અંબાણીબંધુ મુકેશ અને અનિલઃ એક સફળતાના શીખરે, બીજો દેવાના બોજ તળે

Tuesday 29th September 2020 07:22 EDT
 
મોભી ધીરુભાઇની છત્રછાયામાં ખુશખુશાલ અંબાણી પરિવાર
 

રોડપતિમાંથી અબજોપતિ બનેલાઓની સંઘર્ષ કથાઓ વાંચવાથી વ્યક્તિને મોટિવેશન મળી શકે છે, પરંતુ અબજોપતિમાંથી રોડપતિ બનનારાઓનો અનુભવ વાંચીએ તો ચોક્કસ એમ જ લાગે કે નસીબ જેવું પણ કંઇક તો કામ કરતું જ હશે. જેમની પાસે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી તૈયાર થયેલા નાણાંકીય સલાહકારો હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટોની આખી ફોજ હોય, સત્તાધારી પક્ષથી માંડીને વિરોધ પક્ષને સંભાળી લેવાની આવડત હોય, પૈતૃક સંપત્તિનો દલ્લો હોય એવા લોકોના નામ જ્યારે દેવાળિયાઓની યાદીમાં જોવા મળે એક વખત તો એમ થઇ જ જાય કે આ લક્ષ્મીજીને સાચવવામાં નિષ્ફળ ગયા છે.
અનિલ અંબાણીએ બ્રિટનની કોર્ટમાં એમ કહ્યું કે મારે ઘરેણાં વેચીને ઘર ચલાવવું પડે છે અને મારી સંપત્તિ સફાચટ થઇ ગઇ છે, મારી કોઇ લકઝરી લાઇફ નથી ત્યારે લોકોને આઘાત લાગ્યો હતો. દેશી ભાષામાં કહીએ તો પાર્ટી ઉઠી ગઇ છે ને રોડ પર આવી ગઇ છે.
અંબાણી પરિવારના લોહીમાં ધંધો છે, તેમની નસેનસમાં બિઝનેસ વહે છે એમ કહેવાતું હતું, પરંતુ અંબાણી પરિવારનો એક ભાઇ મુકેશ અંબાણી વિશ્વના ટોપ-૧૦ બિલિયોનેરની યાદીમાં આવે છે જ્યારે બીજો ભાઇ અનિલ દેવાળિયો બની ચૂક્યો છે.
છેલ્લા એક દાયકામાં અનિલ અંબાણીના તમામ પાસા ઉંધા પડયા છે એમ કહીએ તો તેમાં ખોટું નથી. ૨૦૦૭માં તો બંને ભાઇઓની સંપત્તિ લગભગ એક સમાન હતી. ૨૦૦૬ની વાત કરીએ તો અનિલ અંબાણી પાસે મુકેશ અંબાણી કરતાં ૫૫૦ કરોડ રૂપિયાની વધુ સંપત્તિ હતી અને એશિયાના સૌથી વધુ પૈસાદારોમાં તે અઝીમ પ્રેમજી અને લક્ષ્મી મિત્તલ પછી ત્રીજા નંબરે હતા. તે સમયે તે યાદીમાં મુકેશ અંબાણીનું નામેય નહોતું.
આજે સમયનું ચક્ર કેવું ફર્યું છે તે જૂઓ... એક દાયકામાં મુકેશ અંબાણી વિશ્વના સૌથી વધુ પૈસાદારોની યાદીમાં ત્રીજા નંબરે છે અને એશિયામાં સૌથી વધુ પૈસાદારોની યાદીમાં સર્વોચ્ચ સ્થાને છે. જ્યારે ૨૦૦૬ના સંપત્તિવાન અનિલ અંબાણી આજે લગભગ રોડ પર આવી ગયા છે અને કોર્ટમાં કહે છે કે હું દેવાળિયો થઇ ચૂક્યો છું.
અનિલ અંબાણી કેવી રીતે દેવાળિયા થઇ ગયા તેના પર પણ પુસ્તક લખાવું જોઇએ કેમ કે અબજોપતિ થઇ જવું પૂરતું નથી. અબજોપતિ થયા પછી સંપત્તિ ટકાવી રાખવાની આવડત હોવી પણ જરૂરી હોય છે. કેટલાંક લોકો દારૂ-જુગારમાં પૈસા ઉડાવે છે તો કેટલાંક લોકો આડેધડ મૂડીરોકાણો કરીને દેવામાં ડૂબે છે.
અનિલ અંબાણી અને મુકેશ અંબાણીએ છૂટા પડયા બાદ પોતપોતાનો ધંધો અલગ રીતે વિકસાવ્યો હતો. પૈસાના જોરે નહીં, પણ બુદ્ધિના જોરે ધંધો કેમ થાય તે મુકેશ અંબાણીએ શીખવ્યું હતું. જ્યારે અનિલ અંબાણીએ પૈસાના જોરે ધંધો આગળ વધાર્યો હતો.
જેના કારણે તે આગળ જતાં ફસડાઇ પડયા હતા. સદીના મહાનાયક કહેવાતા અમિતાભ બચ્ચ્ન ખુદ વારંવાર કહી ચૂક્યા છે કે એક સમયે મારે માથે જંગી દેવું હતું અને ઘર વેચવા કાઢવું પડે એવી સ્થિતિ હતી પરંતુ મિત્રોએ મને મદદ કરી હતી. (અહીં વાંચો - અમરસિંહ અને મુલાયમસિંહ યાદવ). દરેકને આવા મિત્રો નથી હોતા તે પણ નોંધવું જોઇએ.
કમસીન કાયા ધરાવતી મોડેલ - હીરોઇનોના ટોળામાં બેસી રહેવાના શોખીન એવા વિજ્ય માલ્યા પણ દેવાળિયાની યાદીમાં આવે છે તેમને ભારત છોડીને ભાગી જવું પડયું હતું. અનિલ અંબાણી વિશે એક ગપસપ એવી પણ ચાલી હતી કે તે ઐશ્વર્યા રાય સાથે કનેક્શનમાં છે. બિચારી ઐશ્વર્યાને ખુલાસો કરતાં દમ નીકળી ગયો હતો. થયું હતું એવું કે અનિલ, ટીના મુનિમ અને ઐશ્વર્યા બર્થ-ડે પાર્ટીમાં એક જ ટેબલ પર બેઠા હતા. બંનેને એકબીજા સામે હસી હસીને વાત કરતાં જોઇને બોલિવૂડના ગપસપબાજોએ લવસ્ટોરી બનાવી દીધી હતી. આ જ રીતે પ્રીતિ ઝીન્ટા સાથે પણ અનિલ અંબાણીના પ્રેમની વાતો ઉડી હતી. પ્રીતિને મજા પડી ગઇ હતી. તે કોઇ રદિયો નહોતી આપતી. જોકે ૧૯૮૪માં મિસ યુનિવર્સનું ટાઇટલ જીતીને આવેલી સુષ્મિતા સેન પર અનિલ અંબાણી ફિદા થઇ ગયા હતા. બંનેની લવ સ્ટોરી લાંબી ચાલી હતી. કહે છે કે અનિલે સુષ્મિતાને ૨૪ કેરેટનો મૂલ્યવાન હીરો ભેટ આપ્યો હતો. અનિલ અંબાણી કેવી રીતે દેવાળિયા થયા તે આ વાતોના છેડા મેળવતા સમજી શકાય એમ છે.
લોકો ઘણી વાર લક્ષ્મીના પગલાંનો વાંક કાઢતા હોય છે, પણ અનિલ અને મુકેશ પાસે તો એક જ માર્ગે આવેલી લક્ષ્મી હતી, છતાં મુકેશ અંબાણીને તે વરી છે, ફળી છે અને અનિલ અંબાણી સાથે છૂટાછેડા લઇ લીધા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter