રૂઢિચુસ્ત જાપાન પણ હવે જાગ્યુ છે!

Tuesday 04th July 2023 13:09 EDT
 
 

જાપાન અતિ રૂઢિચુસ્ત અને પરંપરાઓનો દેશ છે જ્યાં સેક્સ માટે છોકરીની સંમતિની વય અત્યાર સુધી માત્ર 13 વર્ષની હતી. આ વયે તો છોકરીઓ રજસ્વલા થતી હોવાં છતાં સેક્સ અને તેના પરિણામો વિશે ઝાઝી ગતાગમ હોતી નથી અને સહેલાઈથી ફોસલાઈ જાય છે. હવે બાળકોને યૌનશોષણ સામે રક્ષણ આપવા જાપાને જરીપુરાણા પીનલ કો઼ડમાં ધરખમ સુધારો કરી સંમતિની વય 16 વર્ષ કરી છે. આ સાથે બળાત્કારની વ્યાખ્યાને પણ વ્યાપક બનાવાઈ છે.

જોકે, આવા સુધારા માટે એક સદી કરતાં વધુ સમય લાગી ગયો છે. એશિયાના સૌથી ધનવાન લોકશાહી દેશ જાપાનમાં G7 દેશોમાં સંમતિની વય સૌથી ઓછી હતી. આ સુધારા સાથે જાપાન હવે યુએસના મોટા ભાગના રાજ્યો, યુકે અને કેનેડાની સમકક્ષ આવ્યું છે. માનવાધિકાર જૂથો અને જાતીય હુમલાઓના પીડિતો દ્વારા 1907ના વર્તમાન પીનલ કોડ સામે ભારે ટીકા કરાતી રહી છે.

• મોડે મોડે ડહાપણની દાઢ આવી ખરી!

મોટા ભાગના લોકોને નાની અમથી વાતો સમજવામાં ઘણો સમય લાગી જાય છે. યુકેની પોસ્ટ ઓફિસ ફર્મના બોસીસનું પણ આવું જ કાંઈ છે. પોસ્ટ ઓફિસ હોરાઈઝન એકાઉન્ટિંગ કૌભાંડનો શિકાર બનેલા 2400થી વધુ સબ પોસ્ટમાસ્ટર્સ માટે હિસ્ટરીકલ શોર્ટફોલ સ્કીમ (HSS) હેઠળ વળતરના દાવાઓ ફરી ખુલ્લા મૂકવાનો નિર્ણય લેવાયો છે. પોસ્ટ ઓફિસના ચીફ એક્ઝિક્યુટિવ નિક રીડ અને પોસ્ટલ એફેર્સ મિનિસ્ટર કેવિન હોલિનરેકે જાહેર કર્યું છે કે જો પ્રિન્સિપલ્સમાં કોઈ ખોટું થયું હોય તો સુધારવાની તેમની તૈયારી છે. જો વળતર યોજના અન્યાયી લાગે તો ક્લેઈમ્સ ફરી ખોલી શકાય છે. એ વાત સાચી છે કે કૌભાંડનો શિકાર બનેલા લોકોને જે વળતરની ઓફર્સ કરાઈ હતી તે દાવેદારોને તદ્દન અપમાનજનક લાગી હતી. પોસ્ટ ઓફિસના બોસીસને મોડે મોડે ડહાપણની દાઢ ઉગી તેના પરિણામે સેંકડો ક્લેઈમ્સ ફરી ખોલી શકાશે. હકીકત તો એ છે કે 10માંથી 9 પોસ્ટમાસ્ટર્સે કાનૂની સલાહ મેળવ્યા વિના જ કોમ્પેન્સેશન ઓફર સ્વીકારી લીધી હતી પરંતુ, કૌભાંડના કારણે તેમને જે સામાજિક નામોશી અને અપમાનો સહન કરવાં પડ્યા તેની સરખામણીએ ઓફર કરાયેલું વળતર નગણ્ય જ હતું તેમજ નાણાકીય ખોટ ગઈ તેનાથી ઘણું ઓછું હતું.

• તેજસ્વી લોકોના બાળકો મોડાં પરંતુ વધુ થાય

બાળકોની સંખ્યા પરથી વ્યક્તિની બુદ્ધિપ્રતિભા માપી શકાય ખરી? ખરેખર તો આ સવાલ પૂછવાયોગ્ય નથી પરંતુ, નોર્વેના ઓસ્લોસ્થિત રેગ્નાર ફ્રિશ્ક સેન્ટર ફોર ઈકોનોમિક રિસર્ચના વિજ્ઞાનીઓએ મનનક્ષમતા અને પિતૃત્વ વચ્ચે કડી હોવા બાબતે કરેલા અભ્યાસમાં આવું જ વિચાર્યું હતું. નાની વયે લગ્ન થયા કે ન થયા હોય તો પણ બાળકેોની સંખ્યા વધુ હોવાની શક્યતામ રહે છે. જોકે, વિજ્ઞાનીઓ કહે છે કે તેજસ્વી કે હોંશિયાર પુરુષો ઘર માંડવાની મોડી શરૂઆત કરે છે પરંતુ, આખરે વધુ બાળકોનો પિતા બની જાય છે એટલે કે ગાડી મોડી ઉપડે પણ એટલી ઝડપ પકડે કે સ્ટેશન આવે વહેલું! અગાઉના અભ્યાસો એમ કહેતા હતા કે વધુ બુદ્ધિશાળી પુરુષો તેમની ઓછી મનનક્ષમતા ધરાવતા લોકોની સરખામણીએ ઓછાં બાળકો પેદા કરે છે. આ ‘ડિસ્જેનિક ફર્ટિલિટી’ નામે ઓળખાતી થીઅરીથી એવો ભય સર્જાયો હતો કે હોંશિયાર લોકો પોતાના જિન્સ ઓછાં પ્રમાણમાં આગળ વધારશે તો સમયાંતરે માનવજાત ઓછી બુદ્ધિશાળી બની રહેશે. ‘બાયોલોજી લેટર્સ’માં પ્રસિદ્ધ અભ્યાસમાં ‘ફર્ટિલિટી’ શબ્દનો ઉપયોગ પ્રજનનક્ષમતા તરીકે નહિ પરંતુ, બાળકોની સંખ્યાના સંદર્ભે કરવામાં આવ્યો છે.

• છોકરાઓને અભ્યાસ? એ વળી કઈ બલાનું નામ છે!

કોઈ પણ શિક્ષકનું કામ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું છે. જોકે, આમ નહિ માનનારાની સંખ્યા પણ ઘણી હશે. છોકરાઓ તો પોતાની મેળે ભણ્યા કરશે, આપણે તો ખાલી વેતન જ લેવાનું હોય તેમ માનતી વેનિસની લિટરેચર અને ફીલોસોફીની 56 વર્ષીય શિક્ષિકા સિન્ઝિઆ પાઓલિના ડી લિઓએ 24 વર્ષની શૈક્ષણિક કારર્કિદીમાં 20 વર્ષ રજા માણી હતી! શિક્ષણકાર્યમાં પણ તેણે ટેક્સ્ટ મેસેજીસ કરવામાં જ વધુ સમય ગાળ્યો હતો. તે બીમારીના બહાને લાંબા સમય સુધી શાળાથી દૂર રહેતી હતી અથવા કોન્ફરન્સમાં હાજરી આપવા માટે રજા લેતી હતી. તેની આવી ગેરહાજરી સ્કૂલ ઈન્સ્પેક્ટર્સના ધ્યાને પણ આવી ગઈ હતી. શિક્ષિકાથી કંટાળેલા વિદ્યાર્થીઓએ હડતાળ પણ પાડી હતી. આ કારણે તેને ‘ઈટાલીની સૌથી ખરાબ કર્મચારી’ ગણાવાઈ રહી છે. શાળાએ બરતરફ કર્યા પછી સિન્ઝિઆએ કોર્ટનો આશરો લેતાં નીચલી કોર્ટે તેને નોકરીમાં પાછી લેવાં હૂકમ કર્યો હતો પરંતુ, ઈટાલીની સુપ્રીમ કોર્ટે બરતરફીને માન્ય ઠરાવી સિન્ઝિઆને શિક્ષણની કામગીરી માટે સર્વથા અને કાયમી અયોગ્ય ગણાવી છે.

• મગજના બે હિસ્સાની અંદરોઅંદર ‘વાતચીત’

ઈશ્વરે માનવીમાં મગજ મૂકીને હાથ ધોઈ નાખ્યા છે એમ કહેવાય પરંતુ, સમય આવે યાદદાસ્તમાં ગરબડ ઉભી થાય તેવી જોગવાઈ પણ કરી નાખી છે. માનવી અવનવા અખતરા કરીને ઈશ્વરીય કાર્યને વળોટી જવાનો સતત પ્રયાસ કરતો રહે છે. દર્દી નિદ્રાધીન હોય ત્યારે તેના મગજ પર ઈલેક્ટ્રિકલ મોજાંનો પ્રહાર કરવાથી સ્મરણશક્તિમાં વધારો થતો હોવાનું નેચર ન્યુરોસાયન્સ જર્નલમાં પ્રસિદ્ધ એક સંશોધન જણાવે છે. એક થીઅરી એવી છે કે રાત્રિના આરામના ગાળામાં મગજના બે હિસ્સા યાદદાસ્તને મજબૂત કે એકરૂપ બનાવવા અંદરોઅંદર ‘વાતચીત’ કરે છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, લોસ એન્જલસ (UCLA)ના સંશોધકોએ એપિલેપ્સી એટલે કે વાઈના 18 પેશન્ટ પર બે રાત્રિ અને એક દિવસ સુધી આ પ્રયોગો કર્યા છે. દર્દીઓમાં ખેંચ આવવાનું કેન્દ્ર શોધવા સર્જરી થકી મગજમાં ઈલેક્ટ્રોડ્સ ફીટ કરાયેલા હતા જેના થકી, મગજના બાહ્ય હિસ્સા સેરેબ્રલ કોર્ટેક્સને 50 મિલિસેકન્ડ્સના હળવાં ઈલેક્ટ્રિકલ પલ્સીસ અપાયા પછી તેમની યાદદાસ્ત ચકાસવામાં આવી ત્યારે તેમાં સરેરાશ 10 ટકાની વૃદ્ધિથી સંશોધકોને પણ આશ્ચર્ય થયું હતું.

• પર્યટકોને મુશ્કેલીમાં મૂકતી ટેક્સીની મગજમારી

દેશવિદેશના પર્યટકો માટે ઈટાલી મહાન પ્રવાસધામ છે પરંતુ, પર્યટનને માણવાના બદલે બાળકો અને સ્યૂટકેસીસ સાથે ટેક્સી મેળવવાની લાંબી લાઈનોમાં કલાકો સુધી રાહ જોવી પડે તેનાથી તેઓ ત્રાસી જાય છે. આ વર્ષના ઉનાળામાં 127 મિલિયન વિઝિટર્સ ઈટાલી આવવાની ધારણા છે ત્યારે મિલાન અને રોમના રેલવે સ્ટેશનોએ લાંબી લાઈનો લાગવી સામાન્ય થઈ ગઈ છે અને ટેક્સી કોલ સેન્ટર્સ ફોન મેસેજીસનો જવાબ વાળવામાં તદ્દન નિષ્ફળ રહે છે. આનું કારણ એ છે કે રોમ જેવાં સ્થળોએ ટેક્સીઓની સંખ્યા ઘણી ઓછી છે અને બીજી તરફ, દેશની ટેક્સીવાળાઓ જ નવા લાયસન્સીસ આપવાનો વિરોધ કરી રહ્યા છે. રોમમાં 7800 ટેક્સી ડ્રાઈવર્સ છે જે સંખ્યા લંડનની સરખામણીએ અડધા જેટલી છે. ટેક્સી યુનિયન રોમના પબ્લિક ટ્રાન્સપોર્ટની દુર્દશાનો વાંક કાઢી કહે છે જો મેટ્રો અને બસીસની હાલત સારી હોય તો લોકોને ટેક્સીઓની ઓછી જરૂર પડે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter