મે મહિનાની સત્તરમી તારીખે શરૂ થયેલો અધિક માસ અધિક જેઠ માસ છે. જો આમ ન બન્યું હોત તો મે મહિનામાં જેઠ મહિનો શરૂ થઈ જાત અને જૂન મહિનામાં અષાઢ મહિનો આવી જાત અને જુલાઈ મહિનામાં શ્રાવણ મહિનો આવી જાત, ઓગસ્ટમાં ભાદ્રપદ મહિનો આવી જાત અને સપ્ટેમ્બરમાં આસો મહિનો આવી જાત. આમ સૌરવર્ષ અને ચાંદ્રવર્ષની એકતામાં ખલેલ પહોંચત. હર વર્ષે શ્રાવણ મહિનામાં ઓગસ્ટનો મહિનો હોય તે સિસ્ટમમાં ખલેલ પહોંચત.
અધિક મહિનો આમ સૂર્ય અને ચંદ્રની ગતિનું એકત્વ સાધવાની સુંદર અને અદ્ભુત યોજના છે. આ યોજના આજની નથી 6000 વર્ષ પહેલાંની છે, જ્યારે પશ્ચિમી અને બહારની દુનિયા આ ખગોળ વિષયે અને ઘટના વિષયે અજાણ હતી. ઋગવેદ જે લગભગ 6000 વર્ષ પહેલાં લખાયો હતો તેમાં આ અધિક માસની ચર્ચા છે. આ દર્શાવે છે કે પ્રાચીન ભારતીય ઋષિ-મુનિઓ ખગોળવિદ્યામાં કેટલા પારંગત હતા. તેમણે સૂર્યના માર્ગનો, સૂર્યની ગતિવિધિનો અને ચંદ્રના માર્ગનો તથા તેની ગતિવિધિનો ચોક્કસ અભ્યાસ કર્યો હતો, તેમના આકાશના માર્ગોની તેમને સચોટ જાણ હતી.
વર્ષ દરમિયાન સૂર્ય 12 રાશિઓમાંથી પસાર થાય છે. તે દર મહિને રાશિ બદલે છે જેને સૂર્યનું રાશિ-સંક્રમણ કહે છે. હકીક્તમાં સૂર્ય 12 રાશિઓમાં વિહાર કરતો નથી તે આપણા સૂર્યમંડળને સંદર્ભે સ્થિર છે, પણ આપણી પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે અને પૃથ્વી પરથી જોતાં આપણને સૂર્ય પૃથ્વીની પરિક્રમા કરતો દેખાય છે. ચંદ્ર તો હકીકતમાં પૃથ્વીની પરિક્રમા કરે છે. વળી, એ પણ ખરું કે પૃથ્વી અને ચંદ્ર પૂર્ણ વર્તુળમાં ગતિ કરતાં નથી અને ગુરુત્વાકર્ષણને લીધે તેમને બીજી ગતિઓ છે. આમ પૃથ્વી અને ચંદ્ર દીર્ઘવર્તુળમાં ગતિ કરતાં હોવાથી તેમની ગતિમાં વધારો-ઘટાડો થાય છે, જે ઘણી ગૂંચવણ પેદા કરે છે.
સૂર્ય પૃથ્વીની પરિક્રમા 365.25 દિવસમાં કરે છે અને ચંદ્ર પૃથ્વીની પરિક્રમા 354 દિવસમાં કરે છે. તે બંનેની ગતિવિધિમાં એકતા સધાય માટે ત્રણ વર્ષે એક મહિનાનો ફરક પડે છે, જેને પ્રાચીન ભારતીય ઋષિ-મુનિઓએ વર્ષમાં એક વધારાના મહિના તરીકે દાખલ કર્યો છે.
લોકો આ બાબતે પડાપૂછ ન કરે માટે તેઓએ આ અધિક માસને ભગવાનનું નામ આપીને પુરુષોત્તમ મહિનો કહ્યો છે. મુનિઓને આશા હતી કે આ મહિનામાં લોકો તેમના જેવી આધ્યાત્મિકતા કેળવે જેથી સમાજની સંસ્કૃતિ જળવાઈ રહે અને તેનો અને સમાજનો વિકાસ થાય.
ખગોળવિદોએ હવે 12 રાશિને બદલે 13 રાશિ કરી છે. ચંદ્ર 27 કે 28 નક્ષત્રોમાંથી પસાર થાય છે. પુરુષોત્તમ મહિનાની પસંદગી એમને એમ નથી થતી. જે મહિનામાં સૂર્યનું રાશિ-સંક્રમણ ન થતું હોય તે મહિનાની અધિક માસ એટલે કે પુરુષોત્તમ મહિના તરીકે પસંદગી થાય છે. સૂર્યની (પૃથ્વીની) ગતિવિધિને લઈને આવું બનતું હોય છે. આમ અંતરિક્ષમાં ચાલતી સૂર્ય-ચંદ્ર-પૃથ્વીની ગૂંચવણભરી ગતિમાંથી રસ્તો સરળ બને તે માટે દર ત્રણ વર્ષે અધિક માસનો એક મહિનો ઉમેરવામાં આવે છે.
આ આપણા પ્રાચીન ઋષિઓના સૂક્ષ્મ ખગોળવિજ્ઞાનનું જ્ઞાન દર્શાવે છે. આ જોઈને પશ્ચિમી ખગોળવિદો આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય છે. ન્યૂટનનું ગણિતશાસ્ત્ર જાણ્યા વિના, કેપ્લરના ગ્રહ-ગતિના નિયમો જાણ્યા વિના ઇમ્પિરિકલી (empirically) એટલે કે માત્ર નિરીક્ષણાત્મક રીતે આપણા ઋષિઓએ દર ત્રણ વર્ષે એકવાર આ અધિક માસનો ઉમેરો કર્યો હતો. આ વાત ઘણી અદ્ભુત છે. પ્રાચીન ભારતીય ઋષિ-મુનિઓએ ખગોળવિજ્ઞાનમાં આવી ઘણી ચમત્કારિક શોધો કરી છે. જેની આપણે અત્યારે ચર્ચા નહીં કરીએ.
ઇંગ્લિશ કેલેન્ડર થાગડ-થીંગડાવાળુ કેલેન્ડર છે, જ્યારે ભારતીય કેલેન્ડર સરળ છે. ઇંગ્લિશ કેલેન્ડર 100 સુનાર કી અને ભારતીય કેલેન્ડર એક લુહાર કી જેવું છે. પશ્ચિમ કેલેન્ડર 400 વર્ષનું કેલેન્ડર છે, જ્યારે ભારતીય કેલેન્ડર હંમેશ માટેનું કેલેન્ડર છે.
આ દર્શાવે છે કે પ્રાચીન ભારતીય ઋષિ-મુનિઓ ખગોળવિજ્ઞાનને અતિ સૂક્ષ્મ રીતે જાણતાં હતાં. ભારતીયોનું ગણિતશાસ્ત્ર અને ખગોળશાસ્ત્ર બ્રહ્માંડને સમજવામાં પાયારૂપ છે. ત્રણ વર્ષે અધિક માસની પુરવણી પાછળ માત્ર મહિનાની પુરવણીનો જ ખ્યાલ નથી પણ, ભારતીય ઋષિ-મુનિઓનું બ્રહ્માંડમાં ચાલતી સૂર્ય, ચંદ્ર, પૃથ્વી અને તારાની ગતિવિધિનું સૂક્ષ્મ નિરીક્ષણ છે. ન્યૂટનનું અને કેપ્લરનું પૂરું નિરીક્ષણાત્મક (ઇમ્પિરિકલ) ગતિશાસ્ત્ર છે, જેને 6000 વર્ષથી તેઓ જાણતા હતા. આ અધિક માસ બહુધા જેઠથી લઇને ભાદ્રપદ મહિનામાં જ ગોઠવાય છે. કોઈ વાર વૈશાખ કે આશ્વિન મહિનામાં પણ આવે છે. આમ દર ત્રણ વર્ષે એક વખત આવતો અધિક માસ ધર્મ-અધ્યાત્મને ધ્યાનમાં રાખીને કરાયેલો ઉમેરો નથી, પણ તેની પાછળ બ્રહ્માંડનું પાયાનું ગણિતશાસ્ત્ર અને ખગોળશાસ્ત્ર છે. પ્રાચીન ભારતીય ઋષિ-મુનિઓના નિરીક્ષણાત્મક જ્ઞાનનો સચોટ પુરાવો છે. આપણે આવા મહાન લોકોના ધરોહરી છીએ.઼
(ડો. જે.જે. રાવલ ભારતના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ખગોળ ભૌતિકશાસ્ત્રી (એસ્ટ્રોફિઝિસ્ટ) અને વિજ્ઞાન પ્રચારક છે. તેઓ ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટીના પ્રમુખ અને મુંબઈના નેહરુ પ્લેનેટોરિયમના ભૂતપૂર્વ વડા છે.)


