અજીબ કપડાંની ગજબ ફેશન

રમૂજ ગઠરિયા

કોકિલા પટેલ Wednesday 16th June 2021 03:45 EDT
 
 

સરકારી લોકડાઉનમાં લગભગ એક વર્ષ એમાંય ખાસ કરીને ટૂંકા દા'ડાના વિન્ટરથી કંટાળી ગયેલા બ્રિટનવાસીઓ ઉપર સૂરજદાદા કૃપાવંત થતાં જ પાંજરામાં પૂરાયેલા પક્ષીઓને છોડી મૂકે ત્યારે મુક્તમને વિહરે એમ સૌ ફૂલફોમમાં સમર માણવા નીકળી પડ્યા છે. કેટલાક વિટામિન ડી લેવા ખુલ્લા પાર્કમાં જઇને ચત્તાપાટ પડ્યા છે તો કેટલાક દરિયાકાંઠે બીચ પર સ્વીમીંગ કોસ્ચ્યુમમાં વિહરવા લાગ્યા છે.
સમર આવતાંની સાથે આપણે સૌ કોટને ખીંટીએ ભેરવી હાશકારો લઇએ છીએ અને વોર્ડરોબમાંથી કલરફૂલ કપડાં પહેરી ઉંમગભેર ફરતા થઇએ છીએ. આપણા બ્રિટનનો સમર એટલે ફૂલોચ્છાદિત પ્રકૃતિથી મોહિત થઇ કામદેવ પણ આ ધરતી પર ઉતરી આવે. આપણા બ્રિટનની પશ્ચિમે કોટ્સવલ્ડનું પ્રાકૃતિક સૌંદર્ય કેવું આહલાદક, ઉત્તરે લેકડિસ્ટ્રીક્ટ અને સ્કોટલેન્ડનો પર્વતાળ પ્રદેશ પણ ખૂબ મનોહારી... વાહ... ! પણ અત્યારે ઇન્ડિયાના બ્લેક ફંગશ અને ડેલ્ટા વાયરસે ઉત્તર ઇંગ્લેન્ડને ઝપટમાં લીધું હોવાથી ત્યાં જવા પર સરકારી પાબંદી લાગી છે. અત્યારે યુરોપ કે અન્ય દેશમાં ફલાય થવા પર પ્રતિબંધ હોવાથી ઇંગ્લેન્ડના રમણીય સ્થળો પર સહેલાણીઓનો જબ્બર ધસારો જોવા મળી રહ્યો છે.
ગયા સપ્તાહે અમેય વેસ્ટ કોસ્ટ પર આવેલા કોટ્સવલ્ડનું સૌંદર્ય માણવા ગયા હતા. માઇલો સુધી પથરાયેલા પ્રાકૃતિક સૌંદર્ય, લીલાં-પીળાં ખેતરો નિહાળતા, આછા ગુલાબી ફૂલોથી ઝૂમતા વક્ષોની વનરાજી વચ્ચે ડ્રાઇવ કરતા કોટ્સવલ્ડની મજા માણી. ત્યાં સમરની મજા માણતા આપણા દેશીઓ અને બ્રિટીશરોના પહેરવેશ જોઇ આધુનિક ફેશન જગત પર મનમાં હસવું આવ્યું. આપણે મુંબઇ-દિલ્હી જેવા શહેરોમાં કે હાઇકલાસ સોસાયટીમાં ય એનો વાયરો વહેતો દેખાય જ છે.
આધુનિક ફેશન જગતના ભેજાબાજો કેવાં?! ઢીંચણ ને જાંઘેથી ફાટીને ચીરેચીરા થઇ ગયેલ જીન્સના ભાવ આસમાને બોલાય છે. પહેલાં બિચારો ગરીબ એવું પેન્ટ કે ચડ્ડી કે લેંઘો પહેરીને જતાં કેટલું ખચકાતો, છોભીલો પડતો!! જ્યારે આજે તો ૧૮-૨૦નો જુવાનિયો પેન્ટ પહેરે તે એમના હીપથી અડધું નીચે ઉતરી ગયેલું હોય, પાછળ એની અંડરવેરનાં દર્શન થતાં હોય, પાછળ ગૂમડું થયું હોય એમ પહોળો ચાલતો હોય એ જોઇને એમ થાય કે એની મા કે બાપે આ જોઇને કંઇ કહ્યું નહિ હોય? પણ આ તો લેટેસ્ટ ફેશન ટ્રેન્ડ કહેવાય ભાઇ...!
ટીનેજર્સ યુવતીઓ પણ માત્ર હીપ્સ જ ઢંકાય એવી ચીથરેહાલ ટૂંકી ચડ્ડીઓમાં જોવા મળે. હમણાં ટીવી ઉપર મહિલાઓ માટે એડવર્ટાઇઝ આવે છે કે તમારા અંગ-ઉપાંગોને શરીરના વળાંકને આકર્ષક દેખાડવા સ્પેશીયલ બ્રાન્ડનાં કપડાં કયાંથી ખરીદવાં? એમાં બ્રિટીશ મહિલાઓ એમની પરંપરા મુજબ આવી અવનવી ડિઝાઇનો અપનાવી ખરીદી કરતી જ હોય છે પણ ભારતીય ભાત ભાતનાં પકવાનો આરોગીને વધેલી ચરબીએ બોડીમાં ગમેત્યાંથી ડોકું કાઢ્યું હોય એવી શેપધારી માતાઓ, બહેનો એવાં શરીરે ચીપકેલાં તસતસ કપડાં પહેરીને સમરમાં વિહરતાં દેખાય ત્યારે અરર... બિચારા પેલા પોશાકની ભારે દયા આવે હોં..!
એક કેસરી રંગનો ડ્રેસ અને કેડે કાળો પટ્ટો પહેરેલી વાંકડિયા વાળ કરાવેલી ભારતીય મહિલાને જોઇ અમને આપણા દેશનો ઘૂઘરીયો બાવો યાદ આવ્યો. એ ડ્રેસની બે બાજુએ બાવાના ઝભ્ભાને લટકે એવી બે ખૂણિયાવાળી લટેરો લટકતી જોઇ મન આનંદિત થઇ ગયું. ૧૦૦ પાઉન્ડથી નીચેના કપડાં ના મળે એવા એક ડિઝાઇનર સ્ટોરમાંથી થેલા લઇને નીકળતા એક યુવકે ઉપરથી ખૂલ્લું અને ઢીંચણ નીચેથી ટાઇટ પેન્ટ પહેરેલું જોઇ મને કાઠિયાવાડીઓની ચોઇણી યાદ આવી. આપણા કોઇ કાઠિયાવાડી ભાઇ હારે (સાથે) ચોક્કસ કોઇ અંગ્રેજ કે ફ્રેન્ચ ડિઝાઇનર ગયો હોવો જોઇએ.
પહેલાં ફૂલગોટા કે પાંદડાની ડિઝાઇનો જોઇને જુવાનિયાં મોંઢા મચકોડતા. ઘરનાં વોલ પેપર કે કારપેટમાં ફૂલોની ડિઝાઇનો જોઇ આપણને ઓર્થોડોક્સ કહેતા એ જ જુવાનિયાં મોટા મોટા ફૂલો ને પાંદડાવાળી ભડક ડિઝાઇનોને લેટેસ્ટ ફેશન ગણે છે. એવું ફૂલ-પાનની ડિઝાઇનવાળો લોન્ગ ડ્રેસ પહેરીને કોઇ શ્યામરંગી ભરાવદાર શરીરવાળી મહિલા રસ્તે જતી દેખાય તો એમ લાગે કે ઘટાદાર ઝાડ ફરતું હોય! જોકે ભારતીય ડિઝાઇનરો ય એમાં પાછળ નથી રહ્યા. લેટેસ્ટ ડિઝાઇનની સાડીઓથી માંડી રિસેપ્શનો કે ઝાકઝમાળ સમારંભોમાં પહેરાતા લેડીઝ ગાઉન કે લોન્ગ ડ્રેસમાંય ફૂલ-વેલ અને કન્યાને માંડવે જતા વરરાજાની સેરવાણીમાં ય ફૂલ-પાનની મોટી ડીઝાઇનો જોવા મળે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter