દર વર્ષે 26 જુલાઈએ આપણે આપણા વીર નાયકોને યાદ કરવા સમય કાઢીએ છીએ જેમણે પોતાની આજનું બલિદાન આપ્યું જેથી અન્યોને આવતી કાલ મળી રહે. આ વર્ષની 26 જુલાઈ પાકિસ્તાન પર ભારતના વિજયને યાદ કરવાની 26મી વર્ષગાંઠ હતી.
પાકિસ્તાને 1999ના મે મહિનામાં ભારત વિરુદ્ધ એકપક્ષી યુદ્ધઘોષણા કરવા સાથે ભારતીય કારગિલ હડપી લેવાનો પ્રયાસ કર્યો હતો. જૂઠાણાંઓ પર રચાયેલા દેશ પાકિસ્તાને જ્યારે શરૂઆતમાં જ હુમલા સાથે પોતાને કશું લાગતુવળગતું નહિ હોવાનું જાહેર કર્યું તેનાથી આશ્ચર્ય ન જ થાય. વાસ્તવમાં તેઓ આ પાગલપણું સ્વતંત્ર કાશ્મીરી બળવાખોરો (પુરાવાઓ દર્શાવે છે કે આવા તમામ બંડખોરો હંમેશાં પાકિસ્તાનથી જ આવ્યા છે)ના માથે મઢી દેવાની હદ સુધી પહોંચ્યા હતા. આપણે ચોક્કસપણે એક બાબત જાણીએ જ છીએ કે પાકિસ્તાની જૂઠાણાંનો હંમેશાં પર્દાફાશ થયો છે અને આ કિસ્સામાં પણ એવું જ થયું હતું. વાસ્તવમાં પાકિસ્તાની સૈન્યદળો તેમની પાછળ એવાં દસ્તાવેજો છોડી ગયા હતા જેનાથી યુદ્ધનાં આ કૃત્યમાં તેની સંડોવણી હોવાનું પુરવાર થતું હતું. જો આટલું પુરતું ન હોય તેમ પાકિસ્તાનના પ્રાઈમ મિનિસ્ટર અને ચીફ ઓફ આર્મી સ્ટાફના શરમજનક નિવેદનોમાં જનરલ અશરફ રશીદના વડપણ હેઠળ પાકિસ્તાની પેરામિલિટરી દળોની સંડોવણી હોવાને સમર્થન અપાયું હતું.
લગભગ 60 દિવસ ચાલેલા આ યુદ્ધમાં બંને પક્ષે જાનની ખુવારી થઈ હતી. આમ છતાં, 26 જુલાઈ, 1999ના દિવસે નિશ્ચિત હતું તે જ થયું જ્યારે ભારતીય દળોએ પાકિસ્તાની દળોને પરાજિત કરી કારગિલમાંથી ખદેડી મૂક્યા. ઓપરેશન વિજય અભૂતપૂર્વ સફળતા હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનનું નામોશીપૂર્ણ પતન તેમના માટે રાષ્ટ્રીય શરમનો દિવસ બની રહ્યો. એક એવો દિવસ જે તેમની માનસિકતામાં આજે પણ જીવંત છે. કોઈ પણ પાકિસ્તાની સામે કારગિલનો નામોલ્લેખ પણ કરી જુઓ, બધાને જ પાગલપણાનો હુમલો આવી જશે.
મને યાદ આવે છે કે વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ પાકિસ્તાન દેશના આતંકવાદી સ્વભાવ વિશે વિશ્વને માહિતગાર કર્યું હતું. યુએસએ, ઈયુ, અને યુએન, બધાએ આંખ આડા કાન કરવાનો જ પ્રયાસ કર્યો. આ બધા જ જાણતા હતા કે પાકિસ્તાન ભારે ઝડપથી આતંકવાદના મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે, પરંતુ તેમણે પોતાના ચહેરા છુપાવવા અજ્ઞાનતાના મહોરાં પહેરી લેવાનું પસંદ કર્યું.
સપ્ટેમ્બર 11, 2001ના દિવસે અલ-કાયદા દ્વારા યુનાઈટેડ સ્ટેટ્સ વિરુદ્ધ આત્મઘાતી હુમલાઓ થકી પશ્ચિમ ઈસ્લામિસ્ટ આતંકવાદ સંદર્ભે આંખો ચોળતા જાગી ગયું. અલ-કાયદાના ત્રાસવાદીઓએ યુનાઈટેડ સ્ટેટ્સમાં ચાર કોમર્શિયલ પ્રવાસી વિમાનોને હાઈજેક કર્યા હતા. બે વિમાન ન્યૂ યોર્ક સિટીમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વીન ટાવર્સ સાથે અથડાવી દીધા જેના પરિણામે બંને ટાવર તૂટી પડ્યા. ત્રીજું વિમાન વોશિંગ્ટન ડીસીની બહાર પેન્ટાગોન સાથે અથડાઈ તૂટી પડ્યું. સંભવતઃ વ્હાઈટ હાઉસને નિશાન બનાવવા સજ્જ ચોથા વિમાનમાં ક્રુ અને પેસેન્જરોએ ત્રાસવાદીઓ પર હુમલો કર્યા પછી તે ગ્રામીણ પેન્સિલ્વાનિયા ખાતે તૂટી પડ્યું અને નિશાન સાધવામાં નિષ્ફળ નીવડ્યું.
હજારો લોકો મોતને ભેટ્યા અને તેનાથી પણ વધુને ઈજાઓ પહોંચી, ટ્વીન ટાવર અને ન્યૂ યોર્કની ભવ્ય છબીઓ તહસનહસ થઈ ગઈ ત્યારે યુએસએને આખરે સમજાઈ ગયું કે ત્રાસવાદી હુમલાનો શિકાર બનવું એટલે શું કહેવાય. ચોક્કસ, આ તો અમેરિકા હતું એટલે પાશ્ચાત્ય દેશો તેની પડખે આવી ઉભાં રહ્યાં. જરા પણ સમય વેડફ્યા વિના સામૂહિક વિનાશના શસ્ત્રો વિશે બનાવટી ગુપ્ત માહિતીની ઓથ હેઠળ તેમણે ઈરાક પર હુમલો કર્યો અને હજારો લોકોને મોતને ઘાટ ઉતાર્યા અને સંખ્યાબંધને ઈજાગ્રસ્ત કર્યા. ઈસ્લામિક કટ્ટરવાદી પ્રતિ પાશ્ચાત્ય પ્રત્યાઘાતમાંથી ઈરાક અને મિડલ ઈસ્ટના ઘણા પ્રદેશો કદી બહાર આવી શક્યા નથી. શાસન પરિવર્તન મુખ્ય લક્ષ્ય બની ગયું. જો તમે અમેરિકાને નથી ગમતા તો તમારા દહાડા ભરાઈ ગયા છે. પશ્ચિમ દ્વારા યુદ્ધોના બે દાયકા તેમજ સેંકડો બિલિયન ડોલર્સના ખર્ચ પછી પણ આપણને મિડલ ઈસ્ટમાં શાંતિ જોવા મળતી નથી. દુઃખની વાત તો એ છે કે કોઈ પણ પશ્ચિમી દેશ એવો રહ્યો નથી જે ઈસ્લામિસ્ટ આતંકવાદીઓના હુમલાઓથી મુક્ત રહ્યો હોય.
આવી પશ્ચાદભૂ સાથે તો તમે કદાચ વિચારતા હશો કે પાકિસ્તાને વારંવાર જમ્મુ અને કાશ્મીર પર હુમલાઓ કર્યા હોવાથી પશ્ચિમ અને ખાસ કરીને અમેરિકા કદાચ ભારતને સારી રીતે સમજી શક્યા હશે. એવું જણાય છે કે પશ્ચિમે હજુ કોઈ બોધપાઠ ગ્રહણ કર્યો નથી.
ભારત માટે તો કારગિલ વિજય દિવસ હંમેશાં એક બાબતનું સ્મરણ કરાવતો રહેવો જોઈએ કે જો તે કદી અસાવધતા દાખવશે તો તેનું નુકસાન કરવા ઈચ્છનારાઓ હુમલો કરશે જ. જ્યાં સુધી મારે સંબંધ છે ત્યાં સુધી તો પાકિસ્તાન દ્વારા વધુ એક આક્રમણ કે અતિક્રમણ કરાય તો તેનું પરિણામ ચાર ટુકડામાં વિભાજિત થવાનું હોવું જોઈએ. અને જો યુએસ, યુએન અથવા અન્યોને તે ગમતું ન લાગે તો મારું માનવું છે કે ભારતે તે બધાને બે આંગળી દેખાડી સમજાવી દેવું પડશે કે ‘થાય તે કરી લો’.
જય હિન્દ