકારોનો લાભ મેળવી રહ્યા છે. CAA સહિત કોઈ પણ કાયદા તેમને ઘટાડી શકતા નથી અથવા તો પાછા ખેંચી શકતા નથી.

સિટીઝનશિપ (એમેન્ડમેન્ટ) બિલ (CAB) ૨૦૧૯ હવે કાયદામાં રુપાંતરિત થયું છે ત્યારે તેના વિશે શક્યતઃ સૌથી ખરાબ અને બેજવાબદાર અને કહીએ તો પૂર્વગ્રહિત પણ, માહિતીનો પ્રસાર થઈ રહ્યો છે. અખબારોના મથાળાં ભયપ્રસારક છે. તેઓ એમ કહેતાં જણાય છે કે ભારતનો સૌથી મોટો લઘુમતી સમુદાય, મુસ્લિમોની નાગરિકતા છીનવાઈ રહી છે. કેટલાક અહેવાલો તો એટલે સુધી જણાવે છે કે નવા કાયદાથી મુસ્લિમો તેમની ભારતીય નાગરિકતા ગુમાવી દેશે.

કેટલાંક ભારતીય રાજકારણીઓ તેમજ ભારતીય અને વિદેશી મીડિયાના વગશાળી વર્ગ દ્વારા ઈરાદાસહ આ જુઠાણાંનો પ્રચાર-પ્રસાર કરાઈ રહ્યો છે. આ પ્રચાર સત્યથી તદ્દન વેગળે જઈ રહ્યો છે.

નવા કાયદાની પશ્ચાદભૂ તપાસીએ

ભારત સરકાર પડોશી રાષ્ટ્રોમાં અત્યાચારનો શિકાર બનેલી લઘુમતીઓના અનુકૂલન માટે તેની શરણાર્થી નીતિને સુધારવા નવો કાયદો લાવી છે. અહીં મુખ્ય શબ્દગુચ્છ ‘પડોશી રાષ્ટ્રોમાં અત્યાચારનો શિકાર બનેલી લઘુમતીઓ’ છે.

આ કાયદો પાકિસ્તાન, બાંગલાદેશ અને અફઘાનિસ્તાનના ક્રિશ્ચિયન્સ, બૌદ્ધ, શીખ, જૈન, પારસી અને હિન્દુઓને તાકીદના ધોરણે ભારતીય નાગરિકતા પૂરી પાડશે. દેખીતી રીતે જ આ બધા દેશો ઈસ્લામિક પ્રજાસત્તાક રાષ્ટ્રો હોવાથી કોઈ મુસ્લિમ પર તેમના ધર્મના કારણે અથવા તો લઘુમતી હોવાના કારણે દમન કે અત્યાચાર ગુજારાતો હોય તેનો પ્રશ્ન જ ઉઠતો નથી. આથી, આ પ્રકારનું વર્ગીકરણ છે.

તાજેતરમાં જ ‘2+2 US India Dialogue’ માટે ભારતની મુલાકાતે આવેલા યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માઈક પોમ્પીઓને આ મુદ્દે પ્રશ્ન કરાયો ત્યારે તેમણે ઉત્તરમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ‘અમે દરેક સ્થળે લઘુમતીઓ અને તેમના ધાર્મિક અધિકારોના રક્ષણની ઊંડી કાળજી રાખીએ છીએ અને રાખતાં રહીશું. ભારતમાં આ મુદ્દે તંદુરસ્ત ચર્ચા ચાલી હોવાથી અમે ભારતીય લોકશાહીનો આદર કરીએ છીએ.’

નાગરિકતા અધિકાર છીનવી લેવાતો નથી

CAA નાગરિકતાનો અધિકાર પૂરો પાડે છે. તેમાં મુસ્લિમો અથવા અન્ય કોઈ વર્ગના લોકો પાસેથી નાગરિકતા છીનવી લેવાની અથવા તેની સાથે સંકળાયેલા લાભનો ઈનકાર કરવાની કોઈ જ જોગવાઈ નથી.

એ બાબતની નોંધ અવશ્ય લેવી જોઈએ કે આ કાયદો શરણાર્થી નીતિઓ માટે કોઈ મર્યાદા સ્થાપિત કરતો નથી. ભારત તમામ ધર્મો અને મુસ્લિમો સહિત વંશીયતાઓ માટે ઉદાર મન ધરાવે છે. નવા કાયદા સંબંધે કાગારોળ મચાવતા અને ચેતવણીઓ ઉચ્ચારતા અહેવાલોના કોઈ પણ આલેખકે ગત થોડાં વર્ષોમાં પાકિસ્તાનથી આવેલા ૬૦૦થી વધુ મુસ્લિમોને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે તેનો ઉલ્લેખ કરવાની તસ્દી લીધી નથી તે ખરેખર કમનસીબ વાસ્તવિકતા છે.

આ કાયદો પોતાના જ વતનમાં ધાર્મિક દમનનો શિકાર બનેલા અને કોઈ પણ રીતે નાસીને ભારત આવી ગયેલા લાખો પાકિસ્તાની, બાંગલાદેશી અને અફઘાન લોકોને સહાયરુપ થવાનો માનવતાવાદી પ્રયાસ છે.

આંકડા જ મોટી કહાણી કહેશે

આપણે સંખ્યા તરફ નજર કરીએ. બે દાયકા અગાઉ અફઘાનિસ્તાનમાં ૨૦૦,૦૦૦ શીખ હતા. હવે તેમની સંખ્યા થોડાં સેંકડોમાં રહી છે. તેમાંથી મોટા ભાગના લોકો ભારતમાં નાગરિકતાવિહોણી દશામાં જીવે છે. આ જ પ્રમાણે, પાકિસ્તાની અને બાંગલાદેશી મૂળના હજારો લોકો ભારતમાં નાગરિકતાવિહોણી દશામાં છે. આઝાદી સમયે, ૧૨.૯ ટકા પાકિસ્તાની નાગરિકો હિન્દુ હતા. પાકિસ્તાનની વસ્તી ગણતરી અનુસાર જ આ સંખ્યા ઘટીને હવે ૧.૬ ટકા રહી છે. આ જ પ્રમાણે, ૧૯૪૭માં બાંગલાદેશમાં ૨૪ ટકા હિન્દુ તેમજ શીખ હતા જે ઘટીને ૧૦ ટકાથી પણ ઓછાં રહ્યા છે. બીજી તરફ, ભારતમાં આઝાદી સમયે વસ્તીનો ૧૪ ટકા હિસ્સો ધરાવતા લઘુમતી સમુદાય મુસ્લિમોની સંખ્યા વાસ્તવમાં વધીને ૧૫ ટકા થઈ છે.

આમ CAA,પાકિસ્તાન, બાંગલાદેશ અને અફઘાનિસ્તાનના અત્યાચારગ્રસ્ત લઘુમતી સમુદાયોને નવો આરંભ કરવા કાનૂની રક્ષણ પૂરું પાડે છે.

બીજી તરફ, જ્યારે વિરોધપક્ષ રાજકીય હિસાબ સરભર કરવાના સૌથી ઘૃણિત સ્વરુપનો લાભ લેવાની મનોદશામાં રાચી રહ્યો છે ત્યારે જેમને આશ્રય અને સલામતી- સ્થિરતાની વાસ્તવિક જરૂરિયાત છે તેવા અત્યાચારગ્રસ્ત લઘુમતી સમુદાયોનો પણ જરા વિચાર કરીએ.

ઘણા લોકો પોતાની દલીલોની સુવિધા માટે પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે ૨૦૦૩માં ભારતીય સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં કરેલા સંબોધનને ભૂલી ગયા હોય તેમ જણાય છે જેમાં, તેમણે આ જ લઘુમતી સમુદાયો પ્રત્યે ઉદારતા દર્શાવવા લાગણીશીલ અનુરોધ કર્યો હતો.

ડો. સિંહે સંબોધનમાં જણાવ્યું હતું કે,‘ આપણા દેશના વિભાજન પછી, બાંગલાદેશ જેવા દેશોમાં લઘુમતી સમુદાયોએ અત્યાચારોનો સામનો કર્યો છે. જો સંજોગો આ લોકો, કમનસીબ લોકોને, આપણા દેશમાં શરણ લેવાની ફરજ પાડતા હોય, તો આ દુર્ભાગી લોકોને નાગરિકતા આપવા સંદર્ભે આપણો અભિગમ વધુ ઉદારતાપૂર્ણ રહેવો જોઈએ અને તે આપણી નૈતિક ફરજ બની રહેશે.’

આ કોઈ સર્વાધિકાર નથી

પરંતુ, જરા વિચારજો. આ નવો કાયદો ભારતીય નાગરિકત્વ હાંસલ કરવા આ દેશોના કોઈ પણ રહેવાસીઓ માટે મફતમાં મેળવવાપાત્ર અધિકાર નથી. આના માટે ૩૧ ડિસેમ્બર ૨૦૧૪ની કટ-ઓફ તારીખ પણ છે. જે સ્પષ્ટ કરે છે કે આ કાયદો નિયમિતીકરણ (regularisation) પ્રક્રિયા છે. તે ભારતમાં અગાઉથી વસતા લોકોને નાગરિકતાનો ગતિશીલ દરજ્જો પૂરો પાડે છે. નવેસરથી આવનારા લોકોને અથવા દેખીતી રીતે આર્થિક દૃષ્ટિએ વસાહતીઓને આ કાયદા હેઠળ કોઈ લાભ મળવાપાત્ર નથી.

દ્વિતીય વિશ્વ યુદ્ધ પછી યુએસ અને કેટલાક યુરોપીય રાષ્ટ્રોએ પણ યહુદીઓને ફાસ્ટ-ટ્રેક નાગરિકતા આપી જ છે, જેમાં અન્ય ધર્મના લોકોનો સમાવેશ કરાયો નથી. CAAને પણ આ સમયની તાતી આવશ્યક્તા ગણાવી શકાય.

ઐતિહાસિક અન્યાયને સુધારવાનું કાર્ય

આઝાદી પછી ભારતના પડોશી દેશોમાં ઊંડે ઘર કરી ગયેલી અને સંપૂર્ણપણે નજરઅંદાજ કરાયેલી માનવતાવાદી કટોકટી સર્જાયેલી હતી. ભારત આ દેશોમાંથી સતત માનવપ્રવાહનો આઘાત સહન કરતું આવ્યું છે. પરંતુ, સૌથી વધુ અસરગ્રસ્ત તો ખુદ શરણાર્થીઓ છે- જેઓ પોતાના જન્મના દેશમાં અનિચ્છનીય ગણાતા રહ્યા છે અને પોતાના તરીકે સ્વીકારેલા- દત્તક લીધેલા દેશમાં નાગરિકતાવિહીન લોકોનો દરજ્જો ધરાવે છે.

આ નવો કાયદો તેમની સાથે ન્યાયપૂર્ણ વ્યવહારનો પ્રયાસ છે. કોઈને તેના વિરુદ્ધ દ્વેષ કે ફરિયાદ હોવાં ન જોઈએ.

(મનોજ લાડવા ઈન્ડિયા ગ્લોબલ બિઝનેસ મેગેઝિનના પ્રકાશક ઈન્ડિયા ઈન્ક.ના સ્થાપક અને સીઈઓ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter