સુપરમોડેલ બિલાડીને પણ મેટ ગાલામાં મહેમાન તરીકે ખાસ આમંત્રણ

Tuesday 18th April 2023 15:36 EDT
 
 

શાસ્ત્રો કહે છે કે મનુષ્યનો અવતાર સર્વશ્રેષ્ઠ છે પરંતુ, સુપરમોડેલ પાલતું બિલાડી ચાઉપેટ -Choupette નાં વિશે જાણીએ તો શાસ્ત્રો પરથી વિશ્વાસ ઉઠી જાય. અન્ય સામાન્ય બિલાડીઓ સારી રીતે ઉંઘ્યાં કરતી હોય ત્યારે જર્મન ફેશન ડિઝાઈનર કાર્લ લેગરફિલ્ડની આ 11 વર્ષની પાલતું બિલાડી હંમેશાં મોટા રસાલા સાથે વિમાનમાં ઉડાઉડ કરતી રહે છે. તે નવીનતમ ચાઉપેટ ચેરિટી ફંડનું વડપણ સંભાળે છે, વોગ મેગેઝિનના કવર પેજ પર નાઓમી કેમ્પબેલના હાથમાં લપાઈને સ્થાન શોભાવે છે અને ન્યૂ યોર્કમાં આયોજિત મેટ ગાલા (મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટસ કોસ્ચ્યુમ ઈન્સ્ટિટ્યૂટ) 2023માં ખાસ મહેમાન તરીકે આમંત્રણ પણ મેળવે છે. ચાઉપેટનું સમયપત્રક ભારે વ્યસ્ત રહે છે.

ઈન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ પર તેનાં 136,000 ફોલોઅર્સ છે. પેરિસમાં તેના એજન્ટ લુકાસ બેરુલિઅરના કહેવા પ્રમાણે અત્યાર સુધીની સૌથી પ્રસિદ્ધ આ બિલાડીની ઓછામાં ઓછી 200,000 વખત તસવીરો ખેંચવામાં આવી છે. તેણે સંખ્યાબંધ કંપનીઓ માટે મોડેલિંગ પણ કર્યું છે. કાર્લ લેગરફિલ્ડને આ બિલ્લીબાઈ એટલાં ગમતાં હતાં કે તેના માટે મોટો વારસો મૂકી ગયો છે. તેની દેખભાળ કરવા માટે જ વિલમાં હાઉસકીપર ફ્રાન્કોઈસ કાકોટે માટે 1.3 મિલિયન પાઉન્ડ ફાળવેલાં છે. લેગરફિલ્ડ સેંકડો મિલિયન્સ યુરોની સંપત્તિ ધરાવતો હતો પરંતુ, તેની કંપનીઓ અને મિલકતો એને દેવાંનાં જાળાં એટલાં ફેલાયેલાં છે કે હાથ પર રોકડા નાણા મળતા નથી. જોકે, બિલ્લીબાઈનો દબદબો અને કામકાજ તો યથાવત્ છે!

હાઈસ્પીડ રેલવેલાઈનનું દીવાસ્વપ્ન!

ફ્રાન્સ, જર્મની અથવા સ્પેનના હાઈસ્પીડ રેલવે નેટવર્કની સાથે સરખામણી કરીએ તો યુકે માટે તો હાઈસ્પીડ રેલવે દીવાસ્વપ્ન બની રહ્યું હોવાનું લાગે છે. લંડનથી માન્ચેસ્ટર અને લીડ્ઝ વાયા બર્મિંગહામ સુધી અતિ ઝડપે પહોંચવાનું આ મહાસ્વપ્ન પરિપૂર્ણ થતું નથી અને ખર્ચાનો અંદાજ તો દિવસે અને રાત્રે વધતી જતી રાજકુંવરીની માફક વધી રહ્યો છે. એક દાયકા અગાઉ ખર્ચાનો અંદાજ 30 બિલિયન પાઉન્ડ હતો તે આજે વધીને 100 બિલિયન પાઉન્ડના જંગી આંકડે પહોંચી ગયો છે. આના પરિણામે, સરકાર ખર્ચમાં કાપકૂપ ક્યાં કરવી તેની મથામણ કરી રહી છે. હવે લીડ્ઝની શાખાને 2021માં પડતી મૂકાઈ છે. બે વર્ષના વધુ વિલંબના કારણે માન્ચેસ્ટર સુધીનું નેટવર્ક 2040 સુધીમાં આકાર લે તો પણ ભયો ભયો કહેવાય! સેન્ટ્રલ લંડનમાં યુસ્ટન સુધી હાઈસ્પીડ લાઈન લાવવાની યોજના 2041માં પૂર્ણ થવાની વાતો ચાલી રહી છે. યુકેની વસ્તી વધતી રહી છે ત્યારે આવાગમન માટેની સિસ્ટમ વધુ કાર્યક્ષમ હોય તે આવશ્યક છે પરંતુ, અહીં તો ત્રણ સાંધતા તેર તૂટે જેવી હાલત હોય તો કાપકૂપ પણ કેટલી કરી શકાય તે મોટો પ્રશ્ન છે.

પ્રિન્સ ચાર્લ્સની તાજપોશીઃ નીવડે તો જ વખાણ!

પ્રિન્સ ચાર્લ્સની તાજપોશી 6 મેના દિવસે નિશ્ચિત થઈ છે પરંતુ, લોકોમાં એટલો ઉત્સાહ વર્તાતો નથી. ખુદ શાહી પરિવાર માટે પણ આ તાજપોશી વિવાદોથી ખરડાયેલી બની રહે તેવા એંધાણ છે. પ્રિન્સ હેરી એકલા જ તાજપોશી માટે આવશે અને પ્રિન્સ વિલિયમ તેમનાથી અળગા રહેશે તેવા અહેવાલો છે. ગત વર્ષે ક્વીન એલિઝાબેથ દ્વિતીયની 1953ની તાજપોશીની મેરકેમ્બેની 1.6 માઈલમાં પથરાયેલી એક સ્ટ્રીટ પાર્ટીમાં 5000 લોકો હતા. તેમની પ્લેટિનમ જ્યુબિલી ઉજવાઈ હતી ત્યારે સમગ્ર દેશમાં વિક્રમજનક આશરે 16,000 સ્ટ્રીટ પાર્ટીઓ યોજાઈ હતી. જોકે, પ્રિન્સ ચાર્લ્સની તાજપોશીમાં આટલી ઝાકમઝોળ જોવાં નહિ મળે. સત્તાવાર વેબસાઈટ પર તાજપોશી સંદર્ભે માત્ર 245 ખાનગી ઈવેન્ટ્સ કે સ્ટ્રીટ પાર્ટીઓ નોંધાઈ છે પરંતુ, લંડનમાં મોટા પાયે લોકો ઉમટી પડે તેવી શક્યતા છે. સમગ્ર યુકેમાં બ્રાસ બેન્ડ કોન્સર્ટ્સ અને એરક્રાફ્ટ ડિસ્પ્લે સહિત1000થી વધુ મોટા ઈવેન્ટ્સનું રજિસ્ટ્રેશન કરાયું છે.

લગ્ને લગ્ને કુંવારા રુપર્ટને લગ્નની દ્રાક્ષ ખાટી લાગી!

ફોક્સ કોર્પોરેશનના ચેરમેન અને મીડિયા ટાઇકૂન રુપર્ટ મર્ડોક 92 વર્ષની વયે પાંચમા લગ્ન કરવા સજ્જ હતા અને 66 વર્ષીય એન લેસ્લી સ્મિથ સાથે સગાઇ પણ થઇ હતી. કોઈ અગમ્ય કારણસર મર્ડોકે બે સપ્તાહમાં જ સગાઈ તોડી હોવાના અહેવાલો જાહેર થયા છે. એમ પણ કહી શકાય કે ચાર લગ્ન કર્યા પછી અચાનક તેમને લગ્નની દ્રાક્ષ ખાટી લાગી છે. બાકી તેમણે તો 17 માર્ચે ન્યૂ યોર્કમાં સગાઈ વેળાએ ફિઆન્સી એન લેસ્લી સ્મિથને એશ્ચેર -કટ- ડાયમન્ડ સોલિટેરની કિંમતી ભેટ પણ આપી હતી. તેમણે ન્યૂ યોર્ક પોસ્ટને જણાવ્યું હતું કે તેમને પ્રેમમાં પડવાનો ભય સતાવે છે પરંતુ, આ તેમના આખરી લગ્ન હશે. જોકે, હાલ તો મર્ડોકે પૂર્ણવિરામ મૂક્યું હોવાનું લાગે છે પરંતુ, તે અલ્પવિરામ નીવડે તો જરા પણ આશ્ચર્ય પામવા જેવું નથી!

અમેરિકામાં 41 મિલિયન લોકો ફૂડ સ્ટેમ્પ્સ પર જીવે છે

અમેરિકા ભલે ડ્રીમલેન્ડ અથવા સ્વપ્નાનો દેશ કહેવાતો હોય પરંતુ, બધા લોકોના સ્વપ્ન સાકાર થતાં નથી. માનવીની પ્રાથમિક જરૂરિયાત રોટી, કપડાં અને મકાનની હોય છે તેમાં અમેરિકનો પણ બાકાત નથી. આખી દુનિયાને શસ્ત્રો વેચવા ફરતા જગત જમાદાર અમેરિકામાં સંખ્યાબંધ ભૂખ્યા લોકો સરકારી સહાય પર જીવે છે. આશરે 41 મિલિયન અમેરિકનો સપ્લીમેન્ટલ ન્યુટ્રિશનલ આસિસ્ટન્સ પ્રોગ્રામના હિસ્સારૂપે ફૂડ સ્ટેમ્પ્સ મેળવે છે જેથી તેમનું પેટ ભરાઈ શકે. કોવિડ મહામારીમાં ભારે મુશ્કેલી અનુભવતા પરિવારોને મદદ કરવા ઈમર્જન્સી ફાળવણી કરાઈ હતી પરંતુ, આવી ફાળવણી પહેલી માર્ચથી સત્તાવારપણે બંધ કરી દેવાઈ છે. આમ, લોકોને છતમાં પણ અછતનો અનુભવ થઈ રહ્યો છે.

આર્નોલ્ડ શ્વાર્ઝનેગરની નવી ‘ખાડાપૂરક’ ભૂમિકા

હોલીવૂડના સુપરસ્ટાર, મિ. યુનિવર્સ વિજેતા અને કેલિફોર્નિયાના 2003થી 2011ના ગાળા માટે પૂર્વ રિપબ્લિકન ગવર્નર આર્નોલ્ડ શ્વાર્ઝનેગર હવે નવા અવતારમાં દેખાઈ રહ્યા છે. હાલમાં જ તેમણે રોડ મેન્ટેનન્સ વર્કરની ભૂમિકા ભજવી એક જાગૃત નાગરિકની ફરજ નિભાવી છે. રોડ પર ખાડા પડવા અને સત્તાવાળાઓ દ્વારા તેને યોગ્ય સમયે ન પૂરાય તે પણ સાર્વત્રિક ઘટનાક્રમ છે. લોસ એન્જલસમાં તેમની પડોશના બ્રેન્ડહૂડમાં ત્રણ સપ્તાહથી એક વણપૂરાયેલો ખાડો રહેવાથી લોકોને પરેસાની થતી હતી અને 75 વર્ષના કમાન્ડો સ્ટાર શ્વાર્ઝનેગર તેને સહન કરી શક્યા નહિ. તેઓ તો પાવડા, પૂરાણસામગ્રી અને ટીમ લઈને ઘટનાસ્થળે પહોંચી ગયા અને વિશાળ ખાડો પૂરવા લાગ્યા હતા જેનો વીડિયો વાઈરલ થયો છે. લોસ એન્જલસમાં ભારે વરસાદના કારણે માર્ગો પર ખાડા પડવા સામાન્ય છે. 30 ડિસેમ્બર, 2022 પછી ખાડા પૂરવાની 19,692 વિનંતી સત્તાવાળાને મળી હતી હતી જેમાંથી 6 એપ્રિલ સુધીમાં 17,549 ખાડા પૂરવામાં આવ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter