મૂળ નામ અમૃતલાલ ભટ્ટ. અમૃત ઘાયલ એટલે મુશાયરાનો મિજાજ. આ વાક્યથી કોઈ એમ ન સમજે કે ગઝલકાર તરીકેની એમની સિદ્ધિ, પ્રસિદ્ધિ કે સમૃદ્ધિ મુશાયરા પૂરતી જ છે. ઘાયલને શાયરી લખતાં ને રજૂ કરતાં આવડતી. ઘાયલની ગઝલોમાં સૌરાષ્ટ્રી શબ્દોની લિજ્જત માણવા જેવી છે. ‘આઠોં જામ ખુમારી’ એમનો દીવાન છે. એમને નરસિંહ મહેતા એવોર્ડ પણ પ્રાપ્ત થયો. (જન્મઃ 30-9-1915 • નિધનઃ 25-12-2002)
•••
અમે ધારી નહોતી એવી...
અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી;
અજાણી આંખડીએ ચોટ ગોઝારી કરી લીધી.
કોઈનાથી અમે બે વાત શું પ્યારી કરી લીધી!
જવાનીમાં મરણની પૂર્વતૈયારી કરી લીધી.
અમે મગરૂર મનને મારી લાચારી કરી લીધી;
કરી લીધી જીવન, તારી તરફદારી કરી લીધી.
ઘડીઓ આ જુદાઈની અને તે પણ જવાનીમાં?
અમે આ પણ સહન તલવાર બેધારી કરી લીધી.
મને કંઈ વાત તો કરવી હતી અલગારી મન મારા,
વળી કોના થકી તેં પ્રીત પરબારી કરી લીધી!
ભલે એ ના થયાં મારાં, ભલા આ સ્નેહ શું કમ છે?
ઘડીભર સાથ બેસી વાત બે પ્યારી કરી લીધી.
કસુંબલ આંખડીના આ કસબની વાત શી કરવી?
કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી.
મઝાની ચાંદનીમાં નોતરી બેઠા ઉદાસીને,
અમે હાથે કરીને રાત અંધારી કરી લીધી.
હવે મિત્રો ભલે ગુસ્સો ગઝલ પર ઠાલવે ‘ઘાયલ’,
અમારે વાત કરવી હતી પ્યારી, કરી લીધી.
•••