રાજા મહારાજાની બેન્ક, એમાં રંકનું શું કામ?

Tuesday 11th July 2023 13:44 EDT
 
 

કેટલીક બેન્કોનું સ્ટેટસ ઘણું ઊંચુ હોય છે અને તેમાં માત્ર ધનવાન ક્લાયન્ટ્સના એકાઉન્ટ્સ જ ખોલવામાં આવે છે. યુકેમાં બ્રેક્ઝિટ પાર્ટીના પૂર્વ નેતા નાઈજેલ ફરાજને આનો અનુભવ થઈ ગયો છે કે રાજા-મહારાજાની બેન્કમાં તેમના જેવાં રંકનું શું કામ હોય?. પ્રતિષ્ઠિત બેન્ક કોઉટ્સ (Coutts) દ્વારા ફરાજને કહેવાયું છે કે તેમનું ખાતુ બંધ કરવામાં આવે છે અને તેમની રકમો નેટવેસ્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. એક સમયે કોઉટ્સ બેન્ક ‘ક્વીન્સ બેન્ક’ નામે ઓળખાતી હતી. કિંગ જ્યોર્જ ચોથાના સમયથી શાહી ખાનદાનના સભ્યો છેક 1692માં સ્થાપિત આ બેન્કમાં એકાઉન્ટ ધરાવતા આવ્યા છે. તેમાં એકાઉન્ટ ચાલુ રાખવા માટે મુખ્ય ત્રણ શરત છે જેમાં, ક્લાયન્ટે તેમાં 3 મિલિયન પાઉન્ડ કે વધુ રકમ રાખવી પડશે તેમજ 1 મિલિયન પાઉન્ડ કે તેથી વધુ રકમનું રોકાણ અથવા લોન લેવાનું રહેશે. બીજી તરફ, આ જ બેન્ક ગ્રૂપનો હિસ્સો નેટવેસ્ટમાં આવી કોઈ જોગવાઈ કે શરતો નથી. હવે એમ કહેવાય છે કે ફરાજે તેમનો બેન્કનો મોર્ગેજ ચૂકવી દીધો હતો અને તેમનું બેન્ક સાથેનું કામકાજ ઓછું થઈ ગયું હતું. ફરાજે કોઉટ્સ બેન્કને ‘અતિ અપ્રામાણિક’ ગણાવી આક્ષેપ લગાવ્યો છે કે મારી રાજકીય વિચારધારાના કારણે બેન્ક એકાઉન્ટ બંધ કરી દેવાયું છે. તેમણે આ મુદ્દે જીબી ન્યૂઝ શોમાં જવાની પણ ધમકી આપી હતી.

રામ રાખે તેને કુણ મારી શકે?

આપણે હિન્દી ફિલ્મોમાં પણ ઘણી વખત જોયું છે કે હીરોનું હૃદય કે મગજ બંધ પડી ગયું હોય અને રોકકળ ચાલતી હોય ત્યારે અચાનક પ્રાણ પાછા આવી જાય અને આનંદનો માહોલ સર્જાઈ જાય. બરાબર આવું જ ચેલ્ટેનહામના 28 વર્ષીય જેમ્સ હોવાર્ડ જોન્સના કિસ્સામાં બન્યું છે. નિલ હોવાર્ડ-જોન્સને કહેવાયું હતું કે તમારો પુત્ર જેમ્સ બ્રેઈન ડેડ થઈ ગયો છે અને આગળ કશું થઈ શકે તેમ નથી. તેની લાઈફ સપોર્ટ સિસ્ટમ કાઢી નાખવી પડશે. હોવાર્ડ-જોન્સ પરિવાર તો જેમ્સને આખરી વિદાય આપી તેના અંગોનું દાન કરવાની વિચારણામાં લાગી ગયો હતો પણ ‘રામ રાખે તેને કોણ ચાખે’. જેમ્સનું આયુષ્ય સમાપ્ત થયું ન હતું અને તેના મગજમાં સળવળાટ શરૂ થઈ ગયો. ગત એપ્રિલ 2022માં જેમ્સ પર એક વ્યક્તિએ હુમલો કરતા તેને માથામાં ગંભીર પહોંચી હતી અને તે કોમામાં સરી પડ્યો હતો. જેમ્સ હોવાર્ડ જોન્સને જીવન તો પાછું મળી ગયું છે પરંતુ, તેણે આખી જિંદગી માનસિક અને શારીરિક પંગુતા સાથે ગાળવી પડશે. બીજી તરફ, તેના પર હુમલો કરનારા બેન ડેવિસને ગ્લોસ્ટર ક્રાઉન કોર્ટે બે વર્ષ અને ચાર મહિનાની જેલની સજા ફરમાવાઈ છે.

500 યુરો લો પણ હેવીવેઈટ ફ્લાઈટમાંથી ઉતરો!

તમને જાણીને ભારે આશ્ચર્ય થશે કે વિમાનમાં બેસવા નાણા આપવા પડે છે પરંતુ, ઉતરવા માટે પણ કંપની સામેથી નાણા ઓફર કરે છે. તાજેતરમાં લાન્ઝારોટથી લિવરપૂલ જતી ઈઝીજેટ ફ્લાઈટ ખરાબ હવામાન અને ‘વધુપડતા વજન’ના કારણે વિલંબમાં મૂકાઈ હતી. પ્રવાસીઓ જાણે ઘેટાંબકરાંની જેમ ભરી લેવાયા હોય તેમ તેમના વજનના કારણે વિમાન ઉડી શકે તેમ ન હતું. આખરે પાઈલોટે જાહેર કર્યું કે જે પ્રવાસી વિમાનમાંથી ઉતરી જશે તેમને 500 યુરોનું વળતર અપાશે. હકીકત એ છે કે ખરાબ હવામાનની સાથે એરપોર્ટનો રનવે પણ ઘણો ટુંકો હતો ત્યારે આટલી સંખ્યામાં પેસેન્જર્સને લઈ ઉડવું જોખમી હતું. આથી પાઈલોટે સલામતીને ખાતર 500 યુરોના ખાસ વળતર સાથે કેટલાક પેસેન્જર્સને સ્વેચ્છાએ વિમાનમાંથી ઉતરી જવા વિનંતી કરવી પડી હતી જેને માન આપી 19 પ્રવાસી નીચે ઉતર્યા હતા અને વિમાન ઉડી શક્યું હતું. નીચે ઉતરી ગયેલા પ્રવાસીઓ અન્ય ફ્લાઈટમાં લિવરપૂલ પહોંચ્યા હતા.

બાપના નામે પથરાં પણ તરી જાય!

મોટા માણસોની પ્રતિષ્ઠાનો લાભ મેળવી લેવા સગાંસંબંધીઓ તૈયાર જ બેઠા હોય છે અને તેમાં કેપ્ટન સર ટોમ મૂરની પુત્રી હાન્નાહ ઈન્ગ્રામ-મૂર પણ બાકાત નથી. બેડફોર્ડશાયરમાં સાત બેડરૂમનું ઘર ધરાવતા હાન્નાહ ઈન્ગ્રામ-મૂર અને તેમના પતિ કોલીને ઓફિસ બનાવવા પ્લામિંગ પરમિશનની અરજી કરી ત્યારે તેમના પિતા કેપ્ટન સર ટોમ મૂરના નામે સ્થપાયેલી ચેરિટીના કાર્યને સપોર્ટ મળશે તેવો ઉલ્લેખ કર્યો હતો. દંપતીએ આ પછી ત્યાં ચેન્જિંગ રૂમ્સ અને શાવર્સ સાથે વિશાળ પૂલ હાઉસ પણ બાંધી દીધું. પ્લાનિંગ ડોક્યુમેન્ટ્સમાં તેમના જ નામ હતા પરંતુ, ડિઝાઈન, એક્સેસ અને હેરિટેજ સ્ટેટમેન્ટ્સમાં કેપ્ટન ટોમ ફાઉન્ડેશનનું નામ લખાયેલું હતું. ચેરિટીના ટ્રસ્ટીઓએ પણ ફાઉન્ડેશનના નામે પ્લાનિંગ પરમિશન મેળવાયાની જાણ હોવાનો ઈનકાર કર્યો છે. હવે હાન્નાહ ઈન્ગ્રામ-મૂરને તેમના ગાર્ડનમાં બાંધેલા સ્પા અને પૂલ કોમ્પ્લેક્સને તોડી પાડવાનો આદેશ કરાયો છે. કેપ્ટન સર ટોમ મૂરે લોકડાઉનના ગાળામાં તેમના ગાર્ડનમાં સતત ચાલીને NHS માટે 39 મિલિયન પાઉન્ડનું ફંડ એકત્ર કરી આપ્યું હતું પરંતુ, ‘દીવા હેઠળ અંધારું’ હોમ તેમ તેમની પુત્રી તેમના પગલે ચાલવાના બદલે મૂર ફાઉન્ડેશન થકી પ્રોફિટ મેળવતી હોવાના આક્ષેપોના પગલે ચેરિટી કમિશનને તેમાં તપાસ પણ હાથ ધરવી પડી છે.

ટેક્સ ઓથોરિટીઃ દેર આયે પર દુરસ્ત આયે

આમ પણ બ્રિટિશ ટેક્સ ઓથોરિટી લોચા મારવામાં માહિર છે પરંતુ, ઘણી વખત ભૂલ સુધારી પણ લે છે. ટેક્સ ઓથોરિટી હજારો નિવૃત્ત મહિલાઓને તેમના ચાઈલ્ડ બેનિફિટ્સ રેકોર્ડ્સમાં ભૂલ રહી ગઈ હોવાથી તેમની પેન્શન ચૂકવણી ઓછી થઈ હોઈ શકે છે તેવી માહિતી આપી સંપર્ક કરવા પ્રયાસ કરી રહી છે. આશરે 143,000 પેરન્ટ્સ હવે કદાચ તેમના 60 કે 70ના દાયકામાં હશે અને તેમણે 1978 અને 2000ની વચ્ચે ચાઈલ્ડ બેનિફિટ્સ ક્લેઈમ્સ કર્યા હશે તેમને અસર પહોંચી હોવાનું અને તેમને દરેકને સરેરાશ 5,000 પાઉન્ડ પેન્શન એરિયર્સ તરીકે લેણાં નીકળતાં હોઈ શકે છે. વર્ષ 2000 સુધી ચાઈલ્ડ બેનિફિટ્સ ફોર્મ્સ પર નેશનલ ઈન્સ્યુરન્સ નંબર સામેલ કરવાનું ફરજિયાત ન હતું પરિણામે, આ લોકો નિવૃત્ત થવા પર સંપૂર્ણ સરકારી પેન્શન મેળવી શકે તેવા હોમ રિસ્પોન્સિબિલિટીઝ પ્રોટેક્શન માટે લાયક હોવાનું વર્ગીકૃત થયા ન હતા. હવે નેશનલ ઓડિટ ઓફિસ કહે છે કે આના કારણે અંદાજે 210,000લોકોને 1.3 થી 1.5 બિલિયન પાઉન્ડ ઓછાં ચૂકવાયા હોઈ શકે. હવે રેવન્યુ એન્ડ કસ્ટમ્સ વિભાગ સંભવિત અસરગ્રસ્ત પેન્શનર્સનો સંપર્ક શરૂ કરી તેઓ એરિયર્સ માટે લાયક છે કે કેમ તેની ચકાસણી કરશે.

ખાળે દાટા અને દરવાજા ઉઘાડા!

સાઈબર ક્રાઈમ સહિત છેતરપીંડીના આ જમાનામાં ગુનાઓ તો ઘણા નોંધાય છે પરંતુ, જેલ ભેગા થનારા અપરાધીઓની સંખ્યા આશ્ચર્યજનક રીતે ઘટે છે. આમ ફ્રોડના અપરાધીઓને તો ધી-કેળાં અને લીલાલહેર જેવી સ્થિતિ છે. મિનિસ્ટ્રી ઓફ જસ્ટિસના આંકડાનું લેબર પાર્ટી દ્વારા કરાયેલું વિશ્લેષણ જણાવે છે કે ગયા વર્ષે ફ્રોડનાં 3,000 ગુનામાંથી એક કરતાં પણ ઓછાં કેસ જેલની સજામાં પરિણમ્યા હતા. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 2012માં ફ્રોડના નોંધાયેલા કેસની સંખ્યા 441,174 હતી તે ગયા વર્ષે વધીને 3.7 મિલિયન થઈ હતી પરંતુ, સજા કરાવવામાં સફળતા મળી હોય તેવા કેસની સંખ્યા 12,378 થી ઘટીને 3,455 થઈ હતી. 2012માં ફ્રોડના 2,629 અપરાધીને જેલભેગાં કરાયા હતા જ્યારે ગયા વર્ષે માત્ર 1,177 ને જેલની સજા થઈ હતી. હોમ ઓફિસને ડેટા કહે છે કે અંદાજે દર 1000 ફ્રોડ કેસમાં માત્ર એક સફળ પ્રોસીક્યુશન થાય છે પરંતુ, કેટલાને સજા કરાવી શકાઈ તે મુદ્દે મૌન રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter