પાપડી ભેગી ઈયળ પણ બફાઈ ગઈ!

Tuesday 22nd August 2023 12:37 EDT
 
 

વાંકગુના વિના સજા ભોગવવી પડે તેની હવે નવાઈ રહી નથી. ખરેખર તો આ ન્યાયની કસુવાવડ જ કહેવાય! બ્રિટનમાં એન્ડ્રયુ માલકિન્સને બળાત્કાર કર્યો ન હોવાં છતાં તેને આ ગુના બદલ 17 વર્ષ જેલમાં વીતાવવા પડ્યા છે. હવે ક્રિમિનલ કેસીસ રિવ્યૂ કમિશન વોચડોગની ભૂમિકા પર પણ સવાલો ઉભા થયા છે અને તેની સામે સ્વતંત્ર તપાસ હાથ ધરાવાની છે. એન્ડ્રયુ માલકિન્સને તેના કેસની ફેરવિચારણા કરવા કમિશન સમક્ષ ત્રણ વાર અરજી કરવાની ફરજ પડાઈ હતી. આ પછી તેનો કેસ કોર્ટ ઓફ અપીલ સમક્ષ મોકલાયો હતો. એક મહિલા પર જાતિય હુમલો કરવા બદલ 2003માં માલકિન્સનને દોષી ઠરાવી સજા કરાઈ હતી પરંતુ, અન્ય કોઈના DNA મળવાના પુરાવાથી તે અપરાધી નહિ હોવાના તેના દાવાને બળ મળવાથી તેની સજા રદ કરાઈ હતી. તેને સજા કરાયાના ચાર વર્ષ પછી તેના ગુના સંદર્ભે શંકા ઉભી થઈ હતી. માલકિન્સને તેના કિસ્સામાં સંકળાયેલી તમામ સરકારી એજન્સીઓની ભૂમિકા વિશે તપાસની માગણી કરી છે. હવે માલકિન્સને ગુમાવેલા 17 વર્ષ તો પાછા મળવાના નથી પરંતુ, અન્ય કોઈને આવો અન્યાય ન થાય તે આવશ્યક છે.

• માતાપિતા નવજાત બાળકી સાથે રઝળી પડ્યાં

ઘણી વખત સ્વપ્ન સાકાર તો થઈ જાય છે પરંતુ, સાથે મુશ્કેલીઓ પણ ઘણી લાવે છે. લગભગ આવું જ ગ્રેટર માન્ચેસ્ટરના ટેમસાઈડના દંપતી ઈયુલીઆ અને ક્લાઈવ ગુરઝી સાથે થયું છે. તેમને ઘરથી 4000 માઈલ દૂર કેરેબિયન બીચ પર બાળકને કુદરતી રીતે જન્મ આપવાની ઈચ્છા હતી. આ સ્વપ્ન તો સાકાર થયું પરંતુ, નવી મુશ્કેલી માથે પડી છે. ચાર મહિનાની બાળકી સાથે ગ્રેનેડાથી થોડે દૂર રઝળતાં થઈ ગયાં છે કારણકે નવજાત બાળકી તેમની હોવાનું સત્તાવાળા માનતા નથી અને પુરાવો માગે છે. યુકે હાઈ કમિશને DNA ટેસ્ટ કરાવવા સલાહ આપી છે અને હવે તેઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે. તેઓ નવજાત બાળકીનો જન્મ રજિસ્ટર કરાવી શકતા નથી કે તેનાં પાસપોર્ટ માટે અરજી કરી શકતા નથી. એપ્રિલ 23,2023ના દિવસે બેબી લૂઈસાનો જન્મ થયા પછી તેઓ વતન પાછા ફરવા નોકરશાહી સાથે માથાકૂટ કરી રહ્યા છે પણ કોઈ તેમની મદદ કરી રહ્યું નથી. બીજી મુશ્કેલી એ છે કે તેમની આઠ વર્ષની દીકરી એલિઝાબેથને ઘેર કોઈના સહારે છોડીને આવ્યાં છે. તેમના માથે ક્રેડિડ કાર્ડનું 6000 પાઉન્ડનું દેવું થઈ ગયું છે તેમજ યુકે પાછા ફરવાની વિમાન ટિકિટના ભાવ પણ લગભગ બમણા થઈ ગયા છે.

• નાણા વિના પણ થઈ ગયા નાથાલાલ!

એકાઉન્ટમાં સિલક હોય કે ના હોય પરંતુ, એટીએમમાંથી રોકડા મળી જશેની વાયકા સોશિયલ મીડિયામાં વહેતી થવા સાથે સમગ્ર દેશમાં બેન્ક ઓફ આયર્લેન્ડના કેશ મશીન્સનો લાભ લેવા સેંકડોની સંખ્યામાં લોકોની કતારો લાગી ગઈ હતી. હકીકત તો એવી હતી કે બેન્કના સોફ્ટવેરમાં કોઈ લોચો એટલે કે ટેકનિકલ ફોલ્ટ થઈ જવાથી બેન્કના કસ્ટમર્સને તેમના ના હોય તેવા વધારાના નાણા ઉપાડવાની તક મળી ગઈ હતી. ટેકનિકલ ફોલ્ટના કારણે ગ્રાહકો 1000 યુરો સુધીની રકમ ડિજિટલ બેન્કિંગ એપ સાથે સંકળાયેલા એકાઉન્ટમાં જમા થઈ શકતા હતા જેને એટીએમમાંથી ઉપાડી લેવાતા હતા. એટીએમ્સ પર આટલી ભીડને જોતાં પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને બેન્ક ઓફ આયર્લેન્ડના કેશ મશીન્સ પરથી લોકોને હટાવી દીધા હતા. આયર્લેન્ડની સૌથી મોટી બેન્કે પણ રાતોરાત ટીમોને કામે લગાવી આ ભૂલ સુધારી લીધી હતી. બેન્કે ચેતવણી પણ આપી છે કે કોઈએ વધારાના નાણા ઉપાડ્યા હશે તો તેમના એકાઉન્ટ્સમાંથી કાપી લેવાશે. ગમે તેમ પણ ‘નાથિયાઓ’ પણ વગર નાણે ‘નાથાલાલ બની ગયા તે હકીકત છે.

• ચીઝને નકલખોરીથી બચાવશે ચીપ!

આજકાલ કોઈ પણ પ્રોડક્ટ હોય અને તેની પેટન્ટ હોય તેમ છતાં, તેની આબેહૂબ નકલ તરત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં આવી જાય છે અને મૂળ ઉત્પાદકને ભારે ખોટ સહન કરવી પડે છે. પાર્મિઝેન અથવા સખત દાણાદાર ચીઝ ‘પર્મિજીઆનો રેજિઆનો’ના ઉત્પાદકોએ નવો તોડ શોધી કાઢ્યો છે. તેમણે પોતાની 1000 યુરોથી વધુ કિંમતે વેચાતી ચીઝને નકલખોરીથી બચાવવા માઈક્રોચીપનો સહારો લીધો છે. આ ચીઝનું ઉત્પાદન કરાયા પછી તેને પરિપક્વ થવા માટે ઓછામાં ઓછાં 12 મહિના મૂકી રાખવામાં આવે છે. પાર્મિઝેન ચીઝ ઉત્પાદકોના 350 સભ્ય ઉત્પાદકો રોબોટની મદદથી તેમની ચીઝનાં ગોળાકાર જથ્થામાં રેતીના દાણા જેવી ચીપ દાખલ કરે છે. લેસર રીડર વડે ચીપને સ્કેન કરી શકાય છે અને તેમાં નકલખોરી થઈ ન હોવાનું જાણી શકાય છે. ઓ ચીપ કોઈ પણ તાપમાન, ઠંડી કે ગરમી, લિક્વિડ નાઈટ્રોજન અને સ્ટાન્ડર્ડ ઈલેક્ટ્રિકલ ચાર્જનો સામનો કરી શકે છે તેમજ પેટમાં જાય તો નુકસાનકારી પદાર્થોના લીકેજ વિના સપ્તાહો સુધી જઠરનાં એસિડમાં રહી શકે છે.

• દીકરીએ મારકણા બાપને સજાથી બચાવ્યો!

દીકરીને વહાલનો દરિયો કાંઈ એમ જ નથી કહેવાતી. એમાં પણ પિતા પ્રત્યે તેની લાગણી અપાર હોય છે. માન્ચેસ્ટરમાં ડિલિવરી ડ્રાઈવર હુસૈન અલિન્ઝીએ તેની 15 વર્ષીય દીકરીને કોઈની સાથે એફેર ચાલતું હોવાની શંકાએ વ્હેલી રેન્જ હાઈ સ્કૂલની બહાર ધાતુના સળિયાથી ભારે માર માર્યો હતો. દીકરીને GCSE ની ઈંગ્લિશની પરીક્ષા હોવાથી હૂસૈન 22 જૂને તેને શાળાએ મૂકવા ગયો હતો પરંતુ, તે સમયે શાળા ખુલી ન હતી. આથી, શંકાશીલ પિતાએ તેને એટલો માર માર્યો કે દીકરી બેભાન થઈ ગઈ હતી. તે ભાનમાં આવતા તેણે શાળાના શિક્ષકો અને પોલીસને પિતાએ આપેલી ધમકીઓની જાણ કરી હતી. માન્ચેસ્ટર ક્રાઉન કોર્ટે હુસૈનને આઠ મહિનાની કેદની સજા ફરમાવી હતી પરંતુ, દીકરીએ પિતાને માફી આપવા જણાવતા સજા 18 મહિના સુધી સસ્પેન્ડ કરાઈ હતી. દીકરીએ કહ્યું હતું કે મારા પરિવારને પિતાની ખાસ જરૂર છે. હું તેમને ચાહું છું. આમ પરિવારના પ્રેમના પ્રતાપે હુસૈન અલિન્ઝી જેલની સજામાંથી હાલ બચી ગયો છે. પિતા તો પિતા થઈ ના શક્યો પરંતુ, દીકરીએ દીકરીપણું અવશ્ય દેખાડી દીધું.

• વધુપડતો શરાબ પીધો છે, મફત ટેક્સી હાજર છે

વધુપડતો શરાબ ઢીંચી ગયેલા ઈટાલિયન્સ કાર ચલાવી અકસ્માતો ન કરી બેસે તેવા આશયથી તેમને ટેક્સીની મફત સુવિધા આપવાનો પાઈલોટ પ્રોજેક્ટ ઈટાલીમાં છ શહેરોમાં ચાલુ કરાયો છે. ટેક્સીના ભાડાં માટે 60,000 યુરોની ફાળવણી સાથેની આ યોજના હાલ તો નાઈટક્લબ્સ માટે ચાલુ કરાઈ છે અને ક્લબમાંથી બહાર નીકળતા બ્રેથ એનાલાઈઝર ટેસ્ટમાં આલ્કોહોલનું પ્રમાણ વધારે જોવા મળશે તો આવા લોકો માટે મફત ટેક્સી બોલાવી શકાશે અને નાઈટક્લબ્સને તે માટેના ટોકન્સ પણ આપી દેવાયા છે. ક્લબમાલિકોએ પણ આ યોજનાને આવકારી છે. જોકે, આ ટેક્સી તેમને ઘરઆંગણા સુધી પહોંચાડી આવશે તેમ માનવાની ભૂલ કરશો નહિ કારણકે આ ટેક્સી તેમને નજીકના બસ સ્ટેશન સુધી જ પહોંચાડશે જ્યાંથી વહેલી સવારની સર્વિસ ચાલુ થતી હોય.

• આવ બલા, પકડ ગલા

કાર્યસ્થળોએ સ્ત્રીઓની જાતિય કનડગતની ઘટનાઓ વધી રહી છે. સીનિયર કક્ષાના કર્મચારીઓ જુનિયર્સ અને ટ્રેઈનીઝ પર પોતાનો પ્રભાવ પાથરવા અને કેટલાક તો લગ્ન કરી લેવા ઘણા આતુર હોય છે. જોકે, મોટા ભાગે તેમની દાળ ગળતી નથી. એમાં પણ એમ્મા તાહિર જેવી નેશનલ ગ્રીડની ટ્રેઈની હોય તો પોતે કેવી રીતે લડવું તે બરાબર જાણે છે. એમ્માએ કંપનીના મેનેજર કોલિન હિગિન્સ સામે જાતિય ત્રાસની ફરિયાદ કરતા એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલે એમ્માને 357,000 પાઉન્ડનું વળતર ચૂકવી આપવા હિગિન્સને આદેશ કર્યો છે. એમ્માએ ફરિયાદ કરી હતી કે હિગિન્સ તેને વારંવાર જમ્પર (બંડી જેવું વસ્ત્ર) દૂર કરવા કહેતો, શારીરિક સતામણી કરતો અને તેની સાથે લગ્ન કરી લેવા કહેતો અને સંખ્યાબંધ ટેક્સ્ટ મેસેજીસ અને ઈમેઈલ્સ કરતો હતો. લીડ્ઝ યુનિવર્સિટીની કાયદાશાસ્ત્રની સ્નાતક એમ્માએ આખરે કંટાળીને નોકરી છોડી દીધી હતી અને નેશનલ ગ્રીડ સામે કાનૂની કાર્યવાહી કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter