સાઉદીને દૂધ અને દહીંમાં પગ રાખવાની ફાવટ!

Tuesday 01st August 2023 14:39 EDT
 
 

સાઉદી અરેબિયાને દૂધ અને દહીં બંનેમાં પગ રાખવાની ફાવટ આવી ગઈ છે એટલેબીજા વર્ષ તરફ ઘસડાઈ રહેલાં યુક્રેન-રશિયા યુદ્ધનો અંત લાવવા મધ્યસ્થીની ભૂમિકા ભજવવા તેણે તૈયારી આદરી છે. સાઉદીએ અત્યાર સુધી ચીન, રશિયા અને અમેરિકાની સાથે સમતુલા જાળવી જ રાખી છે. ખરેખર તો રશિયાના યુક્રેન પર આક્રમણની તરફેણ કરી રહેલા સાઉથ અમેરિકન, આફ્રિકન અને સાઉથ-ઈસ્ટ એશિયન દેશોનું સમર્થન મેળવવાની આ યોજના છે જેથી મોસ્કો નબળું પડે અને યુક્રેનની શાંતિયોજના આગળ ધપાવી શકાય.

આગામી સપ્તાહે જેદ્દાહમાં યોજાનારી બે દિવસની બેઠકમાં બ્રિક્સ ગ્રૂપના રશિયાના સાથી દેશો ભારત, ચીન, સાઉથ આફ્રિકા અને બ્રાઝિલ તેમજ યુએસ, યુકે અને ઈયુ સહિત 30થી વધુ દેશના નેશનલ સિક્યુરિટી એડવાઈઝર કક્ષાના ઉચ્ચ અધિકારીઓ ભાગ લેવાના છે. ઝેલેન્સ્કીની શાંતિયોજનામાં તત્કાળ યુદ્ધ બંધ થાય અને રશિયાએ કબજો જમાવેલા વિસ્તારો પરત મળે તેનો સમાવેશ થાય છે. યુક્રેને રશિયાન આક્રમણનો સામનો બરાબર કર્યો છે પરંતુ, મોટો ફાયદો નહિ મળતા તે પણ થાક્યું છે. આથી જ કહેવાય છે ને કે ‘વાર્યા ન વળે એ થાક્યા વળે!’ ગયા મહિને પણ કોપનહેગનમાં આવી બેઠક યોજાઈ હતી પરંતુ, કોઈ ઉપાય શોધી શકાયો નહિ.

બ્રેન્જેલિનાની ‘વોર ઓફ રોઝે’ સમાધાનના માર્ગે!

હોલીવૂડ કપલ બ્રાડ પીટ અને એન્જેલિના જોલીના પ્રગાઢ પ્રેમની દુહાઈ દેવાતી હતી ત્યારે માત્ર બે વર્ષના ગાળામાં જ તેમના ચાહકોનું દિલ તોડી નાખે તેવી ઘટનામાં તેમનુ બ્રેકઅપ થઈ ગયું અને ડાઈવોર્સ અને બાળકોની કસ્ટડીની કાર્યવાહી વચ્ચે તેમના વચ્ચે સંપત્તિનો ઝગડો પણ ચાલુ થઈ ગયો. ફ્રાન્સના પ્રોવેન્સમાં તેમની સંયુક્ત માલિકીના 150 મિલિયન યુરોના વાઈનયાર્ડ મુદ્દે સામસામા છેતરપીંડી અને દાદાગીરીના આક્ષેપો અને કાનૂની કાર્યવાહીના કારણે પ્રેમનું સ્થાન કડવાશે લઈ લીધું હતું. જોકે, હવે તેમને સમજાઈ ગયું લાગે છે તેથી કોર્ટની બહાર સમાધાન કરી લેવા તેઓ તૈયાર થયા છે. એન્જેલિનાએ 1300 એકરમાં ફેલાયેલી 17મી સદીની ચેટાઉ મિરાવલ એસ્ટેટમાં પોતાનો હિસ્સો વોડકાના ઉત્પાદક મૂળ રશિયન તેમજ બ્રિટિશ અને ઈઝરાયેલી નાગરિકતા ધરાવતા બિલિયોનેર યુરી શેફલેરની ઈન્વેસ્ટમેન્ટ કંપનીને વેચી નાખ્યો ત્યારે બ્રાડ પીટે દાવો કર્યો હતો કે ખરેખર તો જોલીનો હિસ્સો વેચાતો લઈ લેવાની તેની તૈયારી હતી. આમાંથી ‘વોર ઓફ રોઝે’ તરીકે ઓળખાયેલો વિવાદ સર્જાયો હતો. આ મિરાવલ વાઈનયાર્ડમાં ઉત્પાદિત રોઝ વાઈનથી ગયા વર્ષે 15 મિલિયન યુરોનો નફો પણ મળ્યો હતો.

કમાણી એટલી અધધધ કે નાની વયે નિવૃત્તિ!

‘સંતોષી જીવ સદા સુખી’ કહેવતને સોશિયલ મીડિયા ચેનલ લેડબાઈબલના 32 વર્ષીય સહસ્થાપક એરિયન કાલાન્તારી બરાબર સમજી ગયા લાગે છે. તેમણે સાત મહિના આરામ કર્યા પછી જાહેર કરી દીધું કે હવે તેઓ કામે વળગવા માગતા નથી. એરિયને તેમના શાળાકાળના મિત્ર સોલી સોલોમન સાથે 2012માં લેડબાઈબલની સ્થાપના કરી હતી જેના 70 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. ઘણા વર્ષોની વ્યસ્ત જિંદગી પછી કાલાન્તારીએ જાન્યુઆરીમાં પરિવાર સાથે વધુ સમય વીતાવવા બ્રેક લીધો હતો. તેણે વેકેશન લીધું તે પહેલા જ લગ્ન કર્યા હતા. થોડા આરામ પછી, ચેનલની 165 મિલિયન પાઉન્ડના મૂલ્યની પેરન્ટ કંપની LBG Media ના ચીફ ઓપરેટિંગ ઓફિસરની ભૂમિકાએ ફરી જોડાઈ જવાની વાત હતી ત્યાંજ તેણે રાજીનામું જ મોકલી આપ્યું છે. એવું નથી કે મલ્ટિમિલિયોનેર બનેલો એરિયન કામકાજ વિના બેસી રહેવાનો છે કારણકે બેઠાં બેઠાં ખાતા રહેવાથી તો કુબેરભંડારીનો ખજાનો પણ ખાલી થઈ જાય. તે મૂળ કંપનીના શેરહોલ્ડર તરીકે રહેવા સાથે નવા પડકારો અને સાહસોની શોધમાં જ છે. જોકે, તેને શેર્સના વેચાણથી પણ ભારે દલ્લો મળી શકે તેમ છે.

એક ‘i’ની ભૂલે જોરદાર ગરબડ સર્જી

અજાણતા ઘણી ભૂલ થઈ જતી હોય છે જેને પાછળથી સુધારી પણ શકાય પરંતુ, યુકેની ડિફેન્સ મિનિસ્ટ્રીના અધિકારીઓએ ગુપ્ત કહેવાય તેવી માહિતી સાથેના ઈમેઈલ્સ ક્રેમલિન એટલે કે રશિયાના મળતિયા ગણાતા આફ્રિકન દેશ માલીને મોકલી આપવાની ગંભીર ભૂલ કરી છે. હવે ઘોડા નાસી ગયા પછી તબેલાને તાળું મરાય તેમ ઈન્ક્વાયરી થઈ રહી છે. વાત એમ છે કે બ્રિટિશ અધિકારીઓ ‘.mil’ ડોમેઈન નામ ધરાવતા અમેરિકી સુરક્ષા મંત્રાલય પેન્ટેગોનને માહિતી મોકલી રહ્યા હતા. જોકે, ટાઈપિંગમાં ભૂલ થતા ‘i’ લખવાનો રહી ગયો અને ગુપ્ત માહિતી સાથેના ઈમેઈલ્સ ‘.ml’ ડોમેઈન નામ સાથેના દેશ માલીને પહોંચી ગયા. હાલમાં જ રશિયાએ મોસ્કોમાં શિખર પરિષદમાં માલી સહિત છ આફ્રિકન દેશને મફત અનાજ પુરું પાડવાની ખાતરી આપેલી છે. જોકે, આવી ભૂલો કરવામાં યુએસ પણ પાછળ નથી. લાખો મિલિટરી ઈમેઈલ્સ ટાઈપિંગની ભૂલોના કારણે માલી પહોંચી ગયેલા છે. દસ દસ વર્ષથી અપાયેલી ચેતવણીઓ પણ બહેરા કાને જ અથડાઈ હતી.

• ‘એલોન’ બિલિયોનેરના તુઘલખી નિર્ણયો અને વાસી જોક્સ!

પોતાની બાદશાહતની રાજધાની દિલ્હીને દોલતાબાદ લઈ જવા અને ફરી પાછી દિલ્હી લાવવાના તુઘલખી નિર્ણયો માટે પંકાયેલા મોહમ્મદ તુઘલખને પણ પાછા પાડી શકે તેવા નિર્ણયો બહુમુખી પ્રતિભા ધરાવતા એલોન મસ્ક કરી રહ્યા છે. મસ્ક તો કસ્તુરી મૃગ જેવા છે જે પોતાની વાસ કે સુવાસ પારખી શકતા નથી અને તેની શોધમાં એકલા રખડ્યા કરે છે. મસ્કની એક વાત નોંધવા જેવી છે કે તેઓ પોતાની રમૂજો પર હસી શકે છે પરંતુ, એકના એક જોક્સ અને વાતોનું પુનરાવર્તન કરવાની તેમની આદતથી લોકો કંટાળે છે. ટ્વીટર (હવે એક્સ X)ના પૂર્વ સીનિયર એક્ઝિક્યુટિવ એસ્થર ક્રોફર્ડે પણ આ વાત જાહેર કરી છે. એસ્થર એવું પણ કહે છે કે મસ્કના નિર્ણયો કોઈ મહત્ત્વના ડેટા અથવા એક્સપર્ટની સલાહોના આધારે નહિ પરંતુ, અંતઃસ્ફૂરણા અથવા તો અંતરના અવાજને આધારિત હોય છે. એક વાત પણ સાચી જ છે કે જેમ શિખર પર ચડતા જાવ તો તો આખરે શિખર પર તો એકલા જ રહી શકો છો, વિશ્વ નાનું થતું રહે છે.

નરના સંસર્ગ વિના જ ફ્રૂટ ફ્લાયનો ‘વર્જિન’ જન્મ

આપણા પુરાણોમાં ઉલ્લેખ છે કે માતા પાર્વતીએ શરીરના મેલમાંથી ગણેશજીને ઉત્પન્ન કર્યા હતા. ગણેશજીનો જન્મ થયો ન હતો. આ જ રીતે કેમ્બ્રીજ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ ફ્રૂટ ફ્લાય નામે ઓળખાતાં માખી જેવાં જીવડાનું પિતા વિના જ સર્જન કર્યું છે. ફળો પર નભતા આ ફ્રૂટ ફ્લાય સામાન્યપણે નર અને માદાના સંસર્ગ પછી ઈંડાને જન્મ આપે છે જે માદા દ્વારા સેવાયાં પછી લાર્વા અને માખીમાં ફેરવાય છે. એટલે કે તેમનો જન્મ સેક્સ મારફત થાય છે. જોકે, વિજ્ઞાનીઓએ પિતા કે નરના સ્પર્મ વિના જ ઈંડાને જન્મ અપાવવા માટે તેમના રિપ્રોડક્ટિવ જીન્સમાં ફેરફાર કર્યો હતો. સામાન્ય રીતે પક્ષીઓ, માછલી, સાપ અને તાજેતરમાં મગર દ્વારા પણ ‘વર્જિન’ જન્મ આપી શકાતો હોવાનું જાણવા મળે છે. જોકે, આવી રીતે જન્મેલાં બચ્ચાં હંમેશાં માદા હોય છે. તેઓ તેમની માતાના ક્લોન અથવા પ્રતિકૃતિ હોતાં નથી પરંતુ, જિનેટિકલી ઘણું સામ્ય ધરાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter