અમેરિકા અને કેનેડામાં ડો. મોહન ભાગવતે આપેલા ‘સંઘ સંદેશ’માં તફાવત!

(મારી કલમે)

- રાજેન્દ્ર એમ. જાની Thursday 03rd September 2026 05:03 EDT
 
 

અમેરિકા અને કેનેડામાં ડો. મોહન ભાગવતે આપેલા ‘સંઘ સંદેશ’માં તફાવત!-વિશ્વની સૌથી મોટી સ્વયંસેવી સંસ્થા અનેક તડકી-છાંયડી જોઈને પોતાનું શતાબ્દી વર્ષ ઉજવતી હોય ત્યારે વિશ્વ ફલક ઉપર તેની વિચારસરણીની રજૂઆત કરવી ખૂબ જ અવશ્યક હતી. કારણ કે આરએસએસના ટૂંકા નામે ઓળખાતા આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેવા નિસ્વાર્થ સેવાભાવના ધરાવતા આ સંગઠન માટે સ્વાર્થી તત્વોએ ફક્ત રાષ્ટ્રીય જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ખૂબ જ વિવાદ ઉભો કરી ઘણી ગેરસમજ ફેલાવેલી છે. તેનું પ્રત્યક્ષ દર્શન તો અમેરિકાના જે ન્યૂયોર્ક શહેરમાં આ સંસ્થાના સર્વોચ્ચ સર સંઘચાલક ડો. મોહન ભાગવતનો કાર્યક્રમ યોજવાનો હતો તે અભિવ્યક્તિના સ્વતંત્ર માટે પ્રખ્યાત દેશ અમેરિકાના ન્યૂયોર્કના જ મેયર શ્રી ઝોહરાન મમદાની દ્વારા દ્વેષપૂર્ણ ટીકા કરવામાં આવી તે ઉપરથી જ જણાય છે. કદાચ આના કારણે જ સંઘના સર સંઘચાલક શ્રી મોહન ભગવતે અમેરિકામાં તથા કેનેડામાં આપેલા ‘સંઘ સંદેશ’માં કેટલોક મૂળભુત તફાવત જોવા મળ્યો! અમેરિકાના બધા જ રાજ્યોમાંથી આવેલ 5000 કરતાં વધારે પ્રતિષ્ઠિત 17 ધર્મની વ્યક્તિઓને અમેરિકાના સૌથી ખર્ચાળ ગણાતા મેડિસન સ્ક્વેર ખાતે 29 ઓગસ્ટના રોજ ઉદબોધન કર્યું. આ સંબોધનમાં કદાચ મૂળ રજૂઆતમાં ન્યૂયોર્કના મેયર મમદાની સહિત સંઘવિરોધીઓને સ્પષ્ટતા કરતાં હોય તેમ અન્ય રજૂઆતો ઉપરાંત ‘જે હિન્દુ એમ માનતો હોય કે ભારતમાં મુસ્લિમો ના હોવા જોઈએ તે હિન્દુ નથી’ એમ જણાવીને મુસ્લિમો પ્રત્યેના સંઘના દ્રષ્ટિકોણને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું હતું. જ્યારે કેનેડામાં ‘હિન્દુ વિશ્વ બંધુત્વ’ની થીમ ઉપર ‘હિન્દુઓ જાગશે તો જ વિશ્વ જાગશે’ના શબ્દોમાં વિશ્વને જે મૂળ સંદેશ આપવા માંગતા હતા તે આપ્યો. બીજાઓએ તો દેશ જીતીને પોતાની સરહદો વધારી હશે જ્યારે હિન્દુ જ એક એવી વિચારધારા છે કે જેણે પોતાના સ્વર્ણિમ કાળમાં પણ દેશો નહીં, પણ લોકોના દિલ જીત્યા છે. એક પંથ કે સંપ્રદાયના વિસ્તારની ભાવનાના બદલે હિંદુઓએ એક વૈશ્વિક માનવ ધર્મ તરીકે વિશ્વ બંધુત્વની વિચારધારા ફેલાવેલી છે. આમ હિન્દુ ધર્મ એ જ વિશ્વ ધર્મ કે માનવ ધર્મ હોવાનો દ્રષ્ટિકોણ એક વખતે સ્વામી વિવેકાનંદે શિકાગોની વિશ્વ ધર્મ પરિષદમાં સ્પષ્ટ કર્યો હતો તેવો જ સંદેશ આજે મોહન ભાગવતજીએ આપ્યો.
આમ અમેરિકામાં ડો. મોહન ભાગવતજીએ આપેલ ‘સંઘ સંદેશ’માં મુસ્લિમો અંગેના વિચારો અંગે કાંઈક અંશે રક્ષણાત્મક હતા જ્યારે કેનેડામાં તેઓએ વધુ સ્પષ્ટતાપૂર્વક પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કર્યો. આ સૂક્ષ્મ તફાવત સાહજિક રીતે જણાઈ આવે છે. હવે લંડનમાં ડો. મોહન ભાગવત હજુ પણ સ્પષ્ટ ‘સંઘ સંદેશ’ અપાશે તેવું માનવું અસ્થાને નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter