અંગ્રેજ શાસકોના વિકૃત ઈતિહાસને પ્રકાશમાં આણનાર પંડિત સુંદરલાલ

ઈતિહાસના નીરક્ષીર

ડો. હરિ દેસાઈ Tuesday 13th March 2018 07:30 EDT
 
 

ઈતિહાસલેખનમાં વિકૃતિઓ આણીને અંગ્રેજ શાસકોએ પોતાને અનુકૂળ લેખન થકી ભારતીય તથ્યો અને સત્યોને કઈ રીતે ભારતીયો માટે લજ્જિત કરી મૂક્યાં એ હિંમતભેર પંડિત સુંદરલાલ થકી ‘ભારત મેં અંગરેજી રાજ’માં નીરક્ષીર કરાયું છે. 

૧૯૨૮નો એ સમયગાળો હતો. પુસ્તક પ્રકાશિત થાય એના ત્રણ દિવસ પહેલાં અંગ્રેજ સરકારે એના પર પ્રતિબંધ લાદી દીધો હતો. મહાત્મા ગાંધીએ પંડિત સુંદરલાલે લખેલા ઈતિહાસમાં રતિભાર પર અસત્ય નહીં હોવાનું કહ્યું અને ૧૯૨૮માં પ્રયાગની અદાલતમાં (અલ્લાહાબાદ)માં અંગ્રેજ સરકારના પ્રતિબંધ સામે કાનૂની જંગ ખેલાયો. સુંદરલાલ વતી ધારાશાસ્ત્રી તરીકે સર તેજબહાદુર નારાયણ સપ્રુએ અદાલતમાં રજૂઆત કરીઃ ‘આ પુસ્તકમાં એક લાઈન પણ ખોટી લખાઈ નથી.’ સરકારી વકીલે બધાને એવું કહીને આંચકો આપ્યો કે એ જ તો રામાયણ છે કે આ પુસ્તક એને કારણે જ ખતરનાક છે.
કોઈ પણ રાજકીય શાસક માટે પ્રજા સત્ય જાણી જાય એ ખતરનાક લેખાય છે. એટલે જ દરબારી સંસ્કૃતિના ઈતિહાસકારો ઈતિહાસલેખન કે પુનર્લેખનમાં શાસકોને અનુકૂળ ઈતિહાસ લખે છે. શાળા-કોલેજોમાં પણ શાસકોને અનુકૂળ ઈતિહાસ ભણાવાય છે. મહાત્મા ગાંધીના પ્રમાણપત્રને પગલે ૧૫ નવેમ્બર ૧૯૩૭ના રોજ ગવર્નરે સુંદરલાલના પુસ્તક પર પ્રતિબંધ હટાવી દીધો, પણ એ પહેલાં દાયકા સુધી પ્રતિબંધ અમલી રહ્યો છતાં આઝાદીના લડવૈયાઓ પાસે સુંદરલાલ લિખિત ‘ભારત મેં અંગરેજી રાજ’ની નકલો પહોંચતી રહી હતી.
આઝાદી પછી તો અંગ્રેજો ગયા અને ભારત સરકારનો પ્રકાશન વિભાગ પંડિત સુંદરલાલ લિખિત આ બેનમૂન ગ્રંથને પ્રકાશિત કરતો રહ્યો. બે ખંડના હિન્દી પુસ્તકનું અંગ્રેજીમાં પ્રકાશન આઝાદીના બે-ત્રણ દાયકા પછી થયું તો ખરું, પણ હજુ આજે પણ એ લગભગ ઉપલબ્ધ નથી. હમણાં મુંબઈના પોપ્યુલર પ્રકાશન અને દિલ્હીના સેજ પબ્લિકેશને પંડિત સુંદરલાલના એક પુસ્તકને અંગ્રેજીમાં ઉપલબ્ધ કરાવ્યું છે, પણ આટલા મોટા ગજાના ઈતિહાસકાર અને સ્વાતંત્ર્ય સૈનિક, ગદર પાર્ટીના સક્રિય ક્રાંતિકારીમાંથી મહાત્મા ગાંધીના અહિંસાવાદી સ્વાતંત્ર્ય-ચળવળકાર બનેલા સુંદરલાલ વર્તમાન યુગની આંખોથી લગભગ ઓઝલ છે.
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના ખતૌની કસબાના ઈમલીતલ્લા મોહલ્લામાં ૨૬ સપ્ટેમ્બર ૧૮૮૬માં જન્મેલા સુંદરલાલ ભારતીય સંસદના સભ્ય રહ્યા, શાંતિ મિશનમાં સક્રિય રહ્યા. હિંદુ-મુસ્લિમ એકતાના પ્રખર સમર્થક રહ્યા અને ક્યારેય સત્તામોહથી અંજાયા નહીં. ૯ મે ૧૯૮૧માં એમણે જીવનલીલા સંકેલી લીધી હતી. એમણે પવિત્ર ગીતા અને પવિત્ર કુર્રાનના ઉપદેશમાં સામ્ય દર્શાવવાનો પ્રયાસ કર્યો.

ભારતીયતા સમજવા ‘ગીતા ઔર કુર્રાન’

પંડિત સુંદરલાલે ૪૦ જેટલાં પુસ્તકો લખ્યાં. જન્મ્યા ઉત્તર પ્રદેશમાં અને ભણ્યા લાહોરમાં. એમનાં પુસ્તકો તથ્ય આધારિત હતાં. સરકારી જૂઠાણાંને બેનકાબ કરનારાં હતાં. ‘ભારત મેં અંગરેજી રાજ’ પરથી પ્રતિબંધ હટ્યા પછી તો એની ૧૧,૦૦૦ નકલો પ્રકાશિત થઈ હતી અને એ દિવસોમાં એ વિક્રમ હતો. પ્રતિબંધ હતો ત્યારે પણ છપાયેલી ૧૭૦૦ નકલો ચપોચપ વેચાઈ ગઈ હતી. કેટલીક જપ્ત કરાઈ હતી. ‘ભારત મેં અંગરેજી રાજ’ પુસ્તકલેખન માટેની પણ એક રોચક કહાણી હતી.
પંડિતજીએ ત્રણ વર્ષના એકાંતવાસ દરમિયાન અલ્લાહાબાદના ક્રાંતિકારી બાબુ નિત્યાનંદ ચેટરજીના ઘરમાં રહીને આ પુસ્તક લખ્યું હતું. શરૂઆતમાં એના ચાર ભાગ હતા. અત્યારે એ બે ભાગમાં ભારત સરકારના પ્રકાશન વિભાગ દ્વારા પ્રકાશિત છે. આ પુસ્તક પ્રકાશિત થવાનું હતું એના ત્રણ દિવસ અગાઉ બ્રિટિશ સરકારને એની માહિતી મળી જતાં ૧૮ માર્ચ ૧૯૨૮ના રોજ એના પર પ્રતિબંધ આવ્યો હતો. એ છેક ૧૫ નવેમ્બર ૧૯૩૭ લગી રહ્યો હતો.
પંડિતજી વિશે એમના અંતરંગ મિત્ર એ. એમ. ખ્વાજાના પુત્ર અને ભારત સરકારમાં સચિવ તરીકે નિવૃત્ત થયા પછી હૈદરાબાદની એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ કોલેજ ઓફ ઈન્ડિયાના વર્તમાન મહાનિયામક રાજેન હબીબ ખ્વાજાએ ‘હાઉ ઈન્ડિયા લોસ્ટ હર ફ્રીડમ’ નામક હમણાં પ્રકાશિત પંડિતજીના પુસ્તકની પ્રસ્તાવનામાં લખેલી વાત હૃદયસ્પર્શી છે.
પંડિતજી હિંદુ-મુસ્લિમ એકતાના પ્રખર પ્રણેતા હતા એટલું જ નહીં ખ્વાજાએ એમને પવિત્ર કુર્રાન અને મહંમદ પયગંબર સાહેબ પર તકરીર માટે ૧૯૭૩માં નિમંત્ર્યા ત્યારે ઘણા મુસ્લિમ શ્રદ્ધાળુઓનાં ભવાં ખેંચાયાં હતાં. જોકે, જ્યારે પંડિત સુંદરલાલે પવિત્ર કુર્રાનની આયાતોનો પાઠ રજૂ કરીને ઈસ્લામના મહાવિદ્વાનની જેમ જે રીતે સરળ હિંદુસ્તાનીમાં એના બોધની સમજણ આપી એનાથી પેલા વિરોધ કરનાર મુસ્લિમ બિરાદરો રાજી થયા હતા. પંડિતજી અરબી-ફારસી ભાષાના પણ પંડિત હતા અને એટલી જ સહજતાથી એ ભાષામાંના મૂળ સંદર્ભોને ટાંકતા હતા. એમણે ભગવદ્ ગીતા અને પવિત્ર કુર્રાન વિશે પહેલાં હિંદી તથા ઊર્દૂમાં જે પુસ્તક લખ્યું અને પાછળથી એ ગુજરાતી અને અંગ્રેજી સહિતની ભાષાઓમાં પ્રકાશિત થયું. જુનિયર ખ્વાજા એના વિશે લખે છે કે પવિત્ર ગીતા અને પવિત્ર કુર્રાનના સંદેશમાં રહેલી સમાનતા સમજવા માટે કોઈએ પણ ‘ગીતા ઔર કુર્રાન’નું પઠન કરવું પડે. પ્રત્યેક ભારતીયે ‘ભારતીયતા’ની મહાનતા ઈન્ડો-વૈદિક સંસ્કૃતિ તરીકે સમજવા માટે આ પુસ્તક વાંચવું અનિવાર્ય છે.

અંગ્રેજ શાસકોએ ભાગલા પાડ્યા

પંડિત સુંદરલાલનું દૃઢ માનવું હતું કે બ્રિટિશ શાસકોએ હિંદુ-મુસ્લિમો વચ્ચે ભાગલા પાડીને પોતાની સત્તાને ભારતમાં મજબૂત બનાવી હતી. એમનું કહેવું હતું કે ‘કોમવાદી ઝઘડાઓના મૂળમાં અંગ્રેજોની ફૂટ ડાલો ઔર રાજ કરો નીતિ જ હતી.’ આ સંદર્ભમાં એમની ૧૯૦૭માં પ્રકાશિત નાની પુસ્તિકાનું શીર્ષક હતુંઃ ‘બંદર બાંટ’. આમાં અંગ્રેજ શાસકોને ટાંકીને જ એમણે ભારતમાં બે ધર્મના લોકોમાં એકમેક માટે નફરત ફેલાવવા માટે કેવી રીતે હકીકતોને વિકૃત કરવામાં આવતી હતી એની વાત તેમણે મૂકી છે. સ્વતંત્રતા આંદોલનમાં આ બાબત સૌથી મોટો અવરોધ સર્જનાર ગણાતી હતી.
ક્યારેક લોર્ડ હાર્ડિંગ પર બોમ્બ ફેંકનારમાં સામેલ પંડિત સુંદરલાલ ગાંધીજી સાથેની મુલાકાતથી એકદમ અહિંસાવાદી બની જાય એવી જાદુઈ અસર મહાત્માનું વ્યક્તિત્વ અનેકો પર કરતું હતું.
પંડિત સુંદરલાલના પુસ્તકમાં ટાંકવામાં આવેલી ફ્રેંચ પ્રવાસી બરનિયર અને બ્રિટિશ પત્રકાર-નેતા વિલિયમ ડિગ્બીની વાતને રજૂ કર્યા વિના રહી શકાય તેમ નથી. વર્ષ ૧૭૦૦માં ફ્રેંચ પ્રવાસી બરનિયરે નોંધ્યું હતું કે ‘આ હિંદુસ્તાન એવડો મોટો ખાડો છે કે જેમાં દુનિયાભરના મોટા ભાગના સોના અને ચાંદીનો જથ્થો અનેકમાર્ગે આવે છે અને જેને બહાર નીકળવાનો એકપણ માર્ગ મળતો નથી.’ વર્ષ ૧૯૦૦માં બ્રિટિશ પત્રકાર-નેતા ડિગ્બીએ લખ્યું કે, ‘વીસમી સદીની શરૂઆતમાં લગભગ બે કરોડ ભારતીય એવા હતા જેમને કોઈ પણ સમયે પેટભરીને ખાવાનું મળતું નહોતું... આ અધઃપતનનું બીજું ઉદાહરણ આ સમયે બીજા કોઈ સભ્ય અને વિકાસશીલ દેશમાં ક્યાંય જોવા મળતું નહોતું.’ ક્યારેક સોને કી ચિડિયા કહેવાતા ભારતને કેવી રીતે વિદેશી શાસકોએ ભૂખમરામાં ઝીંક્યો એના કારણો સુંદરલાલે પોતાના પુસ્તકમાં વર્ણવ્યા છે.

(વધુ વિગતો માટે વાંચો Asian Voice અંક ૧૭ માર્ચ ૨૦૧૮ અથવા ક્લિક કરો વેબલિંકઃ http://bit.ly/2FuD4Xb)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter