અંબાપ્રસાદ ભટનાગર, જેમની સમાધિ ઇરાનમાં પૂજાય છે!

(ઘટના દર્પણ)

- પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા Wednesday 21st October 2026 05:22 EDT
 
 

આ સવાલ હમણાં વૈશ્વિક સમીક્ષાની ટીવી ચેનલ પરની ચર્ચામાં આવ્યો હતો. એન્કરને પણ ખબર નહોતી, પછી બિચારા ઈરાન-ઘટનાના નિષ્ણાત ગણાતા પ્રોફેસરને ક્યાંથી ખબર હોય કે આ ભારતીય ક્રાંતિકારની સમાધિ ઇરાનના શિરાઝ નગરમાં આવી છે અને સેંકડો નાગરિકો તેની માનતા માનવા જાય છે, ફૂલહાર ચઢાવે છે. અત્યારે તો ઈરાન અને તેનો ઈસ્લામિક કટ્ટરવાદ દુનિયામાં ફેલાયેલો છે. આયતોલ્લાહ ખોમૈનીનો પડછાયો મુખ્યત્વે મહિલાઓને પિંજરનું પંખી બનાવીને રાખે છે. કેટલાયને તેમની સ્વતંત્રતાની ઝંખના જેલોમાં પહોંચાડી રહી છે. અત્યારે તો અમેરિકા અને પેટ્રોલિયમ - એમ બે મુદ્દે લડાઈ ચાલુ છે. આ કોઈ ધાર્મિક નહિ, વ્યાપારી યુદ્ધ છે. કોઇની તરફદારી કરવા જેવી નથી, બે પાગલ સત્તાઓની ભીષણ લડાઈ છે.

આ ઈરાન માટે બ્રિટિશરો સામેના જંગમાં એક ભારતીય બહાદુરે બલિદાન આપ્યું હતું તેનું સ્મરણ હશે ઇરાનના સત્તાધીશોને? કોઈએ હજુ સુધી તો તેને માટે ભારતનો આભાર માન્યો નથી. મને તો એ વાતેય આશંકા છે કે ઇરાનમાં ભારતીય દૂતાવાસોના બાબુસાહેબોને પણ આ ઐતિહાસિક ઘટનાની જાણકારી હશે કે કેમ.

અંબાપ્રસાદનો જન્મ 1858માં મુરાદાબાદમાં થયો. તેનો જમણો હાથ જન્મથી જ નહોતો. એ કહેતા કે 1857માં અંગ્રેજોની સામેના સ્વાતંત્ર્ય યુદ્ધમાં મેં ભાગ લીધો ત્યારે આ હાથ કપાઈ ગયો, મૃત્યુ થયું. પુનર્જન્મ તો મળ્યો પણ કપાયેલા હાથની સાથે! મુરાદાબાદ, બરેલી અને જાલંધરમાં શિક્ષણ લીધું. 1869માં જાલંધરની એક દુકાનમાં સ્વાતંત્ર્યપ્રેમી નાગરિક બેઠો હતો, અંગ્રેજ સેનાએ દુકાન સહિત તેને તોપના ગોળે ઉડાવી દેવામાં આવ્યો તે અંબાપ્રસાદે નજરે જોયું ત્યારે તેની વય 13 વર્ષની હતી. પછી કાનૂની અભ્યાસ કર્યો, વકીલ બન્યા પણ દેશની સ્વતંત્રતાના!
1890માં એક સાપ્તાહિક પ્રકાશિત કર્યું, ‘જામ્યુલ ઇલૂમ’. એટલું લોકપ્રિય બન્યું કે ટપાલમાં જ પોસ્ટમેન તેને વાંચવા તરસતો. આ લેખો સામાન્ય મનોરંજનના નહોતા, અગ્નિબાણ જેવા હતા. એટલે રાજદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો. 1897માં કારાવાસી બન્યા. બે વર્ષે છૂટયા. ત્યારે બ્રિટિશ અધિકારીઓ નાના રજવાડાઓને હેરાન કરતાં તેની સામે કલમનો ઉપયોગ કર્યો. વળી આરોપ મૂકાયો. તેમની માલમિલકત જપ્ત કરવામાં આવી. 1906 સુધી બગડેલા આરોગ્ય સાથે જેલમાં રહ્યા. હૈદરાબાદ નિઝામને તેમના માટે અંગત લાગણી હશે એટલે મકાન બનાવીને સંદેશો મોકલ્યો કે, ‘આવી જાઓ, તમારા માટે મકાન તૈયાર છે’. જવાબ મોકલ્યો: ‘હું પણ તૈયાર છું!’ પણ શાને માટે?
અંબાપ્રસાદ તો પુસ્તકો અને કપડાંની પોટલી બાંધીને જુદી દિશામાં ચાલી નીકળ્યા. ક્યાં? પંજાબમાં ચાલતી આઝાદીની લડાઈમાં ભાગ લેવા માટે! 1907નો એ અગ્નિયુગ હતો. અખબારોમાં કામ કર્યું. ભગતસિંહના આર્યસમાજી ચાચા સરદાર અજિતસિંહે એક સંસ્થા સ્થાપી હતી, ભારતમાતા સોસાયટી. ધરપકડો શરૂ થઈ. આંદોલનોનો જમાનો હતો.

1907ની નવમી મેના દિવસે લાલા લાજપત રાયની ધરપકડ થઈ. અજિતસિંહના ભાઈ સરદાર કિશનસિંહ અને આનંદકિશોર મહેતાની સાથે વધુ લડાયક આયોજન માટે નેપાળ ચાલ્યા ગયા. નેપાળના રાણા જંગબહાદુરે અંબાપ્રસાદને આશ્રય આપ્યો ત્યાં સુધીમાં તેઓ ‘ભટનાગર’ની જગ્યાએ સૂફી તરીકે ક્રાંતિકારી વર્તુળમાં ઓળખાતા થઈ ગયા હતા. જંગબહાદુરને પણ અંગ્રેજોએ પદ પરથી હટાવીને માલમિલકત જપ્ત કરી. સૂફીને પકડીને લાહોર લઈ જવાયા. ભાગ્યે જ કોઈને ખબર હશે કે સુરતના રાષ્ટ્રીય મહાસભાના અધિવેશનમાં ભાગલા પડ્યા તેમાં લોકમાન્ય તિલક, અરવિંદ ઘોષની સાથે સરદાર અજીતસિંહ અને સૂફીનું સમર્થન રહ્યું. એક પ્રકાશન સંસ્થા શરૂ કરી. નામ પણ કેવું? ભારતમાતા બુક સોસાયટી! સરદાર અજીતસિંહને ડેપ્યુટી કમિશ્નરે ગુસ્સામાં કહ્યું કે શું તમે ઈસા મસીહ છો? ત્યારે સૂફીએ બાઇબલ અને ઈસાઈ ધર્મનો અભ્યાસ કરીને પુસ્તક છાપ્યું, નામ હતું ‘બાગી મસીહા!’ તુરંત તે જપ્ત કરવામાં આવ્યું.

આ દરમિયાન તિલકજી પર મુકદ્દમો ચાલ્યો, 6 વર્ષની જેલ મળી તો આ ક્રાંતિકારોએ ભગવાં વસ્ત્રો ધારણ કર્યા ઇરાદો હતો ‘તિલક આશ્રમ’ની સ્થાપનાનો! પણ તે સહેલું નહોતું. સૌ ક્રાંતિ યાત્રા પર નીકળી પડ્યા. 1909માં તેમણે એક વધુ અખબાર પ્રકાશિત કર્યું. એટલે સરકારે સૌને દેશથી દૂર હદપાર કરવા માંડ્યા. તેમાં લાલા હરદયાળનો વારો આવ્યો. તે પછી સરદાર અજીતસિંહ. અને અંબાપ્રસાદ સૂફી. એક સાથીદાર જીયા-ઉલ-હક્ક ફૂટી ગયો અને પોલીસનો બાતમીદાર બની ગયો. તેને સૂફીએ કહ્યું કે તું આગળ પહોંચી જા, અમે પાછળથી આવીએ છીએ. પોલીસે તેને પકડી લીધો.

ઇરાનમાં સૂફી - એ ઇતિહાસના અંધારમાં ખોવાઈ ગયેલી ઘટના છે. બહુ ઓછી વિગતો મળે છે. ઈરાન તર્સ્ફ જતાં અનેકવાર પોલીસની નજરથી છટકી ગયા. ઈરાનની ગુલામી સામે તેની કલામ ચાલી. ‘આબે હયાત’ અખબાર શરૂ કર્યું. પુસ્તક લખ્યું. અજીતસિંહને તૂર્કી તરફ મોકલ્યા. ઇરાનમાં લોકો અંબાપ્રસાદને ‘આકા સૂફી’ તરીકે ઓળખતા થયા. આકાનો અર્થ સ્વામી તરીકે આરુઢ થયો. 1915માં અંગ્રેજોએ આક્રમણ કર્યું, સૂફી પકડાયા, કોર્ટ માર્શલ થયા અને ફાંસીની સજા ફરમાવવામાં આવી. ઈરાની લોકોએ વિરોધ કર્યો પણ અંગ્રેજોએ જાહેર કર્યું કે આવતીકાલે સવારે આ વિપ્લવીને બંદૂકની ગોળીથી ઠાર કરવામાં આવશે, સૂફી કોટડીમાં બંધ હતા. સવારે બંદૂકધારી સમૂહે આવીને દરવાજો ખોલ્યો ત્યારે પલાંઠી વાળીને સૂફીને બેસેલા જોયા. તેમણે તો સમાધિ લઈ લીધી હતી!

ઇરાનના શીરાઝ નગરમાં આજે પણ આ ક્રાંતિકારની સ્મૃતિ જળવાઈ છે કે કેમ તેની તપાસ કરવાની ફરજ ઇરાનમાં ભારતના રાજદૂતની છે, અને ઇરાનમાં થોડીઘણી અહેસાસની ભાવના હોય તો તે સ્થાનની ઓળખ જાહેર કરવાની પણ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter